સુપ્રીમ કોર્ટના જજે કહ્યું - 'જજોની બદલીમાં સરકારની દખલથી ન્યાયતંત્ર નબળું પડે છે' - ન્યૂઝ અપડેટ

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંએ શનિવારે કહ્યું કે જજોની બદલી એ ન્યાયતંત્રની આંતરિક બાબત છે.

પુણેની એક લૉ કૉલેજમાં ભાષણ આપતી વખતે જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંએ કહ્યું, "જજોની બદલી અને નિમણૂક સંપૂર્ણપણે ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં આવે છે અને તેમાં કેન્દ્ર સરકારની કોઈ દખલ ન હોઈ શકે."

તેમણે સવાલ ઉઠાવ્યો, "કોઈ જજને માત્ર તેણે સરકાર વિરુદ્ધ અમુક અસહજ આદેશ કર્યા હોય એ માટે કેમ એક હાઇકોર્ટમાંથી બીજી હાઇકોર્ટ મોકલી દેવાય? શું આનાથી ન્યાયતંત્રના સ્વાતંત્ર્યને અસર નથી થતી?"

જસ્ટિસ ભુઇયાંએ ચેતવણી આપી કે આ પ્રકારની કાર્યવાહીઓ ન્યાયતંત્રને પ્રત્યક્ષપણે કમજોર કરે છે.

તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારનો હાઇકોર્ટના જજોની બદલી અને પોસ્ટિંગમાં કોઈ અધિકાર નથી. સરકાર કોઈ જજની બદલી થઈ શકે કે કેમ એ ન કહી શકે. આ સંપૂર્ણપણે ન્યાયતંત્રનો વિશેષાધિકાર છે."

બાંગ્લાદેશે કહ્યું, "ભારતમાં રમવું અમારા માટે સુરક્ષિત નથી"

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) મીડિયા સમિતિના અધ્યક્ષ અમજદ હુસૈને શનિવારે કહ્યું કે ભારતમાં રમવું તેમના માટે સુરક્ષિત નથી અને આ નિર્ણય સરકારનો હોવાની વાત કરી.

એક પ્રેસ કૉન્ફરન્સમાં અમજદ હુસૈને કહ્યું, "અમે સરકાર સાથે વાત કરી છે. સરકારે કહ્યું કે વર્લ્ડકપ રમવા ભારત જવું અમારા માટે સુરક્ષિત નહીં હોય, ન ખેલાડીઓ, ન પત્રકારો અને ન ટીમ સાથે જનાર કોઈ પણ વ્યક્તિ માટે."

તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં અમે વિનંતી કરેલી કે અમારી મૅચો શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે, પરંતુ ઘણી બેઠકો છતાં આઇસીસી સાથે આ વાતે સંમતિ ન સાધી શકાઈ."

અમજદ હુસૈને કહ્યું કે આ સરકારનો નિર્ણય હોવાને કારણે અને આઇસીસી પાસેથી કોઈ જવાબ ન મળવાથી, તેમની પાસે ઝાઝા વિકલ્પ નથી.

તેમણે કહ્યું, "સુરક્ષા કારણોસર ભારતમાં રમવું અમારા માટે સુરક્ષિત નથી, અને એ જ કારણે આ નિર્ણય લેવાયો છે."

આગામી મહિનાથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડમાં બાંગ્લાદેશના ભારતમાં રમવાના ઇનકાર બાદ શનિવારે આઇસીસીએ તેના સ્થાને સ્કૉટલૅન્ડને ટુર્નામેન્ટમાં ભાગ લેશે, એ વાતની પુષ્ટિ કરી છે.

આઇસીસીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સ્કૉટલૅન્ડની ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશના સ્થાને રમશે.

અમેરિકા : ઇમિગ્રેશન અધિકારીઓના ગોળીબારમાં એકનું મોત, રસ્તા પર હિંસક પ્રદર્શન

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં ફેડરલ ઇમિગ્રેશન ઑફિસર્સના ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જે બાદ શહેરમાં પ્રદર્શન શરૂ થઈ ગયાં છે.

મિનેસોટાના સીનેટરોએ મૃતકની ઓળખ એલેક્સ પ્રેટ્ટી તરીકે આપી છે. તેમણે જણાવ્યું કે પ્રેટ્ટી 37 વર્ષના મિનિયાપોલસના નિવાસી હતા, તેઓ વ્યવસાયે નર્સ હતા અને અમેરિકન નાગરિકત હતા.

આ ઘટના ત્યારે બની, જ્યારે આનાં ત્રણ અઠવાડિયાં પહેલાં પણ આ જ શહેરમાં અમેરિકન નાગરિક રેની ગુડનીય એક ઇમિગ્રેશન એજન્ટની ગોળીથી મૃત્યુ થયું હતું.

હોમલૅન્ડ સિક્યૉરિટીનાં સચિવ ક્રિસ્ટી નોએમે કહ્યું કે એજન્ટોએ 'આત્મરક્ષણ માટે ગોળીઓ ચલાવી,' કારણ કે પ્રેટ્ટીએ કથિતપણે 'હિંસક પ્રતિક્રિયા' આપી હતી.

આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિનિયાપોલિસના મેયર અને મિનેસોટાના ગવર્નર ટિમ વૉલ્ઝ પર 'વિદ્રોહ ભડકાવવા'નો આરોપ કર્યો છે.

ગવર્નર વૉલ્ઝે કહ્યું કે તેમણે સંઘીય એજન્ટોને રાજ્ય છોડવા કહ્યું છે. ઘટના બાદ મિનિયાપોલિસમાં ભારે સંખ્યા લોકો રસ્તા પર ઊતર્યા છે.

ટ્રમ્પની કૅનેડાને ધમકી - જો ચીન સાથે ડીલ કરી તો 100% ટેરિફ લાદીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડા પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું કે જો કૅનેડાએ ચીન સાથે કોઈ ડીલ કરી, તો કૅનેડાથી અમેરિકા આવતી વસ્તુઓ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે લખ્યું, "જો (માર્ક) કાર્નીને લાગતું હોય કે એ કૅનેડાને ચીનની સામાન ઉતારવા માટેની જગ્યા બનાવી દેશો, જેથી ચીન અમેરિકામાં સામાન અને પ્રોડક્ટ મોકલી શકે, તો તેઓ ખૂબ મોટી બૂલ કરી રહ્યા છે."

ટ્રમ્પે આગળ લખ્યું કે ચીન કૅનેડાને તબાહ કરી દેશે.

કૅનેડાના પીએમ કાર્નીએ હાલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કૅનેડા અને ચીન વચ્ચે એક ટ્રેડ ડીલ થવાની હોવાની પણ જાહેરાત કરી.

સ્પષ્ટ નથી કે એ ડીલ લાગુ થઈ કે નહીં, કે ટ્રમ્પ તેનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા કે કેમ? બીબીસીએ આ અંગે કૉમેન્ટ માટે વ્હાઇટ હાઉસ, પીએમ કાર્નીની ઑફિસ અને અમેરિકા-કૅનેડા ટ્રેડ માટે જવાબદાર કૅનેડાના મંત્રીનો સંપર્ક સાધ્યો છે.

જ્યારથી ટ્રમ્પ સત્તા પર ફરી પાછા ફર્યા છે ત્યારથી અમેરિકા અને કૅનેડાના સંબંધો વણસ્યા છે. આ સંબંધો એવા સમયે બગડ્યા છે જ્યારે હાલમાં જ પીએમ કાર્નીએ ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિઓ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

એ બાદ ટ્રમ્પે કૅનેડિયન પીએમને પોતાના 'બોર્ડ ઑફ પીસ'માં સામેલ થવા માટે આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન