સેલ્ફી લેતા ડૅમમાં પડી ગયેલો ફોન કઢાવવા અધિકારીએ 21 લાખ લિટર પાણી વહાવી દીધું

ઇમેજ સ્રોત, @RAMANMANN1974
- લેેખક, મેટિઆ બુબાલો
- પદ, બીબીસી ન્યૂઝ
પોતાનો ડૅમમાં પડી ગયેલ ફોન પાછો મેળવવા માટે ડૅમનું પાણી ખાલી કરવાનો આદેશ આપનાર સરકારી અધિકારીને ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરાયા છે.
સેલ્ફી લેતી વખતે રાજેશ વિશ્વાસ નામના અધિકારીનો ફોન ડૅમમાં પડી જતાં તેમણે ફોન પાછો મેળવવા માટે પમ્પથી ડૅમમાંથી લાખો લિટર પાણી ખાલી કરાવ્યું હતું. આ પ્રક્રિયામાં ત્રણ દિવસ થયા હતા.
પરંતુ ડૅમમાંથી જ્યારે ફોન મળ્યો ત્યારે તે બિનઉપયોગી થઈ ગયો હતો.
વિશ્વાસે આ મામલે ખુલાસો આપતાં કહ્યું હતું કે ફોનમાં સંવેદનશીલ સરકારી ડેટા હતો, જેને પાછો મેળવવાનું જરૂરી હતું, પરંતુ સામેની બાજુએ તેમના પર પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાનો આરોપ મૂકાઈ રહ્યો છે.
નોંધનીય છે કે ગત રવિવારે ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસનો એક લાખ રૂપિયાની કિંમતનો સેમસંગનો ફોન ખેરકટ્ટા ડૅમમાં પડી ગયો હતો.
તેમણે સ્થાનિક મીડિયાને પોતાના એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સ્થાનિક તરવૈયા તેમનો ફોન શોધવામાં નિષ્ફળ રહ્યા તે બાદ તેમણે પાણી કઢાવવા માટે ડીઝલ પંપ મગાવ્યો.
તેમણે કહ્યું તેમની પાસે ડૅમમાંથી “થોડું પાણી ખાલી કરાવી નજીકની કૅનાલમાં રેડવાની” મૌખિક મંજૂરી હતી. વધુમાં અધિકારીએ કહ્યું “આ પગલાથી ખેડૂતોને લાભ થશે કારણ કે આનાથી તેમની પાસે ઉપયોગ કરવા વધુ પાણી હશે.”
પંપ ઘણા દિવસો સુધી ચલાવાયો અને 20 લાખ લિટર પાણી ખાલી કરવામાં આવ્યું. અહેવાલો અનુસાર આટલા પાણીથી 600 હેક્ટર જમીન માટે સિંચાઈની વ્યવસ્થા થઈ શકી હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ફરિયાદ બાદ જ્યારે પાણી પુરવઠા વિભાગના અન્ય અધિકારી સ્થળે આવ્યા ત્યારે તેમનું આ મિશન અધવચ્ચે જ અટકાવી દેવાયું.
એક રાષ્ટ્રીય અખબારને કાંકેર જિલ્લાનાં અધિકારી પ્રિયંકા શુક્લાએ આ મામલે કહ્યું હતું કે, “તપાસ પૂરી થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરાયા છે, જળ એ મહત્ત્વપૂર્ણ સંસાધન છે અને તેને આવી રીતે વેડફી ન શકાય.”
જોકે, સામેની બાજુએ વિશ્વાસ પોતાના પદનો ગેરલાભ ઉઠાવ્યાની વાત નકારે છે. તેમણે કહ્યું હતું કે, “તેમણે ડૅમના ઓવરફ્લો સૅક્શનમાંથી પાણી બહાર કઢાવ્યું હતું જે વાપરવા યોગ્ય સ્થિતમાં નહોતું.”
પરંતુ તેમના આ પગલાની રાજકારણીઓ દ્વારા પણ ટીકા કરાઈ છે. રાજ્યમાં વિપક્ષ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે આ મામલે ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, “આવા બળબળતા ઉનાળામાં જ્યારે લોકો પાણી માટે ટૅન્કરો પર નિર્ભર છે અને બીજી બાજુ એક અધિકારીએ 1,500 એકર જમીન માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી શકાઈ હોત એટલું 41 લાખ લિટર પાણી ખાલી કરાવ્યું.”














