ગુજરાત : પ્રેમલગ્ન કરવા ઘરેથી ભાગેલાં યુવક-યુવતીના મૃતદેહ ખેતરમાં મળ્યા, શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ખેડા જિલ્લાના મહિસા ગામમાં ખેતરમાંથી અજાણ્યાં યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા છે. પંચમહાલ જિલ્લાનું આ યુગલ પ્રેમલગ્ન કરવા ઘરેથી ભાગ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જોકે આ કેસમાં શરૂઆતમાં 'ઑનર કીલિંગ'ની શકયતા સેવાઈ રહી હતી. પરંતુ પોલીસ તપાસમાં નવો જ વળાંક આવ્યો હતો. ઘરેથી ભાગેલાં પ્રેમીયુગલે સુરક્ષિત રહેવા અજાણી વ્યક્તિ પાસે આશરો લેવા બદલ જીવ ગુમાવવો પડ્યો હોવાનો ખુલાસો થયો છે.
આરોપીએ યુવતી સાથે કથિત રીતે બળાત્કાર કરીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
કેસ શંકાસ્પદ લાગતા પોલીસે યુગલનાં 70 જેટલાં સગાં-સંબંધીની પૂછપરછ કરી હતી. આ કેસમાં પોલીસે 150 કરતાં વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
હાલમાં પોલીસે યુવક અને યુવતીના મૃતદેહ તેમના પરિવારોને સોંપી દીધા છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.
પ્રેમીયુગલ ઘરેથી ભાગ્યું અને ખેતરમાં મૃતદેહો મળી આવ્યા

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA
પોલીસે આપેલી માહિતી મુજબ 23 એપ્રિલના રોજ પોલીસને એક વ્યક્તિએ ફોન કરીને માહિતી આપી આપી હતી કે મહુધા ગામની સીમના એક ખેતરમાં અજાણ્યાં યુવક (ઉ.વ. 25) અને યુવતી (ઉ.વ. 21)ના મૃતદેહ મળ્યા છે.
મહુધા પોલીસે ઘટનાસ્થળ પર જઈને જોયું તો યુવકનો મૃતદેહ ખુલ્લા ખેતરમાં પલંગ ઉપર અને નીચે જમીન પર યુવતીનો મૃતદેહ પડ્યો હતો. પોલીસને ઘટના જોતા જ યુગલની હત્યા થઈ હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ પોલીસ માટે સવાલ એ હતો કે આ મૃતદેહ કોના હશે?
ખેડા જિલ્લાના પોલીસવડા રાજેશ ગઢિયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "હત્યા અંગે પોલીસે યુવક અને યુવતીની ઓળખ માટે તેમના પરિવારની શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતાં અમને માહિતી મળી કે આ યુગલ પંચમહાલ જિલ્લાનું હતું અને તેઓ બન્ને લગ્ન કરવા ઘરેથી ભાગ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે જેની હત્યા કરવામાં આવી હતી તે યુવતીના બે દિવસ બાદ અન્ય યુવક સાથે લગ્ન હતાં. તે પોતાના પ્રેમી સાથે જ લગ્ન કરવા માગતી હતી. જેથી તેઓ બન્ને ઘરેથી ભાગી નીકળ્યાં હતાં.
પ્રેમીયુગલને આશરો આપનાર આરોપીને પોલીસે કેવી રીતે ઝડપ્યો?

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજેશ ગઢિયા વધુમાં જણાવે છે કે "યુગલ લગ્ન કરવા ઘરેથી ભાગ્યું હતું અને તેમની હત્યા થઈ હોવાની માહિતી મળતા પોલીસને શંકા થઈ હતી. આથી પોલીસે આ ઘટનામાં યુગલનાં સગાંઓ તેમજ શંકાસ્પદ લાગતા લોકો સહિત 70 કરતાં વધારે લોકોની પૂછપરછ કરી હતી. જોકે પોલીસને તેમની પાસેથી હત્યા અંગે કોઈ કડી મળી રહી ન હતી."
આ કેસ માટે પોલીસની 10 ટીમ અલગ-અલગ તપાસ કરી રહી હતી. કેસની તપાસમાં મહુધા પોલીસ સાથે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ પણ જોડાઈ હતી.
રાજેશ ગઢિયા જણાવે છે કે "અમારા એક પોલીસ કૉન્સ્ટેબલને સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે એક વ્યકિત આ યુગલને ડાકોરથી બાઇક પર બેસાડીને મહિસા તરફ લઈને જાય છે. અમારી ટીમને માહિતી મળી કે આ બાઇક પ્રેમીનું હતું. પરંતુ ઘટનાસ્થળ પર બાઇક મળ્યું ન હતું. અમારી ટીમે સીસીટીવી ફૂટેજ અને બાઇકના નંબરને આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી."
રાજેશ ગઢિયા વધુમાં જણાવે છે કે "સીસીટીવીમાં આરોપીનું મોઢું દેખાતું નથી. આરોપી ખૂબ જ ચાલક હતો. તેણે સીસીટીવીમાં પોતાની ઓળખ ન આવે તે માટે પોતાનું મોઢું છુપાવેલું હતું. જોકે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ફોનના મોબાઇલ ટાવર વગેરે સર્વેલન્સને આધારે અમારી ટીમે આરોપીને ખીજલપુર ગામથી ઝડપી પાડ્યો હતો."
પોલીસે આપેલી માહિતી અનુસાર, આરોપીનું નામ પ્રકાશ ઉર્ફે પકો નિનામા છે. તે મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વંદેલીનો વતની છે. હાલ તે મજૂરી કરવા માટે ઠાસરા તાલુકાના ખીજલપુર ગામ રહેતો હતો.
રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે "યુવક અને યુવતી બન્નેનાં મોત માથામાં ગંભીર ઈજાને કારણે થયાં હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. આરોપીએ મહિલાને ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી છે તે અંગેના પુરાવા પણ મળ્યા છે."
આરોપીએ પોલીસ સમક્ષ શું કબૂલાત કરી?
પ્રેમીયુગલની બાઇક આરોપી પ્રકાશ નિનામાએ ચલાવી હતી અને યુગલને પાછળ બેસાડ્યાં હતાં. તે સીસીટીવી ફુટેજમાં દેખાતું હતું. પોલીસે પ્રકાશની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે જ યુવક અને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
રાજેશ ગઢિયાએ જણાવ્યું કે "આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે આ પ્રેમીયુગલને તે 22 તારીખે બપોરે ડાકોરમાં મળ્યો હતો. આ યુગલ બેઠેલું હતું. તેણે જોયું કે આ કપલ થોડી ચિંતામાં હતું. વાત કરતાં ખબર પડી કે આ કપલ પણ પંચમહાલ જિલ્લાનું જ છે અને આરોપી પણ પંચમહાલ જિલ્લાનો હોવાથી તેણે ઓળખાણ કરીને તેમને વિશ્વાસમાં લીધાં હતાં. પ્રેમીયુગલ સાથે વાત કરતાં આરોપીને ખબર પડી કે તેઓ લગ્ન કરવા ઘરેથી ભાગ્યાં છે અને રહેવા માટે હોટલ કે અન્ય કોઈ સુરક્ષિત જગ્યા શોધી રહ્યાં છે."
પોલીસે માહિતી મુજબ આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે પ્રેમીયુગલને આશ્વાસન આપ્યું હતું કે તે તેમને સલામત જગ્યાએ લઈ જશે. આજની રાત તેમને એક ખેતરમાં રાખશે અને ત્યાર બાદ અન્ય જગ્યાએ લઈ જશે. ત્યાર બાદ આરોપી પ્રેમીની બાઇક પોતે ચલાવીને યુગલને પાછળ બેસાડીને મહિસા જવા નીકળ્યો હતો.
રાજેશ ગઢિયાએ જણાવ્યું કે "આરોપીએ ગુનાની કબૂલાત કરતાં કહ્યું કે તે દુષ્કર્મના ઈરાદાથી જ યુગલને પોતાની સાથે લઈ ગયો હતો. તેણે ખેતરની જગ્યા એટલા માટે પસંદ કરી હતી કે ત્યાં કોઈ આવી શકે નહીં અને કોઈને ખબર પડે નહીં. ખેતરના માલિક તેમનાં પશુઓને દોહીને ઘરે ગયા બાદમાં તે યુગલને ખેતરમાં લઈ ગયો હતો. આરોપી પહેલા આ ગામમાં કામ કરતો હોવાથી આ વિસ્તારથી પરિચિત હતો."
રાજેશ ગઢિયાએ વધુમાં જણાવ્યું કે "આરોપીએ રાત્રે ઊંઘમાં જ યુવકના માથાના ભાગે લાકડી મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં યુવતીને બોથડ પદાર્થ મારીને તેની પણ હત્યા કરી દીધી હતી. યુગલની હત્યા કર્યા બાદ આરોપી તેમનું જ બાઇક લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો."
પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી પ્રકાશ નિનામાનાં પ્રથમ પત્નીનું મૃત્યુ થયું છે. બીજી પત્ની સાથે તેને અવારનવાર ખટરાગ થાય છે. અત્યારે પણ તેની પત્ની રિસાઈને તેના પિયર ગયેલી છે.
રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે "આરોપીના ગુનાહિત અંગે તપાસ ચાલુ છે, આ ગંભીર ગુનો છે એટલે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સાંયોગિક પુરાવા ભેગા કરી રહ્યા છીએ."
આ કેસમાં ફરિયાદી ખેતરના માલિક છે. પોલીસે જણાવ્યું હતું કે "આ દુષ્કર્મનો કેસ હોવાથી યુવક અને યુવતીની ઓળખ જાહેર કરાઈ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












