'આ કોની દીકરી છે?': ગાઝામાં યુદ્ધની ભયાનકતાના સાક્ષી શું કહે છે?

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
- લેેખક, એથર શલાબી
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
ચેતવણીઃ આ અહેવાલમાં ઈજાઓ અને મૃત્યુનું આઘાતજનક વર્ણન છે, કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
લગભગ બે વાગ્યાની આસપાસ સમાચાર આવ્યા હતા. પૅરામેડિક મહમૂદ અલ-મસરી અને તેમની ટીમ ગાઝા પટ્ટીની ઉત્તરે આવેલી અલ-અવદા હૉસ્પિટલમાં હતા તથા બીજા કોલની રાહ જોઈ રહ્યા હતા.
એ જ સમયે ડિસ્પેચરે જાહેરાત કરી હતી કે ઍમ્બ્યુલન્સ 5-15 ક્ષતિગ્રસ્ત થઈ છે. તે અલ-મસરીના પિતાની ટીમ હતી. તેઓ પણ પૅરામેડિક હતા.
શું બન્યું તે જોવા માટે મહમૂદ અને તેમના સાથીઓ દોડ્યા. ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું તો ઍમ્બ્યુલન્સ રસ્તાની બાજુ પર વળી ગયેલા ધાતુના સમૂહના સ્વરૂપમાં પડી હતી.
ડૉક્ટર કાટમાળ તરફ દોડ્યા હતા, પરંતુ અંદર બધું “સંપૂર્ણપણે બળી ગયેલું અને વેરવિખેર” જોવા મળ્યું હતું.
બીબીસી અરેબિક ડૉક્યુમેન્ટરીની ટીમ ગાઝા પટ્ટીમાં યુદ્ધના પ્રથમ મહિના દરમિયાન પૅરામેડિક્સની ટીમને અનુસરતી હતી. મહમૂદ અલ-મસરીના પિતા યોસરી તથા બે અન્ય પ્રોફેશનલ્શ માર્યા ગયા ત્યારે એ ટીમે મહમૂદની પ્રતિક્રિયા રેકૉર્ડ કરી હતી.
તેમણે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું, “તમારો ચહેરો ઓળખાતો નથી.”

'મેં તેમના શરીરના ટુકડા જોયા'

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
આ ઘટના યુદ્ધના પાંચમા દિવસે, 11 ઑક્ટોબરે બની હતી. યોસરી અલ-મસરીનું નિર્જીવ શરીર સફેદ વસ્ત્રમાં લપેટાયેલું હતું. તેની સાથે લોહીના ડાઘવાળો હેલમેટ પણ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંતિમ સંસ્કાર વખતે મહમૂદ પિતાના મૃતદેહની બાજુમાં ઘૂંટણિયે પડ્યા હતા. આંસુ લૂછ્યાં અને માથું હલાવ્યું હતું. તેમના સાથીદારો તેમને સધિયારો આપવા આવ્યા હતા.
તેમની સ્ટોરીઝનું ગાઝાના પત્રકાર ફેરાસ અલ અજરામીએ ‘ગાઝા 101: ઇમરજન્સી રેસ્ક્યુ’ નામની દસ્તાવેજી ફિલ્મ માટે ફિલ્માંકન કર્યું હતું.
મહમૂદ અલ-મસરી 29 વર્ષના છે અને ત્રણ બાળકોના પિતા છે.
પિતાના મૃત્યુ પછી તેમણે બે સપ્તાહની રજા લીધી હતી, પરંતુ તેમના કહેવા મુજબ, સખત રીતે ગમગીન હોવા છતાં તેઓ કામ પર પાછા ફરવા ઇચ્છતા હતા.
તેઓ કહે છે, “મારી અંતરની ઇચ્છા પેલેસ્ટાઈનના લોકોની સેવા કરવાની છે.”
તેમણે તેમના સેલફોનમાં વૉલપેપર તરીકે પિતાનો ફોટોગ્રાફ મૂક્યો છે, “જેથી હું તેમને રાત-દિવસ જોઈ શકું.”
પિતા-પુત્ર છેલ્લી વખત યોસરીના મૃત્યુના બે કલાક પહેલાં થઈ હતી. યોસરીએ પુત્ર મહમૂદને કૉફી બનાવવા કહ્યું હતું. એ કૉફી તેમણે મધ્યાહ્ન પ્રાર્થના પહેલાં પીધી હતી. એ પછી યોસરીની ઍમ્બ્યુલન્સને મદદ માટે કોલ મળ્યો હતો અને તેઓ રવાના થયા હતા.
મહમૂદ બે દિવસ પહેલાં જ ઘાયલ થયા હતા. તેમની ગરદન અને પીઠમાં બંદૂકની ગોળીના છરા લાગ્યા હતા. તેમને સ્ટ્રેચરમાં હૉસ્પિટલે લઈ જવાયા હતા.
એ વખતે યોસરી તેમના પુત્રની બાજુમાં જ હતા. રડતા હતા. મહમૂદ કહે છે, “તેઓ બહુ ચિંતિત હતા.”
એ પછીના સપ્તાહોમાં મહમૂદે તેમના પિતા વિશે વિચાર્યું ત્યારે ભાંગેલા વાહનની બાજુમાં વિતાવેલી ક્ષણોને યાદ કરીને તેઓ વ્યથિત થઈ ગયા હતા.
મહમૂદ કહે છે, “હું એકલો બેસું છું ત્યારે એ ફરી એ ક્ષણમાં સરી પડું છું. હું ઍમ્બ્યુલન્સ તરફ દોડતો હતો. હું મારા પિતા તરફ દોડતો હતો. મેં તેમના શરીરના ટુકડા જોયા ત્યારે મને આઘાત લાગ્યો હતો. હું લગભગ મરી જવા જેવો થઈ ગયો હતો.”
મહમૂદ સાત વર્ષથી પૅરામેડિક તરીકે કામ કરે છે. ઘટના બની ત્યારે તેઓ પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટી (પીઆરસીએસ)ની ટીમના ભાગ રૂપે ઉત્તર ગાઝામાં જબાલિયા ખાતે હતા.

'એ કોની દીકરી છે'

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
હમાસે ગત સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો એ પછીના પ્રથમ મહિના દરમિયાન બીબીસી ડૉક્યુમેન્ટરીની ટીમ એ યુનિટની ઍમ્બ્યુલન્સ ટીમોને અનુસરતી હતી.
સાતમી ઑક્ટોબરના હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેની સામે ઇઝરાયલે આકરી લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધના પ્રથમ મહિનામાં ગાઝા સ્ટ્રીપમાં 10,000થી વધુ રહેવાસીઓ માર્યા ગતા હતા. એ પછી મૃતકોની સંખ્યા વધીને 28,000થી વધુની થઈ છે.
પૅરામેડિક્સનું નજીકથી ફિલ્માંકન કરવાથી સમજાય છે કે બાળકોના મૃતદેહો એકત્ર કરતાં ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તેમનું અંગત અને વ્યાવસાયિક જીવન એકમેકમાં કેવી રીતે ભળી જાય છે.
ખાસ કરીને બાળકોના મૃતદેહો સાથે કામ પાર પાડવાનું હોય ત્યારે તેમણે કેવા આઘાતનો સામનો કરવો પડે છે, તે આ ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યું હતું.
યુદ્ધના શરૂઆતના એ દિવસોમાં એક અન્ય પૅરામેડિક રામી ખામીસ ઍમ્બ્યુલન્સ ચલાવતા હતા ત્યારે ચોધાર રડતા હતા.
તેમણે જણાવ્યું હતું કે એક મકાન તેના રહેવાસીઓ પર તૂટી પડ્યું ત્યારે તેમને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. રહેવાસીઓમાં મુખ્યત્વે સ્ત્રીઓ અને બાળકો હતાં.
તેઓ રૂમમાં પ્રવેશ્યા કે તરત જ તેમને ત્રણ મૃત છોકરીઓ મળી આવી અને તેમને તત્કાળ તેમની બે દીકરીઓ યાદ આવી હતી.
તેમણે કહ્યું, “હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો ન હતો. હું તરત રડી પડ્યો હતો.” રડતા ખામીસનો એ ફોટો વાઇરલ થયો હતો.
ઑક્ટોબરના અંતમાં તેમની ટીમના એક અન્ય સભ્ય અલ્લા અલ-હલાબીને એક સંબંધીનો ફોન આવ્યો હતો.
અલ્લા અલ-હલાબીના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં તેમના કાકાનું ઘર ઇઝરાયલના હુમલાનો ભોગ બન્યું હતું, પરંતુ મૃતકો પૈકીના કેટલાક હજુ પણ કાટમાળ હેઠળ દટાયેલા હતા.
તેમના પિતરાઈ ભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને હૉસ્પિટલે લઈ જવાની રાહ જોવાતી હતી.
તેઓ સાંકડી ગલીમાં પ્રવેશ્યા ત્યારે લોકો તૂટી પડેલા કૉંક્રિટના ઢગલાને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પછી એક સંબંધીએ તેમને કહ્યું હતું, “ત્યાં એક છોકરીનું અડધું કે આખું શરીર પડ્યું છે.”
તેમણે ગભરાઈને તરત પૂછ્યું, “એ કોની દીકરી છે?”
એક માણસે જવાબ આપ્યો, “મોહમ્મદની.”
તેઓ અટક્યા, ઊંડો શ્વાસ લીધો. તેમનો ચહેરો મેડિકલ માસ્કથી આંશિક રીતે ઢંકાયેલો હતો. તેમણે કહ્યું, “છોકરીના શરીરના હિસ્સા ત્યાં પડ્યા છે. તેને પિતા પાસે મૂકો.”

જોખમમાં કામ કરતા કર્મચારીઓ અને સ્વયંસેવકો

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
અલ્લા એ જ દિવસે એક અન્ય ઘરમાં ગયા હતા, જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલાં પાંચ મૃત બાળકો હતાં. ટીમ સાથે સંકલન કરીને એ પૈકીના ત્રણને પ્લાસ્ટિકના બ્લેન્કેટમાં ઍમ્બ્યુલન્સ લઈ જવામાં આવ્યાં હતાં.
બાદમાં તેમણે કહ્યું હતું, “બાળકના શરીરના ભાગોને પકડો ત્યારે સૌપ્રથમ એ ધ્યાનમાં આવે છે કે તમે તમારા પોતાના સંતાનને પકડ્યું છે.”
“તે આપણને છોડીને જઈ રહ્યું છે...” એમ કહીને તેઓ સમજાવવાનું શરૂ કરે છે, પરંતુ વાક્ય પૂર્ણ કરી શકતા નથી, કારણ કે એક બીજી ઇમરજન્સીનો પ્રતિસાદ આપવા માટે તેમને બોલાવવામાં આવે છે.
યુદ્ધની શરૂઆતના એક સપ્તાહ પછી ઇઝરાયલે ઉત્તર ગાઝાના નાગરિકોને સલામતી માટે દક્ષિણ તરફ જવાનો આદેશ આપ્યો હતો. પરિણામે ટીમના મોટા ભાગના પરિવારોને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પૅરામેડિક્સ તો ત્યાં જ રહ્યા હતા.
તેઓ ખંડિત ટેલિફોન કોલ્સ અથવા પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ રેડિયો નેટવર્ક મારફત તેમની પત્નીઓ તથા બાળકો સાથે સંપર્કમાં રહેતા હતા.
રામી ખામિસ બે દાયકાથી પૅરામેડિક તરીકે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે ગાઝામાં નવી હિંસા ફાટી નીકળે છે ત્યારે તેમની દીકરીઓ તેમને વળગી પડે છે અને કામ પર ન જવા વિનવે છે.
અલ્લા અલ-હબાબી પણ કહે છે કે તેઓ કામ પર જવા રવાના થયા ત્યારે તેમનાં બાળકો રડ્યાં હતાં. વાહન ચલાવતી વખતે તેઓ સતત પ્રાર્થના કરતા હતા કે પરિવાર પાસે હેમખેમ પાછો પહોંચાડજો.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના કર્મચારીઓ અને સ્વયંસેવકો સતત જોખમોનો સામનો કરે છે.

અત્યાર સુધીમાં 14 પૅરામેડિક્સ માર્યા ગયા

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
એક અન્ય ઘટનામાં કેટલાક પૅરામેડિક્સ અલ-અવદા હૉસ્પિટલની બહાર તેમનાં વાહનોમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થતાં તેમણે આશરો લેવા દોટ મૂકવી પડી હતી.
કમસે કમ બે ઍમ્બ્યુલન્સને નુકસાન થયું હતું. એક પૅરામેડિકે કહ્યું હતું કે હૉસ્પિટલની બાજુમાં આવેલા એક મકાનને ઇઝરાયલી હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે એ સ્થળ પર નહીં, પરંતુ તેનાથી થોડા દૂર આવેલા એક લશ્કરી લક્ષ્યાંક પર હુમલો કર્યો હતો.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, સાતમી ઑક્ટોબરથી અત્યાર સુધીમાં તેના 14 પૅરામેડિક્સ માર્યા ગયા છે.
સંસ્થાના પ્રવક્તા નેબલ ફરસાખે કહ્યું હતું, “અમારી ટીમ પર દરેક મિશનમાં સતત જોખમ હોય છે.”
તેમણે ઉમેર્યું હતું, “અમારી ટીમ કામ કરતી હોય ત્યારે હુમલો કરવામાં આવે છે અને અમે જે પરિસ્થિતિમાં કામ કરીએ છીએ તે ભયાનક અને જોખમી છે.”
પીઆરસીએસ એક બિન-સરકારી માનવતાવાદી સંસ્થા છે, જે ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસ ઍન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ (આઈએફઆરસી)ની સભ્ય છે.
ઇઝરાયલના હમાસ પર હુમલા

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રેડ ક્રૉસ અને રેડ ક્રેસન્ટ પ્રતીકોને તબીબી તથા માનવતાવાદી કાર્યકરો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જીનીવા કરાર હેઠળ સુરક્ષિત છે.
ફરસાખ દાવો કરે છે કે સંસ્થાની ઍમ્બ્યુલન્સની ઉપર અને બાજુઓ પર પ્રતીક છે. તેમાં ઍમ્બ્યુલન્સ 5-15નો પણ સમાવેશ થાય છે. આ ઍમ્બ્યુલન્સમાં મહમૂદ અલ-મસરીના પિતાનું મૃત્યુ થયું હતું. પીઆરસીએસ માને છે કે ઇઝરાયલી દળો દ્વારા તેમના પર “સીધો હુમલો” કરવામાં આવ્યો હતો.
પ્રવક્તાએ કહ્યું હતું, “ઇઝરાયલ દ્વારા તમામ પ્રકારની ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેમણે પ્રતીકને જોયું ન હોય તેવું માનવાનું કારણ નથી.”
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (આઈડીએફ) જણાવ્યું હતું કે તેઓ “પીઆરસીએસના કર્મચારીઓ સહિતના મેડિકલ પ્રોફેશનલ્શ પર ઈરાદાપૂર્વક હુમલા કરતા નથી.”
5-15 ઍમ્બ્યુલન્સના કિસ્સામાં આઈડીએફે દાવો કર્યો હતો કે તેણે થોડા મીટર દૂર આવેલા લક્ષ્યાંક પર હુમલો કર્યો હતો અને ઍમ્બ્યુલન્સના લોકેશન પર હુમલો કરવામાં આવ્યો ન હતો. “એ ઉપરાંત હવાઈ હુમલામાં, આટલા મોટા પ્રમાણમાં જાનહાનિ થતી નથી,” એમ આઈડીએફે જણાવ્યું હતું.
ઇઝરાયલ કહે છે કે તેની કાર્યવાહીમાં હમાસના લડવૈયાઓ અને તેનાં સશસ્ત્ર દળોને નિશાન બનાવવામાં આવે છે. “નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તેની સાવચેતી રાખવામાં આવે છે.”
હમાસ નાગરિકોનો ઉપયોગ માનવઢાલ તરીકે કરતું હોવાનો અને તેના લોકો હૉસ્પિટલોમાં છુપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સૈન્યે ટનલ દર્શાવતો વીડિયો રજૂ કર્યો હતો. ઇઝરાયલના કહેવા મુજબ, એ ટનલ હૉસ્પિટલ નજીક અને નીચેથી મળી આવી હતી તથા હૉસ્પિટલોમાંથી શસ્ત્રો મળી આવ્યાં હતાં.
હમાસ તેના લડવૈયાઓ તથા શસ્ત્રોના પરિવહન માટે ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરતું હોવાનો આક્ષેપ પણ ઇઝરાયલી સશસ્ત્ર દળોએ કર્યો છે.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટે જણાવ્યું હતું કે સાતમી ઑક્ટોબરથી લડાઈ શરૂ થઈ ત્યાર પછીથી તેનાં 16 વાહનો નકામાં બની ગયાં છે અને ગાઝા સ્ટ્રીપમાં કુલ 59 ઍમ્બ્યુલન્સ સંપૂર્ણપણે નાશ પામી છે.

ઇમેજ સ્રોત, FERAS AL AJRAMI
ફરસાખે દાવો કર્યો હતો કે પીઆરસીએસના કામકાજમાં પેલેસ્ટાઈનના લડવૈયાઓ ક્યારેય દખલ કરી નથી. તેમણે કહ્યું હતું, “અમારું કામ તબીબી અને માનવતાવાદી સેવાઓ પ્રદાન કરવાનું છે.”
“અમારા સિદ્ધાંતો ઇન્ટરનેશનલ રેડ ક્રૉસ અને ઇન્ટરનેશનલ રેડ ક્રેસન્ટ જેવા જ છે. તે મુખ્યત્વે ઉદ્દેશ અને સ્વતંત્રતા છે. અમારા કામમાં કોઈ સંસ્થા કે પક્ષની દખલગીરી નથી.”
સંસ્થાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી દળોએ જબાલિયામાંના બેઝ પર હુમલો કર્યો એ પછી ડિસેમ્બરના અંતમાં પીઆરસીએસે ઉત્તર ગાઝા પટ્ટીમાંની તેની કામગીરીમાં ઘટાડો કર્યો છે.
ક્લિનિક પર અથવા તેની અંદર ગોળીબાર કર્યાનો ઇનકાર કરતાં આઈડીએફે જણાવ્યું હતું કે “અમે પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ ક્લિનિકમાં હમાસના અસંખ્ય આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા. એ પૈકીના કેટલાકે રેડ ક્રેસન્ટનો યુનિફૉર્મ અને કપડાં પહેર્યાં હતાં.”
આ આરોપ સંપૂર્ણપણે ખોટો હોવાનું ફરસાખ માને છે. તેમણે દાવો કર્યો હતો કે ક્લિનિકમાં ઍમ્બ્યુલન્સ ચાલકદળના સભ્યો, સ્વયંસેવકો અને વિસ્થાપિત પરિવારોના ઘાયલ લોકો જ હતા.
અલ્લા અલ-હલાબી, રામી ખામિસ તથા મહમૂદ અલ-મસરી ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં તેમણે પૅરામેડિક્સ તરીકે કામ ચાલુ રાખ્યું હતું, પરંતુ ખામિસ તાજેતરમાં ઉત્તરમાં પાછા ફર્યા હતા.
જાન્યુઆરીના અંતમાં ખાન યુનિસની આસપાસ ઘર્ષણ વધ્યું ત્યારે મહમૂદ તેમનાં પત્ની અને ત્રણ બાળકોને લઈને અલ-માવાસીના તંબુમાં રહેલા ચાલ્યા ગયા હતા.
મહમૂદનાં બાળકોમાં છ વર્ષના મોહમ્મદ, પાંચ વર્ષની લૈલા તથા ત્રણ વર્ષની લયાનનો સમાવેશ થાય છે. અલ-માવાસી દરિયાકાંઠાનો રણ વિસ્તાર છે. તેને ઇઝરાયલે અગાઉ સિક્યૉરિટી ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
પિતાના અવસાનને ચાર મહિના થયા છે ત્યારે મહમૂદ પુનરોચ્ચાર કરે છે કે બીમાર અને ઘાયલ લોકોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા યથાવત્ છે.
“એ મારા પિતાનો સંદેશો હતો અને મારે તે ચાલુ રાખવાનું છે.”














