ભારત અને અમેરિકા વચ્ચેની 'ટ્રેડ ડીલ' મામલે શંકા કેમ છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીનાં નિવેદનો અલગ કેમ છે?

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ડિલ, ભારત અને અમેરિકા ડિલ ઉપર સવાલ, અમેરિકાએ શા માટે ટેરિફ ઘટાડ્યા, શું ભારત કૃષિક્ષેત્રને ખોલશે, ભારત ટેરિફ ઘટાડશે,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ભારત સાથેની ટ્રેડ ડિલ અંગે અનેક દાવા કર્યા છે, પરંતુ તેમાંથી કેટલાક સામે શંકા કેમ થાય છે?
વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે રશિયા પાસેથી ઑઇલની ખરીદી બંધ કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહમતિ દાખવી છે.

અમેરિકા દ્વારા ભારત ઉપરના ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારત અને અમેરિકા વચ્ચે તણાવ પ્રવર્તમાન હતો, ત્યારે તાજેતરની પ્રગતિને કારણે આ તંગદીલી ઉપર વિરામ લાગી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર પોતાની પોસ્ટમાં લખ્યું, "આજે (સોમવારે) સવારે ભારતના પીએમ મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની બાબત હતી. તે મારા સારા મિત્રોમાંથી એક છે અને પોતાના દેશના શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે અનેક મુદ્દે ચર્ચા કરી, જેમાં વેપાર તથા રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની બાબત પણ સામેલ હતી. તેમણે રશિયાનું તેલ ખરીદવાનું બંધ કરવાની તથા અમેરિકા પાસેથી અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી, વધુ પ્રમાણમાં તેલ ખરીદવા અંગે સહમતિ આપી છે."

"આનાથી યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને ખતમ કરવામાં મદદ મળશે. જેમાં દર અઠવાડિયે હજારો લોકો મરી રહ્યા છે. વડા પ્રધાન મોદી પ્રત્યેની મારી મિત્રતા અને સન્માનને કારણે તથા તેમના આગ્રહ ઉપર અમે તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારત વચ્ચેની વેપારસંધિ ઉપર પણ સહમતિ દાખવી છે. જેના હેઠળ અમેરિકા દ્વારા ભારત ઉપરનો રેસિપ્રૉકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે."

"ભારત પણ અમેરિકા ઉપરના ટેરિફ તથા નૉન ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે. વડા પ્રધાને "બાય અમેરિકન"ની નીતિ હેઠળ અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દેખાડી છે. જે હેઠળ 500 અબજ ડૉલર કરતાં વધુની કિંમતનાં અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો તથા અન્ય કેટલાંક ઉત્પાદનોની ખરીદી કરશે."

સાથે જ લખ્યું છે, "ભારત સાથેના આપણા શાનદાર સંબંધ આગામી સમયમાં વધુ મજબૂત બનશે. વડા પ્રધાન મોદી અને હું એવા વ્યક્તિ છીએ કે જે કામને પૂરું કરીએ છીએ, જ્યારે મોટાભાગનાઓને માટે આ વાત કહી શકાય એમ નથી."

અગાઉ ટ્રમ્પે ભારત ઉપર આરોપ મૂક્યો હતો કે રશિયન ઑઇલ ખરીદીને યુક્રેન સામેનાં યુદ્ધને ભારત મદદ કરી રહ્યું છે.

આ ખરીદી બદલ ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં ટ્રમ્પે ભારત ઉપર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જે પ્રવર્તમાન 25 ટકા રેસિપ્રૉકલ ટેરિફ ઉપરાંતનો હતો.

આમ અમેરિકામાં નિકાસ થઈ રહેલા ભારતના સામાન ઉપરનો કુલ ટેરિફ 50 ટકા ઉપર પહોંચી ગયો હતો. જે વિશ્વભરના કોઈપણ દેશ ઉપર અમેરિકા દ્વારા લાદવામાં આવેલો સર્વોચ્ચ ટેરિફ હતો.

ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે અમેરિકન સામાન ઉપરના ટેરિફને ભારત શૂન્ય ટકા સુધી ઘટાડશે. આ સિવાય સાથે જ 500 અબજ કરતાં વધુ કિંમતનાં અમેરિકન ઉત્પાદનો, ઊર્જા, ટૅક તથા કૃષિ ઉત્પાદનો ખરીદશે. આ ખરીદી માટે 'બાય અમેરિકન' નીતિ અપનાવાશે.

ટ્રમ્પ તથા મોદીનાં નિવેદનોમાં તફાવત

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ડિલ, ભારત અને અમેરિકા ડિલ ઉપર સવાલ, અમેરિકાએ શા માટે ટેરિફ ઘટાડ્યા, શું ભારત કૃષિક્ષેત્રને ખોલશે, ભારત ટેરિફ ઘટાડશે,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ગતવર્ષે અમેરિકા ગયા હતા, પરંતુ ટેરિફ અંગે સહમતિ નહોતી સધાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અંગે વડા પ્રધાન મોદીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. 'મેડ ઇન ઇન્ડિયા' સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 18 % કરી દેવામાં આવ્યો છે, એ વાત જાણીને ખૂબ જ ખુશ છું. આ જાહેરાત બદલ ભારતના એક અબજ 40 કરોડ લોકો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર."

ટ્રમ્પે જે જાહેરાત કરી અને પીએમ મોદીએ જે કંઈ કહ્યું, તેમાં તફાવત છે. ટ્રમ્પે કહ્યું કે ભારત દ્વારા રશિયન ઑઇલની ખરીદી બંધ કરવામાં આવશે, જોકે, પીએમ મોદીએ આવું કંઈ નથી કહ્યું.

ટ્રમ્પે કહ્યું કે ભારત દ્વારા અમેરિકાના સામાન ઉપરના ટેરિફને શૂન્ય ટકા સુધી ઘટાડવામાં આવશે, પરંતુ મોદીએ એમ નથી કહ્યું. ટ્રમ્પે કહ્યું ભારત દ્વારા 500 અબજ ડૉલરના સામાનની ખરીદી કરવામાં આવશે, પરંતુ ભારતે હાલમાં સાર્વજનિક રીતે આવો કોઈ વાયદો નથી કર્યો.

આથી વિપરીત નરેન્દ્ર મોદીએ ઍક્સ પોસ્ટમાં 'મેડ ઇન ઇન્ડિયા' સામાનનો ઉલ્લેખ કર્યો છે, એટલે પણ અવઢવ વધવા પામી છે.

દક્ષિણ એશિયાના ભૂરાજકારણ ઉપર ઊંડી નજર રાખનારા માઇકલ કુગલમૅને ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ટ્રમ્પે દાવો કરી રહ્યા છે કે મોદીએ રશિયન ઑઇલની ખરીદી અટકાવવા ઉપર સહમતિ દાખવી છે. મને આ વાત ઉપર ઊંડી શંકા છે."

"નવેમ્બર મહિનામાં અમેરિકાએ રશિયા ઉપર નવેસરથી પ્રતિબંધ લાદ્યા હતા. એ પછી ભારતે રશિયન ઑઇલની આયાત ચોક્કસથી ઘટાડી હતી. અમેરિકા-ભારત વ્યાપારકરાર અંગે ઘણુંબધું અસ્પષ્ટ છે. શું ભારત દ્વારા કૃષિ જેવાં સંવેદનશીલ ક્ષેત્ર ખોલવામાં આવશે? પહેલાં કોઈ કરાર ન હોવાને કારણે આ પણ વિરોધનું મોટું કારણ હતું."

આ સિવાય ટ્રમ્પે કહ્યું હતું કે ભારત દ્વારા 500 અબજ ડૉલરની કિંમતનાં અમેરિકન ઉત્પાદનોની ખરીદી કરવામાં આવશે, આ અંગે પણ લોકોને શંકા છે, કારણ કે વર્ષ 2024માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 212 અબજ ડૉલરનો હતો.

બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં બ્રીજ ઇન્ડિયા થિન્ક-ટૅન્કના સ્થાપક પ્રતીક દતાણીએ કહ્યું હતું કે ભારતે ગત વર્ષે અમેરિકા પાસેથી માત્ર 41.5 અબજ ડૉલરના સામાનની ખરીદી કરી હતી. એટલે તે 500 અબજ ડૉલર સુધી પહોંચે તે શક્ય નથી. વિશેષ કરીને ટ્રમ્પ માત્ર કૉમૉડિટી બજારની વાત કરી રહ્યા છે, ત્યારે આ સંભવ નથી જણાતું.

પ્રતીક દત્તાણીએ એમ પણ કહ્યું કે ભારતે પહેલાંથી જ રશિયન ઑઇલની ખરીદી ઘટાડી છે, પરંતુ રશિયા સાથેના તેના સંબંધોને જોતા, તે સંપૂર્ણપણે બંધ થઈ જશે, એ વાત મુશ્કેલ લાગે છે. વર્ષ 2022માં યુક્રેનનું યુદ્ધ શરૂ થયું, એ પછી ભારત સસ્તા રશિયન ઑઇલનું સૌથી મોટું ખરીદદાર બની ગયું હતું.

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ડિલ, ભારત અને અમેરિકા ડિલ ઉપર સવાલ, અમેરિકાએ શા માટે ટેરિફ ઘટાડ્યા, શું ભારત કૃષિક્ષેત્રને ખોલશે, ભારત ટેરિફ ઘટાડશે,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને ઈયુની ડિલ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર દબાણ વધ્યું હોવાનો કેટલાકનો મત

અમેરિકાના વિદેશ મંત્રાલયના પૂર્વ સલાહકાર ઇવાન એ. ફેઇજેનબૉમે ઍક્સ ઉપર લખ્યું કે ભારત દ્વારા નજીકના સમયમાં કદાચ જ 500 અબજ ડૉલરના અમેરિકન સામાનની ખરીદી થઈ શકશે.

ઇવાને તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "વર્ષ 2024માં 41.5 અબજ ડૉલરના અમેરિકન સામાનની ભારતમાં નિકાસ થઈ હતી. જ્યારે અમેરિકાએ ભારતમાં 41.8 અબજ ડૉલરની સેવાઓ ઍક્સ્પૉર્ટ કરી હતી, આમ કુલ 83 અબજ ડૉલરથી સીધા 500 અબજ ડૉલર એટલે કે લગભગ 500 ટકાની વૃદ્ધિ, એ ખરું કહીએ તો વધારે પડતું છે. અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર લાંબા સમયથી તેની શક્યતાઓ કરતાં ખૂબ જ ઓછો છે. એટલે મહત્ત્વાકાંક્ષા રાખવી એ સારી બાબત છે."

ઇવાને એમ પણ લખ્યું છે, "અસલ પેચ ડિટેઇલમાં ફસાયેલો છે. રશિયન ઑઇલ સંબંધે કોઈપણ જાતની પ્રતિબદ્ધતા ભારત સરકાર લેખિત સ્વરૂપે સ્વીકાર કરશે, એ વાત ઉપર વિશ્વાસ કરવો મને મુશ્કેલ લાગે છે."

પેરિસસ્થિત જૅક્સ ડેલૉર્સ ઇન્સ્ટિટ્યૂટમાં વેપાર તથા આર્થિક સુરક્ષા સલાહકાર નિકોલસ કોહલર-સુઝુકીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતે તમામ ટેરિફને શૂન્ય સુધી લાવવાની તૈયારી દાખવી હોય, એ વાત અશક્ય જેવી લાગે છે.

નિકોલસના કહેવા પ્રમાણે, ટેરિફને શૂન્ય સુધી ઘટાડવા માટે સહમતિ આપી હોય, એ વાત શંકાસ્પદ લાગે છે, કારણ કે દોહાથી લઇને અત્યારસુધી તમામ વેપારવાટાઘાટોમાં ભારતે સતર્કતાપૂર્ણ વલણ રાખ્યું છે, વિશેષ કરીને કૃષિઉત્પાદનો બાબતે.

અમેરિકન અખબાર 'વૉલ સ્ટ્રિટ જર્નલ'ના કૉલમિસ્ટ સદાનંદ ધુમેએ ઍક્સ ઉપર લખ્યું, "મને લાગે છે કે ભારત દ્વારા કેટલાંક અમેરિકન ઉત્પાદનો ઉપરનો ટેરિફ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવશે, જેથી કરીને ટ્રમ્પ તેને ભારતે અમેરિકન વસ્તુઓ ઉપરનો ટેરિફ શૂન્ય કરી દીધો છે એવું દેખાડી અને પ્રચારિત કરી શકે."

એવું પણ કહેવાય છે કે ગત મહિને ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે વેપારકરાર થયા અને એ પહેલાં બ્રિટન સાથેના એફટીએને (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કારણે, કદાચ ટ્રમ્પની ઉપર ભારત સાથે કરાર કરવા માટેનું દબાણ વધ્યું હશે.

