રાજકોટમાં સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગના સપાટાએ શ્રીલંકાને સિરીઝ હરાવી દીધી

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ સ્પોર્ટ્સ રિપોર્ટર, બીબીસી માટે
  • શનિવારે રાજકોટમાં રમાયેલી ભારત - શ્રીલંકા વચ્ચેની ટી20 મૅચમાં સૂર્યકુમારે અણનમ 112 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકારીને માત્ર દર્શકોને જ નહીં પરંતુ ટેલિવિઝન સેટ પર ચોંટી રહેલા ક્રિકેટપ્રેમીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા
  • કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ તો ત્યાં સુધી કહી દીધું કે જે પ્રકારે સૂર્યકુમાર બૅટિંગ કરે છે તેવી બેટિંગની ઘણા બૅટ્સમૅન તો કલ્પના પણ નથી કરી શકતા
  • તેમણે લેપશૉટથી ત્રણ સિક્સર ફટકારી હતી
  • દરેક છગ્ગા એટલા દર્શનીય હતા કે બધા વાહ વાહ કરી ઉઠ્યાં
  • સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ હોય છે, તેવી જ રીતે એમનામાં આખા મેદાન પર શોટ રમવાની ક્ષમતા છે
  • સૂર્યકુમારે કહ્યું કે તૈયારી દરમિયાન તમે તમારા પર જેટલું દબાણ રાખશો, તેટલું સારું તમે રમી શકશો. મારી આ રમતમાં સખત મહેનત સમાયેલી છે

રાજકોટમાં સામાન્ય રીતે સૂર્યનો ઉજાસ સાંજના પાંચ વાગ્યા સુધી જ રહે છે. પરંતુ શનિવારે રાત્રે 8.30 વાગ્યા સુધી સૂર્ય ચમકતો રહ્યો. આ ચમકારો દેખાડી રહ્યા હતા સૂર્યકુમાર યાદવ. પોતાની અણનમ સદીથી ભારતને ત્રીજી ટી-20 મૅચ જીતાડવાની સાથે સાથે તેમણે ભારતને 2-1થી શ્રેણી પણ કબજે કરવામાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

સૂર્યકુમાર યાદવની બેટિંગ દરમિયાન દર્શકોથી ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં એટલો ઘોંઘાટ મચી ગયો હતો કે કંઈ સંભળાતું નહોતું. ખરેખર સૂર્યકુમારે પૈસા વસુલ બેટિંગ કરી. કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ તો ત્યાં સુધી કહી દીધું કે જે પ્રકારે સૂર્યકુમાર બેટિંગ કરે છે તેવી બેટિંગની ઘણા બૅટ્સમૅન તો કલ્પના પણ નથી કરી શકતા.

સૂર્યકુમારે અણનમ 112 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકારીને માત્ર દર્શકોને જ નહીં પરંતુ ટેલિવિઝન સેટ પર ચોંટી રહેલા ક્રિકેટપ્રેમીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે લેપશૉટથી ત્રણ સિક્સર ફટકારી હતી. દરેક છગ્ગા એટલા દર્શનીય હતા કે બધા વાહ વાહ કરી ઉઠ્યાં.

સૂર્યકુમારે ખૂબ વાહવાહી લૂંટી

સૂર્યકુમાર યાદવ દ્વારા રમાયેલા લેપશૉટ પર ટિપ્પણી કરતા ઈરફાન પઠાણે કહ્યું, "..... આવા શૉટ રમવા માટે વ્યક્તિએ માનસિક રીતે અલગ હોવું જરૂરી છે. તેમની પાસે સ્વૅગ છે, જીગરા છે અને સાથે અદ્ભુત ક્ષમતા પણ છે. તેમની સામે બૉલર જોફ્રા આર્ચર હોય કે મધુશંકા, તે આ શૉટ રમવામાં ક્યારેય ખચકાતા નથી. આ પ્રકારના શૉટ રમવા માટે ઘણા મહારથની જરૂર પડે છે, કારણ કે આવા બૉલ તમારા હેલ્મેટને લાગી પણ શકે છે."

અન્ય કૉમેન્ટેટર સંજય બાંગરે સૂર્યકુમાર વિશે જણાવ્યું હતું કે, "સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ હોય છે. તેવી જ રીતે એમનામાં આખા મેદાન પર શૉટ રમવાની ક્ષમતા છે. તે આ રમતની શૈલીથી આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. આથી જ તો આપણે બધા તેમને 360 ડિગ્રીવાળા ખેલાડી કહીએ છીએ.”

સૂર્યકુમારે કહ્યું, "તૈયારી દરમિયાન તમે તમારા પર જેટલું દબાણ રાખશો, તેટલું સારું તમે રમી શકશો. મારી આ રમતમાં સખત મહેનત સમાયેલી છે.”

આ સખત મહેનત તેમણે અત્યાર સુધી રમેલી 44 ટી-20 ઈન્ટરનેશનલના મૅચમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે આ મૅચોમાં તેમણે 43થી ઉપરની સરેરાશ અને 177થી ઉપરની સ્ટ્રાઈક રેટ સાથે 1466 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે."

સૂર્યકુમાર યાદવના આવા પ્રદર્શન બાદ કૉમેન્ટેટર સંજય બાંગરનું કહેવું છે કે તે એવા ખેલાડી છે કે તેમને ટેસ્ટ મૅચોમાં પણ અજમાવી શકાય છે. ભારતીય પસંદગીકારો તેમના વિશે શું વિચારે છે તે તો સમય જ કહેશે. પરંતુ તે નિશ્ચિત છે કે તેઓ આ વર્ષે ઘરઆંગણે યોજાનાર વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ચોક્કસપણે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઈનિંગને ગતિ આપી રાહુલ ત્રિપાઠીએ

રાહુલ ત્રિપાઠીની ક્ષમતાથી ક્રિકેટ પ્રેમીઓ પહેલાથી જ વાકેફ છે. તેનું કારણ છેલ્લાં કેટલાક વર્ષોમાં આઈપીએલમાં તેમનું શાનદાર પ્રદર્શન છે.

તેઓ એવા સમયે રમવા આવ્યા હતા જ્યારે ઓપનર ઈશાન પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા અને પછીની ઓવરમાં રજિથાએ મેડન ફેંકીને ટીમને દબાણમાં મૂકી દીધી હતી. આ સ્થિતિમાં રાહુલ ત્રિપાઠીએ આક્રમક બેટિંગ કરીને ટીમ પરથી દબાણ હટાવી દીધું હતું.

રાહુલ ત્રિપાઠીએ તિક્ષણાની એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમ પરથી દબાણ દૂર કર્યું એટલું જ નહીં, પણ તે કેવી રીતે બેટિંગ કરવી તે જાણે છે તે પણ બતાવી દીધું.

પહેલી મૅચમાં તેઓ કંઈ ખાસ કરી શક્યા નહોતા. તેથી જ લાગી રહ્યું હતું કે તેમના પર દબાણ આવી શકે છે. પરંતુ તેમની આ નિર્ભય શૈલી ટીમ માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે.

મજબૂત ઑલરાઉન્ડર અક્ષર પટેલ

ભારતને અક્ષર પટેલના રૂપમાં એક મજબૂત ઑલરાઉન્ડર મળ્યો છે. તેમના ઑલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે રમી શક્યા નહોતા ત્યારે અક્ષરને તક આપવામાં આવી હતી. તેમણે પોતાના પ્રદર્શનથી સાબિત કરી દીધું છે કે તે ટીમ માટે બેજોડ છે.

હવે સવાલ એ થાય છે કે શું જાડેજાની વાપસી બાદ અક્ષર ટીમમાં રહેશે કે કેમ?

એ તો પાક્કું છે કે ટીમ મૅનેજમૅન્ટ ચોક્કસપણે ખુશ હશે કે તેમની પાસે જાડેજાનો મજબૂત વિકલ્પ તૈયાર છે. હવે ટીમ મૅનેજમૅન્ટે તેની ઈજા કે લય ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી.

પરંતુ આટલું શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ જાડેજાના આગમન પર અક્ષરને બહાર બેસાડવામાં આવશે કે કેમ તે સવાલ ઊભો છે.

અર્શદીપે રંગ બતાવ્યો

તાજેતરના ભૂતકાળમાં અર્શદીપ ભારતીય પેસ એટૅકનું ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. તેઓ ઈજાને કારણે રમી ન શકેલા જસપ્રિત બુમરાહની ગેરહાજરીને મહેસૂસ થવા દીધી નથી. જોકે લાંબા સમય બાદ વાપસી કર્યા બાદ શ્રીલંકા સામેની બીજી ટી-20 મૅચમાં તેમની પહેલી જ ઓવરમાં ત્રણ નો બૉલ ફેંકવાની સૌથી વધુ ચર્ચા થઈ હતી.

પરંતુ આ મૅચમાં તેઓ પોતાની જાતને દબાણમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. શરૂઆતમાં નો બૉલ ટાળવાના દબાણ હેઠળ ભલે તે બૉલને યોગ્ય લાઇન પર ન રાખી શક્યા. પરંતુ તે ટૂંક સમયમાં જ અસલ રંગમાં આવી ગયા હતા. તેમણે 2.4 ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી અને તે સફળતમ સાબિત થયા.

યુવા ઝડપી બૉલર ઉમરાન મલિકે બતાવ્યું કે તેમની ગતિ અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે જે રીતે મહેશ તિક્ષણાની 150 કિમીની ઝડપે બૉલિંગ કરીને ડાંડી ઉડાડી તે બતાવે છે કે જો તેમને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તેઓ ભય ફેલાવી શકે છે.

ઉમરાન દરેક મૅચમાં પોતાની સ્પીડના કારણે વિકેટ લઈ રહ્યા છે, જોકે બૅટ્સમૅનો પણ તેમની સ્પીડનો ઉપયોગ મોટા શૉટ મારવા માટે કરી રહ્યા છે. આ માટે તેમના માટે સ્લોઅર બૉલ પર કામ કરવું પણ ખૂબ જ જરૂરી છે. જો તે આવું કરી શકશે તો તે ખૂબ જ સક્ષમ બૉલર બની શકશે.

યંગ બ્રિગેડનું પરાક્રમ

આ વર્ષે ઓડીઆઈ વર્લ્ડ કપ છે, તેથી બધુ ધ્યાન માત્ર ઓડીઆઈ ટીમ પર જ રહેશે. આ કારણથી રાહુલ દ્રવિડ 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવાઓને તક આપી રહ્યા છે.

ઝડપી બૉલર શિવમ માવી, અક્ષર પટેલ, દીપક હુડ્ડા અને ઈશાન કિશન આ પરીક્ષામાં સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે. પરંતુ હવે આ બધાને મોટી કસોટીમાં મુકવાની જરૂર છે, તો જ ખબર પડશે કે તેઓ કેટલા ઉપયોગી છે.

ભારતે આ શ્રેણીમાં શુભમન ગિલને ઓપનર તરીકે અજમાવ્યા હતા. તેઓ છેલ્લી મૅચમાં થોડો આત્મવિશ્વાસ મેળવવામાં સફળ રહ્યા હતા. તેમણે ચોક્કસપણે 44 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે લાંબા સમય સુધી ઇનિંગ્સને વેગ આપવામાં સફળ ન રહી શક્યા. તે જે પ્રકારના સ્ટ્રોક પ્લેયર છે, તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. શક્ય છે કે પ્રથમ બે મૅચમાં સારું ન રમવાનું દબાણ હોવાથી તેમને હજુ એક કે બે શ્રેણીમાં અજમાવવાની જરૂર છે.