'હું મારાં બાળકોને સડેલા મૃતદેહોના ઢગલા વચ્ચેથી સલામત સ્થળે લઈ ગયો'

ઇઝરાયલના બૉમ્બમારાના સપ્તાહો પછી 16 નવેમ્બરે જેહાદ અલ-મશરાવી તેમના પરિવાર સાથે ઉત્તર ગાઝામાંના તેમના ઘરેથી નાસી છૂટ્યા હતા. તેમણે તેમનાં પત્ની તથા બાળકોએ દક્ષિણ તરફ આગળ વધતાં રસ્તામાં શું-શું જોયું, અનુભવ્યું હતું તેનું તાદૃશ્ય અને આઘાતજનક વર્ણન બીબીસી અરેબિકના કૅમેરામૅનને આ સ્ટોરીમાં શૅર કર્યું છે.

ચેતવણીઃ આ સ્ટોરીમાંની કેટલીક વર્ણનાત્મક વિગતો તમને વિચલિત કરી શકે છે.

“અમે બહુ ઉતાવળમાં નીકળી ગયા હતા. અમે રોટલી પકાવતા હતા ત્યારે જોયું તો અમારા ઘરની સામેના એક પછી એક ઘર પર બૉમ્બમારો કરવામાં આવી રહ્યો હતો. મને ખબર પડી ગઈ કે ટૂંક સમયમાં અમારો વારો પણ આવશે. એવું થશે એમ ધારીને અમે કેટલીક બેગોમાં સામાન ભર્યો હતો, પરંતુ એટલી ઉતાવળે અમને નીકળ્યા હતા કે અમે તેને સાથે લેવાનું ભૂલી ગયા હતા. અમે ઘરનો આગલો દરવાજો પણ બંધ કર્યો ન હતો.

અમે રવાના થવા માટે રાહ જોઈ હતી, કારણ કે હું મારાં વૃદ્ધ માતા-પિતાને ત્યાંથી ખસેડવા ઇચ્છતો ન હતો. અલ-ઝેઈતુનમાંનું અમારું ઘર બનાવતાં વર્ષો થયાં હતાં, પરંતુ આખરે તે છોડવું પડ્યું હતું.

મારો પુત્ર ઓમર નવેમ્બર, 2012માં મૃત્યુ પામ્યો હતો. ઇઝરાયલ સાથેના બીજા યુદ્ધમાં અમારા ઘર પર બૉમ્બની કરચો પડી ત્યારે તેનું મોત થયું હતું. આ વખતે હું મારાં બીજાં સંતાનોને ગુમાવવાનું જોખમ લેવા ઇચ્છતો ન હતો.

હું જાણતો હતો કે દક્ષિણમાં વીજળી નથી, પાણી નથી અને શૌચાલયોનો ઉપયોગ કરવા માટે લોકોએ કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડે છે, પરંતુ અમે માત્ર પાણીની બૉટલ અને થોડી બચેલી બ્રેડ લઈને અન્ય હજારો લોકો સાથે દક્ષિણ તરફના અલ-દિન રોડ પર ખતરનાક પ્રવાસમાં જોડાયા હતા. ઇઝરાયલે કહ્યું હતું કે એ વિસ્તાર સલામત છે.

મારી પત્ની અહલમ, મારા બે, આઠ, નવ અને 14 વર્ષના ચાર પુત્રો, મારાં માતા-પિતા, ભાઈઓ, બહેનો, પિતરાઈ ભાઈઓ અને તેમનાં સંતાનો એમ પરિવારનાં બધાં લોકો સાથે આગળ વધ્યાં હતાં.

સલાહ અલ-દિન રોડ

અમે કલાકો સુધી ચાલતા રહ્યા. અમને ખબર હતી કે આખરે અમારે યુદ્ધ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા ઇઝરાયલી ચેક પૉઇન્ટમાંથી પસાર થવું પડશે. અમે નર્વસ હતા. મારા બાળકો પૂછતાં હતાં, સૈન્યના લોકો આપણી સાથે શું કરશે?

અમે ચેક પૉઇન્ટથી લગભગ એક કિલોમીટરના અંતરે એક સ્ટૉપ પર પહોંચ્યા અને લોકોની એક વિશાળ કતારમાં જોડાયા. લોકોથી આખો રસ્તો ભરાયેલો હતો. અમે ત્યાં ચાર કલાકથી વધુ સમય સુધી રાહ જોઈ હતી અને એ દરમિયાન મારા પિતા ત્રણ વખત બેભાન થઈ ગયા હતા.

રસ્તાની એક બાજુ પરની બૉમ્બમારાથી ગ્રસ્ત ઇમારતોમાંથી અને બીજી બાજુની ખાલી જમીનમાંથી ઇઝરાયલી સૈનિકો અમારા પર નજર રાખી રહ્યા હતા.

અમે ચેક પૉઇન્ટની નજીક પહોંચ્યા ત્યારે પહાડી પરના તંબુમાં વધુ સૈનિકો જોવા મળ્યા. અમને લાગતું હતું કે તેઓ ત્યાંથી ચેક પૉઇન્ટને મૅનેજ કરતા હતા. દૂરબીનથી અમારા પર નજર રાખતા હતા અને અમારે શું કરવાનું છે તેની સૂચના લાઉડસ્પીકર મારફત આપતા હતા.

ટેન્ટની નજીક બે બાજુથી ખુલ્લા કન્ટેનર્સ હતા. એકમાંથી બધા પુરુષોએ અને બીજામાંથી મહિલાઓએ પસાર થવાનું હતું. અમારા પર કૅમેરાની સતત નજર હતી. અમે કન્ટેનરમાંથી બહાર નીકળ્યા ત્યારે ઇઝરાયેલી સૈનિકોએ અમારાં ઓળખપત્રો માગ્યાં હતાં અને અમારા ફોટા પાડ્યા હતા.

મેં જોયું કે મારા બે પાડોશી સહિતના લગભગ 50 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એક યુવકને અટકાયતમાં લેવામાં આવ્યો હતો, કારણ કે તેના દસ્તાવેજ ખોવાઈ ગયા હતા અને તેને તેનો આઈડી નંબર યાદ ન હતો. કતારમાં મારી બાજુમાં ઊભેલા એક અન્ય માણસને ઇઝરાયેલી સૈનિકોએ આતંકવાદી કહ્યો હતો અને તેને ઉપાડી ગયા હતા.

તેમને તેમના શરીર પરનાં તમામ વસ્ત્રો કાઢીને જમીન પર બેસવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં કેટલાકને કપડાં પાછા પહેરી લેવા કહેવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક અન્યની આંખો પર પાટા બાંધી દેવાયા હતા.

મેં મારા પાડોશીઓ સહિતના ચાર લોકોને આંખો પર પાટા બાંધીને રેતીની ટેકરી પાછળની ધ્વસ્ત ઇમારતમાં લઈ જવાતા જોયા હતા. તેઓ નજરમાંથી ઓઝલ થયા ત્યારે અમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. એ લોકોને ગોળી મારવામાં આવી હતી કે કેમ તેની મને કોઈ જાણકારી નથી.

જે અન્ય લોકોએ મારી સાથે મુસાફરી કરી હતી તેમનો કૈરોમાં મારા એક સાથીદારે સંપર્ક કર્યો હતો. એ પૈકીના એક કમાલ અલજોજોએ જણાવ્યું હતું કે એ ચેક પૉઇન્ટમાંથી એક સપ્તાહ પહેલાં પસાર થયા પછી તેણે મૃતદેહો જોયા હતા, પરંતુ એ લોકો કેવી રીતે મૃત્યુ પામ્યા હતા તેની તેને ખબર ન હતી.

મારા સાથીદારે મોહમ્મહ નામની વ્યક્તિ સાથે પણ વાત કરી હતી. એ 13 નવેમ્બરે ચેક પૉઇન્ટમાંથી પસાર થયો હતો. મોહમ્મદે બીબીસીને કહ્યું હતું, “એક સૈનિકે મને અન્ડરવેર સહિતનાં મારાં બધાં કપડાં ઉતારી નાખવાં કહ્યું હતું. પસાર થઈ રહેલા બધાની સામે હું નગ્ન હતો. મને શરમ આવતી હતી. અચાનક એક મહિલા સૈનિકે મારા તરફ બંદૂક તાકી હતી અને બંદૂકને ઝડપથી હટાવતાં તે હસી પડી હતી. મારું અપમાન થયું હતું.” મોહમ્મદને બે કલાક પછી ત્યાંથી જવાની છૂટ આપવામાં આવી હતી.

જોકે, મારી પત્ની, બાળકો, મારાં માતા-પિતા અને હું બધા સલામત રીતે ચેક પૉઇન્ટમાંથી પસાર થઈ ગયાં હતાં. મારા બે ભાઈઓને મોડું થયું હતું.

અમે તેમની રાહ જોતા હતા ત્યારે એક ઇઝરાયલી સૈનિકે અમારી સામેના લોકોના જૂથ પર બૂમ પાડી હતી. એ લોકોના સંબંધીઓને અટકાવી રાખવામાં આવ્યા હતા અને તેઓ તેમની ભાળ લેવા કન્ટેનર તરફ જવાનો પ્રયાસ કરતા હતા.

અટકાયતમાં લીધેલા લોકોનું શું થયું?

એ સૈનિક અમને આગળ વધવા અને ઓછામાં ઓછા 300 મીટર દૂર રહેવાની સૂચના લાઉડસ્પીકર મારફત આપતો હતો. પછી એક સૈનિકે તેમને ડરાવવા માટે તેમની દિશામાં હવામાં ગોળીબાર શરૂ કર્યો હતો. અમે કતારમાં ઊભા હતા ત્યારે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

બધા રડતા હતા અને મારાં માતા હિબકાં ભરતાં પૂછતાં હતાં, “મારા પુત્રોનું શું થયું? તેમણે એમને ગોળી મારી દીધી છે?”

એક કલાકથી વધુ સમય બાદ આખરે મારા ભાઈઓ દેખાયા હતા.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે (આઈડીએફ) બીબીસીને કહ્યુ હતું, “આતંકવાદી સંગઠનો જોડાયેલી શંકાસ્પદ વ્યક્તિઓને” પ્રાથમિક પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી હતી અને શંકાનું નિવારણ ન થાય તો તેમને વધુ પૂછપરછ માટે ઇઝરાયલ મોકલવામાં આવ્યા હતા. અન્યોને યોગ્ય રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

આઈડીએફે જણાવ્યું હતું કે વ્યક્તિએ વિસ્ફોટકવાળાં ગંજી પહેર્યાં છે કે નહીં અથવા તેની પાસે કોઈ શસ્ત્ર છે કે નહીં તે ચકાસવા માટે વસ્ત્રો ઉતારવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને શક્ય તેટલાં વહેલાં વસ્ત્રો ફરી પહેરી લેવાનું કહેવામાં આવ્યુ હતું. આ ચકાસણીનો હેતુ “અટકાયતીઓની સલામતી કે આત્મસન્માનને હાનિ પહોંચાડવાનો નથી અને આઈડીએફ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કામ કરે છે.”

આઈડીએફે એમ પણ કહ્યું હતું, “અમે માનવતાવાદી કૉરિડૉરમાં ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધતા નાગરિકો પર ગોળીબાર કરતા નથી, પરંતુ યુવાનોએ વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને વિખેરવાના હેતુસર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ પહેલાં તેમને સૈનિકો તરફ આગળ ન વધવાની સૂચના લાઉડસ્પીકર મારફત આપવામાં આવી હતી, પરંતુ તેઓ એ તરફ આગળ વધતા રહ્યા હતા.”

આઈડીએફે ઉમેર્યું હતું કે ગોળીબારનો અવાજ સામાન્ય હતો અને “ગોળીબારનો અવાજ, ચોક્કસ જગ્યાએથી અથવા ચોક્કસ પ્રકારના શૂટિંગનો સંકેત આપતો નથી.”

અમે આગળ વધ્યા અને ચેક પૉઇન્ટ અમારી નજરમાંથી અદૃશ્ય થઈ ગઈ ત્યારે મેં અને મારી પત્નીએ રાહત અનુભવી હતી, પરંતુ મુસાફરીનો સૌથી મુશ્કેલ હિસ્સો એ પછી આવવાનો હતો તેનો અમને કોઈ ખ્યાલ ન હતો.

એ જાણે કે ચુકાદાનો દિવસ હતો

અમે દક્ષિણ તરફ આગળ વધતા હતા ત્યારે મને રસ્તાના કિનારે જુદી-જુદી જગ્યાએ લગભગ 10 મૃતદેહ જોવા મળ્યા હતા.

અન્યત્ર શરીરનાં સડેલાં અંગો વેરવિખેર પડ્યાં હતાં. તેના પર અસંખ્ય માખીઓ બણબણતી હતી. પક્ષીઓ તેમાંથી ચાંચ મારીને માંસ કાઢતા હતા. તેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હતી.

મારાં બાળકો પણ તે જોશે એવું મેં વિચાર્યું ન હતું. તેથી મેં જોરદાર બૂમ પાડીને તેમને આકાશ તરફ નજર કરીને આગળ ચાલવા જણાવ્યું હતું.

મેં એક સળગી ગયેલી કાર જોઈ. તેમાં એક કપાયેલું માનવ મસ્તક પડ્યું હતું. માથા વગરની સડેલી લાશના હાથ હજુ પણ સ્ટીયરિંગ વ્હીલ પર હતા. ત્યાં ગધેડા અને ઘોડાઓની લાશો પણ હતી. કેટલાક હાડપિંજર જેવા થઈ ગયા હતા અને કચરા તથા બગડી ગયેલા ખોરાકનો વિશાળ ઢગલો હતો.

એ પછી એક બાજુના રસ્તા પર ઇઝરાયલી ટેન્ક જોવા મળી હતી. તે પૂરઝડપે અમારા ભણી આવી રહી હતી. અમે ગભરાઈ ગયા હતા અને નાસવા માટે અમારે લાશો પરથી દોડવું પડ્યું હતું. ટોળામાંના કેટલાક લોકો મૃતદેહો પર ફસડાઈ પડ્યા હતા. ટેન્ક માર્ગ બદલીને મુખ્ય રસ્તા પર પાછી ફરી હતી.

રસ્તાની બાજુ પરની એક ઇમારતમાં અચાનક વિસ્ફોટ થયો હતો. એ ભયાનક હતો અને બૉમ્બની કરચો દરેક જગ્યાએ ફેલાઈ ગઈ હતી.

હું ઇચ્છતો હતો આ દુનિયા અમને ગળી જાય.

અમે હચમચી ગયા હતા, થાકી ગયા હતા છતાં નુસીરાત કૅમ્પ તરફ આગળ વધતા રહ્યા હતા. સાંજે અમે ત્યાં પહોંચ્યા હતા. અમારે ફૂટપાથ પર સૂવું પડ્યું હતું. જોરદાર ઠંડી હતી.

અમે મારા પુત્રોને જૅકેટ પહેરાવી તેમને ગરમાટો આપવાના પ્રયાસ કર્યા હતા. મારા સૌથી નાના દીકરાને મારા શર્ટ વડે ઢાંકી દીધો હતો. એટલી પારાવાર ઠંડીનો અનુભવ મેં મારા જીવનમાં ક્યારેય કર્યો ન હતો.

બીબીસીએ ટેન્ક અને મૃતદેહો વિશે સવાલ કર્યો ત્યારે આઈડીએફે કહ્યું હતું, “સાલાહ અલ-દિન રોડ વચ્ચેના બીજા રસ્તાઓ પર ટેન્કો દિવસભર ચાલતી રહે છે, પરંતુ ગાઝા પટ્ટીમાંના માનવતાવાદી કૉરિડૉર પર ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધતા નાગરિકો તરફ ટેન્ક ધસી ગઈ હોય એવી કોઈ ઘટના બની નથી.”

આઈડીએફના જણાવ્યા અનુસાર, સલાહ અલ-દિન રોડ પર લાશોના ઢગલા હોવાનું અમારી જાણમાં નથી, પરંતુ “ગાઝાનાં વાહનોએ મુસાફરી દરમિયાન ત્યજી દીધેલી લાશો એક સમયે ત્યાં હતી, જેને આઈડીએફે બાદમાં હટાવી હતી.”

સલામતીની શોધ

બીજા દિવસે વહેલી સવારે અમે ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસ જવા માટે નીકળી પડ્યા હતા. ગધેડા વડે ચાલતી ગાડીઓમાં પ્રવાસ કરવા માટે અમે કોઈકને પૈસા ચૂકવ્યા હતા. એ ગાડી માત્ર 20 લોકોને લઈ જવા માટેની હતી, પરંતુ તેમાં 30 લોકો સવાર હતા. કેટલાક છત પર બેઠા હતા અને કેટલાક બહારના દરવાજા અને બારીઓ પર લટકતા હતા.

ખાન યુનિસમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સંચાલિત શાળાને આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરવામાં આવી છે. તેમાં જગ્યા મેળવવાનો પ્રયાસ અમે કર્યો હતો, પણ તેમાં જગ્યા ન હતી. તેથી અમે એક રહેણાક મકાનની નીચેનું ગોદામ ભાડે રાખ્યું હતું અને ત્યાં એક સપ્તાહ રહ્યા હતા.

મારાં માતા-પિતા અને બહેનોએ ખાન યુનિસમાં રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ સ્થાનિક બજારમાં વિસ્ફોટ થયા પછી મેં અને મારી પત્નીએ અમારાં સંતાનો સાથે રફાહ ખાતે મારા સાસરે રહેવા જવાનો નિર્ણય કર્યો હતો. મારી પત્ની અને સંતાનોને એક કારમાં લિફ્ટ મળી ગઈ હતી. હું બસમાં ગયો હતો. બસમાં એટલા લોકો હતા કે મારે દરવાજાની બહાર લટકવું પડ્યું હતું.

અમે ટીન અને પ્લાસ્ટિકની છતવાળું એક નાનું આઉટહાઉસ ભાડે રાખ્યું છે. બૉમ્બની કરચો પડે તો તેમાંથી બચી શકાય તેવું કશું તેમાં નથી.

બધી વસ્તુઓ મોંઘીદાટ છે અને અમને ઘણી જરૂરી વસ્તુઓ મળતી નથી. પીવાનું પાણી જોઈતું હોય તો ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. અમારી પાસે દિવસમાં ત્રણ વખત જમી શકાય તેટલો ખોરાક હોતો નથી. તેથી અમે સવારે નાસ્તો અને રાત્રે ભોજન કરીએ છીએ. બપોરે જમતા નથી.

મારો દીકરો રોજ એક ઈંડું ખાતો હતો. તમે કલ્પના કરી શકો છો કે હું તેને રોજ એક ઈંડું પણ આપી શકતો નથી? મારે ગાઝા છોડવું છે અને મારાં સંતાનો સાથે સુરક્ષિત રહેવું છે. એ માટે તંબુમાં રહેવું પડે તો પણ મંજૂર છે.”

(પૂરક માહિતીઃ બીબીસી ન્યૂઝ અરબીના અબ્દેલરહમાન અબુતાલેબ)