આજે મતદાન : 21 રાજ્યોની 102 બેઠકો પર દેશની જનતા કરશે ફેંસલો, કયા ઉમેદવારો પર રહેશે નજર?

ઇમેજ સ્રોત, Getty Images
આજે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થશે. પ્રથમતબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે.
નરેન્દ્ર મોદી મંત્રી મંડળનાં આઠ સભ્યો, ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલના નસીબનો નિર્ણય આજે થશે.
પહેલા તબક્કામાં કોણ-કોણ મુખ્ય ઉમેદવારો છે તે વિશે જાણીએ.
પહેલા તબક્કામાં અરૂણાચલ પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંડમાન નિકોબાર, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વિપ અને પુડ્ડુચેરીમાં મતદાન થશે.
પહેલા તબક્કામાં આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 102 બેઠકો માટે મતદાન થશે.
કયા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
આવો જાણીએ ક્યાં રાજ્યની કઈ બેઠકો પર મતદાન થશે. ઉત્તર પ્રદેશની આઠ બેઠકો સહારનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીત પર આજે મતદાન થશે.
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો – કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી. બિહારની ચાર સીટો – ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ. જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પર પણ આજે મતદાન થશે.
મહારાષ્ટ્રની પાંચ બેઠકો રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરૌલી-ચિમૂર અને ચંદ્રપુર. મધ્ય પ્રદેશની સીધી, શહડોલ, જબલપુર, માંડલા, બાલાઘાટ અને છીંદવાડા અને અસમની પાંચ સીટો કાઝીરંગા, શોણિતપુર, લખીમપુર, દિબ્રૂગઢ અને જોરહાટ પર આજે મતદાન થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છત્તીસગઢની એક બેઠક બસ્તર પર પણ મતદાન થશે. આ ઉપરાંત રાજસ્થાનની 12 બેઠકો – ગંગાનગર, બીકાનેર, ચુરૂ, ઝુંઝણુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધૌલપુર, દૌસા અને નાગૌર. ત્રિપુરાની એક બેઠક ત્રિપુરા પશ્ચિમ પર પણ આજે મતદાન યોજાશે.
મણિપુરમાં બે બેઠકો છે, જેમા ઇનર મણિપુરની બેઠક પર આજે મતદાન થશે. જોકે, આઉટર મણિપુરની બેઠક પર બે તબક્કાઓમાં મતદાન થશે. આ બેઠકનાં કેટલાંક વિધાનસભા ક્ષેત્રોમાં આજે અને અન્ય કેટલાક વિધાનસભા વિસ્તારોમાં 26 એપ્રિલે મતદાન થશે.
તમિલનાડુની બધી બેઠકો પર એક જ તબક્કામાં મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમિલનાડુની તમામ 39 બેઠકો પર આજે મતદાન થશે.
આ બેઠકો તિરૂવલ્લૂર, ચેન્નઈ ઉત્તર, ચેન્નઈ દક્ષિણ, ચેન્નઈ મધ્ય, શ્રીપેરંબદૂર, કાંચીપૂરમ, અરક્કોણમ, વેલ્લૂર, કૃષ્ણાગિરી, ધરમાપુરી, તિરૂવન્નામલાઈ, અરણી, વિલુપુરમ, કાલકુરૂચી, સાલેમ, નમક્કલ, ઇરોડ, તિરૂપુર, નીલગિરી, કોયંબટૂર, પોલ્લાચી, ડિંડીગુલ, કરૂર, તિરૂચિરાપલ્લી, પેરંબલૂર, કુડ્ડલોર, ચિદંબરમ, માઇલાદુતુરૈ, નાગપટ્ટનમ, તંજાવુર, શિવગંગા, મદુરૈ, તેની, વિરૂધુનગર, રામનાથપુરમ, થુટ્ટુકુડી, ટેનકાસી, તિરૂનેલવેલ્લી અને કન્યાકુમારી.
ઉત્તરાખંડમાં પાંચ બેઠકો છે. આ દરેક બેઠકો પર પહેલા તબક્કામાં જ મતદાન થશે. આ બેઠકો ટિહરી-ગઢવાલ, અલમોડા, નૈનીતાલ-ઉધમસિંહનગર, ગઢવાલ અને હરિદ્વાર છે.
અરૂણાચલ પ્રદેશની બે બેઠકો અરૂણાચલ ઇસ્ટ અને અરૂણાચલ વેસ્ટ. અંડમાનની એક બેઠક અંડમાન નિકોબાર દ્વીપ અને લક્ષદ્વીપની એક બેઠક લક્ષદ્વીપ પર ચૂંટણી થશે.
મેઘાલયની બે બેઠકો શિલૉન્ગ અને તુરા ઉપરાંત મિઝોરમની એક બેઠક મિઝોરમ પર પણ આજે મતદાન થશે. નાગાલેન્ડની એક બેઠક નાગાલેન્ડ પુડ્ડુચેરીની પુડ્ડુચેરી બેઠક અને સિક્ક્મની એક સીટ સિક્કમ પર પણ આજે મતદાન યોજાશે.
પહેલા તબક્કામાં કેટલા મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી સરકારના આઠ મંત્રીઓ આજે પહેલા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ઊતરશે.
આ સિવાય ત્રણ મુખ્ય મંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ પહેલા તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે.
આવો જાણીએ ક્યાં-ક્યાં મુખ્ય નેતાઓની બેઠક પર ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન થશે.
નિતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગડકરી આ બેઠક પરથી હેટ્રિક લગાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી પહેલી વખત 2014માં ચૂંટણી જીત્યા હતા.
ગડકરીએ એ ચૂંટણીમાં સાત વખત સંસદસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસ નેતા વિલાસ મુત્તેમવારને હરાવ્યા હતા. તેમણે 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર નાના પટોળેને હરાવ્યા. આ વખતે કૉંગ્રેસના વિકાસ ઠાકરે તેમની સામે છે. વિકાસ ઠાકરે હાલમાં નાગપુર પશ્ચિમના ધારાસભ્ય છે.
કિરણ રિજિજૂ
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કિરણ રિજિજૂ અરૂણાચલ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. રિજિજૂ આ બેઠક પર પહેલી વખત 2004ની ચૂંટણીમાં જીત્યા હતા.
જોકે, 2009ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી તેમનો પરાજય થયો હતો. ત્યાર પછી તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં આ બેઠક પર વિજય મેળવ્યો. આ વખતે તેમનો મુકાબલો પૂર્વ મુખ્ય મંત્રી અને અરૂણાચલ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ નબામ તુકી સામે છે.
સર્બાનંદ સોનેવાલ
કેન્દ્રીય બંદરો, વહાણવટુ અને જળમાર્ગો તથા કેન્દ્રિય આયુષ વિભાગના મંત્રી સર્બાનંદ સોનેવાલ આસામની ડિબ્રુગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે.
ભાજપે આ બેઠક પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીની ટિકિટ કાપીને સોનેવાલને ઉમેદવાર બનાવ્યા છે.
સોનેવાલ હાલમાં રાજ્યસભાના પણ સંસદ સભ્ય છે. તેઓ આસામના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે 2014ની ચૂંટણી લખીમપુર ખીરી સીટ પરથી જીતી હતી. સોનેવાલ નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ મંત્રી હતા.
ભૂપેન્દ્ર યાદવ પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે

ઇમેજ સ્રોત, @BYADAVBJP/X
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલ્વર સીટ પર ચૂંટણી મેદાને ઉતર્યા છે. તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર લલિત યાદવ સામે છે. લલિત યાદવ અલવરની મુંડાવર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
બાબા બાલકનાથે 2019ની ચૂંટણીમાં અલ્વરથી ચૂંટણી જીતી હતી. રાજસ્થાનમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બાબા બાલકનાથ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ભૂપેન્દ્ર યાદવ લોકસભાની ચૂંટણી પહેલી વખત લડી રહ્યા છે. તેઓ 2012થી જ રાજ્યસભાના સભ્ય છે.
ડૉક્ટર સંજીવ બાલ્યાન
નરેન્દ્ર મોદી સરકારમાં મત્સ્ય, પશુ ચિકિત્સા અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડૉક્ટર સંજીવ બાલ્યાન મુજફ્ફરનગરની સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ડૉક્ટર બાલ્યાન આ બેઠક પરથી પ્રથમ વખત 2014માં ચૂટણી જીત્યા હતા.
તેમણે 2019ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીત મેળવી. તેમણે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળના ચૌધરી અજીત સિંહને પરાજય આપ્યો હતો. તેમનો મુકાબલો આ વખતે ઇન્ડિયા ગઠબંધન તરફથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હરેન્દ્ર મલિક અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર દારાસિંહ પ્રજાપતિ સામે છે.
જિતેન્દ્રસિંહ
વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહ જમ્મુ-કાશ્મીરની ઉધમપુર-કઠુઆ-ડોડા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઉધમપુર બેઠક તરીકે પણ ઓળખાય છે.
આ બેઠકમાં પાંચ જિલ્લાઓ કઠુઆ, કિશ્તવાડ, રામબન, ઉધમપુર અને ડોડા સામેલ છે. ડૉક્ટર સિંહ આ સીટ ત્રીજી વખત જીતવા માટે કોશિશ કરી રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર ચૌધરી લાલસિંહ સામે છે. લાલસિંહ આ બેઠક પરથી 2004 અને 2009માં ચૂંટણી જીત્યા હતા.
અર્જુન રામ મેઘવાલ
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી ગોવિંદ રામ મેઘવાલ બિકાનેર બેઠક પર તેમનો મુકાબલો કરશે.
બહુજન સમાજવાદી પાર્ટીએ આ બેઠક પરથી ખેતરામ મેઘવાલને મેદાને ઉતાર્યા છે. અર્જુન રામ મેઘવાલ આ બેઠક પરથી પહેલી વખત 2009માં ચૂંટણી જીત્યા હતા. તેમણે 2014 અને 2019ની ચૂંટણીઓમાં પણ આ સીટ પરથી વિજય મેળવ્યો હતો.
પૂર્વ મુખ્ય મંત્રીઓ પણ ચૂંટણી મેદાનમાં

ઇમેજ સ્રોત, @BJPBIPLAB/X
બિપ્લબ કુમાર દેબ
ત્રિપુરાના પૂર્વ મુખ્ય મંત્રી બિપ્લબ કુમાર દેબ પશ્ચિમ ત્રિપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગેસ તરફથી તેના પ્રદેશ અધ્યક્ષ આશિષ કુમાર શાહા તેમને ટક્કર આપી રહ્યા છે.
આ પહેલા માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીનો 1996થી 2014 સુધી આ બેઠક પર દબદબો હતો. ભાજપે આ બેઠક પર 2019ની ચૂંટણીમાં પ્રથમ વખત વિજય મેળવ્યો. ભાજપનાં ઉમેદવાર પ્રતિમા ભૌમિકે આ બેઠક પરથી જીત મેળવી હતી.
એ રાજા
તમિલનાડુની નીલગિરી લોકસભા બેઠક પરથી ડીએમકેના એ રાજા ચૂંટણી મેદાનમાં છે. તેઓ કૉંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ-2 સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા.
ડીએમકેના સંસદસભ્ય રાજાનો મુકાબલો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુચિકિત્સા અને ડેરી મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન સામે છે. એ રાજાએ 2009માં પણ આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
રાજાએ 2019ની ચૂંટણીમાં પાંચ લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. મુરુગન પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. મુરુગન 2021માં મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
કાર્તિ ચિદમ્બરમ
તમિલનાડુની શિવગંગા બેઠક પરથી કાર્તિ ચિદમ્બર ચૂંટણી મેદાનમાં છે. તેઓ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર છે. પી ચિદમ્બરમ આ બેઠક પરથી સાત વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
કાર્તિને 2014ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. આ વખતે તેમનો મુકાબલો ભાજપનાં ટી દેવનાથન યાદવ અને એઆઈજીએમકેના જેવિયર દાસ સાથે છે.
અન્નામલાઈ
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈ કોયંબટૂર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર તેમનો મુકાબલો ડીએમકે નેતા ગણપતિ પી રાજકુમાર અને એઆઈડીએમકેના ઉમેદવાર સિંહાઈ રામચંદ્રન સામે છે.
આ બેઠક પર ડીએમકે અને એઆઈડીએમકે ઉપરાંત માકપા અને ભાકપાનો પણ દબદબો રહ્યો છે. માકપાના પીઆર નટરાજને 2019ની ચૂંટણીમાં આ બેઠક પર કબજો કર્યો હતો.
ભાજપના ઉમેદવાર અન્નામલાઈ ભારતીય પોલીસ સેવાના પૂર્વ અધિકારી છે. લોકો તેમની સભાઓમાં મોટી સંખ્યામાં હાજર રહે છે અને લોકોની આ બેઠક પર નજર છે.
તમિલિસાઈ સૌંદર્યરાજન
પુડ્ડુચેરીનાં ઉપરાજ્યપાલ અને તેલંગાણાનાં રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપીને તમિલિસાઈ સૌંદર્યરાજન ચેન્નઈ દક્ષિણ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર છે.
આ બેઠક તમિલનાડુનો બીજા નંબરનો સૌથી મોટો લોકસભા વિસ્તાર છે, જેમાં 20 લાખથી વધારે મતદારો છે. ડીએમકેના થમિજાચી થંગાપાંડિયન ડૉક્ટર તમિલિસાઈને ટક્કર આપશે. જ્યારે એઆઈએડીએમકે પાર્ટીએ આ બેઠક પરથી જે જયવર્ધનને ટિકિટ આપી છે.
થંગાપાંડિયને 2019માં આ બેઠક જીતી હતી. ડીએમકે પાર્ટીએ આ બેઠક આઠ વખત વિજય મેળવ્યો છે.
કૉંગ્રેસે ગૌરવ ગોગોઈની સીટ બદલી

ઇમેજ સ્રોત, GAURAV GOGOI @GAURAVGOGOIASM/X
કૉંગ્રેસે ગૌરવ ગોગોઈને આસામની જોરહાટ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. તેઓ રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી તરુણ ગોગોઈના પુત્ર છે. ભાજપના તપન કુમાર ગોગોઈ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર સુશાંતને હરાવ્યા હતા.
ગૌરવ ગોગોઈ આ પહેલા 2014 અને 2019ની ચૂંટણીમાં અસમની જ કલિયાબાર લોકસભા બેઠક પરથી જીત્યા હતા. ગોગોઈને તે બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરફથી સારી ટક્કર મળી રહી છે. અહોમ સમુદારના મતદારો આ બેઠક પર મોટી સંખ્યામાં છે. કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પણ આ સમુદાયમાંથી જ આવે છે.
જતિન પ્રસાદ
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં કૅબિનેટ મંત્રી જતિન પ્રસાદ પીલીભીતથી ઉમેદવાર છે. ભાજપે વર્તમાન સંસદ સભ્ય વરૂણ ગાંધીની ટિકિટ કાપીને તેમને ઉમેદવાર બનાવ્યા છે.
તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ભગવત શરણ ગંગવાર અને બહુજન સમાજ પાર્ટીના અનીસ અહમદ ખાન ઉર્ફે ફૂલ બાબુ સામે છે. જતિન પ્રસાદ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપનો બ્રાહ્મણ ચહેરો માનવામાં આવે છે.
નકુલનાથ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડાથી ચૂંટણી લડી રહ્યા છે. કમલનાથ 1980થી અત્યાર સુધી નવ વખત આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. કૉંગ્રેસે 2019ની ચૂંટણીમાં છિંદવાડામાં નકુલ નાથને ઉમેદવાર બનાવ્યા હતા.
તેમણે ભાજપના ઉમેદવારને 37 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. કૉંગ્રેસે તે ચૂંટણીમાં રાજ્યની 29 બેઠકોમાંથી માત્ર આ બેઠક જીતી હતી. ભાજપે આ વખતે પોતાના જિલ્લા પ્રમુખ વિવેક બંટી સાહુને આ બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.
ઇમરાન મસૂદ
કૉંગ્રેસના નેતા ઇમરાન મસૂદ ઉત્તર પ્રદેશની સહારનપુર બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની આ લોકસભા સીટ માટે સારી ટક્કર છે.
મસૂદ અહીં ભાજપના સંસદ સભ્ય રાઘવ લખનપાલ શર્મા સામે ચૂંટણી લડી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીના માજિદ અલીને કારણે મુકાબલો ત્રિકોણીય છે. મસૂદના કાકા રાશિદ મસૂદ પાંચ વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.












