ઇઝરાયલના વડા પ્રધાને હમાસને રોકવાની તક ગુમાવી દીધી?

બિન્યામિન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, જૉન વેયર
    • પદ, બીબીસી પૅનોરમા

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને મળતા રોકડ રૂપિયાનો પુરવઠો રોકવાની તક ગુમાવી દીધી હતી.

ઇઝરાયલના એક ભૂતપૂર્વ વરિષ્ઠ સિક્રેટ અધિકારી યુડી લેવી પ્રમાણે ઇઝરાયલના વડા પ્રધાને આ તક ઑક્ટોબર મહિનામાં થયેલા ઘાતક હુમલાનાં ઘણાં વરસો પહેલાં મળી હતી.

યુડી લેવીએ બીબીસીને જણાવ્યું કે તેમણે બેન્જામિન નેતન્યાહૂને સલાહ આપી હતી કે તેઓ હમાસની ફંડિંગને નિશાન બનાવે.

તેઓ માને છે કે જો આવું થયું હોત તો હમાસને પોતાની સૈન્યતાકત વધારવાની તક ન મળી હોત. પરંતુ યુડી લેવી કહે છે કે આ સિક્રેટ જાણકારી પર કોઈ કાર્યવાહી ન કરાઈ.

ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

ગત વર્ષે 7 ઑક્ટોબરના રોજ હમાસના બંદૂકધારીઓએ ઇઝરાયલના દક્ષિણ વિસ્તારમાં ઘૂસીને લગભગ 1200 લોકોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં અને 250 કરતાં વધુ લોકોને બંધક બનાવાયા હતા. તેમાંથી 130 બંધકો વિશે હજુ સુધી કોઈ સમાચાર નથી મળી શક્યા.

આ હુમલાના જવાબમાં ઇઝરાયલી સૈન્યે ગાઝા પર હુમલો કર્યો હતો. ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઇઝરાયલી સૈન્યની કાર્યવાહીમાં અત્યાર સુધી 29 હજાર પેલેસ્ટાઇનિયનોનાં મૃત્યુ થયાં છે.

હમાસને ક્યાંથી મળે છે પૈસા?

યુડી લેવી પ્રમાણે તેમણે હમાસને મળી રહેલા ફંડિંગ મામલે ચેતવ્યા હતા
ઇમેજ કૅપ્શન, યુડી લેવી પ્રમાણે તેમણે હમાસને મળી રહેલા ફંડિંગ મામલે ચેતવ્યા હતા

યુડી લેવી 2016 સુધી ઇઝરાયલની સિક્રેટ સર્વિસ મોસાદમાં આર્થિક યુદ્ધ એકમના પ્રમુખ હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે કે તેમણે બેન્જામિન નેતન્યાહૂને ઘણી વાર કહેલું કે ગાઝા પર નિયંત્રણ રાખનારા હમાસને કચડવા માટે ઇઝરાયલ પાસે પૂરતાં સંસાધનો છે.

તેનો ખાતમો માત્ર ‘નાણાકીય હથિયારોના ઉપયોગથી જ’ કરી શકાય છે.

યુડી લેવી કહે છે કે તેમણે પોતાના આ પ્રસ્તાવ પર બેન્જામિન નેતન્યાહૂ તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

જ્યારે તેમને પુછાયું કે શું તેઓ માને છે કે હમાસને મળનારી આર્થિક મદદ પર રોક લગાવવાને લઈને નેતન્યાહૂની અનિચ્છા અને તે બાદ 7 ઑક્ટોબરના હુમલા વચ્ચે કોઈ સંબંધ છે, તો લેવીએ કંઈક આવો જવાબ આપ્યો :

“હા, બિલકુલ. એ વાતની ઘણી સંભાવના છે કે અમે ગાઝાને મળી રહેલા નાણાના પુરવઠાને રોકી શક્યા હોત. એ સમયે હમાસે જેટલી ખતરનાક અને શયતાની તાકત એકઠી કરી, એ એટલો મોટો રાક્ષસ ન બની શક્યો હોત, જેનો સામનો અમે 7 ઑક્ટોબરે કર્યો હતો.”

ઇઝરાયલના આ ભૂતપૂર્વ સિક્રેટ અધિકારી અનુસાર ગાઝાની નીચે સુંરગોની જાળ પાથરવા અને લગભગ 30 હજાર લડવૈયાવાળા સૈન્યનો ખર્ચ ચલાવવા માટે હમાસને ‘કરોડ નહીં, અબજો ડૉલર’ની જરૂર હોય છે.

યુડી લેવીએ હમાસને મળનારી રકમના જે એક ખાસ સ્રોત વિશે બેન્જામિન નેતન્યાહૂને જણાવેલું, એ કરોડો ડૉલરનો એક રોકાણ કાર્યક્રમ હતો. ઇઝરાયલની સિક્રેટ એજન્સીઓ પ્રમાણે આ ખાતું તુર્કીથી ચલાવાઈ રહ્યું હતુ અને તેના પર હમાસનું નિયંત્રણ હતું.

યુડી લેવી કહે છે કે જાણકારી અપાયા છતાં નેતન્યાહૂએ તેના પર કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો.

હમાસ શું ઇચ્છે છે?

હમાસ ઇઝરાયલના અસ્તિત્વના અધિકારને ખારિજ કરે છે અને તેની તબાહી માટે પ્રતિબદ્ધ છે. એ એક સૈન્ય તાકતથી આગળ બીજું પણ ઘણું બધું છે. એ એક રાજકીય આંદોલન છે, જેને ગાઝાની બહારથી પણ નાણાકીય સહાય મળે છે.

બેન્જામિન નેતન્યાહૂ સાથે થયેલી વાતચીત વિશે યુડી લેવી કહે છે કે, “અમે હમાસને કતાર અને ઈરાનમાંથી મળતી મદદ અંગે ચર્ચા કરી. પરંતુ ઘણા મામલામાં તુર્કી વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હમાસના નાણાકીય માળખાના પ્રબંધન માટે તુર્કી એક મહત્ત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે.”

બીબીસી 2020માં હાંસલ કરાયેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. આ દસ્તાવેજો વડે હમાસના રોકાણના પૉર્ટફોલિયોના વ્યાપની ખબર પડે છે. આ દસ્તાવેજ આઠ મહિનાના સમયગાળાની જાણકારી આપે છે, જે વર્ષ 2018નો છે. ઇઝરાયલની સિક્રેટ એજન્સીઓ જણાવે છે કે આ દસ્તાવેજો પરથી એ ખબર પડે છે કે હમાસ પોતાની આવકનો અમક ભાગ કેવી રીતે હાંસલ કરે છે.

આ પૉર્ટફોલિયો વિશે કહેવાય છે કે તેમાં લગભગ 40 કંપનીઓ છે, જે આખા મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ફેલાયેલી છે. તેમાં સાઉદી અરેબિયા, અલ્જીરિયા, સુદાન, મિસર, ખાડી દેશો અને તુર્કીમાં છે.

આ કથિત રોકાણમાં રોડનિર્માણ, દવા અને મેડિકલ ઉપકરણોથી માંડીને, પર્યટન, ખનન, સોનાની શોધ અને લક્ઝરી રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ સામેલ છે.

2018માં હમાસના રોકાણની કિંમત 42.2 કરોડ ડૉલર લગાવાઈ હતી.

અંદા તુર્કમાં રોકાણનું રોકડ મૂલ્ય 11,45,181 ડૉલર

અંદા તુર્કમાં રિયલ એસ્ટેટ કંપની ટ્રેન્ડ જીવાયઓનું ટ્રેડિંગનું નામ હતું

કુલ રોકાણનું રોકડ મૂલ્ય 42,25,73,890 ડૉલર

સ્રોત : હમાસની મિલકતની કથિત વિગતો

આ દસ્તાવેજમાં નોંધાયેલી છ કંપનીઓ વિશે 2022માં અમેરિકાના ટ્રેઝરી વિભાગનું કહેવું છે કે તેના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હમાસનું નિયંત્રણ છે. અમેરિકાએ આના પર પ્રતિબંધ લાદીને તેમની ટ્રેડિંગ કરવાની ક્ષમતાને સીમિત કરી દીધી છે.

આ પૉર્ટફોલિયોમાં નોંધાયેલી દરેક કંપની સામે હમાસના નિયંત્રણવાળી કિંમત નોંધાયેલી છે. ઘણી કંપનીઓમાં તો હમાસની ભાગીદારી કરોડો ડૉલરમાં છે અને કુલ્લે હમાસની આ સંપત્તિઓની કિંમત 42,25,73,890 ડૉલર થાય છે.

કહેવાય છે કે તેમાં મોટા ભાગનું રોકાણ રિયલ એસ્ટેટ સૅક્ટરમાં છે.

હમાસે ક્યાં કર્યું છે રોકાણ?

તુર્કીની કંપની ટ્રેન્ડ જીવાયઓ દ્વારા બનાવાયેલ લક્ઝરી ઍપાર્ટમેન્ટ
ઇમેજ કૅપ્શન, તુર્કીની કંપની ટ્રેન્ડ જીવાયઓ દ્વારા બનાવાયેલ લક્ઝરી ઍપાર્ટમેન્ટ

રૉયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યૂટ (રૂસી)માં સેન્ટર ફૉર ફાઇનાન્સિયલ ક્રાઇમ ઍન્ડ સિક્યૉરિટી સ્ટડીઝના સંસ્થાપક નિદેશક ટૉમ કીટિંગ કહે છે કે પ્રૉપર્ટીમાં રોકાણ કરાયેલી રકમનું મૂલ્ય સ્થિર રહે છે. તેમાંથી ભાડાની આવક સર્જાવાની પણ શક્યતા હોય છે. તેથી હમાસ જેવા સંગઠન માટે પોતાની રકમના હિસાબ માટે આ ‘સૌથી યોગ્ય રીત’ છે.

અમેરિકાએ હમાસ સાથે સંકળાયેલી કંપનીઓ પર પાબંદી લગાવી છે, તેમાંથી એક ટ્રેન્ડ જીવાયઓ છે. એ તુર્કીની રિયલ એસ્ટેટ કંપની છે. વર્ષ 2018માં મળેલા દસ્તાવેજો પ્રમાણે ઘણી વાર આ કંપનીનો ઉલ્લેખ અંદા તુર્કના નામથી પણ કરાયો છે.

દસ્તાવેજો અનુસાર ટ્રેડિંગ કંપનીનું આ જૂનું નામ હતું અને બાદમાં તેનું નામ બદલીને ટ્રેન્ડ કરી દેવાયું. આની નોંધણી ઇસ્તંબૂલના શૅરબજારમાં કરાવાઈ હતી.

હાલમાં જ ટ્રેન્ડના ભૂતપૂર્વ ચૅરમૅન હામિદ અબ્દુલ્લાહ અલ-અહમરે 7 ઑક્ટોબરના હુમલાની પ્રશંસા કરી હતી, જેને હમાસ ‘ઑપરેશન અલ અક્સા ફ્લડ’ કહે છે. હામિદ અબ્દુલ્લાહ 2022માં કંપનીના ચૅરમૅનના પદ પરથી હટી ગયા હતા, પરંતુ તેઓ હજુ તેની મૂળ કંપનીના પ્રમુખ છે.

જાન્યુઆરી 2024માં ઇસ્તંબૂલમાં એક સંમેલન દરમિયાન અપાયેલા એક નિવેદનમાં હામિદ અબ્દુલ્લાહ એવું કહેતા સંભળાય છે કે, “આપણે એવા સમયે મળી રહ્યા છીએ... જ્યારે અક્સાનું પૂર તેની ટોચ પર છે. આ તબાહ કરી નાખે એવી ગર્જનાવાળું પૂર છે, જે ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી આપણા પ્રિય પેલેસ્ટાઇનિયન પર કબજો કરનારને હરાવી ન દેવાય.”

આ કૉન્ફરન્સમાં હામિદ અબ્દુલ્લાહે ‘કટ્ટર યહૂદીવાદને એક નસલવાદી અને આતંકવાદી આંદોલન સાબિત કરવાનું અભિયાન ચલાવવાની’ અપીલ કરી હતી.

બીબીસીએ હામિદ અબ્દુલ્લાહ અલ-અહમર પાસેથી આ મામલે પ્રતિક્રિયા માગી હતી, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

ટ્રેન્ડે અમને જણાવ્યું કે અમેરિકાના ટ્રેઝરી વિભાગે તેની કંપની અને હમાસ વચ્ચે જે સંબંધનો આરોપ લગાવ્યો છે, એ ‘પાયાવિહોણો અને અન્યાયી’ છે.

તુર્કીના અધિકારીઓએ કહ્યું છે કે તેમણે ટ્રેન્ડની તપાસ કરી છે અને તેમને ‘દેશના અર્થતંત્રનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ થતા હોવાના પુરાવા નથી મળ્યા. તુર્કી આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમોનું પાલન કરે છે.’

યહ્યા સિનવાર : ઇઝરાયલની જેલમાં રહીને ઈરાન સાથે સાધ્યો સંપર્ક

હમાસના નેતા યહ્યા સિનવાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હમાસના નેતા યહ્યા સિનવાર

જોકે, હમાસ પાસે નાણાં મેળવવાના બીજા પણ દૂરગામી સ્રોતો છે.

હમાસ માટે ફંડ એકત્રિત કરનારા શરૂઆતના કેટલાક લોકો પૈકી મહત્ત્વપૂર્ણ તો યહ્યા સિનવાર હતા, જેઓ હવે ગાઝામાં હમાસની રાજકીય શાખાના પ્રમુખ છે.

ઇઝરાયલ અનુસાર સિનવારે હમાસ માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત ત્યારે જ કરી દીધી હતી, જ્યારે તેઓ ઇઝરાયલની જેલમાં કેદ હતા. વર્ષ 1988માં યહ્યા સિનવારને એક પલેસ્ટાઇનિયનની હત્યાના આરોપમાં જેલ મોકલવામાં આવ્યા હતા, જેના પર તેમને ઇઝરાયલી જાસૂસ હોવાની શંકા હતી.

ઇઝરાયલની સુરક્ષા એજન્સીના એક ભૂતપૂર્વ અધિકારી મિશા કોઉબી કહે છે કે તેમણે 150 કલાક કરતાં વધુ સમય માટે યહ્યા સિનવારની પૂછપરછ કરી હતી. તેઓ કહે છે કે સિનવારે જેલમાં રહીને ગુપ્ત સંદેશ મોકલીને ઈરાન સાથે સંબંધ પ્રસ્થાપિત કર્યા હતા.

ગાઝાની સત્તામાં બેસવાનો જનાદેશ મળ્યાના એક વર્ષ પહેલાં વર્ષ 2007માં ઇઝરાયલ અને તેના પાડોશી મિસરે ગાઝાની નાકાબંધી વધુ કડક બનાવી દીધી. બંને દેશોનું કહેવું હતું કે તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. મિશા કોઉબીએ કહ્યું કે ઈરાન સાથે પોતાના સંબંધોના કારણે જ યહ્યા સિનવાર એ નાકાબંધીને ટાળવામાં સફળ રહ્યા.

કોઉબી કહે છે કે, “તેમણે ઈરાનને સંદેશ મોકલાવ્યો કે તેઓ સંપર્કની શરૂઆત કરે. તેમણે ઈરાનને હથિયાર અને દારૂગોળો મોકલવા કહ્યું અને ઈરાનને હમાસને એ દરેક બાબતે મદદનો વાયદો કર્યો, જેની તેને જરૂર હશે.”

મિશા કોઉબી કહે છે કે, “એ એકદમ શરૂઆતનો તબક્કો હતો.”

હમાસને આર્થિક મદદ ખાડી દેશ કતાર પાસેથી પણ મળતી હતી. મોસાદના અધિકારી યુડી લેવી પ્રમાણે કતાર હમાસને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારે મદદ કરે છે.

ઇઝરાયલનું માન્યું છે કે આ પૈકી કેટલીક રકમ તો તેમની સંમતિથી હમાસને રોકડ સ્વરૂપે અપાઈ હતી. આ રકમ હમાસની સરકારના અધિકારીઓના પગાર કરવા અને ગાઝાના લોકોને માનવીય સહાય પૂરી પાડવા માટે અપાઈ હતી.

યુડી લેવી કહે છે કે, “કતારના એક વિશેષ દૂત હતા, જેઓ ખાનગી જહાજથી સૂટકેસ લઈને રફાહ આવતા. તેઓ ગાઝામાં દાખલ થતા. હમાસને સલામ કરીને સૂટકેસ પકડાવતા અને પાછા ફરતા.”

યુડી લેવીએ બીબીસ પૅનોરમાને જણાવ્યું કે તેઓ માને છે કે આ રકમનો એક મોટો ભાગ હમાસની સૈન્ય શાખાની મદદ માટે ખર્ચ કરાય છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ, યુરોપિયન સંઘ અને વેસ્ટ બૅન્ક પર શાસન કરનારી પેલેસ્ટાઇનિયન ઑથૉરિટી અને ઘણી દાન આપનારી સંસ્થાઓની મદદ માટે અબજો ડૉલર અપાયા. બધાનો હેતુ માનવીય સહાય પૂરી પાડવાનો હતો.

હમાસને મળતી રકમ ક્યાં ખર્ચાય છે?

હમાસે ગાઝામાં સેંકડો કિમી લાંબી સુરંગોનું નિર્માણ કરાવ્યું છે
ઇમેજ કૅપ્શન, હમાસે ગાઝામાં સેંકડો કિમી લાંબી સુરંગોનું નિર્માણ કરાવ્યું છે

આ રકમનો ઉપયોગ હમાસની સૈન્ય શાખાની તાકત વધારવા પાછળ કરાયો હોવાના આકલનને રૂસીના ટૉમ કીટિંગ ‘યોગ્ય મૂલ્યાંકન’ ઠેરવે છે. તેઓ કહે છે કે, “આ રકમ હમાસ બીજાં કામો, જેમ કે સુરંગ બનાવવા અને પોતાના સૈન્ય એકમને હથિયારબંધ બનાવવા માટે વાપરી શકે છે.”

એ જાણવું અશક્ય છે કે દાનમાં મળેલી આ રકમનો કેટલો ભાગ હમાસે સૈન્ય તાકત વધારવા કર્યો હતો અથવા આ હેતુ માટે તેનો ઉપયોગ કર્યો હતો કે નહીં.

હમાસ માનવીય સહાયતા માટે મળેલી કોઈ પણ રકમનો દુરુપયોગ કર્યાની વાતનો ઇનકાર કરે છે. હમાસે બીબીસ પૅનોરમાને જણાવ્યું કે તેની સૈન્ય શાખા પાસે આવકના પોતાના અલગ સ્રોત છે.

ઇઝરાયલના વડા પ્રધાન સ્પષ્ટપણે જણાવી ચૂક્યા છે કે તેઓ પેલેસ્ટાઇનિયન રાષ્ટ્રના ગઠનની વિરુદ્ધ છે. તેમનો આ રાજદ્વારી હેતુ હમાસની ફંડિંગ સાથે કોઈક પ્રકારે જોડાયેલો હતો.

વર્ષ 2019માં બિન્યામિન નેતન્યાહૂએ પોતાની સત્તાધારી લિકુડ પાર્ટીના સાથીઓને જણાવેલું કે, “જે કોઈ વ્યક્તિ પેલેસ્ટાઇનિયન રાષ્ટ્રની સ્થાપનાની કોશિશ નિષ્ફળ કરવા માગે છે તેમણે હમાસને પૈસા આપીને તેને વધુ તાકતવર બનાવવાનું રહેશે... આ અમારી વ્યૂહરચનાનો ભાગ છે, જેથી ગાઝાના પેલેસ્ટાઇનિયનને વેસ્ટ બૅન્ક પેલેસ્ટાઇનિયનોથી અલગ કરી શકાય.”

વૉશિંગટન ડીસીમાં મડિલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ થિંક ટૅન્કમાં પેલેસ્ટાઇનિયન અને પેલેસ્ટાઇનિયન ઇઝરાયલી મામલાના સિનિયર ફૅલો ખાલિદ અલગિંદી કહે છે કે વેસ્ટ બૅન્કમાં હમાસના વિરોધી ફતહના અસરદાર પ્રતિસ્પર્ધી તરીકે તેમની મજબૂતી જાળવી રાખવાથી એકીકૃત પેલેસ્ટાઇનિયન નેતૃત્વ ઊભરવાની સંભાવના રોકી શકાશે, જેમની સાથે તેમણે કોઈ પણ પ્રકારના અંતિમ સમાધાન માટે વાતચીત કરવાની રહેશે.

બેન્જામિન નેતન્યાહૂના સોગંદ

હાલમાં જ બેન્જામિન નેતન્યાહૂએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેઓ હમાસને તાકતવર બનાવવા માગતા હતા. નેતન્યાહૂએ કહ્યું હતું કે ગાઝામાં માનવી સંકટને રોકવા માટે જ કતારથી મળનારી રકમને ગાઝા મોકલવા દીધી હતી.

બેન્જામિન નેતન્યાહૂએ હમાસનો ખાતમો કરી દેવાના સોગંદ લીધા છે. તેઓ કહે છે ગાઝામાં આતંકવાદની મદદ કરતું કોઈ તત્ત્વ નહીં રહે.

પરંતુ ઇઝરાયલ દ્વારા ગાઝામાં ભયાનક તબાહી મચાવવા અને આટલી ભારે સંખ્યામાં પેલેસ્ટાઇનિયનોના મૃત્યુ નિપજાવવાની બની શકે કે ઊલટી જ અસર થાય.

ખાલિદ અલગિંદી કહે છે કે, “હમાસને કદાચ ઈરાન પૈસા અને હથિયારની મદદ આપવાનું ચાલુ રાખે. પરંતુ આના કરતાં પણ મોટી વાત તો એ છે કે જ્યાં સુધી હમાસ જેવાં સંગઠનો માટે હથિયાર મેળવવાના પ્રયત્ન કરવાની અને એ ક્ષમતા અને સંસાધન હાંસલ કરવાનું કારણ જળવાઈ રહેશે, ત્યાં સુધી તેઓ આવું કરતા જ રહેશે.”

ખાલિદ કહે છે કે, “કારણ કે આને વાજબી ઠેરવવાનું કારણ હજુ પણ જળવાયેલું છે.”

રેડ લાઇન
રેડ લાઇન