ચૈતર વસાવાને પોલીસે કેમ પકડ્યા અને તેમની સામે કયો ગુનો દાખલ કર્યો?

ચૈતર વસાવા, ડેડિયાપાડા, આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, વીસાવદર, આપ, અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી, નર્મદા, પોલીસ,ભાજપ
ઇમેજ કૅપ્શન, નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે ધરપકડ કરાઈ હતી.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે ધરપકડ કરાઈ છે અને હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે ચૈતર વસાવાને જામીન પણ આપ્યા નથી.

ચૈતર વસાવાના વકીલ સુરેશ જોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે તેઓ હવે ચૈતર વસાવાના જામીન લેવા માટે સેશન્સ કોર્ટમાં જશે. તેમનો આરોપ હતો કે પોલીસે કિન્નાખોરી રાખીને ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

ડેડિયાપાડાથી ધરપકડ કરી ચૈતર વસાવાને રાજપીપળા લઈ જવાયા હતા. ગઈકાલે રાત્રે તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશન પહોંચીને ઘેરાવ કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત અનુસાર, ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં ડેડિયાપાડા પ્રાંત કચેરીએ એટીવીટી (આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો)ની સંકલન સમિતિની બેઠક હતી. જેમાં ચૈતર વસાવા, ડેડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વગેરે લોકો હાજર હતા.

ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી તેમજ સંજય વસાવાને જણાવ્યું હતું કે 'મારા માણસોની એટીવીટીની સંકલન સમિતિમાં સભ્યપદે નિમણૂક કેમ કરવામાં આવી નથી અને મારી પાસે નામો કેમ મંગાવવામાં આવ્યા નથી?'

વીડિયો કૅપ્શન, આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડથી નર્મદા જિલ્લામાં માહોલ ગરમાયો, જાણો શું છે આખો મામલો?

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર આ મામલે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ફરિયાદી સંજય વસાવાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર, ચૈતર વસાવાએ ટેબલ પર રહેલો કાચનો ગ્લાસ તેમની તરફ ફેંક્યો હતો. એ વખતે પોલીસે આડો હાથ રાખતા સંજય વસાવાને માથાના ભાગે ઈજા થઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે તે પ્રમાણે ચૈતર વસાવાએ 'આજે તો તને મારી નાખીશ' તેમ કહીને ચૈતર વસાવાએ તૂટેલા ગ્લાસનો કાચ લઈને સંજય વસાવાને મારવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સંજયને 'જીવતો નહીં રહેવા દઉં' એવી ધમકી પણ આપી હતી.

ચૈતર વસાવાએ પણ સંજય વસાવાની વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટશનમાં કરી હતી.

જેમાં સંજય વસાવા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જે કમિટી હતી તેમાં અક્ષય જૈન સહિતના અન્ય છ સભ્યોનો સમાવેશ ધારાસભ્ય ચૈતર વસાવાને વિશ્વાસમાં લીધા વગર કર્યો હતો.

ચૈતર વસાવાએ આ કમિટીને રદ કરવાની માગ પણ કરી. સાથે તેમણે અનુરોધ કર્યો કે આ કમિટીના સભ્યો સર્વાનુમતે નક્કી કરવામાં આવે.

ચૈતર વસાવાએ ફરિયાદમાં અક્ષય જૈન સામે આરોપ લગાવ્યો કે તેઓ કોઈ ચૂંટાયેલી સંસ્થાઓમાં નથી તેથી તેમને આ કમિટીમાં લેવા ન જોઈએ.

ચૈતર વસાવાએ ફરિયાદમાં સંજય વસાવા પર આક્ષેપ કરતાં કહ્યું કે "સંજય વસાવાએ ઉગ્રતાથી કહ્યું હતું કે આ અમારા સભ્યો છે. અમે નક્કી કરેલા છે તેથી તેમને કમિટીમાં લેવા જ પડશે. અમારી સરકાર છે અને મિટિંગ તો થશે જ. તમારે જે કરવું હોય તે કરી લો. એમ કહીને મારી ફેંટ પકડી લીધી હતી અને કુર્તાનાં બટન તોડી નાખ્યાં હતાં. સંજય વસાવાએ અમારી સરકાર છે એવું કહીને જોઈ લેવાની ધમકી આપી હતી."

અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાની ધરપકડ મામલે શું કહ્યું?

ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, ઇસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ, ગુજરાત, ડેડિયાપાડા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK / GOPAL ITALIYA / ISUDAN GADHVI

ઇમેજ કૅપ્શન, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા

ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તેના સમર્થનમાં આગળ આવી છે. આપે ભાજપની સરકાર સામે આરોપની ઝડી લગાવી દીધી.

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે "વીસાવદરની પેટાચૂંટણીમાં ભાજપની હાર થયા પછી ભાજપ ડઘાઈ ગયો છે. તેમને એવું લાગતું હોય કે આ પ્રકારની ધરપકડથી આપ ડરી જશે તો એ તેમની સૌથી મોટી ભૂલ છે."

આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાની અટકાયતને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "ચૈતર વસાવાએ તાલુકા સંકલનની બેઠકમાં મનરેગા સહિત જે પણ ભ્રષ્ટાચારો થયા છે તેના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. તેથી ભાજપના કેટલાક કાર્યકર્તા અને નેતાઓએ તેમના પર હાથાપાઈ કરી હતી. ચૈતર વસાવા ભ્રષ્ટાચાર સામે સવાલ ન ઊઠાવે અને તેમની પોલ ન ખોલે તે માટે ભાજપના નેતાઓએ ચૈતર વસાવા પર હુમલો કર્યો હતો."

ગઈકાલે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી એ પછી લોકોનું ટોળું પોલીસ સ્ટેશને ઉમટી પડ્યું હતું.

નર્મદાના ડીવાયએસપી વીરલ ચંદને જણવ્યું હતું કે "ગઈકાલે ચૈતર વસાવાને જે પ્રકારે પકડવામાં આવ્યા હતા તેમાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે."

વીરલ ચંદને જણાવ્યું હતું કે, "કોઈએ ટોળું ભેગું કરવું નહીં. જો કાયદો અને વ્યવસ્થા બગડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

દેડીયાપાડાના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ ડી. આર. સંગાડાએ જણાવ્યું હતું કે પોલીસ કાયદાકીય તપાસ કરી રહી છે. એક જ સ્થળે ચાર કરતાં વધુ લોકોએ એકઠા ન થવાની તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની હાકલ કરી હતી.

ઈસુદાન ગઢવીએ પોલીસ સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે "ચૈતર વસાવા જ્યારે તેમના પર હલ્લાબોલ કરનારા ભાજપના નેતા અને કાર્યકરોની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પોલીસ તંત્ર અને ભાજપવાળા લોકશાહીની હત્યા કરતા હોય તેમ ચૂંટાયેલા ધારાસભ્યના હક છીનવી લે છે. તેમણે ચૈતરભાઈની ફરિયાદ તો ન લીધી પણ તેમની સામે ખોટો ગુનો નોંધી લીધો."

તેમણે સવાલો ઉઠાવ્યા કે "તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવે છે કે તેમણે લાફા માર્યા અને હાથાપાઈ કરી. પોલીસ ચૈતરભાઈને તેમના પરિવારના સભ્યો કે વકીલને પણ મળવા નથી દેતી. આ ક્યા પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કેમ કરી રહી છે?"

ચૈતર વસાવાએ મહિલાનું અપમાન કર્યાનો આરોપ

ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, ઇસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ, ગુજરાત, ડેડિયાપાડા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મનસુખ વસાવા અને ચૈતર વસાવા

ચૈતર વસાવા સામે જેમણે ફરિયાદ નોંધાવી છે એ સંજય વસાવાએ ગઈકાલે મીડિયાને જણાવ્યું હતું કે "ચૈતર વસાવાએ સાગબારાનાં તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબહેન વસાવા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. હું વચ્ચે પડ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે એક મહિલા સાથે ધારાસભ્યએ આ રીતે વાત ન કરવી જોઈએ. આટલું કહેતા તેઓ મારા પર ઉશ્કેરાઈ ગયા હતા અને મોબાઇલ પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી ઝપાઝપી થઈ હતી અને એ પછી તેમણે કાચના ગ્લાસથી મારા પર હુમલો કર્યો હતો."

વીસાવદરના આપના હાલમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે "2022માં એક સામાન્ય આદિવાસી યુવાન ચૈતર વસાવા જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા તે ભાજપને ખૂંચી રહ્યું હતું."

તેમણે એ પણ આરોપ લગાવ્યો કે "ચૈતર વસાવા જ્યારથી જીત્યા ત્યારથી ભાજપને પેટમાં દુ:ખે છે. હજુ એ પેટનો દુ:ખાવો મટ્યો નહીં ત્યાં વીસાવદરથી ગોપાલ ઇટાલીયા જીતી ગયા. તેથી તેમની બળતરામાં વધારો થયો. એટલે પોલીસનો દુરુપયોગ કરીને ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને ફસાવવાનાં કાવતરાં શરૂ થયાં છે."

ભાજપે ગોપાલ ઇટાલિયાના આરોપોને ફગાવી દીધા છે.

ભાજપના નેતા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે લગાવેલા આક્ષેપોનું ખંડન કરતાં કહ્યું હતું કે "એટીવીટીની બેઠકમાં ધારાસભ્ય, તાલુકા પચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસતંત્રના અધિકારી પણ ત્યાં હતા અને શરૂઆતમાં જ ઘટના બની હતી."

તેમણે જણાવ્યું કે "આ ઘટના કોઈ ભાજપ પ્રેરિત નહોતી. આ સરકારી વહીવટીતંત્રની બેઠક હતી. ચૈતર વાસાવાએ કહ્યું હતું કે મારે બેઠક નથી થવા દેવી. જેનો વિરોધ થયો હતો. એક વાત સ્પષ્ટ છે કે તેમણે સંજય વસાવા પર હુમલો કર્યો હતો. સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી અને એ અનુસાર પોલીસ કાર્યવાહી કરી હતી."

મનસુખ વસાવાએ એમ પણ કહ્યું હતું કે, "પોલીસ પર દબાણ કરવા માટે તાલુકામાંથી અને જિલ્લામાંથી ફોન કરી કરીને કાર્યકર્તાઓને ભેગા કરવામાં આવ્યા હતા. પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ ગેરવ્યાજબી છે."

ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ગજગ્રાહ છે અને બંને વચ્ચે અગાઉ પણ જાહેરમાં પણ બોલાચાલી થઈ હતી.

ગોપાલ ઇટાલીયા વકીલ પણ છે. વકીલ તરીકે તેઓ આજે ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લા પોલીસે પોઇચા ગામ પાસે તમને રોક્યા હતા એવા આરોપ સાથે આ પ્રકારનો વીડિયો પણ આમ આદમી પાર્ટીએ સાર્વજનિક કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન