You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતીઓ માટે યુકેમાં સ્થાયી થવું હવે અઘરું બનશે, વિઝા નિયમોમાં શું ફેરફાર થયો?
- લેેખક, સૅમ ફ્રાન્સિસ
- પદ, બીબીસી ન્યૂઝ
યુકેના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે વચન આપ્યું છે કે તેઓ દેશની 'ખાડે ગયેલી' ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા કરશે. તેઓ તમામ વિઝા અરજકર્તાઓ તથા તેમના આશ્રિતો માટે માટે ઇંગ્લિશની ટેસ્ટ વધુ મુશ્કેલ બનાવવાની પણ યોજના ધરાવે છે.
આ યોજના હેઠળ પ્રવાસીઓએ યુકેમાં સ્થાયી થવા માટે અરજી કરવા માટે 10 વર્ષ રાહ જોવી પડે તેવી શક્યતા છે. હાલમાં માત્ર પાંચ વર્ષ પછી તેમને આપોઆપ સેટલ્ડનો દરજ્જો મળી જાય છે.
વડા પ્રધાને કહ્યું કે લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે ઇમિગ્રેશનના નિયમો સોમવારે જાહેર થશે. તેનાથી "એક એવી સિસ્ટમ રચાશે જે નિયંત્રિત, પસંદગી આધારિત અને તટસ્થ હશે."
ગૃહ સચિવ ક્રિસ ફિલિપે કહ્યું કે કિઅર સ્ટાર્મર ઇમિગ્રેશન પર સખત છે તેવો વિચાર એક મજાક છે.' તેમણે વચન આપ્યું કે તેઓ માઇગ્રેશન પર નિયંત્રણ લાદવા સંસદ પર દબાણ લાવશે.
લેબર પાર્ટીએ દરેક ઇમિગ્રેશન રૂટ પર અંગ્રેજી ભાષાની જરૂરિયાતનું લેવલ વધારવાના સંકેત આપ્યા છે. જોકે, તેમણે તમામ માહિતી નથી આપી.
પહેલી વખત પુખ્ત વયના આશ્રિતોએ અંગ્રેજી ભાષાનું બેઝિક કૌશલ્ય દેખાડવું પડશે જેથી તેમને યુકેમાં સ્થાયી થવામાં, રોજગાર શોધવામાં અને શોષણથી બચવામાં મદદ મળે.
બીબીસીને જણાવાયું છે કે આ ફેરફારો માટે પ્રાથમિક કાયદામાં પરિવર્તન જરૂરી બનશે. તેના કારણે 2026માં આગામી સંસદીય સત્ર સુધી તેના અમલીકરણમાં વિલંબ થવાની શક્યતા છે.
સોમવારના ભાષણ અગાઉ કિઅર સ્ટાર્મરે પોતાના નિવેદનમાં કહ્યું કે "લોકો જ્યારે આપણા દેશ આવે ત્યારે તેમણે અહીંના માહોલમાં ભળી જવા માટે અને આપણી ભાષા શીખવા માટે પણ પ્રતિબદ્ધ હોવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીકાકારોનું કહેવું છે કે જીવનસાથી કે માતાપિતાને અંગ્રેજી શીખવામાં મુશ્કેલી પડે તો તેના કારણે પરિવારો નોખા પડી શકે છે.
પરંતુ સંશોધનો દર્શાવે છે કે માઇગ્રન્ટ્સ પોતે જ ભાષાને મહત્ત્વપૂર્ણ માને છે.
2021માં 10માંથી 9 માઇગ્રન્ટ સારું અંગ્રેજી બોલી શકતા હતા તેવું ઑક્સફર્ડ યુનિવર્સિટી માઇગ્રેશન ઑબ્જર્વેટરીનું એક વિશ્લેષણ દર્શાવે છે.
માત્ર એક ટકા માઇગ્રન્ટે કહ્યું કે તેઓ બિલકુલ અંગ્રેજી બોલી શકતા નથી. પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકોનું અંગ્રેજી નબળું છે તેમને રોજગારી મળવાની શક્યતા બહુ ઓછી છે.
વડા પ્રધાને જેને 'તૂટેલી' ઇમિગ્રેશન સિસ્ટમ ગણાવી છે તેને 'ચુસ્ત' બનાવવાના વ્યાપક પ્રયાસોનો આ ભાગ છે.
તેના કારણે યુકેમાં પાંચ વર્ષ પછી ઑટોમેટિક સેટલ થવાની સુવિધાનો અંત આવશે. મોટા ભાગના માઇગ્રન્ટે ઓછામાં ઓછાં 10 વર્ષ માટે યુકેમાં રહેવું પડશે. ત્યાર પછી જ તેઓ સેટલ્ડના દરજ્જા માટે અરજી કરી શકશે અને પૂર્ણ નાગરિકત્વ મેળવવાના માર્ગે આગળ વધી શકશે.
સાથે સાથે યુકેના વડા પ્રધાન સ્ટાર્મરે એમ પણ કહ્યું કે નર્સ, એન્જિનિયર્સ, એઆઈ નિષ્ણાતો, અને "યુકેના ગ્રોથ અને સમાજને ખરેખર યોગદાન આપી શકે" તેવા બીજા લોકો માટે એક 'ફાસ્ટ-ટ્રેક' સેટલમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માઇગ્રેશન ઑબ્જર્વેટરીના ડાયરેક્ટર મૅડેલિન સમ્પશને બીબીસીને જણાવ્યું કે, સેટલ થવા માટે 10 વર્ષના રૂટના કારણે "બીજા ઊંચી આવક ધરાવતા દેશોની તુલનામાં યુકે વધારે પ્રતિબંધાત્મક" બની જશે.
સમ્પશને કહ્યું કે "આ બદલાવનો મુખ્ય પ્રભાવ ગૃહ મંત્રાલયને વધુ વિઝા-ફીની આવકના રૂપમાં પડશે. કારણ કે ટૅમ્પરરી વિઝા પર આવેલા લોકો અહીં રહેવા માટે સતત ફી ચૂકવતા રહે છે."
યુકેમાં સેટલ થવાની લાંબી પ્રક્રિયાના કારણે માઇગ્રન્ટ્સ માટે અહીં વસવાટ કરવો મુશ્કેલ બનશે કારણ કે "વધુ લોકો પાસે કાયમીના દરજ્જા સાથે આવતા અધિકારો નહીં હોય."
પરંતુ કિઅર સ્ટાર્મરે આ યોજનાઓને "ભૂતકાળની તુલનામાં એક સ્વચ્છ વિરામ" ગણાવ્યો હતો, જે સુનિશ્ચિત કરશે કે આ દેશમાં વસવાટ કરવો એક એવો વિશેષાધિકાર હશે જેને પ્રાપ્ત કરવો પડશે, અધિકારની જેમ નહીં મળે."
એક પછી એક સરકારોએ નેટ માઇગ્રેશન ઘટાડવા પ્રયાસ કર્યા છે જે નિષ્ફળ રહ્યા છે. યુકેમાં આવતા લોકો અને યુકેમાંથી બહાર જતા લોકોના તફાવતને નેટ માઇગ્રેશન કહેવાય છે.
જૂન 2023માં નેટ માઇગ્રેશનનો આંકડો વધીને 9.06 લાખની વિક્રમ સપાટીએ પહોંચી ગયો હતો, જે ગયા વર્ષે 7.28 લાખ હતો.
ઇમિગ્રેશન વ્હાઇટ પેપરમાં મહિનાઓના રિસર્ચને સંકલિત કરવામાં આવ્યું છે. સ્થાનિક ચૂંટણીમાં રિફૉર્મ યુકેને મળેલી સફળતાને ધ્યાનમાં રાખતા તે ઇમિગ્રેશન પર સખત બનવાની લેબરની યોજનાઓને રજૂ કરશે.
સ્કિલ્ડ વર્કર વિઝાની સીમાને ધીમે ધીમે હાલના એ-લેવલ પરથી વધારીને ગ્રૅજ્યુએટના લેવલ પર લાવવામાં આવે તેવી શક્યતા છે. કેટલાક ઉદ્યોગો માટે ટૅમ્પરરી શોર્ટેજ વિઝાના નિયમોમાં અપવાદોની યાદી ટૂંકાવી શકાય છે.
ગૃહ મંત્રી યવેટ કૂપરે રવિવારે જણાવ્યું હતું કે કૅર વર્કર્સ (બીમાર લોકોની સારસંભાળ રાખતા લોકો)ની ભરતી વિદેશમાંથી ન થાય તે માટે લેબર સરકાર નિયમોમાં સુધારા કરશે.
તેના બદલે કંપનીઓએ બ્રિટિશ નાગરિકોને કામ પર રાખવા પડશે અથવા દેશમાં પહેલેથી હાજર વિદેશી કર્મચારીઓના વિઝા લંબાવવા પડશે.
કૂપરે બીબીસી વનના સન્ડે વિથ કાર્યક્રમમાં લૌરા કુએન્સબર્ગને જણાવ્યું કે "કૅર વર્કર્સને વિદેશથી ભરતી કરવામાં આવે તે હવે બંધ કરવાનો સમય આવી ગયો છે."
આ બે સુધારાથી આગામી વર્ષમાં યુકે આવતા લો-સ્કિલ્ડ અને કૅર વર્કર્સની સંખ્યામાં 50 હજારનો ઘટાડો થશે એવું કૂપરે કહ્યું હતું.
લિબરલ ડેમૉક્રેટ્સે કહ્યું કે ઇમિગ્રેશન સિસ્ટમ 'અસ્તવ્યસ્ત' થઈ ગઈ છે અને ભરોસો 'તૂટી' ગયો છે.
ગૃહ બાબતોનાં પ્રવકતા લિસા સ્માર્ટે જણાવ્યું કે "લેબરે હવે આપણી ભાંગેલી ઇમિગ્રેશન સિસ્ટમને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. લિબરલ ડેમૉક્રેટ્સ આપણી અર્થવ્યવસ્થા અને આપણા દેશ માટે કામ કરતી પ્રણાલિ સુનિશ્ચિત કરવા સરકારની યોજનાઓની ચકાસણી કરવા તત્પર છે."
કન્ઝર્વેટિવ પાર્ટીએ કહ્યું કે, વિદેશથી કૅર વર્કર કર્મચારીઓની ભરતી બંધ થાય તે વાત સાથે તે સહમત છે. પરંતુ તે 'બંધનકર્તા માઇગ્રેશન કૅપ' પર મતદાનની ફરજ પાડશે.
ક્રિસ ફિલીપે આગાહી કરી કે, "પરંતુ સ્ટાર્મર અને લેબર તેને વોટથી ફગાવી દેશે."
તેમણે લેબર પાર્ટીના પ્લાનને "બહુ નકારાત્મક" ગણાવ્યો અને દલીલ કરી કે સરકાર ટોરીના ફેરફારોને વળગી રહી હોત તો નેટ માઇગ્રેશનમાં "લગભગ ચાર લાખ" સુધી ઘટાડો થયો હોત.
રિફૉર્મ યુકેના ડેપ્યુટી લીડર રિચાર્ડ ટાઇસે કહ્યું કે ઇંગ્લૅન્ડ સ્થાનિક ચૂંટણીમાં તેમના પક્ષનું મજબૂત પ્રદર્શન કાનૂની અને ગેરકાયદે પ્રવાસન બંને માટે લોકોના ગુસ્સાનું કારણ હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન