'ગરમી નીકળે' એટલે પેશાબમાં બળતરા સહિત શું તકલીફ થાય, ડાયાબિટીસના દર્દીએ શું કાળજી રાખવી?

    • લેેખક, ડૉ. દેશ પીઆર
    • પદ, બીબીસી માટે

પેશાબ કરવા જતી વખતે બળતરા થવી, પગના તળિયે અને હથેળીમાં બળતરા થવી, ચહેરા પર ખીલ થવા, ચામડી પર ફોડલીઓ થવી, ચામડી પર સોજો આવવો, તાવ ન હોવા છતાં શરીર ગરમ લાગવું, મોંમાં ચાંદાં પડવાં, વગેરેને બોલચાલની ભાષામાં ગરમી નીકળવી કહેવાય છે.

જોકે, તબીબી પરિભાષામાં 'ગરમી' શબ્દ માટે કોઈ યોગ્ય શબ્દ ઉપલબ્ધ નથી. તબીબી પરિભાષામાં ઉપરોક્ત બધાં લક્ષણો માટે જુદાં જુદાં કારણો છે.

પાણી ન પીવાથી પેશાબમાં બળતરા સહિતની શું સમસ્યા થાય?

આ એક એવી સમસ્યા છે, જેનો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં વારંવાર સામનો કરે છે. પૂરતું પાણી ન પીવાથી અને મૂત્રમાર્ગ (યુરિનરી ટ્રેક્ટ)માં ચેપ લાગવાના કારણે આ સમસ્યા થાય છે.

જ્યારે તડકો ખૂબ વધારે હોય, ત્યારે આપણા શરીરમાંથી પરસેવારૂપે પાણી બહાર નીકળી જાય છે. આ સ્થિતિમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઝાડા અને ઊલટી એવી સ્થિતિ છે, જે શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. આમ છતાં, સામાન્ય કરતાં વધુ પાણી પીવું જોઈએ.

જ્યારે અમુક પ્રકારના ખાદ્ય પદાર્થ ખાવામાં આવે, ખાસ કરીને ઘઉં, ઓટ્સ, રાગી, બાજરી, વગેરેને જ્યારે ઓછા પાણીથી રાંધીને ખાવામાં આવે ત્યારે તેમાં રહેલા ફાઇબર આંતરડામાં પાણીને શોષી લે છે. તેથી, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને પેશાબમાં બળતરા થાય છે.

એટલે એવું કહેવાય છે કે, જ્યારે તમે રોટલી ખાઓ ત્યારે જો યોગ્ય રીતે પાણી ન પીઓ, તો તેનાથી ગરમી થઈ જશે.

વધારે મસાલેદાર શાકભાજી, મીઠું વધારે હોય તેવા પદાર્થો, તેલ વધારે હોય તેવા પદાર્થો અને માંસ ખાતાં સમયે વધુ પાણી પીઓ. નહીંતર, પેશાબનું પ્રમાણ વધે છે અને બળતરા થાય છે.

મૂત્રમાર્ગમાં ચેપ હોય તોપણ પેશાબમાં બળતરા થાય છે. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી પેશાબની ઘનતા વધે છે અને તેમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે.

અસ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવાથી અથવા જનનાંગો ધોવા માટે ગંદા પાણીનો ઉપયોગ કરવાથી મૂત્રમાર્ગમાં ચેપ લાગે છે.

કેટલાંક માતાપિતા નાનાં બાળકોને શૌચ કર્યા પછી સાફ કરતી વખતે પાછળથી આગળ સુધી ધુએ છે. આવા કિસ્સામાં મળમાં રહેલા ઇ કોલાઇ રોગાણુ મૂત્રમાર્ગમાં પહોંચી શકે છે અને ચેપનું કારણ બની શકે છે. તેથી શૌચ કર્યા પછી ફક્ત આગળથી પાછળ તરફ જ સફાઈ કરવી જોઈએ.

જો ચેપ લાગે તો, શરદી અને તાવ, ઠંડી લાગવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો અને વારંવાર પેશાબ લાગવો જેવાં લક્ષણો દેખાય છે. જો આવું થાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઉનાળામાં ડાયાબિટીસના દર્દીએ શું કાળજી રાખવી?

પગના તળિયે અને હથેળીમાં બળતરા થવા માટે ઘણાં કારણો છે, પરંતુ, મોટા ભાગના લોકોને બે કારણસર આવું થાય છે.

એક તો ડાયાબિટીસ. 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ, જો પગ અને હાથમાં વારંવાર બળતરા થતી હોય તો, શુગર ટેસ્ટ કરાવવો જોઈએ. જે લોકોને બ્લડશુગર વધારે હોય તેમની ચેતાઓને ઝડપથી નુકસાન પહોંચે છે.

બીજું કારણ વિટામિન B12ની ઊણપ છે. આ ઊણપ કોઈ પણ વયજૂથમાં થઈ શકે છે. વિટામિન B12 માંસ, માછલી, દૂધ, દહીં અને ઈંડામાં જોવા મળે છે. જે લોકો સંપૂર્ણ શાકાહારી છે તેમનામાં આ વિટામિનની શક્યતા ઓછી હોય છે અને તેમની ચેતાઓને નુકસાન થવાની સંભાવના રહે છે. તેમને બેથી ચાર અઠવાડિયાં સુધી B12ની સારવાર આપવી જોઈએ. B12 સપ્લિમેન્ટ્સ પણ દરરોજ આપવા જોઈએ.

જો પુષ્કળ પાણી પીધા પછી પણ હાથ-પગની બળતરા ઓછી ન થાય, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જે લોકો દરરોજ દારૂ પીએ છે, તેમના પગના તળિયે અને હથેળીઓમાં બળતરા થાય છે, ખેંચ આવે છે અને ખાલી ચડી જતી હોય છે. આવું બી1 અને બી12ની ઊણપને કારણે થાય છે.

ચહેરા પર ખીલ અને ચામડી પર ફોડલી ન થાય એ માટે શું ધ્યાન રાખવું?

જ્યારે શરીરમાં પાણી શોષાઈ જાય છે એટલે કે ડિહાઇડ્રેટેડ હોય છે, ત્યારે ચામડી શુષ્ક થઈ જાય છે. જેનાથી ચામડી ફાટી જાય છે અને ચેપ લાગી શકે છે.

ખીલ અને ફોડલીઓ ચેપને કારણે થાય છે. દિવસમાં બે વાર સ્નાન કરવાથી અને સ્નાન કર્યા પછી ત્વચા પર તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે. આમ કરવાથી ચામડી ફાટી જતી અટકી જશે.

જ્યારે તમે ઘણી બધી મીઠાઈઓ (જેમ કે કેરી) ખાઓ છો, ત્યારે શરીરમાં શર્કરા (ખાંડ)નું પ્રમાણ વધી જાય છે અને રોગાણુઓ ચામડીમાં પ્રવેશે છે અને ચેપનું કારણ બને છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય, તો તે થોડા દિવસોમાં જ આપમેળે ઘટી જશે.

જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને ઍન્ટિબાયૉટિક્સ આપવી જોઈએ. જે લોકોને વારંવાર આ પ્રકારનો ચેપ લાગે છે, તેમણે મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ અને શુગર (ડાયબીટીસ) ટેસ્ટ પણ કરાવવો જોઈએ.

તાવ ન હોય તો પણ શરીર કેમ ગરમ લાગે છે?

જ્યારે તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હોય, એટલે કે, તમે ડિહાઇડ્રેટેડ હોવ, જ્યારે તમે લાંબા સમય સુધી તડકામાં હોવ, ત્યારે શરીર ગરમ થઈ જાય છે.

સામાન્ય રીતે, પરસેવો શરીરને ઠંડું કરતું હોય છે; પરંતુ જો વાતાવરણમાં ખૂબ ગરમી હોય, તો પરસેવો નહીં થાય.

આવી સ્થિતિમાં શરીર ગરમ થઈ જાય છે. આવું થાય ત્યારે શરીરને તાત્કાલિક ઠંડું કરવું જોઈએ. એટલે, ઠંડી જગ્યાએ જાઓ અને ભીનાં કપડાંથી શરીર સાફ કરો.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. જો કોઈ વ્યક્તિ બોલી શકતો ન હોય, તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ?

આ વિટામિન B2ની ઊણપને કારણે થાય છે. દૂધ, ડેરી ઉત્પાદનો, ઈંડાં, માંસ, માછલી અને પાંદડાંવાળાં શાકભાજીમાં રિબોફ્લેવિન (B2) વધુ પ્રમાણમાં હોય છે. જો તમને મોંમાં ચાંદાં પડ્યાં હોય તો B2 ટેબ્લેટ ઓછામાં ઓછા 4-5 દિવસ સુધી લેવી જોઈએ. ઓછી ઊંઘ અને તણાવ પણ મોંમાં ચાંદાંનું કારણ બની શકે છે.

દરરોજ ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીઓ. ઉનાળાની ઋતુમાં દિવસમાં ઓછામાં ઓછું અઢીથી ત્રણ લીટર પાણી જરૂર પીઓ. બધા પ્રકારના ખાદ્ય પદાર્થો – ફળો, શાકભાજી, માંસ, તેલ કે ઘી, ઘઉં, કાચા ચોખા, રાગી, જુવારનો રિફાઇન્ડ ન હોય તે રીતે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

દહીં અને છાશના વધારે સેવનથી ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે. દિવસમાં ઓછામાં ઓછા 7થી 8 કલાકની ઊંઘ લો. ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો. ઠંડાં પીણાં અને દારૂ બિલકુલ ન પીઓ.

ચા-કૉફી પીવાનું ઓછું કરવું જોઈએ. પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવો જોઈએ નહીં. મુસાફરી દરમિયાન, ઑફિસ, શાળા-કૉલેજ વગેરે સ્થળે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી ચેપનું જોખમ વધી શકે છે.

આ પ્રકારની સાવચેતીઓ રાખવાથી ગરમીનાં લક્ષણો દૂર કરી શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન