‘પાકિસ્તાન ભૂતકાળની ભૂલોમાંથી કંઈ ન શીખ્યું’ – ચૂંટણીપરિણામોથી દેશમાં વધુ વિભાજનનો ડર

ઇમેજ સ્રોત, ELKE SCHOLIERS/GETTY IMAGES
- લેેખક, ફરહત જાવેદ
- પદ, બીબીસી ઉર્દૂ, ઈસ્લામાબાદ
આવું પહેલીવાર નથી બની રહ્યું કે પાકિસ્તાનમાં ચૂંટણીપરિણામો મોડા આવ્યાં હોય, પરંતુ ઇતિહાસમાં આમ પહેલીવાર બન્યું હશે કે ચૂંટણીના દિવસે અને ગણતરીના દિવસે સમગ્ર દેશમાં મોબાઇલ નેટવર્ક બંધ કરી દેવામાં આવે અને 24 કલાક થયા બાદ પણ હજુ અંતિમ પરિણામો જાહેર ન થયાં હોય.
છેલ્લા બે દિવસમાં બનેલી ઘટનાઓને કારણે એવું લાગે છે કે પાકિસ્તાનમાં પહેલેથી જ પ્રબળ એવી વિભાજનની અને રાજકીય તિરાડ વધુ ઊંડી થઈ ગઈ છે.
નવી સરકાર કોની બનશે તેને લઈને પાકિસ્તાનના નાગરિકોમાં અસમંજસ છે. પહેલેથી જ અહીં બંધારણીય સંસ્થાઓ પરનો લોકોનો વિશ્વાસ ડગેલો છે.
સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સ ચૂંટણીપંચ અને કાર્યવાહક સરકારની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ સેના અને ન્યાયતંત્રને પણ તેના માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે.
પરંતુ આ વિભાજન, ભ્રમ અને જનાક્રોશનું પરિણામ શું હશે તેનો જવાબ શોધતાં પહેલાં છેલ્લા 24 કલાકમાં શું-શું થયું તેના પર એક નજર ફેરવી લઈએ.
પાકિસ્તાનની ચૂંટણીમાં અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે 8 ફેબ્રુઆરીના રોજ સાંજે પાકિસ્તાનમાં મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી અને પરિણામો જાહેર થાય તેનો ઇંતેજાર શરૂ થઈ ગયો. છ વાગ્યા બાદ જે મતદાન કેન્દ્રો પર ગણતરી પૂરી થઈ ગઈ હતી ત્યાંથી અનૌપચારિક અને ચોંકાવનારાં પરિણામો આવવાં લાગ્યાં.
આ પ્રારંભિક પરિણામોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં કારણ કે આશાથી વિપરીત અનેક જગ્યાએ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(ઇમરાન ખાનનો પક્ષ) દ્વારા સમર્થિત સ્વતંત્ર ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા. પરંતુ થોડા જ કલાકોમાં ગણતરી રોકી દેવામાં આવી.
ત્યારબાદ સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયા પર સવાલો અને શંકાઓ ઊઠવાના શરૂ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકોની નજર પાકિસ્તાનના ચૂંટણીપંચ પર હતી. પરંતુ એ પણ અસહાય દેખાતું હતું. રાત્રે 12 વાગ્યા સુધી પણ મોબાઈલ નેટવર્ક ફરીથી શરૂ થયું ન હતું અને મતગણતરીનું પરિણામ લોકો સમક્ષ આવી રહ્યું ન હતું.
એવામાં પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ સમર્થિત ઉમેદવારો અને સમર્થકોએ સોશિયલ મીડિયા પર તેમની જીતની જાહેરાત કરી અને પરિણામોમાં વાર લાગવાને તેમણે ‘ધાંધલી કરવાની કોશિશ’ ગણાવી હતી.
તો બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-નવાઝ)ના કાર્યાલયમાં સંપૂર્ણપણે સન્નાટો જોવા મળ્યો હતો. તેમને આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળવાની આશા હતી પરંતુ 12 વાગ્યા સુધીમાં આવેલા ઔપચારિક પરિણામોમાં ખુદ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પીટીઆઈ સમર્થિત ઉમેદવાર યાસ્મીન રાશિદથી પાછળ ચાલી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, reuters
રાત્રે એક વાગ્યે ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે અડધી કલાકમાં જ પરિણામો આવવાના શરૂ થઈ જશે પરંતુ સવારે ત્રણ વાગ્યા સુધીમાં પણ ચૂંટણીપંચની વેબસાઈટ પર કોઈ અપડેટ જોવા મળી ન હતી. ફરીથી સવારે એવી જ જાહેરાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે સવારે દસ વાગ્યા સુધીમાં પરિણામો આવી જશે, પરંતુ એવું ન થયું.
બીજી તરફ, કાર્યવાહક સરકાર ચૂંટણીના શાંતિપૂર્ણ આયોજન બદલ દેશને શુભેચ્છા આપતી જોવા મળી અને મંત્રાલયે તેના મોબાઇલ નેટવર્ક બંધ કરવાના નિર્ણયનો બચાવ કર્યો.
એ પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે ચૂંટણીના દિવસે મોબાઇલ નેટવર્ક બંધ નહીં કરવામાં આવે પરંતુ મતદાન શરૂ થયાની ઠીક દસ મિનિટ પહેલા મંત્રાલયે આતંકવાદના ખતરાને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોબાઇલ નેટવર્ક બંધ કરી દીધું હતું.
મોબાઇલ નેટવર્ક બંધ થવાને કારણે ઇન્ટરનેટની સુવિધા નહોતી જેના કારણે ચૂંટણીપરિણામોમાં વિલંબ થયો તેવું ચૂંટણીપંચ કહી રહ્યું હતું. પરંતુ આ નિવેદન પહેલાં ચૂંટણીપંચે એવી પણ જાહેરાત કરી હતી કે આ નવી સિસ્ટમ ઇન્ટરનેટ વિના પણ કામ કરશે.
ચૂંટણીપંચ અને અન્ય સંસ્થાઓની ટીકા

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રકારના માહોલમાં સૌથી વધુ ટીકા સેનાની થઈ રહી છે. ગત રાત્રિથી જ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ સમર્થિત ઉમેદવારો અને પાર્ટીના સમર્થકો ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલીના આરોપ લગાવી રહ્યા છે.
ઇસ્લામાબાદથી પીટીઆઈ સમર્થક ઉમેદવાર શોએબ શાહીને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ન્યાયપાલિકા કોઈ પણ વાતનું સંજ્ઞાન લઈ શકે છે પરંતુ તેણે મોબાઈલ નેટવર્ક બંધ થવાની વાતનું સંજ્ઞાન ન લીધું. તેમણે એ વાત પર પણ ધ્યાન ન આપ્યું કે પરિણામો આવવામાં આટલી વાર કેમ લાગી રહી છે?"
શોએબ શાહીનનો દાવો છે કે તેઓ ગત રાત્રિ સુધી તો રાજધાની ઇસ્લામાબાદથી મોટી સરસાઈથી જીતી રહ્યા હતા પરંતુ આજે સવારે હારી ગયા. તેઓ આ ધાંધલી માટે સેનાને જવાબદાર ગણે છે.
"આ લોકો અહીં ખૂબ મજબૂત છે અને તેઓ કોઈ પણ ભોગે જીતવા માંગે છે. આ સેનાનું કામ છે."
ગોટાળાનો આરોપ લગાવનાર તેઓ એકલા નથી. પરંતુ તેમની જેમ જ અનેક અપક્ષ ઉમેદવારો પણ આવો આરોપ લગાવી રહ્યા છે.
શોએબ શાહીને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. જ્યારે ચૂંટણીપંચના અધિકારીઓ હાલમાં આરોપોનો જવાબ આપવાને બદલે પરિણામોમાં વ્યસ્ત છે.
છેલ્લા બે દિવસમાં બનેલી ઘટનાઓને કારણે પહેલાથી જ પ્રબળ એવા મતભેદ અને રાજકીય તિરાડો વધુ ઊંડી થતી જોવા મળી રહી છે.
બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અસ્મા શિરાઝી કહે છે કે, "રાજકીય પક્ષો અને સંસ્થાઓએ પહેલા કરેલી ભૂલોમાંથી કંઈ જ શીખ્યું નથી."
તેઓ કહે છે, "અમને લાગતું હતું કે ભૂતકાળની ભૂલોથી શીખીને સૌ સારાવાનાં થશે. આ ચૂંટણી પણ એકંદરે શાંતિપૂર્ણ રહી. લોકોએ વ્યવસ્થા પર ભરોસો મૂક્યો અને મત આપવા નીકળ્યા. આ લોકશાહીની સફળતા હતી."
પરંતુ તમે જ્યારે અચાનક પરિણામ બંધ કરી દો છે અને પરિણામ બદલાવા લાગે છે ત્યારે બધું દેખાય છે. પંજાબ પ્રાંતમાં પરિણામો ધીરેધીરે રોકવામાં આવ્યાં અને પછી હાલાત બદલાવા લાગ્યા.
તેમણે કહ્યું કે, "હવે એવા સવાલો ઊઠી રહ્યા છે કે એ કઈ તાકાત છે જે પરિણામો બદલવાની તાકાત ધરાવે છે. આવું છેલ્લાં 75 વર્ષથી થતું આવ્યું છે. સવાલોએ આ પ્રક્રિયાને વધુ સંદિગ્ધ બનાવી દીધી છે."
વૉશિંગટનમાં વિલ્સન સેન્ટર થિંક ટૅન્કમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માઇકલ કુગેલમેન કહે છે, "મને લાગે છે કે એ બિલકુલ સ્પષ્ટ છે કે સેના તેના હિતને સાધવા માટે છેલ્લી ઘડીએ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે છે. તેમને ડર છે કે પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ સીધા જ સરકાર ન બનાવી લે."
માઇકલ કુગેલમેન અનુસાર, "ચૂંટણીપરિણામોના શરૂઆતી ગાળામાં પીટીઆઈને સફળતા મળવાના સંકેત આવવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ પરિણામમાં વાર લાગવી, ચૂંટણીપંચનું મૌન જેવા સંજોગો બનવા લાગ્યા. આ બધું છેલ્લા સમયે ધાંધલીનો પૂર્વાભાસ આપી દે છે."
તેમનું માનવું છે કે પાકિસ્તાન એવાં પરિણામો તરફ આગળ વધી રહ્યું છે જે લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતું નથી. આ પહેલેથી જ નબળા એવા પાકિસ્તાનના લોકતંત્ર માટે એક વધુ ઝટકો છે."
શું ચૂંટણી પછી દેશમાં સ્થિરતા આવશે?

ઇમેજ સ્રોત, EPA
અત્યારે આવું થવું મુશ્કેલ લાગે છે કારણ કે લોકો અને રાજકીય પક્ષો બંને વિભાજિત દેખાય છે.
અસ્મા શિરાઝી અનુસાર, "સ્થિરતા તો આવવી જોઈએ. બધાએ બેસીને નિર્ણય કરવો જોઈએ. પંજાબમાં કાંટાની ટક્કર છે પરંતુ એ પણ સત્ય છે કે એક જ પાર્ટી જીતી રહે છે. જો ચર્ચા નહીં થાય તો આપણે ગોળ-ગોળ ફર્યા કરીશું."
તેમણે સલાહ આપી હતી કે ઇમરાન ખાને પણ હવે બોલવું જોઈએ. લોકો પરિણામોને સ્વીકાર નહીં કરે અને રસ્ત પર ઊતરશે તો વાતચીત શરૂ થશે.
પરંતુ માઇકલ કુગેલમેન અનુસાર, આ અશક્ય લાગે છે.
"મને નથી લાગતું કે આ ચૂંટણી પાકિસ્તાનમાં સ્થિરતા લાવશે. આ પહેલેથી જ વિભાજિત થયેલા દેશને વધુ વિભાજિત કરી દેશે. પાકિસ્તાન અત્યારે ન માત્ર ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ તે આતંકવાદ સામે પણ ઝઝૂમી રહ્યું છે."
તેમનું કહેવું છે કે, "આ હાલતમાં પીટીઆઈ પર ઘણો મદાર છે. આ પાર્ટી પણ ગુસ્સા અને અફસોસમાં છે. કારણ કે તેમના મતદારોએ મોટી સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લીધો અને પછી પરિણામો રોકી દેવામાં આવ્યા. પાકિસ્તાને પ્રજાના ગુસ્સાનો રસ્તો કાઢવો પડશે. પાકિસ્તાન સામે વિદ્રોહનો વાસ્તવિક ખતરો છે."
સવાલ એ પણ છે કે અસ્થિર પાકિસ્તાનને વિશ્વ કઈ રીતે જોવે છે અને તેમના માટે આ પરિસ્થિતિનો શું અર્થ છે. એ પણ ધ્યાન રાખવું જોઇએ કે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે.
અફાઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવેલી છે. જ્યારે ભારત સામે એ અનેક યુદ્ધો લડી ચૂક્યું છે. હાલમાં જ ઈરાન સાથે પણ તેનું ઘર્ષણ થયું હતું. આતંકવાદ વધી રહ્યો છે જ્યારે અમેરિકા સાથેના સંબંધોમાં પણ ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. ચીન પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે.
અસ્મા શિરાઝી અનુસાર, આવી પરિસ્થિતિઓમાં પાકિસ્તાનના લોકોની સાથેસાથે જ બાકીની દુનિયા માટે પણ પાકિસ્તાનને સ્થિર બનાવવું મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણી પ્રક્રિયા દેશમાં રાજકીય સ્થિરતા લાવવા માટે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અસ્મા શિરાઝીનું કહેવું છે કે ચૂંટણી પછી દેશમાં સ્થિરતા આવશે જ્યારે માઇકલ કુગેલમેન આ વાત સાથે અસહમત છે.
કુગેલમેન કહે છે, "દુનિયાભરમાં ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પાકિસ્તાનની ચૂંટણી અને તેની અસ્થિરતા નાની વાત લાગે છે. પરંતુ એ મોટી સંખ્યામાં યુવાનો ધરાવતો દેશ છે. દેશની સરહદો વિવાદિત છે. આર્થિક સંકટ છે, આતંકવાદ વધી રહ્યો છે. બીજી તરફ રાજ્ય અને સમાજ વચ્ચેની ખાઈ ઊંડી થતી જાય છે. આ ચૂંટણીસંકટે દેશની ચિંતા વધારી દીધી છે."
અત્યાર સુધીમાં આવેલાં પરિણામોથી એ જ જોવા મળે છે કે દેશમાં નવી સરકાર પણ ગઠબંધન દળોની જ બનશે અને કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે.
વિશ્લેષકોનું માનવું છે કે આ રાજકીય પક્ષો માટે એકસાથે આવવા માટે અને એક પ્રણાલી વિકસાવવા માટે, વાતચીત કરવા માટે મહત્ત્વપૂર્ણ અવસર છે. જે આગામી ચૂંટણીઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે.












