સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આટલો ભયાનક વરસાદ કેમ પડ્યો?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે. હજી પણ આવનારા બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ એકાદ-બે દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રપાડામાં જાણે વાદળ ફાટ્યા જેવી સ્થિતિ પેદા થઈ હતી. અહીં 24 કલાકમાં લગભગ 21 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં, કેટલાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું.

જૂનાગઢ, રાજકોટ, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી અને જામનગરના લાલપુરના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો.

હાલ ભારતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, આ પહેલાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદે ભારે નુકસાન કર્યું છે.

ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મહારાષ્ટ્ર, ગોવા, કોકણ અને ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ કેમ પડ્યો?

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઘણા સમયથી વરસાદ પડી રહ્યો હતો. પરંતુ 18 જુલાઈ બાદ રાજયમાં વરસાદનું જોર વધવાનું શરૂ થયું અને 19 જુલાઈએ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડ્યો.

ગીર-સોમનાથના સૂત્રપાડા, જૂનાગઢના કેશોદમાં અત્યંત ભારે વરસાદ કેમ પડ્યો તે જાણવા બીબીસી ગુજરાતીએ ભારતીય હવામાન વિભાગની ગુજરાત રાજ્યની અમદાવાદ કચેરીનાં વડાં મનોરમા મોહંતી સાથે વાત કરી હતી.

મનોરોમા મોહંતીએ કહ્યું કે ગુજરાતની આસપાસ હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે આટલો ભારે વરસાદ પડી રહ્યો છે.

તેમણે કહ્યું, “ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની સ્થિતિ પેદા થઈ છે. અમે પહેલાં ગીર-સોમનાથ જિલ્લાને ઑરેન્જ ઍલર્ટમાં મૂક્યો હતો, પરંતુ પછી તેને રેડ ઍલર્ટમાં મૂકવામાં આવ્યો હતો.”

"હાલ ગુજરાતની આસપાસ મૉન્સૂન ટ્રફ છે અને બીજું લો ડિપ્રેશન સર્જાયું છે. જેના લીધે કાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ પડી રહ્યો છે."

“મોનસૂન ટ્રફ બંગાળની ખાડીથી ઉત્તરપશ્ચિમ તરફ સર્જાય છે. એટલે મધ્ય ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદ પડે છે. ચોમાસાની સિસ્ટમ માટેની આ ઘણી મહત્ત્વની સિસ્ટમ છે. એનાથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધે છે. ”

ગુજરાતમાં ચોમાસું ફરી આટલું જલદી સક્રિય કેમ થઈ ગયું?

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખંભાતના અખાત અને તેની આસપાસના વિસ્તારો પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન હતું.

ઉપરાંત ભારતના મધ્ય ભાગ પર એક કન્વર્ઝેશન ઝોન સર્જાયો છે અને તેની સાથે આ સિસ્ટમ સક્રિય થઈ છે. અહેવાલ મુજબ ઑફ શૉર ટ્રફ પણ આ વરસાદમાં એક મહત્ત્વનું પરિબળ છે.

આ કારણોને લીધી ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે અને ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર વ્યાસ પાંડેના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ બની હતી. જ્યારે મધ્ય ભારતમાં સાયક્લનિક સર્ક્યુલેશન છે.

તેમણે કહ્યું, "મૉન્સુન ટ્રફ હાલ સામાન્યથી દક્ષિણમાં સ્થિત છે, એટલે કે તે રાજસ્થાન, મધ્ય પ્રદેશથી થઈને બંગાળ સુધી જાય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે."

જોકે, બંને હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે વાદળ ફાટવાથી થતા વરસાદ જેટલો વરસાદ નથી થયો. પરંતુ વરસાદની તીવ્રતા ઘણી રહી છે.

મૉન્સૂન ટ્રફ શું છે અને તે કેવી રીતે અસર કરે છે?

હવામાન વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે મૉન્સૂન ટ્રફ એક લાંબો ઓછા દબાણવાળો વિસ્તાર છે. જે પાકિસ્તાનના નીચલા હિસ્સાથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલો હોય છે.

આ ચોમાસામાં વરસાદ માટેની એક ખાસ પ્રકારની વિશેષ સિસ્ટમ છે. સામાન્ય રીતે આ રેખા ક્યારેક ઉત્તર ભારત તરફ તો ક્યારે રાજસ્થાન ઉપર તો ક્યારેક ગુજરાતની નજીક આવતી હોય છે.

જ્યારે તે રાજસ્થાનના મધ્ય કે દક્ષિણ ભાગો પર કે ગુજરાતની નજીક આવે ત્યારે મૉન્સૂન ટ્રફ દક્ષિણમાં છે એવું કહેવામાં આવે છે. જ્યારે આ રેખા દક્ષિણ તરફ આવે છે ત્યારે ચોમાસું સક્રિય થાય છે અને ક્યારે ભારેથી અતિભારે વરસાદ પણ પડે છે.

તેની વિરુદ્ધ જ્યારે તે ઉત્તર તરફ ખસે છે ત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું નિષ્ક્રિય થાય છે એટલે કે વરસાદનું જોર ઘટવા લાગે છે. ઉત્તરમાં આ રેખા પહોંચે ત્યારે હિમાલયની તળેટીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે અને ક્યારેક પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે.

હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે જ્યારે મૉન્સુન ટ્રફ, સાયક્લૉનિક સર્ક્યુલેશન અને લૉ પ્રેશર સિસ્ટમ એકસાથે થાય ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વધી જાય છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદ

રાજ્યમાં 19 જુલાઈ રોજ પડેલા વરસાદની વાત કરીએ તો લગભગ બધા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતાં કેટલાંક સ્થળોએ જનજીવન ખોરવાયું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં 10.58 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ જૂનાગઢમાં 2.85 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય રાજકોટ જિલ્લામાં2.34 ઇંચ, પોરબંદરમાં 0.76 ઇંચ, બોટાદમાં 0.58 ઇંચ, સુરેન્દ્રનગરમાં 0.53 ઇંચ અને અમરેલીમાં 0.49 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડમાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો હતો.