'ખિસ્સામાં રહેલા ફોનમાં વિસ્ફોટથી પ્રિન્સિપાલનું મોત', મોબાઇલની બેટરી કેમ ફાટે છે?

    • લેેખક, તેજલ પ્રજાપતિ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક ચોંકાવનારી ઘટનામાં મોબાઇલ ફોનને કારણે શાળાના પ્રિન્સિપાલનું મૃત્યુ નીપજ્યું છે. પ્રિન્સિપાલે મોબાઇલ ફોન તેમના ખિસ્સામાં મૂક્યો હતો અને તે દરમિયાન જ તેમાં વિસ્ફોટ થયો હતો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

તેમની સાથે રહેલા એક વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.

મૃતક શિક્ષકનું નામ સુરેશ સંગ્રામે છે અને ઘાયલનું નામ નાથુ ગાયકવાડ છે. તેમની સાથે આ ઘટના મહારાષ્ટ્રના સાકોલીમાં બની હતી.

કુરખેડા તાલુકાના કસારીના રહેવાસી સુરેશ સંગ્રામે એક પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા.

ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફોન અચાનક ફાટી જાય, અથવા મોબાઇલ પડ્યો હોય ગરમ થવા લાગે અને એમાં આગ લાગી જાય, આવી ઘટનાઓ અનેકવાર બનતી હોય છે.

મોબાઇલ ફાટ્યો અને બાળકીએ જીવ ગુમાવ્યો

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, કેરળના ત્રિશૂલ જિલ્લામાં એક આઠ વર્ષની બાળકી મોબાઇલ ફોન પર કાર્ટૂન જોઈ રહી હતી, બરાબર એ જ વખતે મોબાઇલ ફાટ્યો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થયું હતું.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પોલીસના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના કારણે બૅટરી વધુ ગરમ થઈ ગઈ હતી અને તેના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે.

પોલીસે કહ્યું છે કે, મોબાઈલ ફોન હાથમાં ફાટવાથી બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.

જોકે આ પોલીસનો પ્રાથમિક અંદાજો છે, પોલીસ હજુ સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકી નથી અને તેની વધુ તપાસ ફોનની ફોરેન્સિક તપાસ દ્વારા કરાઈ રહી છે.

ઘટના સમયે બાળકી તેનાં દાદી સાથે ઘરે હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીના પરિવારે કહ્યું કે તે હંમેશાં મોબાઇલમાં કાર્ટૂન જોતી હતી અને સ્કૂલમાં વૅકેશન પડવાના કારણે તે વધુ સમય સુધી કાર્ટૂન જોતી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "આ મોબાઇલ ત્રણ વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યો હતો અને તેની બૅટરી ત્રણ મહિના પહેલાં જ બદલવામાં આવી હતી."

તો હવે પ્રશ્ન એ છે ફોનમાં આગ કેમ લાગે છે અથવા તે કઈ રીતે ફાટે છે. આવી ઘટનાને રોકવા માટે તમે શું કરી શકો? આવો જાણીએ..

મોબાઈલ ફોનની બૅટરી કેવી રીતે ફાટે છે?

એક ફોન ઘણાં કારણોસર ફાટી શકે છે, પરંતુ તેનું સામાન્ય કારણ ડિવાઇસની બૅટરી છે.

મોબાઇલ વધુ ગરમ થઈ જવાથી તેની બૅટરી ફાટી શકે છે, પરંતુ મોબાઇલ ફોન ગરમ થવાનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે.

એક ફોનને ઘણી વાર સુધી તાપમાં રાખવો, CPU વધારે પડતું કામ કરે તો અથવા ફોનને વધુ ચાર્જ કરીએ તો પણ ફોન ગરમ કરી શકે છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, સ્ટેટિસ્ટાએ 2021માં કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ અડધા લોકોએ કહ્યું કે તેઓ કામના સિવાય દિવસમાં ફોનનો પાંચથી છ કલાક સુધી ઉપયોગ કરે છે.

એ સ્પષ્ટ છે કે આપણે દરેક સમયે મોબાઇલ ફોન સાથે કોઈના કોઈ પ્રકારે જોડાયેલા હોઈએ છીએ.

જોકે ફોનનો ઉપયોગ કરતી વખતે બેજવાબદારી વિનાશ લાવી શકે છે.

ફોન વધુ ગરમ થવાના કારણે બૅટરીમાં વિસ્ફોટ થઈ શકે છે. બૅટરી ફાટવાથી મોત કે ઈજા થવાની ઘણી ઘટનાઓ ઘટી છે.

