You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાટણ: દારૂ-ડ્રગ્સના બંધાણી યુવાનનું મૃત્યુ, 'વ્યસનમુક્તિકેન્દ્રમાં ઢોર માર મરાયો, ગુપ્તાંગ પર ડામ અપાયા' - પોલીસનો દાવો
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાતથી આઠ જેટલા ઇસમો દ્વારા હાર્દિક સુથાર નામના યુવાનને પ્લાસ્ટિકની પીવીસીની પાઇપથી એકથી દોઢ કલાક સુધી અમાનવીય રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં આરોપીઓનું એક વિકૃતિ ભરેલું કૃત્ય પણ જોવા મળ્યું હતુ. આરોપીઓએ માર માર્યા પછી બે આરોપીઓએ લાઇટર વડે પ્લાસ્ટિક સળગાવી પ્લાસ્ટિકનું ગરમ પ્રવાહી હાર્દિકના ગુપ્તાંગ ઉપર રેડી ડામ આપવામાં આવ્યા હતા."
આ શબ્દો પાટણ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ. એ. પટેલના છે. એમણે 20 દિવસ પહેલાં થયેલી એક હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
ઉત્તર ગુજરાતના પાટણ શહેરના સરદાર કૉમ્પલેક્સના પ્રથમ માળે આવેલા જ્યોના વ્યસનમુક્તિકેન્દ્રમાં આ ઘટના બની હતી.
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મળેલી બાતમીના આધારે સીસીટીવી ફૂટેજ, અન્ય દર્દીઓનાં નિવેદનો, બાતમીદારોના મજબૂત નેટવર્કની મદદથી એક કથિત ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.
આ આખી ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી.
પોલીસનો દાવો છે કે તેમણે એક પછી એક રહસ્યો ઉઘાડીને કથિત ક્રૂર હત્યાને ચૂપચાપ રીતે કુદરતી મૃત્યુમાં ખપાવીને ગુનો છુપાવવાના કથિત પ્રયત્નો નાકામ બનાવ્યા હતા.
પાટણમાં કથિત ‘અમાનવીય અત્યાચાર’ના કારણે નશામુક્તિકેન્દ્રમાં યુવાનના મૃત્યુની ઘટના સામે આવી
- પાટણના એક નશામુક્તિકેન્દ્રમાં ફેબ્રુઆરી માસમાં હાર્દિક સુથાર નામના યુવકનું મૃત્યુ થયું હતું
- પોલીસની તપાસ પરથી આ મૃત્યુ કથિતપણે હત્યા હોવાનું સામે આવ્યું હતું
- નશામુક્તિકેન્દ્રમાં યુવાનને કથિતપણે ઢોર માર મારી તેમના ગુપ્તાંગ પર ગરમ પ્લાસ્ટિકના ડામ આપવામાં આવ્યા હતા
- બાદમાં કથિત હત્યાના આ બનાવને કુદરતી મૃત્યુ તરીકે ખપાવાના પ્રયાસ કરાયા હતા
- પોલીસનો દાવો છે કે તેમની સતર્કતાના અને બાતમીદારોના નેટવર્કના કારણે આ કથિત હત્યાનો ભેદ ઉકેલાયો હતો
- ઘટના અંગે થયેલી ફરિયાદમાં સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે
શું હતો મામલો?
આ કેસની વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોટીદવ ગામના 25 વર્ષીય હાર્દિક રમેશભાઈને સુથાર દારૂ તેમજ ડ્રગ્સનું વ્યસન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારજનો પણ હાર્દિકની આ લતથી પરેશાન હતા. તેઓ આ લત છોડાવવા માગતા હતા અને તે ફરીથી સામાન્ય જીવન પસાર કરી શકે તેવી પરિવારજનોની ઇચ્છા હતી.
જેથી તેમણે હાર્દિકની નશાની આદત છોડાવવા માટે છ મહિના પહેલાં તેને પાટણ શહેરના જ્યોના વ્યસનમુક્તિકેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
પરિવારજનોને આશા હતી કે તેમનો દીકરો હવે વ્યસનમુક્ત થશે. સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે.
જોકે, પરિવારજનોને ગત 17 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યોના વ્યસનમુક્તિકેન્દ્રથી ફોન આવ્યો હતો.
ફોન મરફતે હાર્દિકનું બ્લડ પ્રેશર ઘટી ગયું હોઈ સ્થિતિ ગંભીર હોવાની જણાવી જલદી આવવા કહેવામાં આવ્યું હતું.
પરિવારજનો જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને હાર્દિકના મૃત્યુની જાણ થઈ હતી. મૃતદહેના એક હાથે પાટો બાંધેલો પણ જોવા મળ્યો હતો.
દીકરાના અચાનક થયેલા મૃત્યુને કારણે પરિવારજનો સ્તબ્ધ હતા, આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે જ્યોના વ્યસનમુક્તિકેન્દ્રના સંચાલકોને હાર્દિકના મૃત્યુ પાછળનાં કારણો જાણવા પૃચ્છા કરી ત્યારે સંચાલકોએ હાર્દિકનું બ્લડ પ્રેશર ઘટી ગયું હોઈ તેનું કુદરતી મૃત્યુ થયું હોવાની વાત કરી હતી.
પરિવારજનોએ પણ સંચાલકોની વાત માની લીધી અને આ બાદ તેમણે હાર્દિકના મૃતદેહની અંત્યેષ્ટિ કરી હતી. અને તે બાદ પરિવારજનો હાર્દિકના અંતિમ સંસ્કાર બાદ પોતાને ગામડે પરત ફર્યા.
આ લખાય છે ત્યાં સુધી હાર્દિકના પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા છતાં જવાબ આપ્યો નથી.
પોલીસને મળી બાતમી અને...
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ ઘટનાના અમુક દિવસ બાદ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી જેમાં તેઓને એક ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર બાતમીમાં દાવો કરાયો હતો કે ગત 17 ફેબ્રુઆરીના રોજ જેની અંતિમ ક્રિયા કરાઈ છે તે યુવાન હાર્દિક સુથારનું મૃત્યુ કુદરતી નહોતું.
બાતમીદારે પોલીસને કરેલી વાતમાં આરોપ કર્યો હતો કે વ્યસનમુક્તિકેન્દ્રમાં હાર્દિકને ઢોર માર મરાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જે બાદ આરોપીઓએ આખો મામલો સગેવગે કરી દીધો હોવાની પણ જાણકારી મળી હતી. પોલીસે બાતમીની ગંભીર નોંધ લીધી. તેમજ આરોપ સાબિત કરવા માટે નક્કર પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી આદરી.
પોલીસે આપેલ માહિતી અનુસાર બાતમી આધારે અધિકારીઓએ વ્યસનમુક્તિકેન્દ્રમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓની પૂછપરછ કરી ત્યારે હાર્દિકને ખરેખર ઢોર માર મરાયો હોવાની નક્કર માહિતી મળી.
તે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને તેના આધારે આગળની કાર્યવાહી કરી.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગતો અનુસાર 'હાર્દિક પાછલા છ માસથી વ્યસનમુક્તિકેન્દ્રમાં સારવાર લઈ રહ્યા હતા. તેમણે ઘરે જવાની જીદ પકડી હતી.'
'હાર્દિકે ગત 17 ફેબ્રુઆરી 2023ના સાંજના સાડા છ વાગ્યાની આસપાસ વ્યસનમુક્તિકેન્દ્રના બાથરૂમમાં પોતાના કાંડા પર ચપ્પુ માર્યું હતું જેથી કમલીવાડાના રહેવાસી વ્યસનમુક્તિકેન્દ્રના સંચાલક સંદીપ છગનભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા.'
ફરિયાદમાં કરાયેલ આરોપ અનુસાર 'સંદીપે પહેલાં હાર્દિકને માર માર્યો હતો. તે બાદ સંદીપ અને અન્ય સાત-આઠ ઇસમોએ હાર્દિકના હાથ-પગ દોરડા વડે બાંધીને તેમને પ્લાસ્ટિકની પાઇપથી હાથ, પગ અને ગુપ્તાંગ ઉપર માર માર્યો હતો. આ મારથી હાર્દિક અર્ધબેભાન થઈ ગયા હતા.'
'આરોપીઓએ તેમને ઑફિસમાં બે કલાક સુધી સુવડાવી રાખ્યા હતા.'
'બાદમાં મોડી રાતે સંચાલક સંદીપ પટેલ સહિત અન્ય સહઆરોપીઓ હાર્દિકને પોતાની ગાડીમાં લઈને તિરુપતિ કૉમ્પલેક્સમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.'
'જ્યાં ડૉક્ટરે હાર્દિકને મૃત જાહેર કરતાં કથિતપણે આરોપીઓએ આ કૃત્યને કુદરતી મૃત્યુમાં ખપાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.'
પરિવારજનોએ નોંધાવી ફરિયાદ
પોલીસે આપેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના સામે આવતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફૂટેજ અને અન્ય પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો મેળવ્યાં બાદ આખરે 8 માર્ચ 2023ના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 302, 201, 147, 148, 149, 34 અને જીપી ઍક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ કેસ અંગે વાત કરતાં કહ્યું હતું કે :
“હાર્દિકે આત્મહત્યાની કોશિશ કરી હતી જેનાથી સંચાલક સંદીપ પટેલ ગુસ્સે ભરાયો હતો. તેણે અન્ય દર્દીઓમાં દાખલો બેસાડવા માટે હાર્દિકને દોઢ કલાક સુધી માર માર્યો અને આકરી સજા આપી. જે દરમિયાન તેનું મોત થયું. આ સંસ્થામાં વ્યસનમુક્તિના ઉપચાર માટે લોકો પોતાના પરિવારજનોને મૂકતા હતા.”
પોલીસે ઘટના અંગે કરેલી કાર્યવાહની વિગતો જાહેર કરી હતી.
જે મુજબ આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં સંદીપ પટેલ, જિતેન્દ્ર ઉર્ફે જિતુ વિનુભાઈ, જયેશ ઉર્ફે બાબુ રામજી ચૌધરી, કિરણ ઉર્ફે શંભુ પટેલ, નીતિન રામજી ભૂતડીયા અને મહેશ નાઈની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાના અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પોલીસે સંચાલક સહિત છ આરોપીને ઝડપીને સમગ્ર ઘટનાનુ રિ-કન્ટ્રક્શન પણ કર્યું હોવાની માહિતી આપી હતી.
પોલીસ સંસ્થામાં ભૂતકાળમાં આવી કોઈ ઘટના બની છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.