છત્તીસગઢ: સુકમામાં 16 માઓવાદીઓને ઠાર માર્યાનો સુરક્ષાદળનો દાવો, બે સૈનિકો ઘાયલ - ન્યૂઝ અપડેટ

માઓવાદી, સુરક્ષાદળ, સુકમા, છતીસગઢ

ઇમેજ સ્રોત, ANI

છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત સુકમા જિલ્લામાં શંકાસ્પદ માઓવાદીઓ સાથેની ઍન્કાઉન્ટરમાં 16 માઓવાદીઓનાં મૃત્યુ થયાં હોવાનો પોલીસે દાવો કર્યો છે.

પોલીસે એ વાતનો ઇનકાર નથી કર્યો કે મૃત્યુ પામેલા માઓવાદીઓની સંખ્યા વધી શકે છે.

સુકમામાં ઍન્કાઉન્ટરની ઘટના એવા સમયે બની છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ પછી છત્તીસગઢની મુલાકાતે જવાના છે.

બસ્તર પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ માઓવાદીઓ સામે ઑપરેશન માટે નીકળી હતી. જ્યાં શનિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ કેરળપાલ વિસ્તારમાં માઓવાદીઓ સાથે ઍન્કાઉન્ટર થયું હતું.

પોલીસનો દાવો છે કે આ ઍન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 16 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

ઘટનાસ્થળેથી મોટી માત્રામાં AK-47,SLR, INSAS રાઇફલ્સ, રૉકેટ લૉન્ચર, BGL લૉન્ચર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.

આ ઍન્કાઉન્ટરમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાન પણ ઘાયલ થયા હતા. જોકે, સૈનિકોની સ્થિતિ હાલ સામાન્ય અને ખતરાથી બહાર છે.

મ્યાનમારમાં ભૂકંપ બાદ ભારતે મદદ મોકલી

મ્યાનમાર, થાઇલેન્ડ,ભૂકંપ

ઇમેજ સ્રોત, @DrSJaishankar

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ભારતે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખીશું

મ્યાનમારમાં આવેલા ભૂકંપ પછી, ભારતે તાત્કાલિક મદદ મોકલી છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે આ માહિતી આપી છે.

એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જણાવ્યું હતું કે, "મ્યાનમારના લોકોને તાત્કાલિક માનવીય સહાયનો પહેલો જથ્થો મોકલવામાં આવ્યો છે."

તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું C-130 ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કિટ, સ્લીપિંગ બૅગ, સૌર લૅમ્પ, ફૂડ પૅકેટ અને રસોડાના સેટ લઈ જઈ રહ્યું છે.

ભારતીય વિદેશમંત્રીએ કહ્યું કે વિમાનમાં શોધ અને બચાવ ટીમ ઉપરાંત એક તબીબી ટીમ પણ છે.

એસ જયશંકરે કહ્યું કે, "અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને વધુ મદદ મોકલવામાં આવશે."

શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક હજાર કરતાં વધુ લોકોનાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે.

કૅનેડાના વડા પ્રધાને ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા પછી શું કહ્યું?

કેનેડા, માર્ક કાર્ની, અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માર્ક કાર્ની કૅનેડાના 24મા વડા પ્રધાન બન્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફોન પર કહ્યું હતું કે તેઓ કૅનેડાની સાર્વભૌમત્વનો આદર કરે છે.

આ પહેલી વાર છે જ્યારે બંને નેતાઓએ ફોન પર વાત કરી છે.

અમેરિકા અને કૅનેડા વચ્ચે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક કાર્ની સાથે વાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવ્યું છે.

કાર્નીએ ટ્રમ્પ સાથેની તેમની ફોન પરની વાતચીતને "ખૂબ જ હકારાત્મક" ગણાવી અને ટ્રમ્પે આ વાતચીતને "ખૂબ જ ઉપયોગી" ગણાવી છે.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ આયાતી વાહનોના ભાગો પર 25 ટકા ટૅક્સ લાદશે. આ નિર્ણય કૅનેડિયન કારઉદ્યોગ માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવી રહ્યો છે.

કૅનેડાના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ ચૂંટણી (28 એપ્રિલે યોજાનારી) પછી તરત જ નવા આર્થિક અને સુરક્ષા સંબંધો પર વ્યાપક વાટાઘાટો શરૂ કરવા સહમત થયા હતા.

માર્ક કાર્નીએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે કૅનેડાના અમેરિકા સાથેના જૂના સંબંધો, જે મૂળભૂત રીતે અર્થતંત્રને એકીકૃત કરવા અને સુરક્ષા અને લશ્કરી સહયોગને ગાઢ બનાવવા પર આધારિત હતા, તે હવે પૂરા થઈ ગયા છે.

નેપાળમાં રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વિરોધપ્રદર્શન, અથડામણમાં બેનાં મોત

નેપાળ, રાજાશાહી, દુર્ગા પ્રસાઈ

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળમાં રાજાશાહી સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક પત્રકાર સહિત બે લોકોનાં મોત થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

શુક્રવારે કાઠમંડુમાં રાજાશાહી સમર્થકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું ત્યારે એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં આ પ્રદર્શનના નેતા, દુર્ગા પ્રસાઈ, પૂરપાટ ઝડપે કાર ચલાવીને બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

આસપાસના વિસ્તારોમાં દુકાનો, ઘરો અને રાજકીય પક્ષની ઑફિસોમાં આગચંપી અને લૂંટફાટની ઘટના બની હતી.

પોલીસ દ્વારા બળપ્રયોગના ફૂટેજ પણ સતત બહાર આવી રહ્યા છે.

આખરે શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. અથડામણ દરમિયાન બે લોકોનાં મોતની પણ પુષ્ટિ થઈ છે.

ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં પ્રસાઈએ પોતાને ઉત્તરાધિકારી તરીકે રજૂ કર્યા છે.

ભૂતપૂર્વ માઓવાદી અને યુએમએલના છેલ્લા મહાસંમેલનના કેન્દ્રીય સભ્ય પ્રસાઈ, ટૂંકા સમયમાં, રાજાશાહી ચળવળનો અગ્રણી ચહેરો બની ગયા છે.

શુક્રવારે ફાટી નીકળેલા રાજાશાહી તરફી વિરોધપ્રદર્શનમાં ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન થયા બાદ તેમના નેતૃત્વ પર પ્રશ્નો ઊભા થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.