કિશોર બિયાણી : ભારતીયોને પેન્ટાલૂન્સ અને બિગબઝારમાં ખરીદી કરવા આકર્ષનારા 'રિટેલ રાજા'એ નાદારી કેમ નોંધાવી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મૉલમાં ખરીદી કરનારા ગ્રાહકો પેન્ટાલૂન્સ, બિગ બાઝાર, ફૂડ બાઝાર અને સૅન્ટ્રલ જેવી બ્રાન્ડોનાં નામથી ભાગ્યે જ અજાણ હશે. એક સમયે ભારતના મધ્યમવર્ગના ગ્રાહકોનાં દિલોદિમાગ પર આ બ્રાન્ડો, કિફાયતી કિંમતે ફૅશનેબલ ખરિદી કરવાનું સ્થળ બની ગઈ હતી. આ બ્રાન્ડોના શો-રૂમોની ચેઇન બનાવનારા ફ્યૂચર ગ્રૂપના સ્થાપક અને સીઈઓ કિશોર બિયાણી એક સમયે ભારતીય ઉદ્યોગસાહસિકોમાં 'રિટેલના રાજા' તરીકે ઓળખાતા.

તેમણે દેશના મૉલકલ્ચરને બાલ્યાવસ્થાથી પુખ્ત અવસ્થામાં આવતા જોયું છે. 21મી સદીની શરૂઆતમાં તેમણે દેશનાં નાનાં-મોટાં શહેરોમાં બિગબાઝાર શરૂ કર્યા હતા.

બિયાણીએ પેન્ટાલૂન્સ, બિગ બાઝાર, ફૂડ બાઝાર અને સૅન્ટ્રલ જેવી બ્રાન્ડ દ્વારા રિટેલક્ષેત્રે પરિવર્તન લાવવાની શરૂઆત કરી.

આગળ જતાં બિયાણીની કંપનીએ ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ફિલ્મનિર્માણ તથા પરિવહન અને વિતરણક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

બિયાણી પારિવારિક ધંધા-ઉદ્યોગથી કંઈક અલગ કરવા માગતા હતા અને તેના પ્રારંભિક પાઠ તેમણે ડિસ્કો-દાંડિયામાંથી શીખ્યા હતા. ભારતીય અને વિદેશી નિષ્ણાતો પાસેથી તેમને મૉલ મૅનેજમૅન્ટ વિશે સૂચનો તો મળ્યાં, પરંતુ વ્યવસાયના ખરા પાઠ તેમને મંદિરમાંથી શીખવા મળ્યા હતા.

બિયાણીએ સંકટ સમયે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને વિશ્વના સૌથી ધનિક જૅફ બેઝોસનો સહારો લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ શક્ય ન બન્યું અને કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ.

આજે તેમની કંપની નાદારીને આરે ઊભી છે. તાજેતરમાં જિંદાલ ગ્રૂપે બિયાનીની કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, તેમ છતાં કંપનીનું ભાવિ સ્પષ્ટ નથી. આ રોકાણ માટે લેણદારોની સ્વીકૃતીથી લઈને કાયદાકીય મંજૂરી સુધીની પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફ્યૂચર ગ્રૂપ ઉપર 19 હજાર 400 કરોડનું દેવું છે. મુખ્ય લેણદાર બૅન્કે ફ્યૂચર રિટેલના આર્થિકવ્યવહારોની ફૉરેન્સિક તપાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે, જેની સામે બિયાણીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

ડિસ્કો દાંડિયાથી મંદિર દરેક સ્થળેથી શીખ્યા મૅનેજમૅન્ટના પાઠ

કિશોર બિયાણીનો જન્મ તત્કાલીન બૉમ્બે શહેરના સંપન્ન મારવાડી પરિવારમાં (9 ઑગસ્ટ 1961) થયો હતો, તેમના દાદા બંસીલાલ રાજસ્થાનથી દેશની આર્થિક રાજધાનીમાં આવી વસ્યા હતા. કાપડની દુકાનથી શરૂ કરી હતી અને આગળ જતાં કાપડની મિલો પણ નાખી હતી.

બિયાણી પરિવાર કાપડ બનાવતો અને તે કપડાં બનાવનારાઓને આપતો. પિતા લક્ષ્મીનારાયણ તેમના ભાઈઓ અને ઉંમરલાયક દીકરાઓ પરિવારના વ્યવસાયમાં જોડાઈ રહ્યા હતા. છતાં યુવાવસ્થાથી જ કિશોર પરિવારના ધંધામાં જોડાવા માગતા ન હતા અને અલગ રસ્તો કંડારવા માગતા હતા.

ફ્યૂચર ગ્રૂપ વિશેના પુસ્તક 'ઇટ હેપન્ડ ઇન ઇન્ડિયા'ના બિયાણી સહલેખક છે. જે તેમના આત્મકથાનક જેવું છે. તેના બીજા પ્રકરણમાં તેઓ લખે છે :

નવરાત્રી દરમિયાન ગુજરાતી યુવક-યુવતીઓ દાંડિયા રમે અને સંગીતના તાલે ઝુમે. અમારી સોસાયટીમાં દાંડિયા થતાં, પરંતુ તે બોરિંગ લાગતા. હું કૉલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે એક મિત્ર મને જૂહુ ખાતેના દાંડિયા ઉત્સવમાં લઈ ગયો.

જ્યાં બોલીવૂડના વિખ્યાત સંગીતકાર રાજેશ રોશન લાઇવ સંગીત આપતા અને યુવક-યુવતીઓ મનમૂકીને નાચતાં. આટલી મોટી સંખ્યામાં એકસ્થળે યુવક-યુવતીઓને એકઠાં થયેલાં મેં પહેલી વખત જોયાં હતાં. ખૂબ જ અદ્ભુત વાતાવરણ હતું અને મને તેની ભવ્યતા પ્રભાવિત કરી ગઈ. કિશોરે બીજા વર્ષે પોતાની સોસાયટીમાં ડિસ્કો દાંડિયાનું આયોજન કરવાનું નક્કી કર્યું.

પુસ્તકમાં કિશોર લખે છે કે 'આયોજન ખૂબ જ સફળ રહ્યું અને પછીનાં વર્ષોમાં તેણે આસપાસના વિસ્તારોમાં નામ કાઢ્યું. ભીડનિયંત્રણ અને વ્યવસ્થાપનના પાઠ શીખવા મળ્યા.'

આગળ જતાં બિયાણીએ 'ના તુમ જાનો ના હમ' ફિલ્મનું નિર્માણ કર્યું, જેનું સંગીત રાજેશ રોશને આપ્યું તથા તેમના ભત્રીજા ફિલ્મના હીરો હતા. આ સિવાય તેમણે 'ચુરા લિયા હૈ તુમને' પણ પ્રૉડ્યુસ કરી.

પછીનાં વર્ષોમાં બિયાણીએ રિટેલ ચેઈન 'બિગ બાઝાર' શરૂ કરી. જેનું એક આકર્ષણ 'સબ સે સસ્તા દિન' હતું. આ દિવસો દરમિયાન ખૂબ જ ભીડ એકઠી થતી, જેને નિયંત્રિત કરવામાં બિગ બાઝારના સ્ટાફ તથા તેના સિક્યૉરિટી ગાર્ડ્સને ભારે તકલીફ પડતી હતી.

બિયાની તેમના પુસ્તકમાં (એપિલોગમાં) લખે છે કે ભીડને કેવી રીતે નિયંત્રિત કરવી અને તેનું નિયમન કેવી રીતે કરવું તે મોટો પડકાર હતો.તેના કારણે ગ્રાહકને પણ માઠા અનુભવ થતા હતા. આના ઉકેલ માટે આસપાસમાં નજર દોડાવી તો મંદિરોમાં તેમને ઉકેલ મળ્યો.

ચોક્કસ દિવસોમાં મંદિરોમાં ભારે ભીડ હોય ત્યારે તેઓ શ્રદ્ધાળુઓને કેવી રીતે લાઇનમાં ગોઠવે, મંદિરમાં દર્શનાર્થે મોકલે અને તેઓ પાછા ફરે તેનો અભ્યાસ કંપનીના અધિકારીઓએ કર્યો અને પછી તેનો અમલ બિગ બાઝારના આઉટલેટ્સમાં કર્યો હતો.

બિગ બાઝાર, લાંબી છલાંગ

વર્ષ 1987માં બિયાણીએ 'પેન્ટાલૂન્સ'ની સ્થાપના કરી. આ કંપની પુરુષો માટે પાટલૂન બનાવતી. બિયાની લખે છે કે, તેમણે બૉમ્બેમાં મલ્ટી-સ્ટોર રિટેલરને તેમનાં પેન્ટ રાખવા માટે આગ્રહ કર્યો, પરંતુ એ કંપની વિદેશી બ્રાન્ડ્સ રાખતી હોવાથી તેમણે પેન્ટાલૂન્સનો માલ રાખવાનો ઇન્કાર કર્યો. આગળ જતાં તેમણે જ્યારે મુંબઈમાં મૉલ બનાવ્યો ત્યારે તેમાં એ કંપનીને જગ્યા ન મળી.

આથી બિયાણીએ રિટેલિંગમાં ઊતરીને જાતે જ પોતાની પ્રોડક્ટ્સ વેચવાનું નક્કી કર્યું અને તેની શરૂઆત કલકત્તાથી કરી. તેનું તાર્કિક વિસ્તરણ રોજિંદી ચીજવસ્તુઓના સ્ટોર્સનું હતું. કેટલાક ઉદ્યોગસાહસિકો અગાઉથી જ આ ક્ષેત્રમાં કાર્યરત હતા.

શરૂઆતના સમયમાં બિગ બાઝારને અપેક્ષા મુજબ ગ્રાહક ન મળ્યા, ત્યારે તેમણે પરામર્શકો નીમ્યા. જેમણે વૉલમાર્ટ અને ટેસ્કોની તરાહ ઉપર ફેરફાર સૂચવ્યા. બંને કંપનીઓ અનુક્રમે અમેરિકા અને યુકેમાં રિટેલવેપારમાં સફળ હતી.

જોકે, ટૂંક સમયમાં જ બિયાણીને સમજાઈ ગયું કે ઍરકન્ડિશન્ડ જગ્યામાં હારબંધ રીતે ગોઠવાયેલી ચીજોને ગ્રાહક જાતે ઉઠાવે તેટલું પૂરતું નથી. ત્યાં ભાવતાલને અવકાશ ન હતો, પરંતુ તેને 'બજાર'ની અનુભૂતિ મળે તે માટે ફેરફાર કર્યા. પેક ચીજવસ્તુઓ ઉપરાંત તેમણે છૂટક કરિયાણું, ફળ અને શાકભાજી પણ વેચવાનું શરૂ કર્યું.

જિયોફ હિસ્કોક તેમના પુસ્તક 'ઇન્ડિયાસ સ્ટૉર વૉર્સ'માં (પેજનંબર 9-10) ઉપર લખે છે કે બિયાણીએ દક્ષિણ ભારતની પ્રસિદ્ધ બ્રાન્ડ 'સરવના'નો અભ્યાસ કરવામાં દિવસો અને અઠવાડિયાં ગાળ્યાં. સરવના 'દેશમાં સૌથી સસ્તી' ચીજવસ્તુ આપવાનો દાવો કરતી બ્રાન્ડ હતી. એ પછી તેમણે 'ઓછા નફે વધુ વેપાર'ની વ્યૂહરચના અપનાવી.

બિગ બાઝાર દ્વારા વર્ષના 72 દિવસ તહેવાર ઉજવવામાં આવતા જે દિવસો દરમિયાન ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ થતો. બુધવારે શાકભાજી તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચવામાં આવતી. આ દિવસે ગૃહિણી જીવન જરૂરિયાતની પરંતુ મોંઘી અને ક્યારેક જ જરૂર પડતી ચીજ જુએ અને સપ્તાહના અંતે જ્યારે સહપરિવાર ખરીદી માટે આવે ત્યારે તે વસ્તુ ખરીદે. તેવી યોજના હતી.

ફૉર્બ્સની યાદી પ્રમાણે, વર્ષ 2007માં બિયાણી અબજોપતિ બની ગયા હતા અને દેશના ટોચના ધનિકોની યાદીમાં 54મા ક્રમે પહોંચી ગયા હતા. જોકે, 2008ની આર્થિક મંદી પછી તેમની મુશ્કેલીઓ વધવા લાગી હતી.

મુશ્કેલીઓ, ભૂલો, ભવિષ્ય

વર્ષ 2008ની આર્થિક વૈશ્વિક મંદીનો માર ફ્યૂચર ગ્રૂપને પણ પડ્યો હતો. એક પછી એક રિટેલ બ્રાન્ડ્સની લૉન્ચ કરવાથી, મોટી સંખ્યામાં અલગ-અલગ શહેરોમાં સ્ટોર્સ ખોલવાથી તથા એના માટે દેવું કરવાને કારણે કંપનીનું પાકુ સરવૈયું હંમેશાં દબાણ હેઠળ રહેતું.

આ એ સમય હતો કે જ્યારે મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવેલી નહોતી. આથી, બૅન્કો સિવાયના રસ્તેથી નાણાં ઊભા કરવું બિયાણી માટે મુશ્કેલ બન્યું.

વર્ષ 2012માં દેવાનું ભારણ ઘટાડવા બિયાણીએ તેમની સફળ બ્રાન્ડ પેન્ટાલૂન્સનો હિસ્સો આદિત્ય બિરલા જૂથને હિસ્સો વેચ્યો અને આગળ જતાં તેમને કંપની વેચી દીધી.

દેશમાં ઑનલાઇન ખરીદી ધીમે-ધીમે વધી રહી હતી. ઈબે તથા ફ્લિપકાર્ટ જેવી કંપનીઓની સાથે વિશ્વની સૌથી મોટી ઑનલાઇન કંપની એમેઝોન પણ બજારમાં આવી. આ પરિવર્તન ખૂબ જ ઝડપથી આવી રહ્યું હતું. ભારે ડિસ્કાઉન્ટ અને સસ્તા ઇન્ટરનેટને કારણે દેશમાં ખરીદારોનો એક નવો વર્ગ ઊભો થયો હતો. જેના કારણે રિટેલરોને માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ રહી હતી.

ઑગસ્ટ-2019માં ઑનલાઇન રિટેલર એમેઝોને તેની ઑફલાઇન હાજરી વધારવા માટે દેશના સૌથી મોટી રિટેલ કંપની બિગ બાઝારમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો. લગભગ પોણા બે અબજ ડૉલરની સંપત્તિ સાથે બિયાની છેલ્લી વખત ફૉર્બ્સની અબજોપતિઓની યાદીમાં જોવા મળ્યા.

ડીલ અંગે પ્રક્રિયા આગળ વધી રહી હતી, ત્યાં જાન્યુઆરી-2020માં કોવિડ-19 મહામારીએ વિશ્વમાં દેખા દીધી. માર્ચ-2020 લૉકડાઉન સમયે લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આવા સમયે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ઑનલાઇન ખરીદવાનું ચલણ લોકોમાં વધી રહ્યું હતું. ત્યારે શરૂઆતના ત્રણચાર મહિનામાં જ કંપનીએ સાત હજાર કરોડની આવક ગુમાવી.

ઑગસ્ટ-2020માં દેશના સૌથી ધનિક ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 24 હજાર 713 કરોડમાં ફ્યૂચર જૂથની 19 કંપનીઓ ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો. મુકેશ અંબાણીનાં દીકરી ઇશા રિટેલનો વ્યવસાય સંભાળી રહ્યાં છે. અગાઉથી જ ધમધમતા સ્ટોર્સ મળવાને કારણે રિલાયન્સ રિટેલ માટે આ મોટી સફળતા હોત, પણ એવું બન્યું નહીં.

જોકે ફ્યૂચર ગ્રૂપ સાથે અગાઉથી જ કરાર કરનાર એમેઝોને આ સોદાને અદાલતમાં પડકાર્યો. કાયદાકીય ગૂંચવણ લંબાતા એપ્રિલ-2022માં રિલાયન્સે આ સોદો રદ કર્યો. આ પહેલાં રિલાયન્સે જેટલા સ્ટોર્સનું વહીવટી સંચાલન સંભાળી લીધું હતું અને મોકાનાં સ્થળોની લીઝ પણ મેળવી લીધી હતી.

પૈસાના અભાવે બિયાનીની મુશ્કેલીઓ વધતી રહી. છેવટે તેમણે કંપનીની નાદારીની પ્રક્રિયા હાથ ધરવી પડી. રાજ શમાણી સાથેના પોડકાસ્ટમાં બિયાનીએ કહ્યું, "બે બળિયાઓની વચ્ચે અમે અટવાઈ ગયા હતા. અમારી બૅલેન્સશીટ ઉપર ભારણ વધી રહ્યું હતું અને અમે ઇચ્છતા હતા એવી સ્થિતિ ન સર્જાઈ."

તેઓ શું અલગથી કરવા માગશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું, 'હું આક્રમક વિસ્તરણ નહીં કરવા ઇચ્છું અને ધીમેધીમે આગળ વધવા ચાહીશ. કંપનીમાં મેરિટને પ્રાધાન્ય આપવા ચાહીશ અને મારી પાસે રહેલાં સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ચાહીશ.'

આ ફ્યૂચર ગ્રૂપના ભૂતકાળ વિશેની વાત છે, પરંતુ તેના ભવિષ્યનો આધાર નાદારીની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તથા નવો ખરીદાર કોણ છે, તેના ઉપર આધારિત રહેશે.