ગર્ભવતી મહિલાઓ પૅરાસિટામૉલ ટેબ્લેટ્સ લઈ શકે અને લે તો શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફિલિપા રોક્સબી અને જિમ રીડ
- પદ, હેલ્થ રિપોર્ટર્સ
- વાંચવાનો સમય: 4 મિનિટ
એક મહત્ત્વના અભ્યાસમાં સામેલ નિષ્ણાતોએ કહ્યું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન પૅરાસિટામૉલ લેવી સલામત છે અને તેનાથી બાળકો ઓડિઝમ, એડીએચડી તથા વિકાસાત્મક વિકલાંગતાઓનો ભોગ બનતા હોવાનો કોઈ પુરાવો નથી.
ગયા વર્ષે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે, પૅરાસિટામૉલ "સારી નથી" અને ગર્ભવતી મહિલાઓએ તે ન લેવી જોઈએ. સંશોધકો કહે છે કે, આ અભ્યાસનાં પરિણામો ગર્ભવતી મહિલાઓને "રાહત અને આશા પૂરાં પાડી શકે છે."
ઉપરોક્ત નિવેદનને પગલે તે સમયે વિશ્વભરનાં તબીબી સંગઠનોએ ટ્રમ્પની ટિપ્પણીને વખોડી નાખી હતી. નિષ્ણાતો કહે છે કે, 'ધ લેન્સેટ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલો તાજેતરનો અભ્યાસ વધુ ચોકસાઈપૂર્ણ છે તેમજ તે પૅરાસિટામૉલની સલામતી અંગે ચાલતા વિવાદ પર પૂર્ણવિરામ મૂકી શકે છે.
તેમ છતાં, અમેરિકન આરોગ્ય અધિકારીઓ હજુયે કહે છે કે, "ઘણા નિષ્ણાતોએ" ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલના સેવનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રએ સામાન્યપણે ગર્ભવતી મહિલાઓ દ્વારા લેવામાં આવતી પેઇનકિલર પૅરાસિટામૉલ (જે અમેરિકામાં 'એસિટામિનોફેન' તરીકે ઓળખાય છે) - જો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ લે, તો બાળકો ઓટિઝમનો શિકાર થઈ શકે છે - એવું નિવેદન કરતાં વિશ્વભરના ઘણા ડૉક્ટરોને આંચકો લાગ્યો હતો.
તે દલીલોને કારણે મહિલાઓ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, તેને પગલે આ નવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
શું છે લેન્સેટ રિપોર્ટમાં ?

ઇમેજ સ્રોત, Getty Images
'ધ લેન્સેટ ઓબ્સ્ટેટ્રિક્સ, ગાયનેકોલોજી ઍન્ડ વિમેન્સ હેલ્થ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં લાખો મહિલાઓ પરના 43 પ્રમાણભૂત અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાં ખાસ કરીને ગર્ભાવસ્થામાં પૅરાસિટામૉલ લેનારી માતાઓ અને આ દવા ન લેનારી માતાઓની ગર્ભાવસ્થાની અવધિની તુલના કરાઈ હોય, તેવા અભ્યાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
સંશોધકો જણાવે છે કે, ભાઈ-બહેનો પરના ઉચ્ચ-ગુણવત્તાયુક્ત અભ્યાસોનો ઉપયોગ કરીને તેઓ જીન્સ અને પરિવારના વાતાવરણ સહિતનાં અન્ય પરિબળોને નકારી શક્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સંશોધનમાં તટસ્થ અભ્યાસો તેમજ એવા અભ્યાસોને ધ્યાન પર લેવામાં આવ્યા, જેમાં બાળકો ઉપર પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી નજર રાખવામાં આવી હતી, જેથી એ નક્કી કરી શકાય કે, તેમના પર દવાની કોઈ અસર પડે છે કે કેમ.
અભ્યાસનાં મુખ્ય લેખિકા તથા ઓબ્સ્ટેટ્રિશ્યન (ગર્ભચિકિત્સક) પ્રોફેસર અસ્મા ખલીલે બીબીસીને જણાવ્યું હતું, "જ્યારે અમે આ અભ્યાસ કર્યો, ત્યારે અમને પૅરાસિટામૉલથી ઓટિઝમનું જોખમ વધતું હોવાના દાવાની કોઈ સાબિતી મળી નહીં."
તેમણે ઉમેર્યું હતું, "આના પરથી આપણને સ્પષ્ટ સંદેશ મળે છે કે, જો પૅરાસિટામૉલ ડોક્ટરની સલાહને અનુસરીને લેવામાં આવે, તો ગર્ભાવસ્થા દરમિયાન તે લેવી સલામત છે," જે બ્રિટન, અમેરિકા તથા યૂરોપનાં અગ્રણી તબીબી સંગઠનોની સલામતીની માર્ગદર્શિકાની પુષ્ટિ કરે છે.
આ અભ્યાસ પરથી માલૂમ પડે છે કે, પૅરાસિટામૉલ તથા ઓટિઝમ વચ્ચે અગાઉ જણાવવામાં આવેલો સંબંધ દવાની સીધી અસરને બદલે અન્ય પરિબળોનું પરિણામ હોઈ શકે છે.
"આ અગત્યનું છે, કારણ કે, ગર્ભવતી મહિલાઓને જ્યારે દુખાવો થાય કે તાવ આવે, ત્યારે તેમને સૌથી પહેલાં અપાતી દવા પૅરાસિટામૉલ હોય છે," એમ યુનિવર્સિટી ઓફ લંડનના સિટી ઓફ સેન્ટ જ્યોર્જ ખાતે માતૃ તથા શિશુ ચિકિત્સાનાં પ્રોફેસર અસ્મા ખલીલે જણાવ્યું હતું.
અભ્યાસ શા માટે મહત્ત્વપૂર્ણ?

ઇમેજ સ્રોત, Getty Images
આરોગ્ય સંબંધિત સલાહોમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, ગર્ભાવસ્થા દરમિયાન તાવ મટાડવા માટે કે પછી દુખાવો દૂર કરવા માટે પૅરાસિટામૉલ લેવાથી ગર્ભમાં રહેલા શિશુને નુકસાન થઈ શકે છે, કસૂવાવડ કે પછી સમય કરતાં વહેલી સૂવાવડ થવાની શક્યતા વધી જાય છે અથવા તો બાળકમાં વિકાસને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
અભ્યાસમાં સામેલ ન થયેલા તબીબી નિષ્ણાતોએ પણ આ તારણોને વધાવી લેતાં કહ્યું છે કે, અભ્યાસ (પૅરાસિટામૉલને લઈને) મહિલાઓની ચિંતા દૂર કરવામાં સહાયરૂપ બની શકશે.
અભ્યાસ વિશે વાત કરતાં કિંગ્ઝ કૉલેજ લંડનના પ્રોફેસર ક્રેઇન મેકઍલને કહ્યું હતું, "માથાના દુખાવા માટે વ્યાપકપણે લેવાતી દવાની તેમના બાળકના આરોગ્ય પર લાંબા ગાળાની અસર ઉપજી શકે છે કે કેમ, તે વિશે ગર્ભવતી મહિલાઓએ ચિંતા કરવી જોઈએ નહીં. આ અભ્યાસનાં પરિણામો આ સમસ્યાનો અંત લાવશે, એવી મને આશા છે."
લંડન સ્કૂલ ઓફ હાઇજીન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર ઇયાન ડગ્લાસના મતે, આ અભ્યાસ "વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવ્યો હતો," કારણ કે, તેમાં ગર્ભાવસ્થામાં પેરાસિટામોલનું સેવન કરનારી માતાઓ તથા સેવન ન કરનારી માતાઓ વચ્ચેના મુખ્ય તફાવતો - જેમકે, અંતર્ગત રોગોને ધ્યાન પર ન લેનારા નિમ્ન ગુણવત્તાના અભ્યાસોને બાકાત રાખવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી ઓફ બર્ગનના મોલેક્યૂલર ન્યૂરોસાયન્ટિસ્ટ તથા મનોચિકિત્સક પ્રોફેસર જોન હેવિકે જણાવ્યા મુજબ, અભ્યાસે એવો "મજબૂત પુરાવો" પૂરો પાડ્યો છે કે, ગર્ભાવસ્થા દરમિયાન પૅરાસિટામૉલનો ઉપયોગ કરવાથી ઓટિઝમ, એડીએચડી કે બૌદ્ધિક વિકલાંગતાનું જોખમ વધતું નથી અને હવે આ પ્રશ્નનો અંત લાવી દેવો જોઈએ.
આ ક્ષેત્રમાં કામ કરતા વિજ્ઞાનીઓમાં એ મામલે એકમત પ્રવર્તે છે કે, જીનેટિક તથા પર્યાવરણીય પરિબળો સહિતનાં પરિબળોના જટિલ સંયોજનને કારણે ઓટિઝમની સમસ્યા સર્જાય છે.
અમેરિકામાં સંશોધનને કારણે અવઢવ
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસિઝના પ્રવક્તાએ કહ્યું હતું કે, "ઘણા નિષ્ણાતોએ" ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેન (પેરાસિટામોલનું અમેરિકન નામ)ના સેવનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ઉદાહરણ તરીકે, ઑગસ્ટ, 2025માં હાર્વર્ડ ટી.એચ. ચૅન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અધ્યક્ષ ડૉક્ટર એન્ડ્રૂ બેકેરેલીની આગેવાની હેઠળ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેનનું સેવન કરવાથી બાળકોમાં ઓટિઝમ અને એડીએચડી થવાનું જોખમ વધી શકે છે. તેમાં ખાસ કરીને વધુ પડતા કે લાંબા સમય સુધીના સેવન સામે ચેતવણી અપાઈ હતી.
હજુ થોડા મહિનાઓ અગાઉ, આરોગ્ય સચિવ રોબર્ટ એફ કેનેડી જુનિયરે ઓટિઝમના કેસોમાં અચાનક વધારો થવાનું કારણ શોધી કાઢવાનું વચન આપ્યું હતું.
સપ્ટેમ્બરમાં ઓવલ ઓફિસમાં અમેરિકન પ્રમુખે એક વિવાદાસ્પદ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરોને સલાહ આપવામાં આવશે કે તેઓ ગર્ભવતી મહિલાઓને આ પેઇનકિલર દવા ન આપે.
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ તે પછી ડોક્ટરોને પત્ર પાઠવીને ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેનના ઉપયોગ અંગે સતર્કતા જાળવવાનો અનુરોધ કર્યો હતો અને સાથે જ નોંધ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન તાવના ઈલાજ માટેની આ એકમાત્ર મંજૂરીપ્રાપ્ત દવા છે.
એફડીએએ તેની વેબસાઈટ પર એમ પણ લખ્યું છે કે, આ દવા અને ન્યૂરોલોજીકલ ડિસોર્ડર (ચેતાતંત્રના રોગ) વચ્ચે હજી સુધી સીધો સંબંધ હોવાની પુષ્ટિ થઈ નથી.
બ્રિટિશ આરોગ્ય અધિકારીઓ ભારપૂર્વક જણાવે છે કે, પેરાસિટામોલ ગર્ભવતી મહિલાઓ માટે હજી પણ સૌથી સલામત પેઇનકિલર દવા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













