‘પોલીસવાળાએ મારો બળાત્કાર કર્યો પરંતુ સજા અપાવવા ત્રણ વાર ખટલો ચલાવવો પડ્યો’

લોરેન કહે છે કે હાલ તેમના પર બળાત્કાર કરનાર વ્યક્તિ જેલમાં છે છતાં તેઓ આ મામલાને 'ભુલાવી નથી શકતાં'
ઇમેજ કૅપ્શન, લૉરેન કહે છે કે હાલ તેમના પર બળાત્કાર કરનાર વ્યક્તિ જેલમાં છે છતાં તેઓ આ મામલાને 'ભુલાવી નથી શકતાં'
    • લેેખક, સોન્યા જેસ્સપ અને લીઝ જૅક્સન
    • પદ, બીબીસી લંડન

“મને લાગે છે કે, હું ભયને કારણે સજ્જડબંબ થઈ ગઈ હતી.”

“મેં એવો ડોળ કરવા માંડ્યો કે હું ત્યાં હતી જ નહીં, જેની સાથે આ થયું એ હું નહોતી, એ બધું મારી સાથે નહોતું બની રહ્યું – આવું બધું વિચારીને હું આ અપાર દુ:ખની લાગણીનો સામનો કરી શકે અને સલામતપણે ઘરે પહોંચી શકી.”

આ શબ્દો છે લૉરેનના છે. તેઓ લંડનનાં છે અને 16 વર્ષનાં હતાં ત્યારે તેમની સાથે બળાત્કાર થયો હતો.

વર્ષ 2010માં જ્યારે મેટ્રોપોલિટન પોલીસ ઑફિસરે લૉરેન ટેલરનો બળાત્કાર કર્યો એ સમયે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં.

એડમ પ્રોવન લોરેન કરતાં બમણી ઉંમરનો હતો પરંતુ તેણે લૉરેનને પોતે 22 વર્ષનો હોવાનું કહ્યું હતું અને સિનેમામાં ડેટનો વાયદો કર્યો હતો.

પરંતુ આ પહેલાં તેણે કહ્યું હતું કે તે પૂર્વ લંડન ખાતે રોમફર્ડ પાર્કમાં ચાલવા જવા માગતો હતો. પરંતુ તેના સ્થાને એડમ લૉરેનને વૃક્ષોની આડશમાં લઈ ગયો અને તેમની સાથે રેપ કર્યો.

આ ઘટનાના એક દાયકા બાદ વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે પ્રોવનને સજા ફટકારી હતી.

સફોકના ન્યૂમાર્કેટ વિસ્તારના 44 વર્ષીય ભૂતપૂર્વ પોલીસ ઑફિસરને પહેલાં લોરેન પર બે વખત અને મહિલા પોલીસ અધિકારી પર વર્ષ 2003થી 2005માં છ વખત બળાત્કાર આચરવાના ગુના માટે 16 વર્ષની સજા કરાઈ હતી જે બાદ બાદમાં તેમની સજામાં આઠ વર્ષનો વધારો કરાયો હતો.

પરંતુ બંને મહિલાઓને ન્યાય અપાવવામાં વર્ષો વીતી ગયાં અને ત્રણ ત્રણ વખત કેસની ટ્રાયલ યોજાઈ હતી.

લૉરેને જણાવ્યું કે એક વખત બળાત્કાર કર્યા બાદ પ્રોવન એવું વર્તન કરવા લાગ્યો કે જાણે કશું જ નથી બન્યું. તેણે બાદમાં લૉરેનને મિલ્કશેક ખરીદીને આપ્યો અને તે બાદ તેમની સાથે ફરીથી બળાત્કાર આચર્યો.

પોલીસ પાસે જઈને તેમની સાથે બનેલા ગુનાની ફરિયાદ કરવામાં તેમને છ વર્ષનો સમય લાગ્યો.

બીબીસી ગુજરાતી

વારંવાર યોજાઈ કેસની ટ્રાયલ

જ્યારે પોલીસ અધિકારી એડમ પ્રોવને લોરેનનો રેપ કર્યો એ સમયે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં

ઇમેજ સ્રોત, MET HANDOUT

ઇમેજ કૅપ્શન, જ્યારે પોલીસ અધિકારી એડમ પ્રોવને લોરેનનો રેપ કર્યો એ સમયે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં

આ મામલાની કોર્ટ કાર્યવાહી વખતે પ્રથમ ટ્રાયલમાં જ્યૂરી કોઈ નિર્ણય પર પહોંચી શકી નહોતી. પરંતુ 2018માં બીજી ટ્રાયલમાં તેને બળાત્કારના ગુના માટે દોષિત ઠેરવી નવ વર્ષની સજા કરાઈ હતી.

વર્ષ 2019માં તેને મેટ્રોપોલિટન પોલીસે સેવામાંથી બરતરફ કરી દીધો. જોકે, આ નિર્ણય સામે કરાયેલી અપીલમાં તેને દોષિત જાહેર કરાયાનો નિર્ણય બદલી નખાયો હતો.

જોકે, આ કેસની સુનાવણી વખતે વધુ એક મહિલા હાજર હતાં જેમણે ત્યાં લોરેનની જુબાની સાંભળી હતી.

આ મહિલા પણ એક સમયે પ્રોવનની જેમ પોલીસ ઑફિસર હતાં. અને પ્રોવને તેમના પર પણ બળાત્કાર ગુજાર્યો હતો.

આ વર્ષે યોજાયેલી આ કેસની ત્રીજી ટ્રાયલમાં કોર્ટે મહિલા ઑફિસરની જુબાનીમાં નોંધ્યું કે તેમણે લૉરેનનો કેસ સામે આવ્યો એનાં વર્ષો પહેલાં મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટના ઉપરી અધિકારીઓને પોતાની સાથે થયેલા બળાત્કાર અને શોષણના કૃત્યની જાણ કરી હતી. પરંતુ તેમને પોતાની કારકિર્દી ખાતર મોઢું બંધ રાખવા કહેવાયું હતું.

પ્રોવનને લોરેનના રેપ માટે અગાઉ નવ વર્ષની સજા કરાઈ હતી, પરંતુ બાદમાં આ સજાનો નિર્ણય રદ કરાવવામાં તેમને સફળતા મળી હતી

ઇમેજ સ્રોત, MET POLICE

ઇમેજ કૅપ્શન, પ્રોવનને લોરેનના રેપ માટે અગાઉ નવ વર્ષની સજા કરાઈ હતી, પરંતુ બાદમાં આ સજાનો નિર્ણય રદ કરાવવામાં તેમને સફળતા મળી હતી

બીજાં મહિલાએ કોર્ટને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ “એક પીડિતા હતાં, છતાં તેમને પોતે શકમંદ હોય તેવું લાગ્યું.” તેઓ આગળ કહે છે કે, તેમને કામ પર “પોતાના પર દબાણ કરાઈ રહ્યું હોય એવું અને પોતાને ગુનેગાર ગણાવાઈ રહ્યાં હોય એવી લાગણીનો અનુભવ” થયો.

ગ્રે લાઇન

‘સત્યને કારણે હું આગળ વધતી રહી’

લોરેન જણાવે છે કે સત્ય જ એ “એકમાત્ર કારણ હતું જેના કારણે મેં આ લડત ચાલુ રાખી”
ઇમેજ કૅપ્શન, લોરેન જણાવે છે કે સત્ય જ એ “એકમાત્ર કારણ હતું જેના કારણે મેં આ લડત ચાલુ રાખી”
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહિલા પોલીસ અધિકારીના અનુભવથી વિપરીત લૉરેન જણાવે છે કે અધિકારીઓએ તેમની સાથે ખૂબ જ અલગ વ્યવહાર કર્યો અને તેઓ પોતાને મળેલી સહાય માટે આભારી છે.

29 વર્ષીય લૉરેન એક જાતીય શોષણના અપરાધનાં સર્વાઇવર હોવાને કારણે પોતાની ઓળખ છુપાવી શક્યાં હોત, પરંતુ તેઓ અપરાધનો સામનો કરનારા અન્યો પણ પોતાની ફરિયાદ લઈને સામે આવે એ હેતુસર પોતાની કહાણી જણાવવા માગે છે.

તેઓ કહે છે કે, “એ એક પોલીસ અધિકારી હતો એની જાણીને મને ઘૃણાનો અનુભવ થયો.”

“પોલીસ પાસે જઈને ફરિયાદ કરવાનું કામ ખૂબ હિંમત માગી લેતું સાબિત થયું.”

“પરંતુ મને લાગે છે કે પરિવાર કરતાં પણ વધુ મને તેઓ સહાયરૂપ થયા છે.”

કોર્ટેને આપેલા પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમના ઘણા સંબંધો રેપ અને સાક્ષી આપવાના કારણે તૂટ્યા છે. તેમજ તેમને હજુ પણ ઘણી વખત “ફ્લૅશબૅક અને પૅનિક ઍટેક” જેવા અનુભવો થાય છે.

પ્રોવન હાલ જેલમાં છે એ બાબતને લઈને તેઓ “કૃતજ્ઞ” હોવા છતાં તેમને વધુ એક ટ્રાયલમાંથી પસાર થવું પડ્યું એ વાતનો ગુસ્સો પણ છે.

તેઓ કહે છે કે, “જો હું પ્રમાણિકપણે કહું તો આ દરમિયાન હું ખૂબ મજબૂત રહી હોઉં એવું મને નથી લાગતું. પરંતુ મને લાગે છે કે જો કોઈ આ વાત માટે કંઈ કરી શકે એમ હોય તો એ હું જ છું.”

“મને સત્ય ખબર છે, અને એ જ એકમાત્ર વાત છે જેના કારણે મેં આ લડત ચાલુ રાખી.”

ગ્રે લાઇન

‘લિંગ આધારિત વિશેષાધિકારનું ઠંડા કલેજે કરેલું પ્રદર્શન’

પ્રોવનને સજા સુણાવતાં જજ લુકાસે કહ્યું કે પ્રતિવાદીએ “લિંગ આધારિત વિશેષાધિકારનું ઠંડા કલેજે પ્રદર્શન” કર્યું છે.

જજે કહ્યું કે વર્ષ 2005માં પ્રોવનના વર્તન અંગે મહિલા ઑફિસરે કરેલી ફરિયાદોને જે રીતે મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હૅન્ડલ કરાઈ એનાથી તેઓ વ્યથિત થયા હતા. તેમણે કહ્યું કે, પોલીસદળના લોકો “ફરિયાદીની વાત ગંભીરતાથી સાંભળવા કરતાં તેઓ પૈકીના જ એક અધિકારીને સાચવવા બાબતે વધુ ચિંતિત હતા.”

તેમણે કહ્યું હતું કે જો આ મામલાની વધુ તપાસ કરાઈ હોત તો કદાચ લૉરેનનો રેપ થયો જ ન હોત.

ટ્રાયલ દરમિયાન જૂરીને જાણવા મળ્યું કે પ્રોવન 1990ના દાયકાથી આવું વર્તન કરતો આવ્યો છે. વર્ષ 2003માં એક 16 વર્ષીય છોકરીએ સાક્ષી તરીકે પોતાની વિગતો આપ્યા બાદ તેની સાથે સંપર્ક કરવાનો આરોપ પણ પ્રોવન પર કરાયો હતો.

કોર્ટને જણાવાયું હતું કે વર્ષ 2005માં પણ વધુ એક મહિલા અધિકારીએ પ્રોવન પર “વણજોઈતા” મૅસેજ કર્યા હતા, પરંતુ આ સમગ્ર મામલાને “બિનઆધિકારિક” રીતે હૅન્ડલ કરાયો હતો.

જજ લુકાસે પ્રતિવાદી કહ્યું : “તારાં કૃત્યોને કારણે પોલીસદળનું નામ ખરાબ થયું છે.”

મેટ્રોપોલિટન પોલીસનાં આસિસ્ટન્ટ કમિશનર લુઇસા રોલ્ફે પ્રોવનનાં કૃત્યોને “અત્યંત ખેદજનક” ગણાવ્યાં હતાં.

તેઓ કહે છે કે, “શું અમે આ મામલામાં અગાઉ પગલાં લઈ તેને કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યા હોત કે તેને પોલીસદળમાં સામેલ થતા અટકાવી શક્યા હોત એ વાત સમગ્રપણે સમજવા માટે વિભાગમાં પ્રોવનના ગુનાઈત અને કામકાજને લગતા ઇતિહાસ અંગે તપાસ કરી રહ્યા છીએ”

“અમે અત્યારના તબક્કે જ જોઈ શકીએ છીએ કે એવી પણ કેટલીક ક્ષણો હતી જ્યાં અમે મહિલાઓને પૂરતો સહકાર પૂરો નથી પાડી શક્યા.”

તેમણે કહ્યું કે, “અમે પોલીસ કન્ડક્ટની સ્વતંત્ર ઑફિસને જાણ કરી દીધી છે કે અમે રિવ્યૂ કરી રહ્યા છીએ અને તેમને કહ્યું છે કે અમે જરૂરી હોય એ તમામ બાબતો આગળ રૅફર કરીશું.”

રેડ લાઇન
રેડ લાઇન