એશિયા કપ 2025 ફાઇનલ : ભારત બન્યું ચૅમ્પિયન, પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારતે પાંચ વિકેટે એશિયા કપ 2025 જીતી લીધો છે. પાકિસ્તાનના 146 રનના જવાબમાં ભારતે 150 રન બનાવ્યા હતા. તિલક વર્મા ભારતીય ટીમને વિજય સુધી દોરી ગયા હતા.
રવિવારે દુબઈ ખાતે આયોજિત મૅચમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ત્યારે પાકિસ્તાનના તમામ ખેલાડીઓ 146 રન બનાવીને ઑલઆઉટ થઈ ગયા હતા.
જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત નબળી રહી હતી. ટીમના ત્રણ ખેલાડીઓ માત્ર ચાર ઓવરમાં આઉટ થઈ ગયા હતા. એ સમયે ટીમનો કુલ સ્કોર 20 રન હતો.
સૂર્યકુમાર યાદવ એક રન અને ગિલ 12 રન બનાવીને આઉટ થયા હતા. અગાઉની મૅચોમાં પોતાના બૅટ દ્વારા જલવો દેખાડનારા અભિષેક શર્મા પાંચ રનમાં આઉટ થઈ ગયા હતા.
તિલકે બીજો છેડો જાળવી રાખ્યો હતો, તેમણે 53 દડામાં અણનમ 69 રન બનાવ્યા હતા.
રિંકુ સિંહ કે જેમને એશિયા કપમાં ફાઇનલ સુધી એક પણ મૅચ રમવાની તક નહોતી મળી, તેમણે ફાઇનલ મૅચની છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો.
ભારતની જીત બાદ તેમણે કહ્યું કે, "બીજું કંઈ મહત્ત્વનું નથી. આ એક બૉલ જ અંતે જોવાય છે. એક રન જોઈતો હતો અને મેં ચોગ્ગો ફટકાર્યો. બધા જાણે છે કે હું ફિનિશર છું. ટીમની જીત થઈ અને હું ખરેખર ખૂબ ખુશ છું."

ઇમેજ સ્રોત, Getty
પાકિસ્તાને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહેલી તેની ટીમમાં કોઈ પરિવર્તન નહોતું કર્યું. આ મૅચમાં ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા નથી રમી રહ્યા.આ સિવાય પણ ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનના ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. સાહિબજાદા ફરહાને 38 બૉલમાં 57 રન ફટકાર્યા હતા. તેઓ વરુણ ચક્રવર્તીએ ફેંકેલા બૉલ ઉપર તિલક વર્માના હાથે કૅચ થયા હતા. આ સિવાય ફખર જમાને 35 બૉલમાં 46 રન ફટકાર્યા હતા.
એ પછી પાકિસ્તાનના મધ્યમક્રમના બૅટ્સમૅન ખાસ કમાલ કરી શક્યા ન હતા. પાકિસ્તાનની ટીમે 17 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા.
રવિવારે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનના કૅપ્ટનોએ હાથ નહોતા મિલાવ્યા.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતનું પ્રદર્શન ચૅમ્પિયનને છાજે એવું રહ્યું છે અને ટીમે ગ્રૂપ લેવલની ત્રણ તથા સુપર-4 રાઉન્ડની બંને મૅચમાં વિજય મેળવ્યો હતો.
ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાન ગ્રૂપ તથા સુપર-4 લેવલમાં ટકરાયા હતા. બંનેમાં ભારતનો વિજય થયો હતો.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કૅપ્ટન સાથે હાથ ન મિલાવવા, બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ગ્રાઉન્ડ ઉપર બોલાચાલી તથા પાકિસ્તાની બૅટસમૅન દ્વારા મેદાન ઉપર ઊજવણીની રીતને કારણે આ ટુર્નામેન્ટ દરમિયાન 'જેન્ટલમૅન્સ ગૅમ'ને ઝાંખપ લાગી હતી.
એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શુભેચ્છાઓ આપી હતી. તેમણે લખ્યું કે, "રમતના મેદાન પર 'ઑપરેશન સિંદૂર' અને પરિણામ એ જ, ભારતની જીત. આપણા ક્રિકેટરોને શુભેચ્છા."
મૅચ પહેલાં ભારત વિ. પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty
સામાન્ય રીતે ફાઇનલ મૅચ પહેલાં બંને ટીમના કૅપ્ટન ટ્રૉફી સાથે ફોટોશૂટ કરાવતા હોય છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પહેલાં પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા સાથે ફોટોશૂટ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
પાકિસ્તાની ટીમના કૅપ્ટન સલમાન આગાને જ્યારે આના વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું હતું કે 'ફોટોશૂટ માટે આવવું કે નહીં, એ તેમનો નિર્ણય છે. તેના વિશે હું કશું ન કહી શકું.'
સૂર્ય કુમાર યાદવ અગાઉ એવું કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં કોઈ 'પ્રતિસ્પર્ધા' જ નથી અને એમ બોલવાનું બંધ કરી દેવું જોઈએ.
બાંગ્લાદેશ સામેની મૅચ જીતીને પાકિસ્તાને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. એ પછી પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સલમાન અલી આગાએ પોતાની ટીમને 'સ્પેશિયલ' ગણાવી હતી.
આગાએ કહ્યું, "અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ એટલી મજબૂત છે કે અમે કોઈને પણ હરાવી શકીએ છીએ. અમે રવિવારે એમને હરાવવા માટે મેદાનમાં ઊતરીશું."
બાંગ્લાદેશ સામેની મૅચમાં ઑલ રાઉન્ડ પ્રદર્શન કરીને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ જીતનારા શાહીન શાહ અફ્રિદીએ ભારત સામેની મૅચ માટે કહ્યું હતું, "અમે તૈયાર છીએ."
એશિયા કપમાં ભારતનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Reuters
વર્ષ 1984માં એશિયા કપ શરૂ થયો, ત્યારથી કરીને અત્યાર સુધીના 41 વર્ષના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન પહેલી વખત ટકરાયા હતા.
રવિવારના વિજય સહિત ભારતે સૌથી વધુ નવ વખત ટ્રૉફી પર કબજો કર્યો છે. શ્રીલંકાએ છ વખત આ કપ જીત્યો છે. તો પાકિસ્તાને બે વખત આ ખિતાબ પર કબજો કર્યો છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હજુ સુધી એક પણ વખત આ કપ જીતી નથી શક્યા.
વર્તમાન ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 14 સપ્ટેમ્બર (ગ્રૂપ લેવલ મૅચ), તા. 21 સપ્ટેમ્બર (સુપર-4 મૅચ) ટક્કર થઈ હતી. એ બંને મૅચમાં ભારત જીત્યું હતું. ભારતે તમામ ટુર્નામેન્ટની સાતેય મૅચ જીતી છે.
બંને દેશની ટીમો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનના અહેવાલ મુજબ બંને દેશની ટીમો આ મુજબ છે:
ભારતની ટીમ
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), તિલક વર્મા, સંજૂ સૅમસન, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકૂ સિંહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાનની ટીમ
સાહિબજાદા ફરહાન, ફખર જમાન, સઈમ અયૂબ, સલમાન આગા (કૅપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હારિસ, શાહિન શાહ આફ્રિદી, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, અબરાર અહમદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