એવું પણ કહેવાય રહ્યું છે કે ટ્રમ્પ ભલે અનેક દાવા કરે, પરંતુ લેખિત કરારના અભાવે સતર્ક રહેવું જરૂરી છે.

ટ્રમ્પની આ જાહેરાતની ભારત ઉપર શું અસર થશે?

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ડિલ, ભારત અને અમેરિકા ડિલ ઉપર સવાલ, અમેરિકાએ શા માટે ટેરિફ ઘટાડ્યા, શું ભારત કૃષિક્ષેત્રને ખોલશે, ભારત ટેરિફ ઘટાડશે,

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનાં સી-ફૂડ માટે અમેરિકા મહત્ત્વપૂર્ણ બજાર

અમેરિકાના મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં કૅપિટલ ઇકૉનૉમિક્સના ડેપ્યુટી ચીફ શિલાન શાહે કહ્યું કે આ ઘટાડાના કારણે ચીનના વિકલ્પ તરીકે આકર્ષક ઉત્પાદન મથક તરીકે ભારતનું સ્થાન ખૂબ જ મજબૂત બનશે.

શિલાન શાહે કહ્યું, "આને કારણે વર્ષ 2026 દરમિયાન ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં લગભગ 0.2થી 0.3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. કૅપિટલ ઇકૉનૉમિક્સે 2026 ને 2027, બંને માટે 6.5 ટકાના વૃદ્ધિદરનું અનુમાન મૂક્યું હતું, તે સાત ટકાની નજીક પહોંચી જશે."

શિલાન શાહ માને છે, "વ્યાહાત્મક રીતે ભારત તટસ્થ રહેવા માંગે છે, પરંતુ જો આ મૈત્રીપૂર્ણ સંબંધો ટકી રહે તો ભારત અમેરિકાના નેતૃત્વવાળા સમૂહ તરફ ઢળે તેની શક્યતા વધુ છે."

અમેરિકાએ ભારતનું સૌથી મોટું નિકાસબજાર છે. નવા ટેરિફને કારણે કપડાં, ચામડાં, પગરખાં તથા ઝવેરાત જેવા શ્રમપ્રધાન ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું હતું.

તાજેતરના વેપાર આંકડા અનુસાર, વર્ષ-દર-વર્ષની દૃષ્ટિએ જોતા ઑક્ટોબર મહિનામાં નિકાસ 12 ટકા ઘટી હતી અને વેપારખાધ રેકૉર્ડસ્તરે પહોંચી ગઈ હતી.

બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદારનો અહેવાલ અને વિશ્લેષણ

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ડિલ, ભારત અને અમેરિકા ડિલ ઉપર સવાલ, અમેરિકાએ શા માટે ટેરિફ ઘટાડ્યા, શું ભારત કૃષિક્ષેત્રને ખોલશે, ભારત ટેરિફ ઘટાડશે,

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીના બિઝનેસ સંવાદદાતા નિખિલ ઇનામદરે અહેવાલ લખ્યો છે અને તેમાં જાણકારો સાથે વાત કરીને વિશ્લેષણ પણ કર્યું છે. જેની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર નજર કરીએ તો:

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, ત્યારે આના સમાધાન તરીકે જોવામાં આવે છે. ટેક્સ્ટાઇલ, સી-ફૂડ અને જ્વેલરી સહિતનાં ક્ષેત્રોમાં ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસમાં ભારે કડાકો બોલી ગયો હતો.

જેના કારણે સંરક્ષણાત્મક વલણ અપનાવવા માટે વિખ્યાત ભારતે અન્ય દેશો સાથેની ટ્રેડ ડિલ્સ તથા નિકાસબજારોમાં વૈવિધ્ય લાવવાનો ઉતાવળે પ્રયાસ હાથ ધર્યો હતો.

અમેરિકા સાથેની ટ્રેડ ડિલમાં કોઈ પ્રગતિ નહોતી થઈ રહી એટલે ભારત અને યુરોપિયન સંઘે 'તમામ ટ્રેડ ડિલની માતા'ની જાહેરાત કરી હતી અને 80-90 ટકા સામાન ઉપર ટેરિફ હઠાવી દીધો હતો.

ભારતે ચાર વર્ષમાં સાઇન કરેલી આ નવમી ટ્રેડ ડિલ હતી.

આ પ્રકારની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ભારતના ઉદ્યોગજગતે તેને મહદંશે આવકારી છે.

ફંડ મૅનેજર નિલેશ શાહના કહેવા પ્રમાણે, "આ અંગેની વિસ્તૃત વિગતો જોવી રહી, છતાં રૂપિયા, ઇક્વિટી બજાર તથા દરો ઉપર તોળાતી તલાવર હાલ તો હઠી ગઈ છે."

ભારતની વેપારખાધ વધવા, રૂપિયાના ઘટવા તથા દેશમાંથી ગત વર્ષે ભારતના મૂડીબજારમાંથી વિદેશી મૂડીનું નિર્ગમન સહિતની અને બાબતો માટે ટેરિફને લગતી અનિશ્ચિતતા જવાબદાર હતી.

અમેરિકાએ ભારતની ઉપર 18 ટકાનો ટેરિફ લાદ્યો છે. વિયેતનામ, થાઇલૅન્ડ અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશો અમેરિકામાં જે સામાનની નિકાસ કરે છે, તેની પર 19થી 40 ટકાનો ટેરિફ લાગે છે. આમ તેમની વચ્ચે લગભગ સમાનતા આવી ગઈ છે.

ભારતના ટેક્સ્ટાઇલ નિકાસકારોએ પણ આ જાહેરાતને વધાવી છે. સીઆઇટીઆઈના કહેવી પ્રમાણે, આ ડીલને કારણે તેઓ "અમેરિકાનાં બજાર માટે અન્ય દેશો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે. ભારતને ટેક્સ્ટાઇલ તથા ઍપ્રલ નિકાસ માટે એક મોટું બજાર મળી રહેશે."

વીડિયો કૅપ્શન, સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે પણ સુરતમાં ખરીદી

દિલ્હીસ્થિત થિંક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ ઍન્ડ રિસર્ચ ઇનિશિયેટિવના અજય શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, 'ટ્રમ્પની ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં અનેક મોટા સવાલોનો જવાબ નથી મળતો. શું ખરેખર ભારતે કૃષિ અને નિયંત્રિત ચીજો ઉપરનો ટેરિફ ઘટાડીને શૂન્ય સુધી કરવા માટે સહમતિ આપી છે?'

શ્રીવાસ્તવ સંયુક્ત નિવેદન, વાટાઘાટોનાં લખાણ કે કેવી રીતે લાગુ થશે તેની સ્પષ્ટતા ન થાય, ત્યાર સુધી ઊજવણીના બદલે સતર્કતાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે.

લાંબાગાળાથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ રહી હતી અને તેમાં મડાગાંઠ બંધાયેલી હતી, જેમાં સકાર્તમક દિશામાં પ્રગતિ થઈ છે.

યુએસ-ઇન્ડિયા સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ ફોરમે નિવેદન બહાર પાડીને કહ્યું, "બંને દેશની સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ શરૂઆત માત્ર છે. આવનારા મહિનાઓમાં તબક્કાવાર વધારાની મંત્રણાઓ થશે."

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ભૂરાજકીય દૃષ્ટિએ પણ આ જાહેરાતોનું મહત્ત્વ રહેલું છે. કારણ કે ટ્રમ્પના ટેરિફ અમલમાં આવ્યા બાદ ભારત, ચીન અને રશિયા વચ્ચે નિકટતા વધી રહી હતી.

સપ્ટેમ્બર મહિનામાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની શિખર મંત્રણા દરમિયાન ત્રણેય દેશના નેતાઓએ કૅમેરા સામે સ્મિત સાથે ફોટા પડાવ્યા હતા. આ બાબતને અમેરિકાની સરકારને સિગ્નલ તરીકે જોવામાં આવી હતી.

એ પહેલાં ઑગસ્ટ-2025માં ભારત અને ચીને "દુશ્મન નહીં ભાગીદાર" બની રહેવાની નેમ વ્યક્ત કરી હતી.

ડિસેમ્બર-2025માં મોદી અને પુતિન "અમર્યાદ ભાગીદારી"ને આગળ ધપાવવા ફરીથી મળ્યા હતા. ભારતે હંમેશા રશિયા અને અમેરિકાની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની વચ્ચે સંતુલન સાધવું પડે છે, પરંતુ કેટલાકનું માનવું છે કે આ જાહેરાતને કારણે અમેરિકા તરફ ઝુકવાનું ભારતનું વલણ વધશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન