મહેસાણા: મુસ્લિમ વિદ્યાર્થિનીને 'ઇનામથી વંચિત રાખી અપમાનિત' કરાયાનો વિવાદ શું છે?

પિતા સનેવર ખાન સાથે દીકરી અરનાઝબાનુ

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ઇમેજ કૅપ્શન, પિતા સનેવર ખાન સાથે દીકરી અરનાઝબાનુ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની લુણવા ગામની શ્રી કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય નામની શાળા એક વિવાદિત ઘટનાથી ચર્ચામાં છે.

ગત સ્વતંત્રતા દિને લુણવા ગામની શ્રી કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં એક મુસ્લિમ વિદ્યાર્થિનીને સન્માનથી વંચિત રાખી અપમાનિત કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર મામલાની મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ પણ શરૂ કરી છે.

શું બન્યું હતું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ગત 15મી ઑગસ્ટના દિવસે લુણવા ગામની શ્રી કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય નામની શાળામાં એક સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

પરંતુ આ કાર્યક્રમમાં આખી સ્કૂલના તમામ વિધાર્થીઓમાં ધોરણ 10માં સૌથી વધુ માર્કસ લાવી પહેલા ક્રમે આવેલી એક મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝબાનુ સિપાઈને ઈનામ ન આપી તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.

મહેસાણા જિલ્લાના ડીઈઓ એ .કે .પટેલે આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "લુણવા ગામની શાળાની ઘટના મારા ધ્યાનમાં આવી છે. આ ઘટના અંગે તપાસ કરવા માટે અમારા અધિકારી તા.21 ઑગસ્ટને સોમવારે લુણવા ગામની શાળાની મુલાકાતે જવાના છે. આ શાળાનાં સંચાલક, આચાર્ય તેમજ પીડિત વિદ્યાર્થીનીના વાલીને પણ મળવાના છે. આ સમગ્ર બાબતે ચર્ચા કરવાના છે."

લુણવા ગામના સરપંચ રહિશાબહેન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા ગામની દીકરી અરનાઝબાનુ ધોરણ 10માં પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ હતી પરંતુ શિક્ષકો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું ન હતું. આ અંગે મેં શિક્ષકો સાથે વાત કરી છે."

"શિક્ષકોએ મને કહ્યું છે કે, અરનાઝબાનુ ધો. 11માં લુણવાની શાળામાં નહીં પરંતુ કહોડાની શાળામાં ભણવા ગઈ હતી. અમે લુણવાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું જ સન્માન કર્યું હતું. અમે શિક્ષકોને કહ્યું કે, આ દીકરી ધો.10માં તમારી શાળામાં જ ભણી હતી જેથી તમારે તેનું સન્માન કરવાનું હતું."

તેમના જણાવ્યા અનુસાર લુણવા ગામમાં પાંચ હજાર લોકોની વસ્તી છે. તેમાંથી ત્રણ હજાર જેટલી મુસ્લિમ લોકોની વસ્તી છે. લુણવા ગામમાં ચૌધરી, પંચાલ, ઠાકોર, રબારી, ઠાકોર તેમજ અન્ય જાતિના લોકો હળીમળીને ભાઈચારાથી રહે છે.

બીબીસી ગુજરાતી

વિદ્યાર્થિનીના પિતા શું કહે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lakshmi Patel

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીડિત વિદ્યાર્થિનીના પિતા સનેવર ખાન જણાવે છે કે, "હું ખેતી કરીને મારું ગુજરાન ચલાવું છું. અમે અમારી કેટલીય પેઢીઓથી આ જ ગામમાં રહીએ છીએ. અમારા પરદાદા વર્ષ 1954માં સિપાઈ હતા. અમારા ગામમાં અમને ક્યારેય ભેદભાવનો અનુભવ થયો નથી પરંતુ આ પહેલીવાર થયું કે મારી દીકરી પ્રથમ આવી હોવા છતાં તેના બદલે બીજા નંબર પર આવેલી વિદ્યાર્થિનીને ઇનામ આપવામાં આવ્યું છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મારી દીકરી અરનાઝબાનુ લુણવાની કે. પી. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ 10માં ભણતી હતી. મારી દીકરી ધોરણ 10માં 87 ટકા સાથે પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ હતી. વર્ષોથી અમારા ગામની શાળામાં ધોરણ 10માં અને ધોરણ 12નાં પરિણામમાં એકથી ત્રણ નંબરે ઉતીર્ણ થાય તેવા વિધાર્થીઓને તા. 15મી ઑગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિને ઈનામ આપી સન્માનિત કરવામાં આવે છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મારી દીકરી વર્ષ 2023માં ધોરણ 10માં સમગ્ર શાળામાં તમામ વિધાર્થીઓમાં પ્રથમ નંબરે પાસ થઈ હતી. તે સારા પરિણામથી ખૂબ જ ઉત્સાહમાં હતી. તા. 15મી ઑગસ્ટના દિવસે સવારે મારી દીકરી તૈયાર થઈ શાળામાં ગઈ હતી. તેને ખુશી હતી કે આજે સ્કૂલ તરફથી તેને પણ ઈનામ મળશે. અમે પણ અમારી દીકરીની પ્રગતિના કારણે ખુશ હતા."

"જોકે, મારી દીકરી શાળાએથી ખુશી ખુશી આવવાને બદલે રડતી રડતી ઘરે આવી હતી. દીકરીને રડતાં જોઈને તેને પૂછ્યું હતું કે શું થયું? તેણે મને રડતાં રડતાં ઇનામ ન આપ્યું હોવાનું અને બીજા નંબર ઉપર પાસ થનાર વિદ્યાર્થીને જ ઈનામ આપ્યું હોવાની માહિતી આપી હતી."

"આ મુદ્દે અમે શાળાના સંચાલક અને શિક્ષકોને વાત કરી હતી. શાળાના સંચાલક અને શિક્ષકો આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી. શાળાના સંચાલકો અને શિક્ષકો એકબીજાને ખો આપી રહ્યા છે."

"શાળાના શિક્ષકો સંચાલકના માથે જવાબદારી નાખે છે પરંતુ આ મુદ્દે અમને હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. શાળાના સંચાલકો અને શિક્ષકો કહે છે કે અમે આવતી તા. 26મી જાન્યુઆરીના દિવસે ઇનામ આપીશું."

"મારી કહેવું એમ છે કે, 15મી ઑગસ્ટે ઇનામ કેમ ન આપ્યું? તે અંગે મને જવાબ મળવો જોઈએ."

બીબીસી ગુજરાતી

શાળા સંચાલકોનું શું કહેવું છે?

શ્રી કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલયના સંચાલક બિપીન પટેલે જણાવ્યું હતું કે, "અમારી શાળામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. અમે દીકરીને તા. 26મી જાન્યુઆરીએ ઈનામ આપીશું. દીકરી એ દિવસે શાળામાં આવી ન હતી જેથી તેને કદાચ ઈનામ આપવામાં આવ્યું નહીં હોય. "

શ્રી કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલયના આચાર્ય અનિલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારી શાળામાં તા. 15મી ઑગસ્ટના દિવસે નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો."

"જે બાળકો અમારી શાળામાં ભણતાં હતાં તેમને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યું હતું. પ્રતિભાશાળી બાળકોને અમે 26મી જાન્યુઆરીએ ઇનામ આપીએ છીએ છતાં પણ જો કોઈ બાળકીનું મન દુઃખી થયું હોય તો શાળાના બીજા કાર્યક્રમમાં તેનું સન્માન કરીશું. તા. 26 જાન્યુઆરીએ અમે જે ઇનામ આપીએ છીએ તેમાં તે બાળકીનો સમાવેશ કરેલો છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી