કૅનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા નિયમો જાહેર, ગુજરાતીઓને કેવો ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝા પર આવતા વિદ્યાર્થીઓ સાથે ઍજન્ટો દ્વારા થઈ રહેલી છેતરપિંડીને રોકવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે.
ગુજરાતીઓમાં કૅનેડા જઈને વસી જવાનો ભારે ટ્રેન્ડ છે અને આ ટ્રૅન્ડનો ગેરફાયદો ઉઠાવીને કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે.
ગત વર્ષે જ અમદાવાદમાં ત્રણ એજન્ટોએ કૅનેડાના વિઝાના નામે દસ લોકોને છેતરીને 1.63 કરોડ રૂપિયા સેરવી લીધા હતા. તો ચાલુ વર્ષે જૂન મહિનામાં જાલંધરના ઍજન્ટ બ્રજેશ મિશ્રા પર વિદ્યાર્થીઓને નકલી ઍડમિટ કાર્ડ દેવા સહિત અનેક આરોપો લાગ્યા હતા.
તાજેતરમાં જ નકલી દસ્તાવેજો સાથે કૅનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવાની સરકારી હિલચાલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ સમયે કૅનેડા સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ આ પ્રકારે થઈ રહેલી છેતરપિંડીને રોકવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, દેશો અને સંગઠનો સાથે મળીને કામ કરશે અને આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે પ્રયત્ન કરશે.
શું છે નવા નિયમો?

ઇમેજ સ્રોત, IRCC/X
કૅનેડાના ઇમિગ્રેશન, રીફ્યુજી અને નાગરિકતા બાબતોના મંત્રી માર્ક મિલરે જાહેરાત કરી હતી કે તેઓ કૅનેડાના ‘ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ’ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ લાગુ કરશે. તેમણે કહ્યું હતું કે તેમનો હેતુ અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવાનો છે.
કૅનેડાની અધિકૃત વેબસાઇટ અનુસાર, કૅનેડામાં માધ્યમિક કક્ષાથી ઉપરનું શિક્ષણ આપતા તમામ ‘ડૅઝિગ્નેટેડ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ લર્નિંગ’ (ડીએલઆઈ) એ આઇઆરસીસી( ઇમિગ્રેશન, રૅફ્યૂજી અને નાગરિકતા માટે કામ કરતો કૅનેડાની સરકારનો અધિકૃત વિભાગ) પાસેથી પોતાના દરેક વિદ્યાર્થીના ઍડમિશન લેટરની ચકાસણી કરાવવાની રહેશે. નવી નીતિને 1 ડિસેમ્બર, 2023થી લાગુ કરવામાં આવશે.
આ નિયમ હેઠળ, દરેક ડીએલઆઈએ ‘એક્સેપ્ટન્સ લેટર’ ની ચકાસણી પણ આઇઆરસીસી પાસેથી કરાવવાની રહેશે.
અભ્યાસ અર્થે કૅનેડા આવતા વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવા માટે અરજીઓને માન્ય કરવાની, તેમની ચકાસણી કરવાની આ પ્રક્રિયા લાવવામાં આવી છે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે અભ્યાસ માટેની પરવાનગી માત્ર પ્રમાણભૂત દસ્તાવેજો અને સર્ટિફિકેટ્સના આધારે જ આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેબસાઇટ અનુસાર સપ્ટેમ્બર 2024માં પ્રવેશ શરૂ થવા સુધીમાં આઇઆરસીસી એક એવી પ્રક્રિયા લાગુ કરશે જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓને પણ આ પ્રક્રિયાને અમલી બનાવવામાં સુગમતા રહે.
આ શૈક્ષણિક સંસ્થાઓને એ સિવાય પણ ઘણા લાભ મળશે જેમ કે ખૂબ ઓછા સમયમાં અભ્યાસ માટેના વિઝા આપવા.
એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આઇઆરસીસી ‘પૉસ્ટ ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ’નું પણ નજીકના ભવિષ્યમાં પુન:મૂલ્યાંકન કરશે. કૅનેડામાં રોજગારની તકો, તેનું બજાર વગેરે ધ્યાનમાં રાખીને આ બદલાવોને લાગુ કરવામાં આવશે.
દરેક ક્ષેત્રની જરૂરિયાતો, ખાસ કરીને ફ્રેન્ચ બહુમતીવાળા વિસ્તારોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
કૅનેડાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો ફાળો કેટલો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો કૅનેડાના અર્થતંત્રમાં અંદાજે 22 અબજ ડૉલરનો ફાળો છે. કૅનેડાના ઑટો-પાર્ટ્સ, લાકડું અને ઍરક્રાફ્ટ ઍક્સપોર્ટ્સ એમ આ ત્રણેય સેક્ટરને એકઠાં કરીએ તો તેના કરતાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ફાળો મોટો ગણાય છે.
દેશમાં અંદાજે 2 લાખ નોકરીઓ તેમના પર નિર્ભર છે.
2020માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાને કારણે કૅનેડાની જીડીપીને 7 અબજ ડૉલરનું નુકસાન ગયું હતું.
કૅનેડાની સરકારના મંત્રી માર્ક મિલરે કહ્યું હતું કે, “વિદેશી વિદ્યાર્થીઓમાં ભરપૂર ટેલેન્ટ છે, તેમને કૅનેડામાં આવીને ઘણું શીખવા મળે છે, અભ્યાસ દરમિયાન અનેક અનુભવોથી તેઓ ઘડાય છે. અમે તેમના અનુભવને વધુ સારો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. તેમની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. અમારું ધ્યાન એ વાત પર છે કે તેમનો ફાયદો ઊઠાવનાર કે તેમની સાથે છેતરપિંડી કરનાર લોકોને આ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવે.”
“તેઓ અહીં ભણે, અહીં કામ કરે કે પછી તેમના દેશમાં ભણીને પાછા જાય, અમારો હેતુ એ જ છે કે તેઓ અહીં જે સમય વીતાવે એ એમની જિંદગી માટે ફાયદાકારક નીવડે.”
“આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે રીતે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે કૅનેડામાં યોગદાન આપે છે તે અમૂલ્ય છે. અમારે તેમને પડી રહેલી મુશ્કેલીઓનું સમાધાન આપવું જ જોઇએ.”

ઇમેજ સ્રોત, Getty Images
વેબસાઇટ અનુસાર આઇઆરસીસી દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તેણે કૅનેડા બોર્ડર સર્વિસ ઍજન્સી સાથે મળીને એ નકલી દસ્તાવેજોના કેસમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું ફરી મૂલ્યાંકન અને તપાસ કરી હતી.
જો કોઈ સાચા વિદ્યાર્થીને અન્યાય થઈ રહ્યો હોય તો તેને રોકી શકાય તેના માટે આ તપાસ કરવામાં આવી હતી.
12 ઑક્ટોબર સુધીમાં આવા 103 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 40 વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો નકલી નીકળ્યા હતા. આ કેસમાં એજન્ટ બ્રજેશ મિશ્રા મુખ્ય સૂત્રધાર હતો જેણે વિદ્યાર્થીઓને ફસાવ્યા હતા જેની ધરપકડ કરવામાં આવી છે.
કૅનેડા સરકાર આવાં તત્ત્વો સામે પગલાં ભરતી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.
કૅનેડામાં વસાહતીઓનો વધારો
અહેવાલો અનુસાર કૅનેડાની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. પાછલા સાત દાયકાથી વસતીમાં આવો વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત 12 લાખ માઇગ્રન્ટ આવ્યા હતા.
દેશની વસતીમાં પણ ત્રણ ટકાના અસાધારણ વધારા સાથે ચાર કરોડ કરતાં વધુ થઈ ચૂકી છે.
ગત વર્ષે કૅનેડામાં 4.69 લાખ લોકોને કાયમી વસવાટ અને સાત લાખ લોકોને કામચલાઉ વસવાટનો પરવાનો અપાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.
ઇમિગ્રેશનને આર્થિક વિકાસનું પરિબળ ગણાવતાં કૅનેડામાં તેના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ સર્જાઈ છે.
આના કારણે દેશમાં હાઉસિંગની ભારે માગ પેદા થઈ છે. સાથે જ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે.
ઘણા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો દેશમાં વધતી જતી મોંઘવારી માટે દેશની ઇમિગ્રેશન વ્યૂહરચનાને જવાબદાર ગણાવે છે. અને ઘણા તો પરિસ્થિતિ અનિયંત્રિત બની ગઈ હોવાનું અવલોકનેય રજૂ કરે છે.












