સુરત : એક સમયે જ્યાં ઠેરઠેર ગંદકીના ઢગ હતા એ ભારતનું સૌથી સ્વચ્છ શહેર કઈ રીતે બની ગયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonawane/BBC

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ડાયમંડ અને સિલ્ક સિટી તરીકેની ઓળખ ધરાવતું સુરત શહેર 'સ્વચ્છ સર્વેક્ષણ 2023'માં ઇન્દોરની સાથે સંયુક્તપણે પ્રથમ ક્રમે આવ્યું છે એટલે દેશના 'સૌથી સ્વચ્છ શહેર' તરીકેની ઓળખ એક વર્ષ સુધી તેની સાથે જોડાયેલી રહેશે.

ત્રણ દાયકા પહેલાં સુરતની ઉપર 'ગંદા શહેર'નો ડાઘ હતો અને એક મહામારીએ આ વાતને ખુલ્લી પાડી દીધી હતી. એ ભયાનક બીમારીને કારણે શહેરમાં ડઝનબંધ લોકોનાં મૃત્યુ થયાં અને હજારો લોકો હિજરત કરી ગયા હતા.

આવા કપરા સમયે એક સનદી અધિકારીની શહેરમાં નિમણૂક થઈ, જેણે સુરતની સૂરતને બદલી નાખવા માટે ઝુંબેશ ઉપાડી. તેમણે પોતાનાં આચરણ અને પ્રયાસોથી સ્વચ્છતા માટે એવા માપદંડ સ્થાપિત કર્યા કે ભાવિ શાસકો અને અધિકારીઓ સામે તેના ઉપર ખરા ઊતરવાનો પડકાર રહ્યો.

બીબીસી ગુજરાતી સુરત

ઇમેજ સ્રોત, www.suratmunicipal.gov.in/

શહેરના નાગરિકોમાં પણ સ્વચ્છતાને માટે જાગૃતિ આવી. તાજેતરનાં વર્ષોમાં સફાઈની બાબતમાં સુરતે કરેલી પ્રગતિ માટેનું શ્રેય નાગરિકો અને સ્થાનિક સંસ્થાઓને પણ આપવામાં આવે છે. આ સિવાય સાનુકૂળ રાજકીય બાબતોએ પણ સુરતને મદદ કરી છે.

ભૂતકાળમાં ત્રણેક વખત દેશના 'સૌથી સ્વચ્છ શહેર'ના પુરસ્કારથી ચૂકી જનારું સુરત પહેલી વખત સર્વોચ્ચ સ્થાને પહોંચ્યું છે, જ્યારે મધ્યપ્રદેશનું ઇન્દોર સતત સાતમી વખત એક લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની યાદીમાં સૌથી ટોચ ઉપર રહ્યું હતું.

કેવી રીતે સુરતના સ્કોરમાં સુધારો થયો?

સુરત શહેરને સૌથી સ્વચ્છ બનાવવામાં નાગરિકોનો સહકાર અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો હોવાનું મનાય છે

ઇમેજ સ્રોત, Project Surat

ઇમેજ કૅપ્શન, સુરત શહેરને સૌથી સ્વચ્છ બનાવવામાં નાગરિકોનો સહકાર અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો હોવાનું મનાય છે

વર્ષ 2023નું સર્વેક્ષણ 'વેસ્ટ ટુ વૅલ્થ'ના વિષય ઉપર કેન્દ્રિત હતું. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લગભગ 210 પાનાંની 'ટુલકિટ' મોકલવામાં આવી હતી. જેમાં કઈ બાબતના કેટલા માર્ક્સ રહેશે અને કુલ ટકાવારીમાં તેનો કેટલો ભાગ રહેશે, તેની માહિતી આપવામાં આવી હતી.

કુલ નવ હજાર 500 માર્કમાંથી સેવાસ્તરે પ્રગતિ માટે 51 ટકા, સર્ટિફિકેશન માટે 26 ટકા અને નાગરિકોની વાચાને 23 ટકા ફાળવવામાં આવ્યા હતા. જેનો પહેલો તબક્કો એપ્રિલ-મે 2022, જૂન-જુલાઈ 2022 દરમિયાન બીજી કક્ષા, ઑગસ્ટથી સપ્ટેમ્બર 2022 દરમિયાન ત્રીજા વિભાગની અને ઑક્ટોબર-2022થી માર્ચ-2023 દરમિયાન ચોથા સ્તરે પ્રગતિ ચકાસવામાં આવી હતી.

2023ના સર્વેક્ષણ દરમિયાન ડોર-ટુ-ડોર કલેક્શન, કચરાનું વિભાજન અને તેના પ્રૉસેસિંગ, ડમ્પસાઇટોને દૂર કરવાની દિશામાં પ્રયાસ, રહેણાક વિસ્તારોમાં સ્વચ્છતા, બજારોમાં સ્વચ્છતા, જળસ્રોતોની સ્વચ્છતા અને સાર્વજનિક શૌચાલયોની સ્વચ્છતા બાબતે સુરતને પૂરેપૂરા ગુણ મળ્યા હતા. જ્યારે સ્રોતવિભાજનની બાબતમાં 98 પૉઇન્ટ મળ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સુરત

ઇમેજ સ્રોત, Rupesh Sonawane/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સર્વેક્ષળકાળ દરમિયાન હેમાલી બોઘાવાલા સુરતનાં મેયર હતાં, જેઓ સપ્ટેમ્બર-2023 સુધી આ પદ પર રહ્યાં. બોઘાવાલાના કહેવા પ્રમાણે, "અગાઉ બે-ત્રણ વખત સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બનતા રહી ગયું હતું એટલે અમે પ્રયાસો વધારી દીધા હતા. અમને વિશ્વાસ હતો કે આ વખતે સુરત ચોક્કસથી પ્રથમ ક્રમે આવશે."

"અમે રાત્રિ દરમિયાન સફાઈ અને તેનું મૉનિટરિંગ સુદૃઢ કર્યું હતું અને સફાઈપ્રક્રિયામાં જરૂરી સુધારાવધારા કર્યા હતા. આ સિવાય રસ્તા સાફ કરવા માટેનાં નવાં સ્વિપિંગ મશીન વસાવ્યાં હતાં. મહાનગરપાલિકા દ્વારા શહેરને 'કન્ટેનર મુકત' બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી, જેના કારણે 'ઍક્શન-રિઍક્શન' પણ થયાં."

"છતાં શહેરને કન્ટેનરમુક્ત કરવામાં સફળતા મળી. આને પગલે 'ડોર-ટુ-ડોર' કચરો એકઠો કરવાના અમારા પ્રયાસોના હકારાત્મક પરિણામ મળવા લાગ્યાં. આ સિવાય જાગૃતિને કારણે નાગરિકો અને સૂકા કચરા અને ભીના કચરાને અલગ કરવામાં સહયોગ આપી રહ્યા છે. પ્લેગ હોય કે પૂર નાગરિકોનો સહયોગ મળ્યો છે."

બોઘાવાલાના કાર્યકાળ દરમિયાન યોજાયેલા પહેલા સર્વેક્ષણ દરમિયાન સુરત અને ઇન્દોરથી લગભગ 220 પૉઇન્ટથી છેટું રહી ગયું હતું. સર્ટિફિકેશનની બાબતમાં બંને શહેરના સ્કોરમાં લગભગ 200 પૉઇન્ટનો તફાવત હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો. બોઘાવાલા શહેરની સિદ્ધિનું શ્રેય મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓ, સ્ટાફ, નાગરિકો અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગને આપે છે.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાપી નદીની સફાઈ માટે જનભાગીદારીથી અભિયાન હાથ ધર્યું હતું. ધારાસભ્યની ટિકિટ માટેની દાવેદારીમાં આ અભિયાનની સફળતાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

સફળતામાં સુરતીઓનો સહયોગ

બીબીસી ગુજરાતી, સુરત

ઇમેજ સ્રોત, Rupesh Sonawane/BBC

સુરતની સ્વચ્છતા માટે શહેરની સખાવતી, વેપારી, ઔદ્યોગિક, સ્વૈચ્છિક સંસ્થાઓ સમયાંતરે આગળ આવતી રહી છે. પછી ભલે તે ડુમસ બીચની સફાઈની વાત હોય કે તાપી નદીમાંથી કચરો દૂર કરવાનું અભિયાન.

આવું જ એક અભિયાન 'પ્રોજેક્ટ સુરત'નું છે. સંસ્થા દ્વારા 'સફાઈ સન્ડે'ના નામથી દર રવિવારે શહેરના જળસ્રોતો, દરિયાકિનારા, અને સાર્વજનિક સ્થળોને સાફ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવે છે અને નાગરિકો તેમાં સ્વૈચ્છિક રીતે જોડાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 107મા એપિસોડમાં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રોજેક્ટ સુરતના ફાઉન્ડર આકાશ બંસલ છે, તેમના કહેવા પ્રમાણે :

"અમારી પ્રવૃત્તિ 'સફાઈ સન્ડે'ની શરૂઆત એપ્રિલ-2019ના એક શનિવારે થઈ. હું અને મારા કેટલાક મિત્રો ડુમસ બીચ પર ફૂટબૉલ રમવા એકઠા થવાના હતા. તેમને આવવામાં મોડું થવાનું હતું. આથી, એટલો સમય મેં બીચની સફાઈ કરવાનું શરૂ કર્યું, જેથી કરીને ફૂટબૉલ રમવામાં અનુકૂળતા રહે."

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonawane/Surat

"ફ્રી ઑશન ડાઇવિંગ પ્રત્યેની રુચિને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યે વિશેષ સંવેદના રહી છે. ઘરે જઈને મને થયું કે સફાઈ માટે કંઈક કરવું જોઈએ એટલે મેં મારા મિત્રોને પછીના દિવસે બીચની સફાઈ માટે આવવાનું આમંત્રણ આપ્યું. એ રવિવારે મારા સાત મિત્રો ડુમસ બીચની સફાઈ માટે આવ્યા."

"આ વાત મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચી એટલે પછીના રવિવારે લગભગ પાંચસો લોકો અને તેના પછીના રવિવારે લગભગ એક હજાર લોકો ડુમસ બીચને સાફ કરવા માટે એકઠા થયા. આમ તે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરતી ગઈ."

સંસ્થાનો દાવો છે કે બે હજાર 100 કરતાં વધુ લોકો 'સસ્ટેનૅબલ સુરત' બનાવવાના અભિયાન સાથે સક્રિયપણે જોડાયેલા છે, જ્યારે પચાસ હજાર કરતાં વધુ લોકોએ સેવાકાર્યોમાં ફાળો આપ્યો છે. સંસ્થાએ અત્યાર સુધીમાં અઢી લાખ કિલોગ્રામ કરતાં વધુનો ઘન કચરો એકઠો કર્યો છે. સંસ્થાના સ્વયંસેવકો બુલડોઝર, ટ્રેક્ટર તથા અન્ય સાધનો ઉપરાંત જરૂર પડ્યે કાયક દ્વારા જળસ્રોતોની સફાઈ માટે પાણીમાં ઊતરે છે.

આ સિવાય ડુમસ ફેસ્ટ દ્વારા મ્યુઝિક બૅન્ડ, પર્યાવરણ સત્સંગ, યોગ તથા ખેલપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં સફાઈ અને જળસ્રોતોમાં કચરાની બાબતે જાગૃતિ આવે તે માટે શાળા-કૉલેજોમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

ભીંતચિત્રો દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પ્રયાસ હાથ ધરવમાં આવે છે. શહેરના અંબિકા નિકેતન ખાતે વૃક્ષારોપણ અને ગંગા-યમુનાની તર્જ ઉપર તાપી નદીની આરતી અને દીપોત્સવ જેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યા છે.

બંસલ સહિત અનેક શહેરીજનો અને નિષ્ણાતો માને છે કે 'સુરતની સ્વચ્છતાના સ્થપતિ' એસ.આર. રાવ છે. રાવ લગભગ અઢી વર્ષ માટે સુરતના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમણે એક આપદા બાદ શહેરનું સુકાન સંભાળ્યું હતું અને એ પછી નાગરિકોના વલણમાં પણ પરિવર્તન આવ્યું હતું.

સુરતમાં પ્લેગની આપદા

સુરતમાં પ્લેગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સપ્ટેમ્બર-1994માં સુરતની ઉપર પ્લેગ નામની મહામારી ફાટી નીકળી હતી, જેના કારણે શહેરમાં અંધાધૂંધીની સ્થિતિ ફેલાઈ ગઈ હતી. ચાંચડથી ચેપગ્રસ્ત ઉંદરોને કારણે આ બીમારી લોકોમાં પહોંચી હતી અને લોકો પણ તેના વાહક બની ગયા હતા.

એન્સાઇક્લોપીડિયા ઑફ પ્લેગ ઍન્ડ પૅસ્ટિલન્સમાં (184-187) ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, "વર્ષ 1993માં (સપ્ટેમ્બર મહિનામાં) લાતુરમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં દસ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તેમને સહાય માટે અનાજ અને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી હતી. જેના કારણે ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો."

"ચાંચડથી ચેપગ્રસ્ત ઉંદરોને કારણે મહારાષ્ટ્રમાં ગાંઠિયા તાવે (બ્યુબોનિક પ્લેગ) સૌપ્રથમ દેખા દીધી. જોકે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે અધિકારીઓ દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવ્યો."

વર્ષ 2020-'21 દરમિયાન ભારત સહિત વિશ્વભરનો કોરોનાએ ભરડો લીધો હતો. જેનો ડેલ્ટા વૅરિયન્ટ વિશ્વભરમાં ભારે જાનહાનિનું કારણ બન્યો હતો. એવી જ રીતે પ્લેગના ગાંઠિયા તાવે સ્વરૂપ બદલીને ન્યુમોનિક પ્લેગનું નવું રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે લોકોનાં મૃત્યુ થવા લાગ્યાં હતાં.

ઉપરોક્ત પુસ્તકમાં આપવામાં આવેલી વિગતો મુજબ : ચેપગ્રસ્ત વ્યક્તિનાં થૂંક, લાળ અને છીંક દ્વારા આ રોગ લોકોમાં ફેલાઈ રહ્યો હતો. લગભગ પંદર લાખની વસતિ ધરાવતા સુરતમાંથી લગભગ ચાર લાખ લોકો હિજરત કરી ગયા હતા, જેમાં ડૉક્ટરોનો પણ સમાવેશ થતો હતો.

મુંબઈ, સુરત ઉપરાંત દિલ્હી અને કલકત્તામાં પણ પ્લેગના કેસ નોંધાયા હતા. ઍન્ટિબાયોટિક અને ટેટ્રાસાયક્લિન જેવી દવાઓ દ્વારા બીમારોની સારવાર હાથ ધરવામાં આવી.

પહેલી ઑક્ટોબરે વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ ભારતમાં પ્લેગની સ્થિતિ સુધરી હોવાનું જણાવ્યું અને ભારતીય અધિકારીઓએ પ્લેગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. ઑક્ટોબર મધ્ય સુધીમાં સ્થિતિ થાળે પડવા લાગી.

સત્તાવાર રીતે સુરતમાં પ્લેગને કારણે 54 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અનૌપચારિક રીતે આ આંકડો 300 કરતાં વધારેનો હતો, કારણ કે અનેક પરિવારોએ મૃતકોના પરીક્ષણ કરાવ્યા વગર જ તેમના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરી નાખ્યા હતા.

સુરતની સ્વચ્છતા માટે એસ. આર. રાવનો નિર્ધાર

ડાયમંડ બુર્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડાયમંડ બુર્સ એ સુરતના પ્રગતિપથ ઉપર વધુ એક મુકામ છે

ગુજરાતમાં આ સમય રાજકીય અસ્થિરતાનો હતો. હજુ સુરતીઓને પ્લેગની કળ વળે ત્યાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ. ચૂંટણીપ્રક્રિયા બાદ માર્ચ-1995માં પહેલી વખત સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં ભાજપની સરકાર બની અને કેશુભાઈ પટેલ તેના મુખ્ય મંત્રી હતા.

નવી સરકારે શરૂઆતના મહિનાઓમાં બદલી હાથ ધરી અને સુરતના મ્યુનિસિપલ કમિશનરનો પણ તેમાં સમાવેશ થતો હતો. તા. ત્રીજી મે 1995ના રોજ એસ. આર. રાવને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો.

મૂસા રઝા, એસ.સી. હલદર, કે. રામમૂર્તિ અને એન. ગોપાલસ્વામી જેવા અધિકારીઓ અગાઉ આ પદ ઉપર રહી ચૂક્યા હતા. રાવની સામે તેમના પુરોગામીઓ કરતાં સારું પર્ફૉર્મ કરીને સુરતને પ્લેગમાંથી બેઠું કરવાનો પડકાર હતો.

સુરતમાં પ્લેગના ફેલાવા માટે ગંદકી, ઉભરાતી ગટરો અને અનિયમિત સફાઈ જેવા કારણો જવાબદાર હતાં એટલે નવનિયુક્ત કમિશનર રાવે આ દિશામાં કામ શરૂ કર્યું. મૂળ સુરતના વરિષ્ઠ પત્રકાર અજય નાયકે ગત ત્રણ દાયકા દરમિયાન શહેરમાં આવેલા પરિવર્તનને જર્નાલિસ્ટ તરીકે નજીકથી જોયું છે. નાયકના કહેવા પ્રમાણે:

"એ સમયનું સુરત અત્યાર જેટલું વિકસિત ન હતું અને તે જૂના સુરતની આસપાસ જ કેન્દ્રિત હતું. ઠેરઠેર કચરા અને ગંદકીના ઢગલા જોવા મળતા હતા. મોટા પાયે ગોબરાઈ પ્રવર્તમાન હતી. જો સ્વચ્છતા જાળવવામાં આવે તો પ્લેગ તથા આવી બીજી બીમારીઓથી બચી શકાશે એ સ્પષ્ટ થઈ ગયું હતું."

"ગુજરાતીમાં કહેવત છે કે 'કહેવા કરતાં કરી દેખાડો' અને આ વાતને એસ. આર. રાવે ચરિતાર્થ કરી દેખાડી હતી. તેમણે તંત્રને ટાઇટ કર્યું. તેઓ સફાઈ માટે રસ્તા ઉપર ફરતા રહેતા. જરૂર પડ્યે રાવ પોતે મોઢા પર બુકાની બાંધીને હાથમાં ઝાડુ ઉપાડી લેતા, જેના કારણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટાફને તેમની જવાબદારીનું ભાન થયું."

"સફાઈ માટે કૉર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે પછીના કમિશનરો અને સત્તાધીશો માટે 'મૅન્યુઅલ' જેવા બની ગયા. એસ. આર. રાવે જે માપદંડ સ્થાપિત કર્યા, એ મુજબ કે એનાં કરતાં વધુ સારું કામ થાય તેનો બેન્ચમાર્ક તેમની સામે રહ્યો."

કેશુભાઈના મુખ્ય મંત્રી તરીકેના સૌપ્રથમ અને ટૂંકા કાર્યકાળ બાદ તેમના સ્થાને સુરેશ મહેતા આવ્યા અને તેમની સરકારના પતન પછી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. રાજકીય કટોકટી દૂર થતાં નવગઠિત રાજપના શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા, એ સમય સુધી રાવ જ કમિશનરપદે રહેવા પામ્યા.

આ અરસામાં અમુક વખત તેમને હઠાવવાના પ્રયાસો થયા, પરંતુ લોકાક્રોશને કારણે તેમ ન થયું. વાઘેલા પછી દિલીપ પરીખ મુખ્ય મંત્રી બન્યા અને ડિસેમ્બર-1997માં તેમના સ્થાને એસ. જગદીશનને નીમવામાં આવ્યા.

કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીને કારણે વર્ષ 1998માં તેમને દેશનો ચોથા ક્રમાંકનો નાગરિક પુરસ્કાર 'પદ્મશ્રી' એનાયત કરવામાં આવ્યો હતો. આજે પણ તેઓ સુરતીઓમાં 'રાવસાહેબ' તરીકે ઓળખાય છે. તેમના કારણે જનમાનસમાં પણ પરિવર્તન આવ્યું.

નાયક ઉમેરે છે, "ઘણી વખત ખરાબ કે માઠી ગણાતી કોઈ આપદા આશીર્વાદરૂપ નીવડી શકે છે અને તેનું સારું પરિણામ આપી શકે છે. સુરત માટે આવી જ ઘટના પ્લેગની હતી. સરકાર અને સત્તાધીશો જે કંઈ કરે એ તેમની ફરજ છે, પરંતુ શહેરીજનોએ નાગરિક ધર્મ બજાવ્યો છે. રાવની કામગીરીથી લોકોને લાગવા માંડ્યું હતું કે સફાઈપ્રક્રિયામાં નાગરિક તરીકે તેમની પણ ફરજ છે."

"જનતાને ખબર પડી ગઈ કે પ્લેગના ફેલાવા માટે ગંદકી જવાબદાર હતી એટલે સુરત ઉપર લાગેલા 'ગંદા શહેર'ના લાંછનને દૂર કરવા માટે તેમણે સરકારને સહયોગ વધારી દીધો. પ્લેગ, પૂર કે કોરોનામાં તન-મન-ધનથી એકબીજા માટે કરી છૂટવાની ભાવના જોવા મળે છે."

નાયક અવલોકે છે કે, સુરતએ માઇગ્રન્ટોનું શહેર છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા શહેરમાં જાય ત્યારે તેનામાં સહકારની ભાવના વધુ જોવા મળતી હોય છે, કારણ કે તેને સ્થાનિકોમાં ભળવું હોય છે અને સ્વીકાર્યતા જોઈતી હોય છે. નાગરિકો એકબીજાને તથા તંત્રને સહયોગ આપવા માટે તત્પર રહેતા હોય છે. એટલે જ અનેક સહકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરમાં સેવાકાર્ય સાથે જોડાયેલી છે.

સફાઈએ સ્થાનિક સ્વરાજ્યના એકમ અને રાજ્ય સરકારને આધીન આવતા વિષય છે. છેલ્લાં 27 વર્ષ કરતાં વધુ સમયથી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને આટલા જ સમયથી ગુજરાતમાં પણ ભાજપ જ સત્તામાં છે. જેના કારણે એસએમસીને રાજકીય સાનુકૂળતા રહેવા પામી છે. વહીવટી અને નીતિવિષયક બાબતોમાં સામંજસ્ય અને સાતત્યે પણ સુરતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બોઘાવાલાનું કહેવું છે કે પ્લેગ હોય કે પૂર, સુરત દરેક આપદામાંથી ફિનિક્સ પંખીની જેમ બેઠું થયું છે અને વિકાસના રસ્તે આગળ દોડતું રહ્યું છે અને હવે ઉડાણ ભરી રહ્યું છે.

આમ છતાં સુરતની સામે જળવાયુપરિવર્તનને કારણે ડૂબી રહેલો દરિયાકિનારો અને વાયુપ્રદૂષણ જેવા પડકાર છે, જેને પહોંચી વળવાના છે, જે આ ઉડાણમાં અવરોધરૂપ બની શકે છે.