ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું, જયસ્વાલની બેવડી અને બુમરાહની બૉલિંગે કેવી કમાલ કરી?

ભારત ઇંગ્લૅન્ડ ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીની બીજી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને 106 રને હરાવી દીધું છે.

399 રનના પડકારનો પીછો કરી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં 292 રને જ સમેટાઈ ગઈ હતી અને ચોથા દિવસે જ ભારતે મૅચ જીતી લીધી હતી.

ભારતની જીતના મુખ્ય હીરો ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ અને બૉલર જસપ્રીત બુમરાહ રહ્યા હતા.

યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી, તો જસપ્રીત બુમરાહે બંને ઈનિંગમાં મળીને કુલ 9 વિકેટો ઝડપી હતી.

ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઈનિંગમાં સૌથી વધુ 73 રન ઝૅક ક્રૉલીએ બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહનો તરખાટ

ભારત ઇંગ્લૅન્ડ ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે આજે ચોથા દિવસે ત્રણ વિકેટો ઝડપી હતી અને પ્રતિકાર કરી રહેલા ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનો બૅરિસ્ટો અને ફૉક્સને આઉટ કરી દીધા હતા.

એ પહેલા તેમણે પહેલી ઈનિંગમાં જબરદસ્ત બૉલિંગ કરીને છ વિકેટો ઝડપી હતી, જેના કારણે ઇંગ્લૅન્ડ માત્ર 253 રન જ બનાવી શક્યું હતું અને ભારતને 143 રનની માતબર સરસાઈ મળી હતી.

બુમરાહે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઓલી પૉપને ઘાતક યોર્કર ફેંકીને બૉલ્ડ કર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. તેમની બૉલિંગને ફરીથી વિશ્વભરના ક્રિકેટ વિશ્લેષકોએ વખાણી હતી.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વકાર યુનૂસે બુમરાહના આ બૉલને જાદુ ગણાવ્યો હતો તો ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલિસ્ટર કૂકે કહ્યું હતું કે, “બુમરાહે એકલે હાથે મૅચની દિશા જ પલટી નાખી છે.”

બુમરાહે તેની ટૅસ્ટ મૅચની કારકિર્દીમાં ત્રીજી વાર નવ વિકેટ લીધી છે. આ પહેલા તેમણે મેલબર્ન અને નોટિંગહામમાં નવ વિકેટ લીધી હતી.

યશસ્વી જયસ્વાલની બેવડી સદી

ભારત ઇંગ્લૅન્ડ ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતને બીજી ટૅસ્ટમાં મળેલી જીતનો પાયો યુવા ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે નાખ્યો હતો.

તેમણે પહેલી ઈનિંગમાં જ કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી, જેના કારણે ભારતે પ્રથમ ઈનિંગમાં જ 396 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો.

યશસ્વી જયસ્વાલે મૅચ બાદ કહ્યું હતું કે, “આ ખરેખર સુંદર ક્ષણ છે. તમારા દેશ માટે મૅચ જીતીને બતાવવી એ ખરેખર અતિશય ખુશીની પળ છે. અમે માત્ર અમારી રમત પર જ ધ્યાન આપ્યું હતું.”

બીજી ઈનિંગમાં ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી હતી અને 104 રન બનાવ્યા હતા.

મૅચ બાદ રોહિત શર્માએ શું કહ્યું?

ભારત ઇંગ્લૅન્ડ ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ બુમરાહનાં વખાણ કરતા કહ્યું હતું કે, "તે અમારા માટે ચૅમ્પિયન ખેલાડી છે. જ્યારે તમે આ રીતે મૅચ જીતો છો ત્યારે તમારે એકંદરે પ્રદર્શનને પણ જોવું પડે. અમે બેટિંગ પણ સારી કરી હતી. તમે જાણો છો કે આ પ્રકારની પરિસ્થિતિઓમાં ટેસ્ટ જીતવી સરળ નથી."

"અમારા બૉલરો પ્રભાવક પ્રદર્શન કરવા ઇચ્છતા હતા અને તેમણે કરી બતાવ્યું. બુમરાહ ખરેખર તેની રમતને સારી રીતે સમજે છે. તેણે હજુ લાંબી મજલ કાપવાની છે, ટીમને ઘણું આપવાનું છે. આશા છે કે તે વિનમ્ર રહીને રમત જાળવી રાખશે."

જસપ્રીત બુમરાહે તેમના પ્રદર્શન વિશે કહ્યું કે, "હું આંકડાઓ સામે જોતો નથી. યુવા બૉલર તરીકે હું સૌથી પહેલા યૉર્કર ફેંકતા જ શીખ્યો હતો. એ જ મને કામ આવી રહ્યું છે. મેં વકાર, વસીમ અને ઝહીર ખાન જેવા શ્રેષ્ઠ બૉલરોને જોયા છે, તેમની પાસેથી શીખ્યો છું."

જસપ્રીત બુમરાહને તેમના પ્રદર્શન માટે પ્લૅયર ઓફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા છે.

મૅચનો સમગ્ર ઘટનાક્રમ

ભારત ઇંગ્લૅન્ડ ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ દાવમાં ભારતે 396 રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 253 રન જ બનાવી શકી હતી.

143 રનની લીડ સાથે ભારતે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા અને ઇંગ્લૅન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

અંતે ઇંગ્લૅન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તેની આખી ટીમ 292 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ઇનિંગમાં ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને આર અશ્વિને 3-3 વિકેટ લીધી હતી જ્યારે મુકેશકુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ તરફથી જૅક ક્રૉલીએ સૌથી વધુ 76 અને સ્ટૉક્સે 47 રન બનાવ્યા હતા.

ભારત અને ઇંગ્લૅન્ડે પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીમાં એક-એક મૅચ જીતી છે.

શ્રેણીની ત્રીજી મૅચ હવે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.