આધુનિક મોબાઇલ ફોન લિથિયમ-આયન બૅટરી દ્વારા સંચાલિત હોય છે, જેમાં ચાર્જ કરવા માટે પૉઝિટિવ અને નૅગેટિવ ઇલેક્ટ્રોડનું સંતુલન થાય છે.

અહેવાલમાં જણાવ્યું છે કે બૅટરીના આંતરિક ઘટક એક અસ્થિર પ્રતિક્રિયા પેદા કરી શકે છે અને આગનું કારણ બની શકે છે.

સરળ ભાષામાં કહીએ તો લિથિયમ બૅટરીમાં કૅથોડ, ઍનોડ અને લિથિયમ હોય છે.

કૅથોડ અને ઍનોડને તમે નૅગેટિવ અને પૉઝિટિવ વીજળીના પ્રવાહ તરીકે વિચારી શકો.

આ નૅગેટિવ અને પૉઝિટિવ વીજળીના પ્રવાહ બન્ને એક છિદ્ર ધરાવતી સામગ્રી દ્વારા અલગ કરવામાં આવે છે.

જેની મદદથી લિથિયમ આ બન્ને વીજળીના પ્રવાહોની વચ્ચે મુસાફરી કરતું હોય છે.

જ્યારે બૅટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરવામાં આવે છે, ત્યારે તે ગરમ થાય છે. ગરમ થવાથી નૅગેટિવ વીજ પ્રવાહની પાસેની લિથિયમ પ્લૅટ્સ શોર્ટ સર્કિટ ઉત્ત્પન્ન કરે છે.

આ સિવાય શોર્ટ સર્કિટના બીજા કારણ પણ છે. જેમાં બૅટરીનું ઉત્પાદન થઈ રહ્યું હોય ત્યારે તેની બનાવટમાં જ કોઈ ખામી રહી ગઈ હોય તો પણ તે ફાટવાની સંભાવના છે.

આનાથી કેવી રીતે બચી શકાય?

મોટાભાગના સ્માર્ટફોન કોઈ પણ વિસ્ફોટની ઘટના ઘટતા પહેલાં ચેતવણી આપે છે.

ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક અથવા રસાયણ બળવાની ગંધ આવી શકે છે.

મોટાભાગના કિસ્સામાં ઉપકરણ ગરમ થઈ શકે છે.

યૂઝર્સે આ ચેતવણીને પણ સમજવી જોઈએ અને ફોનને તરત જ બંધ કરીને સર્વિસ સેન્ટરમાં લઈ જવો જોઈએ.

હવે ફોન વિસ્ફોટની ઘટનાને રોકવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

બૅટરી કેવી રીતે ખરાબ થાય છે?

બૅટરી ઘણાં કારણોસર ખરાબ થઈ શકે અને તેનું એક મુખ્ય કારણ વધુ પડતી ગરમી છે.

બૅટરી ફાટવાના કારણ વિશે વડોદરાના ટેક ઍક્સપર્ટ મયૂર ભુસાવરકરે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાલના સમયમાં ફોનના વપરાશનો સમય ઘણો વધી ગયો છે. ગ્રાફિક્સ બેઝ ઍપનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે."

"જેની માટે ઘણા મોબાઈલ સક્ષમ હોતા નથી. એથી બૅટરી ઝડપથી ડ્રેઈન પણ થઈ જાય છે, જેના કારણે ફાટી પણ શકે છે."

તેઓ બીજું કારણ આપતા કહે છે કે, "સાઇબર ઍટેક વધી ગયા છે, જેમાં મોબાઇલમાંથી ડેટા ચોરવા માટે સ્પાયવૅરનો ઉપયોગ થાય છે."

"ઍડવૅર અને ટ્રોઝન સ્પાયવૅરના લીધે બૅટરી બૅકગ્રાઉન્ડમાં સતત ચાલતી રહે છે."

"સ્પાયવૅર ડાયરેક્ટ સોફ્ટવૅર ઑપ્ટિમાઇઝેશન પર ઍટેક કરે છે તેથી ઓપ્ટિમાઇઝેશન થઈ શકતું નથી અને કોઈ વૉર્નિંગ પણ આવતી નથી."

"આ ઍક્ટિવિટી બંધ કરો, એટલે તેનાથી મોબાઇલની બૅટરી ધીમે-ધીમે નબળી થવા લાગે છે. અને તેના સેલ્સ ઓપન થઈ જતા તે ફાટી શકે છે."

તેઓ જણાવે છે કે આ કારણો સિવાય તેનાં ટેકનિકલ કારણો પણ હોઈ શકે છે.

જેમ કે "મોબાઇલ બનતી વખતે જો બૅટરી બરાબર ચેક ન થઈ હોય તો પણ આવું બની શકે છે."

મોબાઈલને સતત ઓવરચાર્જ કરવાથી બૅટરીની ક્ષમતા ઘટવા લાગે છે, હાલ નવી ટેકનૉલૉજીવાળા મોબાઇલમાં ઓવરચાર્જ થાય તો ઑટોમેટિક કટ-ઑફ થઈ જાય છે, પણ જૂના મોબાઇલમાં આવી સિસ્ટમ નહોતી આવતી.

"અમુક લોકો ઇન્ટરનેટ સતત ચાલુ રાખે અને મોબાઇલ ચાર્જમાં મૂકે છે."

"આ ઉપરાંત કેટલાક લોકો મોબાઇલ ચાર્જમાં મૂકીને જ તેનો ઉપયોગ કરતા હોય છે, તેથી મોબાઇલના તાપમાનને નિયંત્રણમાં રાખનારી થર્મલ ઍપ્લિકેશન બાયપાસ થઈ જાય છે અને થર્મલ લૉક ફિચર કામ કરતું નથી. "

"થર્મલ લૉક ફેલ થવાથી બ્લાસ્ટ થાય છે. મલ્ટીટાસ્કીંગ પણ આની પાછળનું મોટું કારણ છે."

આ ઉપરાંત મોબાઇલ ચાર્જર પણ બૅટરીને નુકસાન કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, "હવે બૅટરીવાળાં કવર મળે છે, પરંતુ કેટલાંક કવર મોબાઇલ સાથે કમ્પટેબલ થઈ શકતાં નથી અને લોકો સસ્તાં ઓછી ગુણવત્તાવાળા કવર ખરીદી લે છે. એના કારણે બૅટરી પર અસર પડે છે."

ચાર્જરથી પણ બૅટરીને અસર થાય છે. મોબાઈલ સાથે આવેલું ચાર્જર બગડી જાય ત્યારે કેટલાક લોકો કંપનીનું ચાર્જર ખરીદવાને બદલે સસ્તું ચાર્જર ખરીદી લે છે અને તે નુકસાન કરે છે."

તેઓ આ સિવાય વધુ એક બિંદુ પર ભાર મૂકે છે કે ફોનને તડકામાં મૂકવાનું ટાળવું જોઈએ.

તેઓ કહે છે કે, "કેટલાક લોકોને ટેવ હોય છે કે કારમાં મોબાઇલ મૂકી દે છે અથવા તડકામાં મોબાઇલનો ઉપયોગ કરે છે, જેના કારણે ઍક્સોથર્મિક બ્રૅકડાઉન થઈ જાય છે, જેનાથી ઑક્સિજન અને કાર્બનડાયૉક્સાઈડનું નિયંત્રણ રહેતું નથી અને બૅટરી સૌથી વધારે ઑક્સિજન અને કાર્બનડાયોક્સાઈડ ઉત્પન્ન કરે છે, એટલે તે બૅટરી સાથે કૉમ્પ્રોમાઈઝ કરી શકતું નથી, અને બ્લાસ્ટ થઈ જાય છે.

બૅટરી ફાટતાં પહેલાં ખબર પડી શકે?

બૅટરી ફાટતાં પહેલાં કેવા સંકેત જોવા મળે છે, તે અંગે વાત કરતા મયૂર જણાવે છે કે બૅટરી ફૂલી જાય કે મોબાઇલ ગરમ થઈ જતો હોય તો મોબાઇલની બૅટરી ફાટી શકે છે.

આવી ઘટનામાંથી બચવા માટે શું કરવું એ અંગે તેઓ જણાવે છે કે, "દર છ મહિને બૅટરીની હેલ્થ ચેક કરાવવી જોઈએ." "મોબાઈલ કંપનીના સર્વિસ સેન્ટર પર જઈને પણ તમે બૅટરીની હેલ્થ ચેક કરાવી શકો છો અને બૅટરીની હેલ્થ ચેક કરવાના મીટર પણ આવે છે."

"જે લોકોનો દિવસમાં 3થી 4 કલાકથી વધારેનો સ્ક્રીન ટાઈમ રહેતો હોય, તેમણે બૅટરીની હેલ્થ છ મહિને ચેક કરાવવી જોઈએ."

"સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક બૅટરીની એક લાઇફ સાઇકલ હોય છે, જે ઉત્પાદકની વેબસાઇટ પરથી પણ જાણવા મળે છે. બૅટરીની સાઇકલ પૂર્ણ થાય ત્યારે તેને બદલી જ નાખવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.