જેના પરથી વેબ સિરીઝ 'ખાકીઃ ધ બિહાર ચૅપ્ટર' બની તે બિહારની ગૅંગવૉરની કહાણી

    • લેેખક, ચંદન કુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા, પટણાથી
  • ‘ખાકી – ધ બિહાર ચૅપ્ટર’ આઈપીએસ અધિકારી અમિત લોઢાના પુસ્તક પર આધારિત વેબ સિરીઝ
  • વેબ સિરીઝમાં અમિત લોઢા ઉપરાંત અશોક મહતો ગૅંગની ચર્ચા
  • મહતો ગૅંગ વર્ષ 2000ની આસપાસ બિહારના શેખપુરામાં સક્રિય હતી.
  • આ ગૅંગ પર વર્ષ 2005માં કૉંગ્રેસ સાંસદ રાજોસિંહની હત્યા કરવાનો આરોપ હતો.
  • પિન્ટુ મહતો પણ આ અશોક મહતો ગૅંગનો સભ્ય હતો.
  • આ વેબ સિરીઝમાં પિન્ટુ મહતોનું પાત્ર ચંદન મહતો તરીકે બતાવવામાં આવ્યું છે
  • બિહારના નવાદા, નાલંદા અને શેખપુરા જિલ્લાના ઘણા ગામોમાં મહતો ગૅંગ અને આગળની જાતિઓ વચ્ચે ગૅંગવૉર ચાલતી હતી
  • આ ગૅંગવૉરનો સામનો કરવા માટે અમિત લોઢાને શેખપુરાના એસપી તરીકે મોકલવામાં આવ્યા હતા
  • અમિત લોઢાએ મહતો ગૅંગના ખતરનાક શૂટર પિન્ટુ મહતોની ધરપકડ કરી હતી
  • હાલમાં પિન્ટુ મહતો તિહાર જેલમાં છે અને ગૅંગ લીડર અશોક મહતો નવાદા જેલમાં છે

OTT પર એક નવી વેબ સિરીઝ 'ખાકીઃ ધ બિહાર ચૅપ્ટર' હાલના દિવસોમાં હૅડલાઇન્સમાં છે.

આઈપીએસ અધિકારી અમિત લોઢાએ ગુના, રાજકારણ અને તેમના અનુભવો પર 'બિહાર ડાયરીઝ' પુસ્તક લખ્યું છે.

આ વેબ સિરીઝ આ પુસ્તક પર આધારિત છે.

અમિત લોઢા હાલમાં બિહાર પોલીસમાં ઈન્સ્પેક્ટર જનરલ (એસસીઆરબી) તરીકે તહેનાત છે.

નીરજ પાંડેએ નેટફ્લિક્સની વેબ સિરીઝ 'ખાકી ધ બિહાર ચૅપ્ટર'ની પટકથા લખી છે. તેનું નિર્દેશન ભાવ ધુલિયાએ કર્યું છે.

આ વેબ સિરીઝમાં આઈપીએસ ઑફિસરનું નામ પણ અમિત લોઢા જ છે.

વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બિહારની મહતો ગૅંગે ચોક્કસ વિસ્તારમાં પોતાનું ડરનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને કેવી રીતે અમિત લોઢાએ વિસ્તારના લોકોને આ ગુનેગારોથી મુક્ત કર્યા હતા.

આ વેબ સિરીઝમાં અમિત લોઢા સિવાય મહતો ગૅંગનું એક પાત્ર બતાવવામાં આવ્યું છે જેનું નામ છે ચંદન મહતો. વાસ્તવમાં ચંદન મહતોનું પાત્ર અશોક મહતો ગૅંગના પિન્ટુ મહતો પર આધારિત છે.

તેમાં ચંદન મહતોનો ઉદય અને તેણે કેવી રીતે પોતાના દમ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને કેવી રીતે આઈપીએસ અધિકારી અમિત લોઢાએ આ પડકારનો સામનો કર્યો તે બતાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં અપરાધની દુનિયામાં પણ ઊજળી અને પછાતની લડાઈ બતાવવામાં આવી છે. આ સાથે પોલીસતંત્ર અને રાજકીય નેતૃત્વની ખામીઓ પર પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

વેબ સિરીઝમાં અમિત લોઢાની ભૂમિકા કરણ ટેકરે જ્યારે ચંદન મહતોની ભૂમિકા અવિનાશ તિવારીએ ભજવી છે. આ સિરીઝમાં આશુતોષ રાણા, રવિ કિશન, અનૂપ સોની અને વિનય પાઠકે પણ ભૂમિકા ભજવી છે.

વાર્તા અને વાસ્તવિકતા

ચાલો જાણીએ કે આ વેબ સિરીઝમાં ઉલ્લેખિત મહતો ગૅંગની વાસ્તવિકતા શું હતી અને આઈપીએસ ઑફિસર અમિત લોઢાએ તેનો સામનો કેવી રીતે કર્યો હતો.

આ વેબ સિરીઝનો ઘટનાક્રમ આજથી લગભગ બે દાયકા જૂનો છે.

એક સમય હતો જ્યારે બિહારના શેખપુરાની આસપાસના વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાવો સામાન્ય વાત હતી. અંધારું થયા પછી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા.

કહેવાય છે કે અમિત લોઢાએ તેઓ એસપી હતા ત્યારે શેખપુરાની આ ગૅંગવૉરને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અમિત લોઢા હાલમાં બિહાર પોલીસમાં ઈન્સ્પેક્ટર જનરલ (એસસીઆરબી) તરીકે તહેનાત છે.

'ખાકીઃ ધ બિહાર ચૅપ્ટર' એ સમયની કહાણી છે, જ્યારે બિહારમાં રાજકારણ અને ગુનાખોરીના સમાચારો અવારનવાર હૅડલાઇન્સમાં ચમકતા રહેતા હતા.

તે સમયે બિહારના શેખપુરા, નવાદા અને આસપાસના વિસ્તારોમાં વંશીય સર્વોપરિતાની લડાઈના સમાચાર અવારનવાર સાંભળવા મળતા હતા.

આ લડાઈમાં ઘણા સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને પૂર્વ સાંસદ રાજોસિંહ સુદ્ધા માર્યા ગયા હતા.

એટલું જ નહીં આ ગૅંગવૉરમાં સામાન્ય લોકો અને બાળકોએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો.

નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા પછી પણ ઘણી હત્યાઓ થઈ હતી. અમિત લોઢાને તે જ સમયે શેખપુરા એસપી બનાવવામાં આવ્યા હતા.

આ વેબ સિરીઝમાં ટાટી અને માણિકપુર હત્યાકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટાટી અને માણિકપુર હત્યાકાંડ

આ ઘટના 26 ડિસેમ્બર 2001ની છે. બિહારમાં શેખપુરા અને બરબીઘા વચ્ચે એક નાનો પુલ છે જે 'ટાટી પુલ' તરીકે ઓળખાય છે.

આ પુલ પર આરજેડીના લોકોની ધોળેદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ટાટી હત્યાકાંડમાં શેખપુરા જિલ્લાના તત્કાલીન આરજેડી અધ્યક્ષ કાશીનાથ યાદવ ઉપરાંત અનિલ મહતો, અબોધકુમાર, સિકંદર યાદવ અને વિપિનકુમાર સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

કહેવાય છે કે શેખપુરામાં ગૅંગવૉરની શરૂઆત ટાટી પુલ હત્યાકાંડથી થઈ હતી. ત્યારપછી અહીં બીજી ઘણી હત્યાઓ થઈ હતી.

શેખપુરાના સ્થાનિક પત્રકાર શ્રીનિવાસે તે સમયગાળાની ઘટનાઓને નજીકથી નિહાળી છે.

તેમના કહેવા પ્રમાણે, "આ હત્યાકાંડનો આરોપ તત્કાલીન સાંસદ રાજોસિંહ, તેમના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી સંજયસિંહ અને રાજોસિંહના પરિવારના કેટલાક લોકો પર લગાવવામાં આવ્યો હતો."

શ્રીનિવાસે બીબીસીને કહ્યું, "જો કે, રાજોસિંહને પાછળથી આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 2010માં જે દિવસે મુંગેર કોર્ટે સંજય સિંહને સજા સંભળાવી એ જ દિવસે સંજયસિંહનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું."

તે સમયે આ વિસ્તારમાં બે ગૅંગ સક્રિય હતી. એક અશોક મહતો ગૅંગ હતી, જેને પછાત જાતિઓની ગૅંગ કહેવામાં આવતી હતી અને બીજી ઊંચી જાતિઓ અથવા મૂળભૂત રીતે જમીનદારોની ગૅંગ હતી.

મહતો ગૅંગ

નેટફ્લિક્સની વેબ સિરીઝમાં ઉલ્લેખિત ચંદન મહતો નામના પાત્રની ચર્ચા છે, તેને આ મહતો ગૅંગ સાથે જોડાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે.

જ્યારે અમિત લોઢાને પરેશાન કરનાર મહતો ગૅંગનો નેતા અશોક મહતો હતો.

ટાટી હત્યાકાંડનાં ચાર વર્ષ પછી રાજોસિંહની પણ હત્યા કરવામાં આવી હતી.

સંજયસિંહના પુત્ર અને બરબીઘાના વર્તમાન ધારાસભ્ય સુદર્શનકુમારનો પણ તે સમયગાળાની ઘટનાઓ વિશે જાણવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

સુદર્શનકુમારે માત્ર એટલું જ કહ્યું કે તેમણે આ વેબ સિરીઝ વિશે સાંભળ્યું છે, પરંતુ તેને જોતાં પહેલાં કોઈ પ્રતિક્રિયા આપી શકશે નહીં.

નેટફ્લિક્સની વેબ સિરીઝમાં પણ મણિપુર હત્યાકાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રીનિવાસ યાદ કરતા કહે છે, "આ ઘટના વર્ષ 2006ની છે. તેમાં પહેલાં મહતો ગૅંગના લોકોની જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી."

"બાદમાં મહતો ગેંગે એક પરિવાર પર આ હત્યાકાંડ માટે ખબરીઓ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો. બદલો લેવા માટે, મહતો ગેંગે તે પરિવારના ઘરમાં હાજર તમામ લોકોની હત્યા કરી નાખી હતી."

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના 21 અને 22 મે 2006ના સમાચાર અનુસાર, આમાં ત્રણ બાળકો સહિત સાત લોકોની હત્યા કરવામાં આવી હતી.

 હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારે પણ 21 મે, 2006ના રોજ આ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ હત્યાકાંડના થોડા દિવસ પહેલાં જ પડોશી નાલંદા જિલ્લામાં અશોક મહતો ગૅંગના નવ લોકોની હત્યા કરવામાં આવી હતી.

અશોક મહતો ગૅંગને આ હત્યાકાંડ માટે અખિલેશસિંહના સમર્થકો પર શંકા હતી. એટલા માટે માનવામાં આવી રહ્યું હતું કે આનો બદલો લેવા માટે માણિકપુરમાં અખિલેશસિંહના સમર્થકોની હત્યા કરવામાં આવી હતી.

શેખપુરા અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની હત્યા સામાન્ય બની ગઈ હતી.

કેવી રીતે હત્યાકાંડનો અંત આવ્યો?

શેખપુરા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ગંગાકુમાર યાદવ કહે છે, "અમિતકુમાર લોઢાએ ઝારખંડના દેવઘરમાંથી મહતો ગૅંગના ઘણા સભ્યોને પકડ્યા હતા અને તે પછી જ શહેરમાં શાંતિ પાછી આવી હતી."

ગંગાકુમાર યાદવના જણાવ્યા અનુસાર, તે સમયે અરિયરી બ્લૉકમાં 'કરગિલ' જેવું સ્વરૂપ ઊભું થયું હતું. તેની અસર ધીમે ધીમે શેખપુરા શહેર પર પણ પડવા લાગી.”

“અહીં ગમે ત્યારે ગોળીબાર થતો હતો. આમાં ઘણા વ્યવસાયિકો, સરપંચો અને પૂર્વ સાંસદોની પણ હત્યા કરવામાં આવી હતી.”

“લોકો સાંજે છ વાગ્યા પછી ઘરની બહાર નીકળતા ડરતા હતા.”

પત્રકાર શ્રીનિવાસ યાદ કરે છે, "માણિકપુરમાં લોકોએ મૃતદેહો લઈ જવાની ના પાડી હતી. તે સમયે નીતીશકુમાર પણ ત્યાં આવ્યા હતા અને તેમણે ખાતરી આપ્યા પછી જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા."

તેમના કહેવા પ્રમાણે, આ ઘટના બાદ અમિત લોઢાને શેખપુરામાં શાંતિ સ્થાપવા માટે મોકલવામાં આવ્યા હતા.

ગંગાકુમાર યાદવ કહે છે, "અમિતકુમાર લોઢા સાહેબે ગુનેગારો પર કલમો લગાવી અને તેમને જેલહવાલે કર્યા."

શ્રીનિવાસ કહે છે, "અહીં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લોકો અમિત લોઢાનો આભાર માને છે. તેમના પુસ્તક અને વેબ સિરીઝ પણ હિટ થઈ ગયા છે. પરંતુ એ પણ હકીકત છે કે તેમણે જેમને પકડ્યા તેમાંથી મોટાભાગના આજે જેલમુક્ત થઈ ગયા છે. કારણ કે ન તો પોલીસે યોગ્ય તપાસ કરી અને ન તો કોર્ટમાં નક્કર પુરાવા આપી શકી.”

તે સમયે શેખપુરામાં શું ચાલી રહ્યું હતું અને નેટફ્લિક્સ વેબ સિરીઝ અમિત લોઢાના પુસ્તકની કેટલી નજીક છે?

અમે આ અંગે અમિત લોઢાનો જવાબ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવારના પ્રયાસો છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અશોક મહતો ગૅંગનું શું થયું?

શેખપુરામાં માણેકપુર હત્યાકાંડ બાદ એસપી અમિત લોઢાએ ઘણી મહેનત કરીને પિન્ટુ મહતો અને તેની ગૅંગના સભ્યોની ધરપકડ કરી હતી.

તેમની સામેનો કેસ પણ લાંબા સમય સુધી ચાલ્યો.

અશોક મહતો અને પિન્ટુ મહતો પર અનેક હત્યા અને અપહરણના કેસ ચાલ્યા હતા.

અશોક મહતો અને પિન્ટુ મહતો તે ગૅંગના પ્રખ્યાત સભ્યો હતા. પિન્ટુ મહતો પર નવાદા જેલ તોડીને ભાગી જવાના પ્રયાસમાં પોલીસકર્મીઓની હત્યાનો આરોપ છે.

જ્યારે અશોક મહતો પર સાંસદ રાજોસિંહની હત્યાનો આરોપ છે. બાદમાં અશોક મહતોને રાજોસિંહની હત્યાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આજે મહતો ગૅંગનો વડો અશોક મહતો નવાદા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

જ્યારે પિન્ટુ મહતોને રાજોસિંહ હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને હાલમાં તે તિહાર જેલમાં છે.

અમિત લોઢાની કહાણી

આ વેબ સિરીઝમાં એસપી અમિત લોઢા મુખ્ય પાત્ર છે. આ વાર્તા જેના પર આધારિત છે તે એસપીનું નામ પણ અમિત લોઢા છે.

આ વેબ સિરીઝ તેમના પુસ્તક પર આધારિત છે.

આ ફિલ્મમાં અમિત લોઢાને રાજસ્થાનના આઈપીએસ ઑફિસર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

હકીકતમાં પણ અમિત લોઢાનો સંબંધ રાજસ્થાન સાથે છે. તેઓ 1997 બેચના આઈપીએસ અધિકારી છે.

તેમણે આઈઆઈટી દિલ્હીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેઓ સિવિલ સર્વિસમાં જોડાયા છે.

અમિત લોઢા લગભગ 25 વર્ષ પહેલા બિહાર પહોંચ્યા હતા. ત્યારે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠતા રહેતા હતા.

રાજ્યના ઘણા વિસ્તારો હિંસાથી પ્રભાવિત હતા. ક્યાંક જ્ઞાતિઓની વર્ચસ્વની લડાઈ હતી તો ક્યાંક ગુંડાની ગૅંગનું વર્ચસ્વ હતું.

અમિત લોઢાએ બિહારના નાલંદા, બેગુસરાય, મુઝફ્ફરપુર, ગયા અને શેખપુરા જેવા જિલ્લાઓમાં ફરજ બજાવી હતી.

વર્ષ 2006માં તેમને શેખપુરા જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા હતા, જ્યાં મહતો ગૅંગ અને ભૂમિહાર ગૅંગ વચ્ચે હિંસા ચાલી રહી હતી.

અમિત લોઢાએ મહતો ગૅંગના ગુનેગારોની ધરપકડ કરીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.