અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડીને 18% કરી દીધો, ટ્રમ્પે કહ્યું, 'ટ્રેડ ડીલ પર પણ બની સહમતિ'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ ભારતથી આયાત થનારા સામાન પર ટેરિફ ઘડાડીને 18 ટકા કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી.
ટ્રમ્પે તેમની ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં લખ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપારસંધિ ઉપર સહમતિ સધાઈ છે, જે હેઠળ અમેરિકાએ ભારત ઉપરના રેસિપ્રૉકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીઘો છે.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઍક્સ પોસ્ટમાં ટ્રેડ ડિલ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો, તેમણે લખ્યું છે, "હું જાણીને ખુશ છું કે હવે 'મેડ ઇન ઇન્ડિયા' સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે."
બીજી બાજુ, ભારતમાં મુખ્ય વિરોધપક્ષ કૉંગ્રેસે આ જાહેરાત બાદ કહ્યું છે કે, "વડા પ્રધાન મોદી ઉપર રાષ્ટ્રપતિ ટ્રમ્પનું દબાણ સ્પષ્ટપણે દેખાય આવે છે."
બંને નેતાઓએ સોમવારની મોડી રાત્રે કરેલી આ જાહેરાતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગત વર્ષે બંને દેશો વચ્ચેના સંબંધમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
અમેરિકાએ ભારતથી આયાત થતા સામાન ઉપર 25 ટકા ટેરિફ નાખ્યો હતો, આ સિવાય રશિયાથી તેલ ખરીદવાના મુદ્દે વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ભારતીય સામાનો ઉપરનો કુલ ટેરિફદર 50 ટકા જેટલો થઈ ગયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, "આજે સવારે ભારતના પીએમ મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની બાબત હતી. તે મારા સારા મિત્રોમાંથી એક છે અને પોતાના દેશના શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે અનેક મુદ્દે ચર્ચા કરી, જેમાં વેપાર તથા રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની બાબત પણ સામેલ હતી. તેમણે રશિયાનું તેલ ખરીદવાનું બંધ કરવાની તથા અમેરિકા પાસેથી અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી, વધુ પ્રમાણમાં તેલ ખરીદવા અંગે સહમતિ આપી છે."
"આનાથી યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને ખતમ કરવામાં મદદ મળશે. જેમાં દર અઠવાડિયે હજારો લોકો મરી રહ્યા છે. વડા પ્રધાન મોદી પ્રત્યેની મારી મિત્રતા અને સન્માનને કારણે તથા તેમના આગ્રહ ઉપર અમે તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારત વચ્ચેની વેપારસંધિ ઉપર પણ સહમતિ દાખવી છે. જેના હેઠળ અમેરિકા દ્વારા ભારત ઉપરનો રેસિપ્રૉકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારત પણ અમેરિકા ઉપરના ટેરિફ તથા નૉન-ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે. વડા પ્રધાને "બાય અમેરિકન"ની નીતિ હેઠળ અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દેખાડી છે. જે હેઠળ 500 અબજ ડૉલર કરતાં વધુની કિંમતનાં અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો તથા અન્ય કેટલાંક ઉત્પાદનોની ખરીદી કરશે."
સાથે જ લખ્યું છે, "ભારત સાથેના આપણા શાનદાર સંબંધ આગામી સમયમાં વધુ મજબૂત બનશે. વડા પ્રધાન મોદી અને હું એવા વ્યક્તિ છીએ કે જે કામને પૂરું કરીએ છીએ, જ્યારે મોટાભાગનાઓને માટે આ વાત કહી શકાય એમ નથી."
ભારત ખાતે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ અંગે ઍક્સ ઉપર લખ્યું, "હું અનેક વખત કહી ચૂક્યો છું એમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર વડા પ્રધાન મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર માને છે. આજે સાંજે વેપાર સમજૂતીના અહેવાલોથી હું ખૂબ જ ઉત્સાહિત છું. અમેરિકા તથા ભારતના સંબંધોમાં અપાર સંભાવનાઓ રહેલી છે."
વડા પ્રધાન મોદીએ શું કહ્યું ?

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે વડા પ્રધાન મોદીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. 'મેડ ઇન ઇન્ડિયા' સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 18 % કરી દેવામાં આવ્યો છે, એ વાત જાણીને ખૂબ જ ખુશ છું. આ જાહેરાત બદલ ભારતના એક અબજ 40 કરોડ લોકો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર."
તેમણે લખ્યું, "જ્યારે બે મોટાં અર્થતંત્ર તથા દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર સાથે મળીને કામ કરે, ત્યારે તેનો લાભ આપણા લોકોને પણ થાય છે અને પરસ્પર હિતના અપાર અવસર ખુલે છે."
"વૈશ્વિક શાંતિ, સ્થિરતા તથા સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોમાં તેમની સાથે મક્કમતાપૂર્વક ઊભું છે. હું તેમની સાથે મળીને અમારી ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવા તૈયાર છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












