દંતેવાડા : 10 જવાનોનાં જ્યાં મૃત્યુ થયાં એ વિસ્તાર આટલો ખતરનાક કેમ ગણાય છે?

છત્તીસગઢ

ઇમેજ સ્રોત, DAILY CHHATTISGARH

છત્તીસગઢના દંતેવાડામાં સંદિગ્ધ માઓવાદીઓના હુમલામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના 10 જવાન અને ડ્રાઇવરનાં મૃત્યુ થયાં છે. અરનપુર વિસ્તારમાં નક્સલવાદીઓ જોવા મળ્યા હોવાની માહિતી મળતા અભિયાન માટે ટુકડી નીકળી હતી ત્યારે તેમના કાફલા ઉપર આઈડી ઍટેક થયો હતો.

1980ના દાયકામાં છત્તીસગઢમાં માઓવાદી હિંસાનાં મૂળિયાં પડ્યાં છે. સશસ્ત્ર નક્સલવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 'અમુક રાજ્યના અમુક જિલ્લા' પૂરતો માઓવાદ મર્યાદિત થઈ ગયો હોવાની વાત કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે છત્તીસગઢની સરકાર સાથે વાત કરી છે અને શક્ય તમામ સહાય કરવાની ખાતરી આપી છે.

1960ના દાયકામાં પશ્ચિમ બંગાળના નક્સલબાડી ખાતેથી ડાબેરીઓની હિંસક ચળવળની શરૂઆત થઈ હતી, જેથી કરીને માઓવાદીને હિંસાને 'નક્સલવાદ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

1980ના દાયકામાં આ સશસ્ત્ર આંદોલનનો વ્યાપ વધ્યો ત્યારે દેશના આદિવાસીવિસ્તારોમાં તેને ભારે સમર્થન મળ્યું. જેમાંથી છત્તીસગઢના (એ સમયનું મધ્યપ્રદેશ) આદિવાસી બહુમતીવાળા વિસ્તારો બાકાત ન હતા અને દંતેવાડા પણ તેમાંથી એક છે.

જિલ્લાને આ નામ અહીં આવેલાં દંતેશ્વરી માતા મંદિરના નામ પરથી મળ્યું છે, જેને હિંદુઓ 52 શક્તિપીઠમાંથી એક માને છે. અગાઉ આ જિલ્લો બસ્તર જિલ્લાના ભાગરૂપ હતો.

મધ્ય ભારતના દુર્ગમ વન્ય વિસ્તારોમાં વસતા આદિવાસીઓ સુધી વિકાસ પહોંચી ન શક્યો અને તેમનું શોષણ થતું રહ્યું, જેના કારણે વંચિત અને ગરીબ આદિવાસીઓમાં નક્સલવાદનો વ્યાપ વધારવા માટે ફળદ્રૂપ જમીન મળી રહી.

માઓવાદી પ્રવૃત્તિઓની દૃષ્ટિએ દંતેવાડાને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પોલીસ, સુરક્ષાબળો અને માઓવાદીઓ વચ્ચેની સશસ્ત્ર અથડામણ અહીં દાયકાઓથી ચાલી રહી છે.

ગાઢ જંગલો અને પહાડોથી સુરક્ષાબળો અજાણ હોય છે, જ્યારે મૂળનિવાસીઓ તેનાથી વાકેફ હોવાથી માઓવાદીઓ દ્વારા 'મારો અને ભાગો', આઈઈડી મૂકીને નાસી છૂટવામાં તથા સુરક્ષાબળોની કાર્યવાહી સમયે તેમને સ્થાનિક યુવાનોની મદદની જરૂર રહે છે. આ બાબતનો લાભ તેમને દંતેવાડા તથા અન્ય નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં મળે છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને તેમના પુરોગામીઓ પણ નક્સલહિંસાને 'દેશની સુરક્ષા માટે મોટો પડકાર' ગણાવી ચૂક્યા છે. દેશના ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં નક્સલવાદીઓનો પ્રભાવ જોવા મળે છે.

દંતેવાડામાંથી ગ્રૅનાઇટ, ગ્રૅફાઇટ, યુરેનિયમ, માર્બલ અને લાઇમસ્ટોન મળી આવે છે. જોકે લોખંડની અયસ્ક સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે.

માઓવાદી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલાંક સ્થળોએ તેની ટકાવારી 60 ટકા કરતાં પણ વધારે છે. આ વિસ્તારમાંથી લોખંડ કાઢવાનું કામ નેશનલ મિનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એનએમડીસી) નામની સરકારી કંપની કરે છે.

નક્સલ પ્રભાવિત જંગલના વિસ્તારોમાં એનએમડીસી ખાણકામ નથી કરી શકતી, જ્યાંથી ગેરકાયદેસર રીતે તેનું ખનન કરતી અનેક ટુકડીઓ કાર્યરત છે. આ વેપારનો લાભ નક્સલવાદીઓ સુધી પહોંચતો હોવાનું પણ બહાર આવ્યું છે. એટલે જ ગેરકાયદેસર રીતે લોખંડની અયસ્કનું વહન કરતી ટ્રકો ઉપર હાથ નાખતા ખાણકામ વિભાગના કર્મચારીઓમાં ડર રહે છે.

દેશ તથા વિદેશની અનેક કંપનીઓ છત્તીસગઢમાં સ્ટીલ પ્લાન્ટ નાખવા માટે તત્પર છે અને આના વિશે યોજનાઓ અને વિચાર જાહેર કરે છે, પરંતુ પ્લાન્ટ અને કર્મચારીઓની સુરક્ષા તેમના માટે મોટો પડકાર હોય છે.

ઝાડ, જમીન અને જળ માટે વિશેષ લાગણી ધરાવતો આદિવાસી સમાજ દ્વારા અહીં આવતા રોડ, સ્ટીલ પ્લાન્ટ, વિમાનમથક જેવા પ્રોજેક્ટને પણ શંકાની નજરે જોવામાં આવે છે.

ઘણી વખત તેમને લાગે છે કે આ બધી સવલતો તેમના માટે નહીં, પરંતુ અહીં તહેનાત સુરક્ષાબળો તથા ઉદ્યોગપતિઓ માટે ઊભી કરવામાં આવે છે.

વેપાર-રોજગારની તક ન હોવાને કારણે ગરીબી, શોષણ અને હિજરતનું વિષચક્ર ઊભું થાય છે. જેનો લાભ નક્સલવાદીઓને થતું હોવાનું સરકારમાં રહેલા લોકોનું માનવું છે.

સ્થાનિક કર્મશીલોનું કહેવું છે કે ત્યાં જે લોકો છે, એ તેમના જ લોકો છે અને સરકાર જો તેમના સામે જ બળપૂર્વક કામ કરશે તો ક્યારેય જીતી નહીં શકે.

સલવા જુડુમ અભિયાન શું છે?

નક્સલવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એક તબક્કે દેશના 620થી વધુ જિલ્લા નક્સલ પ્રભાવિત હતા. તેમાંથી છત્તીસગઢ દ્વારા 2005 આસપાસ નક્સલવાદીઓ સામે 'સલવા જુડુમ' નામે અભિયાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગોંદી ભાષાના આ શબ્દનો અર્થ 'શુદ્ધતા શિકાર' થાય છે

જેમાં શાંતિ ઇચ્છતા અને નક્સલવાદનો ભોગ બનેલા યુવાનોને રાજ્ય સરકાર દ્વારા શસ્ત્ર અને તાલીમ આપવામાં આવ્યા હતા. જેઓ આ માઓવાદી હુમલાનો પ્રતિકાર કરતા.

તેઓ 'સ્પેશિયલ પોલીસ ઑફિસર' કે 'કોયા કમાન્ડો' તરીકે ઓળખાતા. આ અભિયાનને વિપક્ષ કૉંગ્રેસનું પણ સમર્થન હાંસલ હતું.

કેટલાક કર્મશીલોની અરજીને પગલે 2011માં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે આ અભિયાનને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું હતું અને તેનો ભંગ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

એમની પાસે રહેલાં હથિયાર, ગોળા-બારુદ તથા અન્ય ચીજવસ્તુઓ પાછી લઈ લેવાનો આદેશ આપ્યો હતો તથા તેમના સામે થયેલી માનવાધિકારભંગ તથા અન્ય કાયદાભંગની તપાસ કરવા પણ આદેશ આપ્યો હતો.

જોકે સલવા જુડુમ હજુ પણ તે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ જેવી 'સહાયક સશસ્ત્ર સેવા' તથા અન્ય જૂથો સ્વરૂપે અસ્તિત્વમાં છે. કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કરમા આ ચળવળ સાથે સ્થાપના સમયથી જ સક્રિયપણે સંકળાયેલા હતા. 2013માં તેઓ તથા કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતા માઓવાદીઓના હુમલામાં મૃત્યુ પામ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે નક્સલવાદ 'અમુક રાજ્યો અને અમુક જિલ્લા' પૂરતો સીમિત થઈ ગયો છે.

'બંદૂકના નાળચામાંથી શક્તિ હોય છે'ની ફિલૉસૉફીને માનતા માઓવાદીઓ સામે ભારત અને રાજ્ય સરકારો દ્વારા સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ અનેક વખત સ્થાનિક નેતાઓની માગ છતાં તેમની સામે સેનાને ઉતારવામાં નથી આવી.

છત્તીસગઢમાં માઓવાદીઓને કચડી નાખવા માટે સુરક્ષાબળોએ 'જાળી આકાર વ્યૂહરચના' અપનાવી છે. જે મુજબ, રાજ્યના નક્સલ પ્રભાવિત બસ્તર, દંતેવાડા, કાંકેર, બીજાપુર, કોંડાગાવ, સુકમા, નારાયણપુર, રાજનંદગાંવ જિલ્લામાં માઓવાદીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં સુરક્ષાકૅમ્પ ઊભા કરવા શરૂ કર્યા છે.

જે છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને બીએસએફ, (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ) સીઆરપીએફ કે આઈટીપીબીપી (ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ) જેવા અર્ધલશ્કરી દળોના હવાલે હોય છે.

આમ થવાથી સુરક્ષાબળોનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ થાળાઓને કારણે જાળ જેવો આકાર (ગ્રીડ) ઊભો થાય છે અને માઓવાદીઓની અવરજવર મુશ્કેલ બની રહી છે.

આ સિવાય હાલમાં થયેલી કોઈ ઘટના જેવો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પગેરું દાબવામાં સુગમતા રહે છે અને તેમની પહોંચ વ્યાપક બને છે.

માઓવાદીઓની હિલચાલ અંગે બાતમી મળતા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય અર્ધલશ્કરીબળોની ટુકડીઓ સાથે મળીને અભિયાન હાથ ધરે છે.

એક તબક્કે મહિલા નક્સલવાદીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધી હતી, પરંતુ છેલ્લાં અમુક વર્ષો દરમિયાન તેમાં ઘટાડો થયો હોવાનું સુરક્ષાતંત્ર સાથે જોડાયેલા લોકો માને છે.

જોકે, સ્થાનિકો દ્વારા આ પ્રકારના સુરક્ષાકૅમ્પોનો વિરોધ પણ કરવામાં આવે છે. આવા હુમલાને કારણે અહીં તહેનાત સુરક્ષાકર્મીઓ ઉપર હુમલાની સંભાવના પણ વધી જાય છે.

બીબીસી ગુજરાતી

છત્તીસગઢમાં હિંસાચક્ર

બુધવારના નક્સલવાદી હુમલા બાદ સમાચાર સંસ્થા પીટીઆઈ દ્વારા તાજેતરમાં થયેલા નોંધપાત્ર માઓવાદી હુમલાઓની સંકલિત યાદી તૈયાર કરવામાં આવી છે.

એપ્રિલ-2021માં બીજાપુર અને સુકમા જિલ્લામાં ફેલાયેલા તેરામના જંગલોમાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાબળોના 22 સૈનિક મૃત્યુ પામ્યા હતા.

સુકમામાં માઓવાદીઓ દ્વારા ગોઠવવામાં આવેલી આઈડીને કારણે સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) નવ જવાન મૃત્યુ પામ્યા હતા. આ ઘટના માર્ચ-2018માં ઘટી હતી.

ફેબ્રુઆરી-2018માં છત્તીસગઢ પોલીસના બે જવાન નક્સલવાદીઓ સાથે અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સુકમા જિલ્લામાં ઘટી હતી.

સીઆરપીએફ અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળના 24 જવાન મૃત્યુ પામ્યા હતા. માર્ચ-2017માં બનેલી આ ઘટના છત્તીસગઢના સુકમા જિલ્લામાં બની હતી.

માર્ચ-2017માં સુકમા ખાતે માઓવાદી હુમલામાં સીઆરપીએફના 12 જવાન મૃત્યુ પામ્યા હતા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી