ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર કરનારી હૈદરાબાદને હરાવી કોલકાતા નાઇટરાઇડર્સ બની ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, KKRiders/X
ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઇનલની મૅચમાં કોલકાતા નાઇટરાઇડર્સે શાનદાર પ્રદર્શન કરીને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી દીધું છે.
આ સાથે જ કોલકાતાએ ત્રીજી વખત આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે. આ પહેલાં 2012 અને 2014માં કોલકત્તાએ આ ટૂર્નામેન્ટ જીતી હતી.
ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરનારી હૈદરાબાદની ટીમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને સમગ્ર ટૂર્નામેન્ટમાં મોટા-મોટા સ્કૉર કરનારી ટીમ આઈપીએલના ફાઇનલમાં ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર નોંધાવી શકી. હૈદરાબાદની ટીમ 18.3 ઑવર્સમાં માત્ર 113 રન જ બનાવી શકી અને ઑલઆઉટ થઈ ગઈ.
આઈપીએલ ફાઇલનના સૌથી ઓછા સ્કૉરને ચેઝ કરવા જ્યારે કોલકાતાની ટીમ ઊતરી તો તેમણે આ ટોટલ માત્ર 10.3 ઑવરમાં જ હાંસલ કરી લીધો.
કોલકાતાની શરૂઆત પણ સારી નહોતી રહી, સમગ્ર ટૂર્નામેન્ટમાં જેમની બેટિંગનાં વખાણ થતાં હતાં એ સુનીલ નરેન બીજી ઑવરમાં જ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
જે બાદ રહમાનુલ્લાહ ગુરબાઝ અને વેંકટેશ ઐય્યરે વચ્ચે એક મોટી ભાગીદારી થઈ. ગુરબાઝે 32 બૉલમાં 39 રન બનાવ્યા અને આઉટ થઈ ગયા. જ્યારે વેંકટેશ ઐય્યરે અણનમ 52 રનની ઇનિંગ્સ રમી.
ગુરબાઝ આઉટ થયા બાદ કૅપ્ટન શ્રેયસ ઐય્યર મેદાનમાં આવ્યા અને વેંકટેશ ઐય્યરની સાથે મળીને ટીમને જીત અપાવી. હૈદરાબાદ તરફથી શહબાઝ અહમદ અને પેટ કમિંસે એક-એક વિકેટ લીધી હતી.
કેકેઆરની જોરદાર બોલિંગ સામે હૈદરાબાદ હાર્યું

ઇમેજ સ્રોત, ANI
સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સમગ્ર મૅચમાં કોલકાતા હૈદરાબાદ પર ભારે પડતું નજર આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલકાતા તરફથી આંદ્રે રસલે 3 વિકેટ, હર્ષિત રાણા અને મિશેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. નરેન અને વરુણે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ ઑવરમાં જ મિશેલ સ્ટાર્કે અભિષેક શર્માને બૉલ્ડ કરી દીધા હતા. ટ્રેવિસ હેડ પણ ખાતું ખોલ્યા વિના પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ટીમનો મિડલ ઑર્ડર પણ કોઈ કમાલ કરી શક્યો નહીં અને કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં.
કૅપ્ટન કમિંસ સિવાય કોઈ પણ બૅટર વીસ રનથી વધારે સ્કૉર કરી શક્યો નહીં, કમિંસે 19 બૉલમાં 24 રન બનાવ્યા હતા.
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, શહબાઝ અહમદ, અબ્દુલ સમદ, જયદેવ ઉનડકટ અને ભૂવનેશ્વર કુમાર ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા નહીં.
સનરાઇઝર્સ હૈદરાબાદે ફાઇનલ મુકાબલામાં ટીમમાં એક ફેરફાર કર્યો હતો, જ્યારે કેકેઆરે ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
ગૌતમ ગંભીરની સ્ટ્રેટેજીની અસર

ઇમેજ સ્રોત, ANi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોલકાતા નાઇટરાઇડર્સની આ જીતમાં ગૌતમ ગંભીરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ઘણાં વર્ષો સુધી કોલકાતા નાઇટરાઇડર્સના કૅપ્ટન રહેલા ગૌતમ ગંભીર આ સીઝનમાં મેન્ટરની ભૂમિકામાં હતા. તેમની સ્ટ્રેટેજીની અંદર રહીને કેકેઆર ત્રીજી વખત આઈપીએલમાં ચૅમ્પિયન બની છે.
વર્ષ 2012 અને 2014માં ગૌતમ ગંભીર જ્યારે કૅપ્ટન હતા ત્યારે શાહરુખ ખાનની આ ટીમ ચૅમ્પિયન બની હતી.
2008ની પ્રથમ ટુર્નામેન્ટમાં કોલકાતા નાઇટરાઇડર્સે સૌરવ ગાંગુલીને કૅપ્ટન બનાવ્યા હતા. તેમની ટીમમાં ઘણાં સ્ટાર ખેલાડીઓ હતા. જોકે, પ્રથમ ચાર આઈપીએલ સીઝનમાં ટીમ ફાઇનલ સુધી પણ પહોંચી શકી ન હતી.
2011ની હાર બાદ કોલકાતા નાઇટરાઇડર્સના મૅનેજમેન્ટે ટીમમાં ઘણા ફેરફાર કર્યા. 2011 વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ગૌતમ ગંભીરને ટીમની કમાન આપવામાં આવી. જે બાદ કોલકાતાનાં ભાગ્ય બદલી ગયાં.
2012 આઈપીએલમાં કોલકત્તા પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી અને મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપ હેઠળ રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને હરાવી દીધી.
2014માં કોલકાતાએ કિંગ્સ ઇલેવન પંજાબને 3 વિકેટે હરાવ્યું હતું અને ગૌતમ ગંભીરે આ ટીમને બીજી વખત આઈપીએલ ટ્રોફી અપાવી હતી.
2021માં કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચી પરંતુ ઇયોન મોર્ગનના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ચૈન્નઈ સામે હારી ગઈ.
2024ની ટુર્નામેન્ટમાં કોલકત્તાને બે વખત જીત અપાવનારા ગૌતમ ગંભીર એક નવા સ્વરૂપમાં ટીમ સાથે જોડાયા.
જોકે, ટીમના નેતૃત્વની જવાબદારી યુવા શ્રેયસ ઐય્યરના ખભા પર હતી, પરંતુ ગૌતમ ગંભીર મેદાન બહાર ડગઆઉટમાં બેસીને પણ મૅચમાં એટલા જ સામેલ રહેતા હતા. તેમની છાપ સમગ્ર ટીમ પર નજર આવી રહી હતી. કોલકાતાના ખેલાડીઓની બૉડી લૅંગ્વેજ પણ આ વખતે અલગ જ દેખાતી હતી.
પરિણામ એ આવ્યું કે લીગ રાઉન્ડમાં કોલકાતાની ટીમ 14માંથી 9 મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર રહી હતી. સાથે જ હૈદરાબાદને નૉકઆઉટમાં હરાવીને ફાઇનલમાં પહોંચી અને ફાઇનલ પણ હૈદરાબાદ સામે જ જીત્યો.












