ગરીબ ગુનેગારો પાસે "સાત લાખની પિસ્તોલ" કેવી રીતે આવી? અતીક હત્યાકાંડના વણઉકલ્યા સવાલ

ઉત્તર પ્રદેશના પૂર્વ સંસદસભ્ય અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યાને 36 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. આ હત્યા મીડિયાના કૅમેરા પર રેકર્ડ થઈ ચૂકી છે અને તેની સાથે જોડાયેલા સવાલો અને તેના વિવિધ પાસાં હવે એક પછી એક સમાચારરૂપે જાહેર થઈ રહ્યાં છે.

અતીક અને તેના ભાઈ અશરફની હત્યા સંદર્ભે ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારે ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના વાહનમાંથી ઊતર્યા બાદ હૉસ્પિટલ તરફ માત્ર સાત પગલાં ચાલ્યા બાદ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રયાગરાજના કૉલ્વિન હૉસ્પિટલના મુખ્ય દરવાજાથી માંડ સાત પગલાં દૂર બ્લીચિંગ પાઉડરના બે સફેદ ચિહ્નો જોવા મળે છે. બ્લીચિંગ પાઉડરને જમીન પર વહેલા લોહીના ડાઘને છૂપાવવા માટે નાખવામાં આવ્યો છે.

આ જ સ્થળે હત્યા દરમિયાન ચલાવવામાં આવેલી ગોળીઓનાં ખાલી કારતૂસ મળવાનાં સ્થાન ચિહ્નિત કરવા માટે ચોકથી બનાવેલા 29 વર્તુળ જોવા મળે છે.

13 પગલાંનું અંતર જે અતીક અને અશરફ કાપી ન શક્યા

આ સ્થળથી હૉસ્પિટલનું અંતર માત્ર 13 પગલાં જેટલું છે, પરંતુ અતીક અહમદ અને તેનો ભાઈ આટલું અંતર કાપી નહોતા શક્યા.

ઉત્તર પ્રદેશ પોલીસના સૂત્રોને ટાંકીને સમાચારમાં લખ્યું છે કે, લગભગ 20 પોલીસ કર્મચારીઓની ટીમ અતીક અહમદ અને તેમના ભાઈને નિયમિત મેડિકલ તપાસ માટે રાત્રે લગભગ દસ વાગ્યે ધૂમલગંજ પોલીસ સ્ટેશનથી લઈને નીકળી હતી.

પોલીસનાં બે વાહનોમાં આ ટીમને કૉલ્વિન હૉસ્પિટલ પહોંચવા માટે માત્ર સાત કિલોમિટરનું અંતર કાપવાનું હતું, જેને માટે 20 મિનિટનો સમય લાગ્યો.

આ દરમિયાન મીડિયાકર્મીઓની ગાડીઓ પોલીસવાનની આગળ-પાછળ ચાલી રહી હતી અને અતીક અહમદ અને તેમના ભાઈ પોલીસવાનમાંથી જેવા બહાર આવ્યા, ત્યારે મીડિયાકર્મીઓએ તેમને સવાલ પૂછવાના શરૂ કરી દીધા હતા.

પોલીસકર્મીઓના ઇશારે અતીક અહમદ અને તેમના ભાઈએ થોડું અંતર કાપ્યું હતું અને આગળ વધતાંની સાથે જ મીડિયાકર્મીઓએ ફરી એકવાર તેમને સવાલો પુછવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારબાદ અશરફે એક સવાલનો જવાબ આપવાનું શરૂ કરતાની સાથે જ ત્રણ હુમલાખોરોએ અતીક અહમદના માથા પર ગોળીઓ ચલાવી દીધી હતી. ત્યારબાદ અશરફના માથા પર પણ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

‘જય શ્રીરામ’ ના નારા અને આત્મસમર્પણ

સતત ઘણા રાઉન્ડ ગોળીબાર થયા બાદ આ હુમલાખોરોએ ‘જય શ્રીરામ’ ના નારા લગાવતા પોતાના હથિયારો જમીન પર ફેંકીને પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું.

જોકે યુપી પોલીસ જે પ્રકારે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદને મેડિકલ ચેકઅપ માટે મોડી સાંજે હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, તેની પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

પોલીસે મોડી રાત્રે હૉસ્પિટલ લઈને જવાના નિર્ણયનું કારણ જણાવતા કહ્યું હતું કે, “અતીક અહમદ ડાયાબિટીસ અને હાયપરટેન્શનના દરદી હતા અને તેમને શુક્રવારે પણ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.”

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “શનિવારે સવારે અતીક અહમદે તબિયત સારી ન હોવાનું કહ્યું હતું, ત્યારબાદ અમે લૉકઅપમાં ડૉક્ટર પણ બોલાવ્યા હતા.”

આ અંગે હૉસ્પિટલમાં ડૉક્ટરનું કહેવું છે કે દોષિતોની મેડિકલ તપાસ ત્યારે જ થાય છે, જ્યારે તેના માટે લેખિત આદેશ મળ્યા હોય જે કોર્ટ મુજબ ફરજિયાત છે.

જોકે યુપી પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે, દોષિતોને હંમેશા હૉસ્પિટલ લઈ જવા જરૂરી નથી અને સંવેદનશીલ કેસમાં ડૉક્ટરને જરૂરી સાધનો સાથે લૉકઅપમાં બોલાવવામાં આવે છે.

એક અધિકારીએ કહ્યું છે કે, “ઘણા કેસમાં દોષિતોને એટલી ગોપનીયતા સાથે હૉસ્પિટલ લઈ જવામાં આવે છે કે કોઈને ગુનેગારોની મૂવમેન્ટ વિશે ખબર પડી ન શકે.”

કેટલાક અધિકારીઓએ 26/11 હુમલાના ગુનેગાર અજમલ કસાબનું ઉદાહરણ આપતા કહ્યું કે, “જ્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કસાબને જેજે હૉસ્પિટલમાં લઈ જતી હતી, ત્યારે મીડિયાને તેની જાણ પણ નહોતી થતી. એ શક્ય છે કે હુમલાખોરો અતીકને હૉસ્પિટલમાં લઈ જવા પર નજર રાખી રહ્યા હોય અને તેઓ ઘટનાના દિવસે મીડિયાકર્મી બનીને કૅમેરા, નકલી માઈક અને નકલી આઈકાર્ડ સાથેની સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હોય.”

યુપી પોલીસના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે કહ્યું છે કે, “પોલીસની પહેલી ભૂલ એ છે કે ગુનેગારોને ક્યારેય પણ મીડિયા સાથે મળવાની મંજૂરી ન આપવી જોઈએ. હૉસ્પિટલ પર એ સુનિશ્ચિત કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી. જો આ નકલી પત્રકારો નકલી આઈડી સાથે આવ્યા હતા, તો તેમની ઓળખ કરવાનું કામ પોલીસનું હતું. જો તમે કોઈને પણ આવવા-જવા દેશો તો આવી ઘટનાઓ ઘટશે જ અને જ્યારે કોઈ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામે છે, તો તેનો અર્થ એ છે કે પોલીસે કાયદો અને વ્યવસ્થા ભંગ થવા દીધી.”

પૂર્વ ડીજીપીએ હુમલાખોરોની તૈયારી પર ધ્યાન દોરતા કહ્યું કે, “આ હુમલાખોરો ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે, પરંતુ તેઓ તુર્કીમાં બનેલા હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા. એક-એક પિસ્તોલની કિંમત સાત લાખ રૂપિયા સુધીની છે અને એક કારતૂસ 250 રૂપિયાની છે. તેઓ જે રીતે ગોળીબાર કરી રહ્યા હતા, તે દર્શાવે છે કે તેમણે તેનો ઘણો અભ્યાસ કર્યો હશે.”