You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કઈ ભૂલોને કારણે નાની ઉંમરે વાળ ખરવા લાગે છે? આ સમસ્યા રોકવા શું કરવું?
વાળ ખરવાની સમસ્યા એ એક સમયે પુખ્ત વયના લોકોમાં ચર્ચાતો વિષય હતો, પરંતુ હવે તે કિશોરો અને યુવાનોમાં તબદીલ થઈ ગયો છે.
જ્યારે કોઈ વ્યક્તિના વાળ ખરવા લાગે છે, ત્યારે તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માનને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતા વાળ ખરવાની સમસ્યા વાળના ક્રમશઃ પાતળા થવા, ટાલ દેખાવી અથવા તો વાળને સંપૂર્ણ નુકશાનનું કારણ બને છે તે ખૂબ જ દુઃખદાયક હોઈ શકે છે.
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલૉજી ઍસોસિએશન અનુસાર, લોકો માટે દરરોજ તેમના માથામાંથી 50 થી 100 વાળ ખરવા તે સંપૂર્ણપણે સામાન્ય છે. પરંતુ જો તેનાથી વધુ વાળ ખરવા લાગે તો તે ચિંતાનો વિષય છે.
તો ચાલો જોઈએ યુવાનોમાં વાળ ખરવાના કારણો કયા છે અને તેને રોકવાના કયા ઉપાયો ઉપલબ્ધ છે.
અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતા ડૉક્ટર જગદીશ સખ્યા ત્વચારોગના નિષ્ણાંત છે. તેઓ વાળ ખરવાના કારણો, તેને રોકવા માટે કેવી સાવચેતીઓ લેવી જોઈએ અને તેના માટે ઉપલબ્ધ દવાઓ સમજાવવા બીબીસી સાથે વાત કરે છે.
નાની ઉંમરે વાળ કેમ ખરે છે?
વાળ ખરવાના કારોનો વિશે વાત કરતા ડૉક્ટર જગદીશ કહે છે, "થોડાં વર્ષો પહેલાં, અમારા ક્લિનિકમાં આવતાં કુલ દર્દીઓમાંથી માત્ર 10% દર્દીઓ જ વાળ સંબંધિત ચિંતા માટે આવતા. પરંતુ, છેલ્લા દસ વર્ષમાં, અમે વાળ સંબંધિત સમસ્યાઓ જેમ કે વાળ ખરવા, ડેન્ડ્રફ અને અકાળે સફેદ થવાનો અનુભવ કરતા દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધ્યો છે."
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના અહેવાલ અનુસાર, સામાન્ય રીતે જો શરીરમાં લાંબી માંદગી રહી હોય, મોટી સર્જરી કરાવી હોય અથવા કોઈ ચેપ લાગ્યો હોય અથવા ભારે તણાવની સ્થિતિમાં વાળ ખરવાનું શરૂ થાય છે.
ડૉક્ટર જગદીશ સમજાવે છે કે, “વાળ ખરવાને એલોપેસીયા (ઊંદરી) કહેવાય છે. એલોપેસીયા બે પ્રકારના હોય છે, એક છે ડાઘવાળા એલોપેસીયા અને બીજુ છે ડાઘ વિનાનો એલોપેસીયા. ડાઘ વિનાના એલોપેસીયા એટલે જેમાં વાળના મૂળ અકબંધ રહે છે છે અને ડાઘવાળો એલોપેસીયા એટલે કે વાળના મૂળ અંદરથી સૂકાઈ ગયાં છે અને વાળ પાછા આવવાની કોઈ શક્યતા નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ડાઘવાળો એલોપેસીયા કેટલાક રોગો, અકસ્માત પછી અથવા દાઝી જવાને કારણે થઈ શકે છે. મનુષ્યના શરીરમાં 3 ભાગો એવા છે જે ઝડપથી વધે છે. તે છે આંતરડાં, લોહી અને વાળ. જેનો અર્થ છે કે જો શરીરમાં કોઈપણ આંતરિક અથવા બાહ્ય ફેરફારો થાય છે, તો વાળ પર તેની તરત જ આડ અસર થાય છે."
નાની ઉંમરમાં વાળ ખરવાનાં કેટલાંક મુખ્ય કારણો છે
તણાવ: મોટા ભાગના યુવાનો વધુ તણાવ અનુભવે છે, જ્યારે તેમની પાસે એવી પરિસ્થિતિનો સામનો કરવા માટેનું સાધન નથી કે જેને તેઓ જોખમી, પડકારરૂપ અથવા પીડાદાયક માને છે. યુવાનો નોકરી, પરીક્ષા અને લગ્નના કારણે તણાવ અનુભવે છે. તણાવ હેઠળના યુવાનોમાં વાળ ખરવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તણાવ હેઠળના યુવાનોમાં વાળ ખરવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
જીવનશૈલીઃ વાળ ખરવાનું બીજું એક મોટું કારણ છે બદલાતી જીવનશૈલી. આજ કાલ લોકો જંક ફૂડ વધુ ખાવાનું વલણ ધરાવે છે, જેમાં પ્રિઝર્વેટિવ અને ભારે ધાતુઓ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. તેને કારણે અને શરીરને જે સંતુલિત આહારની જરૂરિયાત હોય તે અસંતુલિત થાય છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, હિમોગ્લોબિનમાં અસંતુલન પેદા કરશે.
સ્ટિરોઇડઃ જે લોકો જીમમાં જાય છે તેઓ પ્રોટીન પાઉડરનું સેવન કરે છે જેમાં સ્ટેરોઇડ હોય છે. આ સ્ટેરોઇડ્સના કારણે થતા હોર્મોનલ અસંતુલનને કારણે વાળ ખરવા લાગે છે.
આનુવંશિક: જો માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યોના વાળ ખરવાનો ઇતિહાસ હોય તો યુવાનોને વહેલા વાળ ખરવાની શક્યતા વધુ હોય છે.
હોર્મોન્સ: હોર્મોન્સમાં અસંતુલનના લીધે વાળ ખરે છે. હોર્મોન્સમાં અસંતુલન અનેક કારણોસર થઈ શકે છે. જેમકે પીસીઓડી, ડાયાબિટીસ, દવાઓ, મેનોપોઝ વગેરે. પીસીઓડી ધરાવતી સ્ત્રીઓમાં વાળ ખરવા લાગે છે. પુરુષોમાં, હોર્મોનલ અસંતુલન પણ એક શક્યતા છે. પુરુષોમાં હોર્મોનના લીધે શરીર પર જાડા વાળ હોય છે, પરંતુ માથા પર પાતળા વાળ હોય છે.
વિટામિનની ઉણપ: વિટામિનની ઉણપના લીધે પણ વાળ ખરવા સમય વાત છે. જો વિટામિન, આયર્ન, કૅલ્શિયમ, પ્રોટીનની ઉણપ હોય તો વાળ ખરી શકે છે.
માલિશ- ગરમ તેલની માલિશ કરવાનું છોડી દેવું. ગરમ વાળ નાજુક હોય છે અને તેને વધુ નુકસાન પહોંચાડે છે.
ગરમ મશીન - કર્લર, સ્ટ્રેટનર, બ્લો ડ્રાયર અને ગરમ કાંસકોનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. આ મશીનો તમારા વાળને ગરમ કરે છે, જે તેને નબળા બનાવે છે.
વાળ ખરતા હોય તો શું કરવું જોઈએ કે જેથી વાળ ખરતા અટકી જાય
ડૉક્ટર જગદીશના જણાવ્યા અનુસાર, ખરતા વાળ રોકવા માટે સંતુલિત આહાર સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. તમે તમારા પેટમાં શું નાખો છો તેનું નિરીક્ષણ કરીને તમારી 70% વાળ ખરવાની સમસ્યા ઘટાડી શકાય છે. વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ જેમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ હોય. લોકોએ પાંદડાવાળાં શાકભાજી, રેસાયુક્ત ખોરાક, મોસમી ફળો ખાવાં જોઈએ.
તણાવનું કારણ શું છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ અને તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
દરરોજ ઓછામાં ઓછી 45-60 મિનિટની કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ કરો જેથી તમારું રક્તનું યોગ્ય રીતે પરિભ્રમણ થાય અને લોહી માથા સુધી પહોંચે. જેઓ બેઠાડું અથવા નિષ્ક્રિય જીવનશૈલી ધરાવે છે તેઓને વાળ સંબંધિત સમસ્યાઓનો વધુ થાય છે.
વાળ ખરે તો કઈ દવા લેવી જોઈએ?
તેલ અને શેમ્પૂના ઉપયોગ માટે ત્વચારોગના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સોશિયલ મીડિયા પરની જાહેરાતો અથવા ઇનફ્લુએન્સરથી પ્રભાવિત ન થવું જોઈએ.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માન્ય દવાઓ લેવી જોઈએ.
વધુમાં, ડૉક્ટર જગદીશના મતે "સાયક્લિક વિટામિન્સ" તરીકે ઓળખાતા વિટામિન સપ્લિમૅન્ટ્સ પણ ઉપલબ્ધ છે. જેમાં અલગ-અલગ દિવસોમાં પ્રોટીન, એમિનો એસિડ અને અન્ય ઉત્સેચકો સાથે અલગ-અલગ વિટામિન ફૉર્મ્યુલેશન લેવાના હોય છે. આ દવાઓ શરીરમાં વિટામિનના સમગ્ર સ્તરને સુધારવામાં ખૂબ અસરકારક છે.