અમદાવાદ વિમાન દુર્ઘટના: અત્યાર સુધીમાં કેટલા લોકોના DNA મેચ થયા?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના ડીએનએ સૅમ્પલોનું મેચિંગ હજુ પણ ચાલુ છે.
કેટલાંક સૅમ્પલોનું મૅચિંગ કર્યા પછી, મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે આજે સાંજે 5:45 વાગ્યા સુધીમાં કુલ 163 ડીએનએ સૅમ્પલ મૅચ થયાં હતાં, જેમાંથી 124 મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
તેમનું કહેવું છે કે જેમ જેમ રિપોર્ટ આવશે તેમ તેમ આ આંકડા વધશે.
તેમણે કહ્યું, "અકસ્માતના દિવસે, 71 ઘાયલોને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 42 લોકોને રજા આપવામાં આવી છે."
તેમણે વધુંમાં એમ પણ કહ્યું કે દાખલ થયા પછી બે લોકોનાં મોત થયાં હતાં.
12 જૂન, 2025ના રોજ અમદાવાદ ઍરપૉર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડનના ગેટવિક ઍરપૉર્ટ માટે ઉડાન ભરનાર ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થઈ ગઈ હતી.
આ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મોત થયાં હતાં. ફક્ત એક જ વ્યક્તિ બચી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અકસ્માતમાં, જમીન પરના કેટલાક લોકો પણ વિમાનની ઝપેટમાં આવી ગયા હતા અને કુલ મળીને ઓછામાં ઓછા 270 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
ઈરાન અને ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી કેટલા લોકો માર્યા ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આ સાથે બંને દેશોમાં મૃત્યુના નવા આંકડા પણ બહાર આવ્યા છે.
બંને દેશો વચ્ચે બૉમ્બમારો શરૂ થયો ત્યારથી બિન-લાભકારી સંસ્થા હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ ઇન ઈરાન (HRANA) મૃત્યુઆંક પર નજર રાખી રહી છે.
HRANA ના જણાવ્યા મુજબ, ઇઝરાયલી હુમલામાં 224 નાગરિકો માર્યા ગયા છે અને 188 ઘાયલ થયા છે.
તેમના જણાવ્યા પ્રમાણે 109 ઈરાની લશ્કરી કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને 123 ઘાયલ થયા છે.
આ ઉપરાંત, 119 એવા લોકો માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
HRNA દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, કુલ 452 લોકો માર્યા ગયા છે અને 646 ઘાયલ થયા છે.
દરમિયાન, ઈરાનનું સરકારી મીડિયા હજુ પણ મૃત્યુઆંક અંગે મૌન છે.
ઇઝરાયલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા?
ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ગઈકાલ રાત (સોમવાર)થી 154 ઘાયલ લોકોને ઇઝરાયલની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
ઇઝરાયલના દાવા પ્રમાણે શુક્રવારથી ઈરાની હુમલાઓમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે.
રાજા રઘુવંશી હત્યા કેસ: ક્રાઇમ સીન રિક્રિએટ કર્યા પછી મેઘાલય પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સૈયમે જણાવ્યું હતું કે ક્રાઇમ સીન રિક્રિએટને કારણે પોલીસ સામે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
ક્રાઇમ સીન રિક્રિએટ અંગે, એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે રાજા રઘુવંશીની હત્યામાં વપરાયેલ બીજું તીક્ષ્ણ હથિયાર હજુ સુધી મળી આવ્યું નથી.
તેમણે કહ્યું, "SIT એ આજે ઘણી જગ્યાએ મુલાકાત લીધી જેથી તેઓ (આરોપીઓ) એ કેવી રીતે આ કૃત્ય કર્યું હશે એ ફરીથી સમજી શકાય.
અમે પાર્કિંગ એરિયાથી શરૂઆત કરી જ્યાં તેમણે પોતાનું સ્કૂટર પાર્ક કર્યું હતું. અમે વ્યૂ પૉઇન્ટ પર ગયા અને ખાતરી કરી કે હત્યા પહેલાં કોણ ક્યાં ઊભું હતું."
એસપીએ કહ્યું, "ત્રણ પ્રહાર મારવામાં આવ્યા હતા - પહેલો પ્રહાર વિશાલે, બીજો પ્રહાર આનંદે અને છેલ્લો પ્રહાર આકાશે કર્યો હતો. હજુ સુધી કોઈ તીક્ષ્ણ હથિયાર મળ્યું નથી."
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "અમને ખબર પડી છે કે રાજાના મોબાઇલનું શું થયું હતું. પહેલાં સોનમ અને પછી વિશાલે તેને તોડી નાખ્યો હતો. આખી ઘટના ફરીથી રજૂ કરવામાં આવી અને એ પણ ખ્યાલ આવ્યો કે તેઓ ઘટનાસ્થળેથી કેવી રીતે ભાગી ગયાં હતાં."
શું છે આખો મામલો?
2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો મૃતદેહ પૂર્વ ખાસી હિલ્સમાં વેઇસાડોંગ ધોધ નજીક 150 ફૂટ ઊંડી ખાડીમાંથી મળી આવ્યો હતો, પરંતુ તેમનાં પત્ની સોનમ રઘુવંશી ગુમ હતાં.
રાજા રઘુવંશીનો પાર્થિવ દેહ 4 જૂન, બુધવારે સાંજે મેઘાલયથી તેમના ઘરે પહોંચ્યો.
રાજા રઘુવંશી અને સોનમનાં લગ્ન 11 મેના રોજ થયાં હતાં અને તેઓ 20 મેના રોજ મેઘાલય જવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. પરંતુ 23 મેના રોજ તેઓ ગુમ થઈ ગયાં હતાં.
પોલીસ સ્થાનિક લોકો અને ટુરિસ્ટ ગાઇડની પૂછપરછ કરીને કેસની તપાસ કરી રહી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ગાઝાના રાહત કેન્દ્રમાં 45 લોકોનાં મોતના અહેવાલ

ઇમેજ સ્રોત, Saeed M. M. T. Jaras/Anadolu via Getty Images
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષના અહેવાલો વચ્ચે, ગાઝામાં ડઝનબંધ પેલેસ્ટિનિયનોનાં મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે.
આ જીવલેણ ઘટના ઇઝરાયલ અને યુએસ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (જીએચએફ) દ્વારા સંચાલિત ગાઝામાં એક રાહત કેન્દ્ર પાસે બની હતી.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાયલી ગોળીબારમાં 45 લોકો માર્યા ગયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાઝામાં સહાય વિતરણ કેન્દ્રો નજીક રોજિંદા ગોળીબારમાં આ અત્યાર સુધીની સૌથી ઘાતક ઘટના હોઈ શકે છે.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ ખાન યુનિસના પૂર્વમાં આવેલા જંકશન પાસે ગોળીબાર કર્યો હતો, જ્યાં હજારો પેલેસ્ટિનિયનો જીએચએફ દ્વારા સંચાલિત કેન્દ્રમાં ખાદ્ય પાર્સલ મેળવવાની આશામાં એકઠા થયા હતા.
સોમવારે, યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે ઇઝરાયલ ભોજનને (રાહત સામગ્રી કેન્દ્રો)ને શસ્ત્ર બનાવી રહ્યું છે અને જીએચએફ કેન્દ્રો નજીક ગોળીબારની તપાસની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, તારીખ 7 ઑક્ટોબર, 2023થી ગાઝામાં ઓછામાં ઓછા 55,000 લોકો માર્યા ગયા છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધવિરામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ પર કહ્યું છે કે, "અમે યુદ્ધવિરામ કરતાં વઘારે સારો વિકલ્પ શોધી રહ્યા છીએ."
G-7 સમિટમાંથી પાછા ફરતી વખતે ઍરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધવિરામની અપેક્ષા રાખતા નથી, પરંતુ 'અમે યુદ્ધવિરામ કરતાં વધુ સારી અપેક્ષા રાખી રહ્યા છીએ.'
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે 'યુદ્ધવિરામ કરતાં વધુ સારું શું હશે', ત્યારે તેમણે કહ્યું, 'યુદ્ધનો જ અંત, યુદ્ધવિરામ નહીં.'
"આપણે અત્યારે ખૂબ સારું કરી રહ્યા છીએ. યાદ રાખો, ઈરાન પરમાણુ હથિયાર રાખી શકે નહીં," ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇઝરાયલ માટે વધુ કરી શકે છે, ત્યારે તેમણે પત્રકારોને કહ્યું.
ટ્રમ્પે તેહરાનથી લોકોને બહાર કાઢવા અંગે જણાવ્યું હતું કે, "હું એ જ ઇચ્છા રાખું છું કે લોકો સુરક્ષિત અને સલામત રહે."
તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર ખસેડવામાં આવ્યા, વિદેશ મંત્રાલયનું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તેહરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષા કારણોસર શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા છે, જેની વ્યવસ્થા ભારતીય દૂતાવાસે કરી હતી."
મંત્રાલયે કહ્યું, "અન્ય ભારતીય રહેવાસીઓ, જેઓ પોતાની મુસાફરીની વ્યવસ્થા કરી શકે છે, તેમને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે."
"આ ઉપરાંત, કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદેથી ઈરાનમાંથી બહાર નીકળવામાં પણ મદદ કરવામાં આવી છે."
મંત્રાલયનું કહેવું છે કે દૂતાવાસ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે.

ઇમેજ સ્રોત, MEA
ઉલ્લેખનીય છે કે તારીખ 13 જૂનના રોજ, ઇઝરાયલે ઈરાનના 'પરમાણુ કાર્યક્રમ' સંબંધિત ઠેકાણાં પર હુમલો કર્યો. ત્યારથી, બંને દેશો વચ્ચે પાંચ દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની ફ્લાઇટ અચાનક કેન્સલ

ઇમેજ સ્રોત, Getty Images
ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડન માટે 17 જૂને રવાના થઈ રહેલી ફ્લાઇટને અચાનક રદ કરવામાં આવી છે.
એએનઆઈના અહેવાલ પ્રમાણે ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI-159 આજે અમદાવાદથી લંડન, ગેટવિક જવાની હતી જેને કેન્સલ કરવામાં આવી છે.
AI-159 ફ્લાઇટના એક પ્રવાસીએ એએનઆઈને જણાવ્યું કે "આજે બપોરે 1.00 વાગ્યે મારી લંડનની ફ્લાઇટ હતી. પરંતુ મને જાણવા મળ્યું છે કે આ ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ફ્લાઇટ રદ થવાનું કોઈ કારણ જણાવાયું નથી તથા ભાડાના રિફંડની પણ કોઈ વિગત અપાઈ નથી."
બિનસત્તાવાર સૂત્રો પ્રમાણે ટૅકનિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. પૅસેન્જરો જ્યારે ઍરપૉર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને આની જાણ કરવામાં આવી હતી.
અન્ય એક મુસાફરે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે અમને જણાવવામાં આવ્યું છે કે હવે આ ફ્લાઇટ 11-00 કલાકે આવતીકાલે ઉપડશે.
ઈરાનમાં રહેતા ભારતીયોને ત્યાંના દૂતાવાસે કઈ સલાહ આપી?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનસ્થિત ભારતના દૂતાવાસે તહેરાનમાં રહેતા ભારતીયોને શહેર છોડીને સુરક્ષિત જગ્યાઓ પર જવાની સલાહ આપી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસે ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે, "તમામ ભારતીય નાગરિક, જે પોતાનાં સંસાધનોનો ઉપયોગ કરીને તહેરાન બહાર જઈ શકે છે, તેઓ શહેરની બહાર સુરક્ષિત જગ્યાએ જતા રહે તેવી સલાહ આપવામાં આવે છે."
ત્યાં જે ભારતીય નાગરિક તહેરાનમાં છે અને દૂતાવાસના સંપર્કમાં નથી, તેમને તરત જ તહેરાનસ્થિત ભારતીય દૂતાવાસને પોતાનું લોકેશન તથા નંબર આપવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય દૂતાવાસે સંપર્ક કરવા માટે આ ત્રણ નંબરો જારી કર્યા છે.
+989010144557; +989128109115; +989128109109
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનની રાજધાની તહેરાનને ખાલી કરવાની સલાહ આપી હતી. તેમણે પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું. "ઈરાનને તે 'સોદા' પર હસ્તાક્ષર કરી દેવા જોઈતા હતા. જેના પર મેં તેમને હસ્તાક્ષર કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમની વાત છે, અને માનવ જીવનની બરબાદી છે."
"સીધા શબ્દોમાં કહું તો ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં તો આ વારંવાર કહ્યું છે. તમામ લોકોએ તહેરાન ખાલી કરી દેવું જોઈએ."
G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા કૅનેડા ગયેલા ટ્રમ્પ એક દિવસ પહેલાં જ ત્યાંથી અમેરિકા પરત ફરી રહ્યા છે. તેમના તરત પરત ફરવાનું કારણ મધ્ય-પૂર્વની પરિસ્થિતિ જણાવાઈ રહી છે.
'તહેરાન તરત જ ખાલી કરો', ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે આપી ચેતવણી?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તહેરાનને તરત ખાલી કરવાની સલાહ આપી છે.
ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું. "ઈરાનને તે 'સોદા' પર હસ્તાક્ષર કરી દેવા જોઈતા હતા. જેના પર મેં તેમને હસ્તાક્ષર કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમની વાત છે, અને માનવ જીવનની બરબાદી છે."
"સીધા શબ્દોમાં કહું તો ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં તો આ વારંવાર કહ્યું છે. તમામ લોકોએ તહેરાન ખાલી કરી દેવું જોઈએ."
G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા કૅનેડા ગયેલા ટ્રમ્પ એક દિવસ પહેલાં જ ત્યાંથી અમેરિકા પરત ફરી રહ્યા છે. તેમના તરત પરત ફરવાનું કારણ મધ્ય-પૂર્વની પરિસ્થિતિ જણાવાઈ રહી છે.
ઇઝરાયલી સેનાનો દાવો: ઈરાને ફરી છોડી મિસાઇલો, તહેરાનમાં પણ ભયંકર વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Matan Golan/SOPA Images/LightRocket via Getty Images
ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે ઈરાને ફરી એક વખત ઇઝરાયલ તરફ મિસાઇલો છોડી છે.
ત્યાં ઈરાની સરકારી મીડિયાએ મંગળવારે સવારે તહેરાનમાં ભયંકર વિસ્ફોટો થયાની પુષ્ટિ કરી છે.
ઇઝરાયલની સેના દ્વારા થઈ રહેલી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ઉત્તર તથા મધ્ય ઇઝરાયલમાં ઈરાને મિસાઇલોથી હુમલો કર્યો છે. હુમલા બાદ સાઇરનો વાગવા લાગી છે.
ઇઝરાયલની સેના પ્રમાણે મિસાઇલ હુમલા બાદ લાખો ઇઝરાયલી નાગરિકોને સુરક્ષિત સ્થાનોએ આશ્રય લેવો પડ્યો.
રૉયટર્સ સમાચાર એજન્સીએ જણાવ્યું કે ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું કે તહેરાનમાં ઘણા વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોટા પ્રમાણમાં ગોળીબાર કર્યો છે.
G-7 સંમેલનમાંથી પરત ફરી રહ્યા છે ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે જણાવ્યું આ કારણ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૅનેડાના કાનાનાસ્કિસમાં ચાલી રહેલી જી-7 દેશોના શિખર સંમેલનને વચ્ચે જ છોડીને વૉશિંગ્ટન પરત ફરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલિન લેવિટે ઍક્સ પર લખ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે જી-7ને શાનદાર દિવસ ગણાવ્યો. ત્યાં સુધી કે તેમણે યુકે તથા વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે એક મુખ્ય વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા."
ટ્રમ્પ અને સ્ટાર્મરે જી-7 શિખર સંમેલન દરમિયાન એક બેઠકમાં અમેરિકા અને બ્રિટન વચ્ચે ટેરિફ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
લેવિટે ટ્રમ્પના પરત આવવાની જાણકારી આપતા લખ્યું, "ઘણું મેળવ્યું, પરંતુ મધ્ય પૂર્વમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે રાષ્ટ્રાધ્યક્ષો સાથેના ડિનર બાદ પરત ફરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












