સમયની શરૂઆત કેવી રીતે થઈ હતી, તેનો અંત કેવી રીતે આવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માઈકલ માર્શલ
- પદ, બીબીસી ફ્યુચર
મોટા ભાગની બાબતોનો આરંભ તથા અંત હોય છે અને તેમાં સમયનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સમયની શરૂઆત ક્યારે થઈ હતી અને એક દિવસ તેનો અંત કોણ કરશે?
લગભગ અમર્યાદિત સમયની મુસાફરી દર્શાવતા 'ડૉકટર હૂ' જેવા કાર્યક્રમનો એક આનંદ એ છે કે તે ગમે ત્યાં અને ગમે ત્યારે જઈ શકે છે. તેમાં કૉસ્મિક ચરમસીમા પર જવાનો પણ સમાવેશ થાય છે.
'ડૉક્ટર હૂ' બહુવિધ પ્રસંગોએ ભવિષ્યમાં, બ્રહ્માંડના અંતનાં અબજો વર્ષ સુધી ગયા છે. 'યુટોપિયા' ઍપિસોડમાં દસમા ડૉક્ટર બ્રહ્માંડના અંતના દિવસો સુધી પહોંચ્યા હતા અને બારમા ડૉક્ટર ત્યાં સિઝન આઠના 'લિસન' તથા સિઝન નવના 'હેલ બેન્ટ' સુધી ગયા હતા.
ડૉક્ટર 'ધ રન અવે બ્રાઈડમાં પૃથ્વીની રચના જેવી દૂરના ભૂતકાળની ચરમસીમા સુધી પણ ગયા હતા.
એક પ્રસંગે તેમણે બીજો મહાવિસ્ફોટ સર્જ્યો હતો. મહાવિસ્ફોટ એટલે દ્રવ્ય અને ઊર્જાનું અવિશ્વનીય રીતે ઝડપી વિસ્તરણ, જે બ્રહ્માંડના જન્મનું કારક હોવાનું બ્રહ્માંડ-વિજ્ઞાનીઓ માને છે.
વાસ્તવમાં બ્રહ્માંડની શરૂઆત અને અંત આપણી સમજને કાયમ પડકારતા રહ્યા છે. ખાસ કરીને સમય કેવી રીતે શરૂ થયો અને પ્રારંભિક બ્રહ્માંડમાં તે કેવો હતો એ બાબતે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. દૂરના ભવિષ્ય અને સમયના અંત બાબતે વિચારીએ તો એ કહેવાનું વધારે મુશ્કેલ છે. તેનો આંશિક આધાર આપણે ‘સમય’ કોને ગણીએ છીએ તેના પર છે.

બ્રહ્માંડની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
બ્રહ્માંડની શરૂઆત 13.8 અબજ વર્ષ પહેલાં મહાવિસ્ફોટ સાથે થઈ હતી એ વાત સાથે બ્રહ્માંડવિજ્ઞાનીઓ સામાન્ય રીતે સહમત છે. તે દાયકાઓના અવલોકનો પર આધારિત છે, જે દર્શાવે છે કે બ્રહ્માંડની તમામ આકાશગંગા અલગ-અલગ ઊડી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. તમે ટેપને પાછળની તરફ ચલાવો તો એવું લાગે છે કે બ્રહ્માંડમાં બધું મૂળભૂત રીતે એક સાથે જોડાયેલું હતું. તે સૂચવે છે કે શરૂઆતમાં બધું એક અસીમ નાના બિંદુ અથવા ‘વિલક્ષણતા’માં સમાયેલું હતું, જ્યારે મહાવિસ્ફોટમાં આશ્ચર્યજનક રીતે ઝડપથી વિસ્તાર થયો હતો.
એ પહેલાં શું થયું હતું તેવો સવાલ પૂછવાની લાલચ થાય, પરંતુ મોટા ભાગના ભૌતિકશાસ્ત્રીઓ કહેશે કે તે અર્થહીન છે. બ્રિટનની યુનિવર્સિટી ઑફ યૉર્કનાં ઍસ્ટ્રૉફિઝિસિસ્ટ એમ્મા ઓસ્બોર્ન કહે છે, “સમયનું અસ્તિત્વ છે, કારણ કે બ્રહ્માંડનું અસ્તિત્વ છે. બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું તે ક્ષણથી સમયની શરૂઆત થઈ હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના ક્વૉન્ટમ ફિઝિસિસ્ટ વ્લાટકો વેડ્રાલના કહેવા મુજબ, આવો જ વિચાર ખ્રિસ્તી ફિલસૂફ થોમસ એક્વિનાસનાં લખાણોમાં પણ જોવા મળે છે. “તેમણે કહ્યું હતું કે બ્રહ્માંડની રચના પહેલાં ભગવાન શું કરી રહ્યા હતા તે પૂછવાનો કોઈ અર્થ નથી, કારણ કે સમય સહિતનું બધું ભગવાને બનાવ્યું છે. તેથી આ સવાલ નિરર્થક છે.”
જોકે, બિગ બેંગ એટલે કે મહાવિસ્ફોટ કેવો હતો અને એ પછી તરત શું થયું હતું એ આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. ઓસ્બોર્ન કહે છે, “આ ક્ષણે તે હજુ પણ ખુલ્લી કિતાબ હોય તેવું મને લાગે છે.”
મુખ્ય મુદ્દો એ છે કે, વિલક્ષણતા અનંત નાની તથા અનંત ગાઢ હતી અને અનંતતાનો અર્થ એ છે કે ખરેખર શું થઈ રહ્યું છે તેનું વર્ણન આપણે કરી શકતા નથી. અનંતતા આપણી થિયરીઓ માટે આવી સમસ્યાનું કારણ બનતી હોવાથી કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ દલીલ કરે છે કે “વાસ્તવમાં વિલક્ષણતાનું અસ્તિત્વ જ નથી,” એવું કૅનેડાના સેન્ટ કેથરીન્સની બ્રોક યુનિવર્સિટીના થિયરોટિકલ ફિઝિસિસ્ટ બરાક શોશની જણાવે છે. ખરેખર તો તે એક સંકેત છે કે અગાઉ ઉપયોગમાં લેવાતી થિયરી “હવે માન્ય નથી.”
એ સિવાય આપણા બ્રહ્માંડનો મોટો હિસ્સો બ્લૅક મેટર અને ડાર્ક ઍનર્જીથી બન્યો હોય એવું લાગે છે. એ બેમાં શું છે તે આપણે જાણતા નથી. તેથી પ્રારંભિક બ્રહ્માંડની ચરમ સ્થિતિમાં તેમણે શું કામ કર્યું હશે તેનું અનુમાન કરી શકતા નથી.
પરિણામસ્વરૂપે કેટલાક બ્રહ્માંડવિજ્ઞાનીઓ અન્ય બાબતોનો વિચાર કરી રહ્યા છે. વેડ્રલ કહે છે, એક કલ્પના ‘સુપર-યુનિવર્સ’ની છે, જેમાં આપણા બ્રહ્માંડની સાથે-સાથે અનેક અન્ય બ્રહ્માંડ પણ સામેલ છે. આ દ્રષ્ટિકોણ મુજબ, બિગ બેંગ “આપણા માટે પ્રારંભ છે,” પરંતુ તે એક વ્યાપક બ્રહ્માંડની અંદર થયું હતું, જેના વિશે આપણે કશું જ જાણતા નથી. “શરૂઆત અનોખી હતી એ વિચાર બાબતે વધુને વધુ લોકો સવાલ કરી રહ્યા છે.”
જે સ્પષ્ટ પ્રતીત થાય છે તે એ છે કે બિગ બેંગ પછી સમય માત્ર એક દિશામાં આગળ વધ્યો છે. સમય અતીતથી વર્તમાન તથા ભવિષ્ય તરફ વહી રહ્યો છે અને તે પાછો ક્યારેય આવતો નથી તેવો અનુભવ આપણને થાય છે. તે ત્રિ-આયામી અંતરિક્ષના આપણા અનુભવથી બિલકુલ અલગ છે. તેમાં આપણે સ્વતંત્ર રીતે ફરી શકીએ છીએ.

સમયનું તીર

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા ભૌતિકશાસ્ત્રીઓને શંકા છે કે ‘સમયનું તીર’ એ બ્રહ્માંડની મૂળભૂત વિશેષતા નથી, પરંતુ તેને બદલે એવું કંઈક છે, જે તેમાં રહેલી સામગ્રીના વર્તનમાંથી ઉદ્ભવે છે.
ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી સાથે સંકળાયેલી આવી એક સમજૂતી બ્રહ્માંડમાં ડિસૉર્ડર અથવા “એન્ટ્રોપી” (વિશ્વની અવનતિ અથવા અવ્યવસ્થાનું માપ)ની માત્રા સંબંધી છે. કમ્પ્યુટર કાર્ડ ગૅઇમના સૂટમાં સોર્ટ કરેલી ડેકમાં અને સંખ્યા પ્રમાણે ઓછી એન્ટ્રોપી હોય છે, જ્યારે શફલ્ડ ડેકમાં એન્ટ્રોપીનું પ્રમાણ ઊંચું હોય છે. આખી ફ્લોર પર પથરાયેલી એક ડેકમાં પણ વધારે એન્ટ્રોપી હોય છે.
સમગ્ર બ્રહ્માંડમાં એન્ટ્રોપીની માત્રા હંમેશાં વધતી રહે છે. એન્ટ્રોપીની માત્રા ઘટતી હોય તેવા કેટલાક પ્રદેશો હોઈ શકે છે. દાખલા તરીકે, આપણે કાર્ડ્ઝની છૂટીછવાઈ ડેકને વ્યવસ્થિત કરીએ તો તેવું જોવા મળે, પરંતુ એ કાર્યમાં ઉષ્ણતા મુક્ત થાય છે, જે અન્યત્ર એન્ટ્રોપીમાં વધારો કરે છે. (ડૉક્ટર હૂ નામની સિરિયલની અંતિમ કથા 'લોગોપોલિસ'નું આખું કથાનક એન્ટ્રોપીમાં અસાધારણ વધારાની આસપાસ કેન્દ્રીત છે)
એન્ટ્રોપીમાં આ સતત વધારો સમયના તીરની એક સંભવિત સમજૂતિ છે, કારણ કે એન્ટ્રોપી ઘટવાને બદલે કોઈ પણ ક્ષણે વધવાની સંભાવના જબરજસ્ત હોય છે. સમય સતત ઉચ્ચ એન્ટ્રોપીની દિશામાં આગળ વધે છે.
જોકે, આ સમજૂતીમાં એક સમસ્યા છે. તેમાં એવું ધારવામાં આવ્યું છે કે બ્રહ્માંડનો પ્રારંભ ઓછી એન્ટ્રોપીની સ્થિતિમાં થયો છે, કારણ કે બિગ બેંગ પછી એન્ટ્રોપી વધારે હોત તો તેનો વિસ્તાર થઈ શક્યો ન હોત.
વેડ્રલ કહે છે, “આપણી પાસે તેના કોઈ પુરાવા હોય એવું મને ખરેખર લાગતું નથી.” પ્રારંભિક બ્રહ્માંડ આપણી શ્રેષ્ઠ સમજ એ છે કે તે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ તરીકે ઓળખાતા ઝાંખા કિરણોત્સર્ગમાંથી આવે છે. તે આકાશના દરેક ખૂણામાંથી આપણી તરફ આવે છે. કિરણોત્સર્ગની પેટર્ન પણ, જો તે કંઈ હોય તો અત્યંત એન્ટ્રોપિક છે.
બીજા શબ્દોમાં કહીએ તો પ્રારંભિક બ્રહ્માંડમાં આપણે જે સ્થિતિનું અવલોકન કરીએ છીએ તે ખૂબ જ બુદ્ધિગમ્ય પ્રારંભિક બિંદુ જેવું લાગતું નથી કે જ્યાંથી સમયના તીરને છોડવામાં આવ્યું હોય.

ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ

ઇમેજ સ્રોત, Getty Images
કૅલિફોર્નિયાના ઑરેન્જ ખાતેની ચેપમેન યુનિવર્સિટીના ફિલોસોફર એમિલી એડલમ કહે છે, “તે ઓછી એન્ટ્રોપીની સ્થિતિ હતી એવું આપણે ધારી લીધું છે. આ હાલનો અભિગમ છે. તેના માટે કોઈ સ્પષ્ટ કારણ નથી. બસ એવું હતું.”
આપણા પોતાના સિવાયનું પણ એક બ્રહ્માંડ છે, એવું ધારી લેવું તે એક સંભવિત સમજૂતિ છે. એડલમ કહે છે, “પેલી તરફ બ્રહ્માંડોનો એક આખો સમૂહ છે અને તે બધાની અલગ-અલગ પ્રારંભિક અવસ્થાઓ હતી.” અલબત, આપણા જેવા સભાન લોકોનું અસ્તિત્વ, એન્ટ્રોપી વધી રહી હોય તેવા બ્રહ્માંડમાં જ હોઈ શકે.
એડલમ કહે છે, “આપણે ફક્ત એક એવા બ્રહ્માંડમાં છીએ, જેના પ્રારંભમાં એન્ટ્રોપી ઓછી હતી.” ઉચ્ચ એન્ટ્રોપીથી આરંભાતાં બ્રહ્માંડો પર જીવન શક્ય નથી. તેથી ત્યાં સવાલ પૂછવાવાળું કોઈ નહીં હોય.
જોકે, આમાં અન્ય બ્રહ્માંડના અસ્તિત્વની ધારણાનો સમાવેશ થાય છે. તેથી એડલમ અન્ય અન્ય અભિગમ અપનાવે છે. તેઓ કહે છે, “હું જેની તરફેણ કરું છું તે સમજૂતિના દાખલા સામે સવાલ કરવાનો છે.”
પહેલાં જે બન્યું હતું તેનો ઉલ્લેખ કરીને હવે શું થઈ રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. મંગળવારની ઘટના બુધવારની ઘટનાઓને સમજાવે છે, પરંતુ બિગ બેંગ વિશે વિચારતી વખતે તે સમસ્યા સર્જે છે. એડલમ કહે છે, “આપણે માત્ર પહેલાની બાબતોને જોઈને જ સમજાવી શકીએ છીએ. તેથી પ્રારંભિક સ્થિતિને સમજાવી શકતા નથી.”
એડલમના કહેવા મુજબ, બ્રહ્માંડનો ઇતિહાસ સુસંગત હોવો જોઈએ, કોઈ વિરોધાભાસ વિનાનો હોવો જોઈએ. તે સૌથી મહત્ત્વની બાબત છે. આપણે માત્ર એક તરફી સમયનો અનુભવ શા માટે કરવો જોઈએ તે બીજું કારણ છે. તે વિરોધાભાસની સંભાવના ઘટાડે છે, પરંતુ આંતરિક રીતે સાતત્યસભર ઇતિહાસના આધાર અસહજ હોઈ શકે છે.
બ્રહ્માંડ ભૂતકાળથી ભવિષ્ય તરફ ધીમા ડગલે આગળ વધે છે તેવું લોકો ઘણીવાર માને છે. એડલમ કહે છે, “આપણે તેને પ્રારંભિક સ્થિતિ કહી શકીએ. પછી તે કમ્પ્યુટરની જેમ ગણતરી કરે છે અને ઇતિહાસ એક સમયે, એક ડગલું, અમુક પ્રકારની ક્રમબદ્ધ પ્રક્રિયામાં આગળ વધે છે.”
જોકે, વાસ્તવમાં કદાચ આવું થતું નથી. એડલમ કહે છે, “તમે ખરેખર જેના વિશે વિચારવા ઇચ્છો છો તે બ્રહ્માંડ સમગ્ર ઇતિહાસનો એક સાથે નિર્ણય કરે છે.” બીજા શબ્દોમાં કહીએ તો તે નિશ્ચિત ભૂતકાળ જ નથી, ભવિષ્ય પણ છે. તે ખરેખર શું છે એ આપણે હજુ સુધી જાણતા નથી.
એડલમ તેને સુડોકુના કોયડા ઉકેલવા સાથે સરખાવે છે. આ લોકપ્રિય કોયડાઓમાં સંખ્યાઓને નવ-બાય-નવની ગ્રીડમાં એવી રીતે મૂકવાની હોય છે કે દરેક પંક્તિમાં, દરેક કોલમમાં અને દરેક ત્રણ-બાય-ત્રણ ચોરસમાં એકથી નવ અંકો હોય.
એડલમ કહે છે, “સુડોકુની રમતમાં એક બાજુથી શરૂ કરીને બીજી તરફ જવાનું હોતું નથી. તેમાં તમામ નિયમોનું પાલન થાય અને સુસંગત હોય એવી રીતે કોયડો ઉકેલવાનો હોય છે. બ્રહ્માંડ વિશે પણ આવી રીતે વિચારવું પડે.”
સમયનો આ દૃષ્ટિકોણ સાચો હોય તો? એડલમ કહે છે, “ભૂતકાળની બાબતોને આધારે વર્તમાન સમજાવવો તે કોઈ મોટી વાત નથી.” હકીકતમાં વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ એકબીજા પર એવી રીતે આધારીત છે કે જેને આપણે સમજી શકતા નથી.
અહીં આપણી ભાષા પણ આપણને નિરાશ કરે છે, કારણ કે તે સમયના એકતરફી પ્રવાહની ધારણા પર વ્યાપકપણે નિર્ભર છે. ઉપરની સમજૂતિ બ્રહ્માંડની ગણતરી વિશાળ સંદર્ભમાં કરે છે, જેમ કે સમય હતો ત્યારે તે કર્યું ન હતું અને બાદમાં એ કર્યું હતું, પરંતુ આ અર્થઘટન સાચું હોય તો “પહેલાં” અને “પછી” જેવા ખ્યાલ ખરેખર અહીં લાગુ પડતા નથી.
આ માટે તમારે એક મિનિટ શાંતિથી વિચારવું પડશે.

અંત કેવી રીતે આવશે?

ઇમેજ સ્રોત, NASA/JSC
ચાલો, હવે સમયરેખાના બીજા છેડે જઈએ અને બ્રહ્માંડના અંતની વાત કરીએ. બ્રહ્માંડનો અંત કેવી રીતે આવી શકે અને સમયના પ્રવાહનું શું થશે તે સમજીએ.
બ્રહ્માંડશાસ્ત્રીઓએ બ્રહ્માંડના અંત સંબંધે ઘણા સંભવિત દૃશ્યોની કલ્પના કરી છે. દરેકના અલગ-અલગ સૂચિતાર્થ છે. અત્યાર સુધીના અમારાં અવલોકનોને આધારે કેટલાક, અન્ય કરતાં વધારે સંભવિત જણાય છે.
બિગ ક્રંચનો વિચાર એક સમયે આશાસ્પદ લાગતો હતો, પરંતુ હવે અસંભવિત લાગે છે. આ વિચાર એવો છે કે ગુરુત્વાકર્ષણનું ખેંચાણ બ્રહ્માંડના વિસ્તરણને આખરે અટકાવશે અને તે બધાને સાથે જોડવાનું કારણ બનશે. બ્રહ્માંડ એકલતામાં પરિણમશે. બિગ બેંગથી વિપરીત પરિસ્થિતિ સર્જાશે. તેનો અર્થ સમયના પ્રવાહનો અંત ચોક્કસ થશે એવો થાય.
જોકે, બ્રહ્માંડનું વિસ્તરણ ઝડપી થઈ રહ્યું હોવાના પુરાવામાં 1990ના દાયકાથી વધારો થઈ રહ્યો છે, જે સૂચવે છે કે ગુરુત્વાકર્ષણ એટલું શક્તિશાળી નથી કે તેને રોકી શકે. વોટરલૂ, ઓન્ટારિયોમાં પેરિમીટર ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયોરેટિકલ ફિઝિક્સ ખાતેના બ્રહ્માંડશાસ્ત્રી કેટી મેક કહે છે, “વર્તમાન બ્રહ્માંડ વિજ્ઞાનમાં બિગ ક્રંચ સુધી પહોંચવાનો કોઈ બુદ્ધિગમ્ય માર્ગ હોય તેવું લાગતું નથી.”
એકમાત્ર સંભવિત માર્ગ, તેના વર્તનમાં પરિવર્તન માટે વિસ્તરણને વેગ આપતી રહસ્યમય ડાર્ક ઍનર્જી હશે. કેટી મેક કહે છે, “તે સમયની સાથે બદલાતી વસ્તુ હોય તો ડાર્ક ઍનર્જીની કલ્પના કરી શકાય, જે વિસ્તરણ વિસ્તરણ સર્જવાથી માંડીને સંકોચન સર્જવા સુધી બદલાશે. જોકે, આ માત્ર અટકળ છે. તેના કોઈ નક્કર પુરાવા નથી.”
બીજી પરિકલ્પના બિગ રીપની છે, જેને અસંભવિત ગણવામાં આવે છે. મેકના જણાવ્યા અનુસાર, એ કાલ્પનિક ભવિષ્યમાં ડાર્ક ઍનર્જીમાં ક્ષતિ સર્જાશે. તારાવિશ્વોનું વિઘટન થાય અને બ્રહ્માંડ વધુને વધુ ખાલી થતું જાય તેમ ડાર્ક ઍનર્જી વધુ પ્રબળ બને છે. આખરે તે ડાર્ક ઍનર્જી એટલી શક્તિશાળી બની જાય છે કે તે પહેલાં તારાવિશ્વોને ફાડી નાખે છે અને પછી અવકાશને જ ખતમ કરી નાખે છે.
આ એક નાટકીય વિચાર છે, પરંતુ “મોટા ભાગના બ્રહ્માંડશાસ્ત્રીઓ એક શક્યતા તરીકે તેને જરાય ગંભીર ગણતા નથી,” એમ મેક કહે છે. તેનું કારણ એ છે કે તેમાં સ્પષ્ટ સ્રોત વિના વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. “બ્રહ્માંડના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો બિગ રીપને અટકાવી દેશે કે કેમ તે સ્પષ્ટ નથી.”
ત્રીજો વિચાર અવકાશી સડાનો છે. તેનો આધાર હિગ્સ ફિલ્ડની વર્તણૂક પર છે. હિગ્ઝ ફિલ્ડ એક એવું ઊર્જાક્ષેત્ર છે, જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું છે અને કણોને સમૂહ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
લાર્જ હેડ્રોલ કોલાઈડરના સંશોધકોએ 2012માં સંબંધિત કણ – હિગ્સ બોસોન શોધી કાઢ્યા હતા, જે આ ફિલ્ડના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. મેક કહે છે, “હિગ્સ ફિલ્ડ મહત્ત્વની બાબત છે. કણની માફક હિગ્સ ફિલ્ડનું અસ્તિત્વ પણ છે, તે આપણે જાણીએ છીએ.”
બ્રહ્માંડશાસ્ત્રીઓ માને છે કે હિગ્સ ફિલ્ડમાં કાયમ સમાન તીવ્રતા હોતી નથી. મેકના કહેવા મુજબ, “હિગ્સ ફિલ્ડ બ્રહ્માંડના પ્રારંભિક તબક્કામાં જ બદલાઈ ગયું હતું. તે આજના ભૌતિકશાસ્ત્રનો આધાર બન્યું હતું. તેણે મૂળભૂત દળો તથા કણોનું મિશ્રણ બનાવીને આજે આપણે જે અનુભવી શકીએ છીએ તે અણુઓ તથા પરમાણુઓના અસ્તિત્વ સર્જાવા દીધું હતું.”
હિગ્સ ફિલ્ડ ત્યારથી સ્થિર છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તે ફરીથી બદલાઈ શકે છે. જો આવું થશે તો એક પ્રકારનો પરપોટો દેખાશે. મેક કહે છે, “તે અસ્તિત્વમાં રહેલા કણોના મિશ્રણને બદલી નાખશે. તે દળોના મિશ્રણને બદલશે. તે ભૌતિકશાસ્ત્રની રચનાને એવી રીતે બદલી નાખશે કે તેમાં ટકી રહેવું અશક્ય બની જશે.”
એ ત્યાં અટકશે નહીં. મેક કહે છે, “એ પરપોટો લગભગ પ્રકાશની ઝડપે વિસ્તરશે અને દરેક વસ્તુનો નાશ કરશે. તે આપણને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે.”
સારી વાત એ છે કે અવકાશી સડો માત્ર સૈદ્ધાંતિક સંભાવના છે અને તેવું ભવિષ્યમાં અબજો વર્ષો પછી થશે, “પરંતુ તે એક છૂટીછવાઈ ઘટના પણ છે. તેથી તે ક્યારે અને ક્યાં આકાર પામશે તેની ચોક્કસ આગાહી અમે કરી શકતા નથી,” એમ મેક કહે છે.

બ્રહ્માંડ પોતાને બાળી નાખશે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રહ્માંડના અંત માટેની સૌથી સ્વીકૃત કલ્પના કથિત હીટ ડેથ છે. તે સૂચવે છે કે બ્રહ્માંડ પોતાને બાળી નાખશે. હકીકતમાં તેનો અર્થ વિપરીત છે. હીટ ડેથ ધીમું અને ઠંડુગાર હશે.
વિચાર એકદમ સરળ છે. હાલમાં બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને તારાવિશ્વો એકમેકથી દૂર જઈ રહ્યાં છે. આ પ્રક્રિયામાં તારાવિશ્વો એકમેકથી એટલાં દૂર પહોંચી જશે કે એક આકાશગંગાનો પ્રકાશ અન્ય સુધી ક્યારેય પહોંચશે નહીં. તારાઓનું બળતણ ખતમ થઈ જશે અને ઘોર અંધારું થઈ જશે. આખરે મહત્તમ એન્ટ્રોપીની સ્થિતિ સર્જાશે. બધું શક્ય તેટલું વેરવિખેર હશે. જીવનનું નામનિશાન નહીં હોય અને કશું રસપ્રદ બાકી રહેશે નહીં.
આ અનુમાનિત હીટ ડેથ ભવિષ્યમાં એટલું દૂર લાગે છે કે આપણે તેમાં સામેલ સમયના વિસ્તરણને સમજી શકતા નથી.
હીટ ડેથ સમયના પ્રવાહ પર વિચિત્ર સૂચિતાર્થ ધરાવે છે. આપણા અનુભવ મુજબ, સમયનું તીર વધતી એન્ટ્રોપી સાથે ગાઢ રીતે જોડાયેલું છે, પરંતુ હીટ ડેથના સમય સુધીમાં એન્ટ્રોપી મહત્તમ થઈ જશે. મેક કહે છે, “એન્ટ્રોપી વધી શકતી નથી. ત્યાં ભાવિની કોઈ દિશા નથી અને સમયનું તીર નિર્રથક સાબિત થાય છે.”
જોકે, અન્ય પ્રકારના તીરનું અસ્તિત્વ રહેશે, એવું એડલમનું કહેવું છે. કારણનો એક હિસ્સો સ્થિરતા સુનિશ્ચિત કરવાની અને વિરોધાભાસોથી બચવાની એક જ દિશામાં આગળ વધવાનો હોય તો હીટ ડેથની સાથે સમયના પ્રવાહને રોકવાનું કોઈ કારણ નથી. એડલમ કહે છે, “એક રીતે તે અંતર્નિહિત રૈખિક સંરચના હશે. તેને તમે સમયનું તીર કહી શકશો.”
અલબત, એ અવસ્થાનો અનુભવ કરવા માટે કોઈ માનવી કે જાગૃત પ્રાણીનું અસ્તિત્વ નહીં હોય. એડલમના કહેવા મુજબ, “એ પરિસ્થિતિમાં કોઈ ચૈતન્યમય વ્યક્તિ નહીં હોય. જાગૃત રહેવા માટે સ્મૃતિ યાદ રાખવાની ક્ષમતા અને વિચાર પ્રક્રિયા જરૂરી હોય છે. આ પ્રક્રિયા, એન્ટ્રોપી વધી રહી હોય ત્યારે જ શક્ય હોય તેવા જટીલ ઈન્ટરએક્શન્શ પર નિર્ભર હોય છે. તે બંધ થઈ જાય પછી ચેતના કે સ્મૃતિની કોઈ શક્યતા હોતી નથી.”
મેક કહે છે, “સમય વીતી રહ્યો હોવાના વિચાર બાબતે આપણે વાત કરી શકીએ. તે માત્ર એક દિશામાં આગળ વધતો નથી. તેનું અસ્તિત્વ જ નથી, એવું નથી. વાત એટલી જ છે કે હવે તે અર્થપૂર્ણ રહ્યો નથી.”
એડલમ કહે છે, “મને લાગે છે કે સમયના અનેક ચહેરા હોય છે. એક ‘વસ્તુનિષ્ઠ ભૌતિક સંરચના’ છે, જેનું અસ્તિત્વ હીટ ડેથ પછી પણ રહેશે, પરંતુ સમય વિશેના આપણા વ્યક્તિલક્ષી અનુભવ સાથે ઘણીબધી બાબતો જોડાયેલી છે. એ બધું અંતતઃ ખતમ થઈ શકે છે.”














