You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રગ્રહણ 2025 : ગ્રહણ વખતે મંદિરોના દરવાજા કેમ બંધ કરી દેવાય છે?
ચંદ્રગ્રહણ વખતે અંબાજી, પાવાગઢ, આશાપુરા માતાનો મઢ, બહુચરાજી, ચોટીલા, દ્વારકા, ડાકોર, સોમનાથમાં આવેલાં જાણીતાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ તિરૂપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટને ટાંકતાં જણાવ્યું કે મંદિર શનિવાર બપોરે ત્રણ વાગ્યાથી સોમવારના વહેલી સવારે ત્રણ કલાક સુધી બંધ રહેશે. ટ્રસ્ટના કહેવા પ્રમાણે, આવું ચંદ્રગ્રહણને કારણે કરવામાં આવ્યું છે. ન કેવળ તિરૂપતિ બાલાજી મંદિર, પરંતુ ગુજરાતનાં પણ મોટા ભાગનાં મંદિરોમાં પણ આ પ્રકારની વિધિ પાળવામાં આવે છે, જ્યારે ભાવિકો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે તથા મંત્રજાપ કરવા માટે ભલામણ કરવામાં આવે છે.
કેટલાક લોકો ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન નથી લેતા તથા રાંધેલું ભોજન ફેંકી દે છે. જ્યારે અમુક લોકો આ ગાળા દરમિયાન ઘરની બહાર નથી નીકળતા.
આવું શા માટે થાય છે તથા આની પાછળશું તર્ક છે, તેના વિશે નિષ્ણાતોના અભિપ્રાય જાણો.
ગ્રહણ દરમિયાન મંદિર બંધ રાખવાના કારણ
હિંદુ ધર્મમાં માતાના ગર્ભને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ સૃષ્ટિનું એ કેન્દ્ર ગણાય છે. ત્યાં એક નવા જીવનનો જન્મ થાય છે. તેની સારસંભાળ રાખવી એ મનુષ્યનું કર્તવ્ય છે.
એ જ રીતે હિંદુઓ માટે મંદિર ભગવાનનું સ્થાન છે. ઇશ્વરને આ સંસારના સર્જનહાર માનવામાં આવે છે. એવી લાગણી પણ છે કે ભગવાનનું કેન્દ્ર એટલે મંદિર, જેને માતાના ગર્ભની જેમ સંરક્ષિત કરવું જોઈએ.
પંચાગના વિદ્વાન ડૉ. સી. વી. સુબ્રમણ્યમનું કહેવું છે કે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં અશુભ શક્તિઓ હોય છે. તેથી મંદિરો બંધ રાખવામાં આવે છે.
તેઓ કહે છે કે મંદિર બંધ હોવાનાં બીજાં પણ કારણો છે અને વૈદિક શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ મળી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવસ દરમિયાન સંધ્યા અને અગ્નિહોત્રની પૂજા કરવાની વાત કરે છે. કેટલાક પુજારીઓ મંદિરોમાં કામ કરે છે. ગ્રહણ દરમિયાન અગ્નિહોત્રની પૂજા ન કરી શકાય. તેથી ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે.
કેટલાંક આગમો અનુસાર, મંદિરમાં પણ અગ્નિહોત્ર કરી શકાય છે. પરંતુ આ અંગે વૈદિક સાહિત્યનો એક અલગ મત છે. તિરુપતિ જિલ્લામાં શ્રીકાલહસ્તી મંદિર ગ્રહણ દરમિયાન પણ ખુલ્લું રહે છે. આ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવે છે.
ડૉ. સનત પોપટ છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી પંચાગ સર્જન સાથે સંકળાયેલા છે. તેમના કહેવા પ્રમાણે , "હિંદુ શાસ્ત્રો તથા જ્યોતિષમાં જાતકના મનને ચંદ્રની સાથે જોડવામાં આવે છે. શરીરમાં 75 ટકા ભાગ પાણી હોય છે. ચંદ્ર દરિયાની ભરતી-ઓટને જેમ અસર કરે છે, એવી જ રીતે તે શરીરના પાણી ઉપર તે અસર કરે છે. પૂર્વજો માનતા કે ગ્રહણની તેની ઉપર નકારાત્મક અસર થાય છે."
"એટલે જ રસોડું, મંદિર, ખોરાક કે જ્યાં શુદ્ધતા જાળવવાની જરૂર હોય, ત્યાં ગ્રહણ પાળવામાં આવતું. ખોરાક ન રાંધવો, મંદિર બંધ રાખવું, ઘરની બહાર ન નીકળવું, વગેરે આ માન્યતાના કારણે જ પાળવામાં આવે છે."
ગ્રહણ સમયે ઉપવાસ અંગેની માન્યતા
નહેરુ તારામંડળ ખાતે વરિષ્ઠ એંજિનિયર ઓપી ગુપ્તાએ કહ્યું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભયભીત થવાની જરૂર નથી.
તેમણે કહ્યું, "ગ્રહણને કારણે આંખોને કોઈ નુકસાન નહીં થાય. તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ગાળા દરમિયાન ખાઈ-પી શકાય છે. ગ્રહણને કારણે અનાજ બગડી જાય છે, એવી વર્ષો જૂની માન્યતા છે, પરંતુ આવું કશું નથી થતું."
ઉલ્લેખનીય છે કે કેટલાક પરિવારો ગ્રહણ પહેલાં રાંધેલો ખોરાક ફેંકી દે છે. ઉપવાસ કરે છે તથા સમગ્ર વર્ષ માટે ભરેલાં અનાજમાં પવિત્ર ચીજવસ્તુઓ મૂકે છે, જેથી કરીને તેની ઉપર નકારાત્મક અસર ન થાય.
ફિઝિક્સના પ્રોફેસર ડૉ. મીના તલાટીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે. તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટેર્ક આપવામાં આવતા હોય છે.પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી."
ભોજન ન કરવા તથા બહાર ન નીકળવા પાછળનો તર્ક સમાજવતા ડૉ. મીના તલાટીએ જણાવ્યું હતું, "રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી. આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."
ચંદ્રગ્રહણ શા માટે થાય છે?
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે, કારણ કે તેની રોશની બહુ તેજ નથી હોતી, પરંતુ જો તમારી પાસે ટેલિસ્કૉપ હોય, તો તેનો ઉપયોગ કરવો જોઈએ, તે મનમોહક દૃશ્ય ઊભું કરે છે.
જોકે, વિજ્ઞાનીઓ સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાની ચેતવણી આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન