દીપિકા કક્કડને થયું છે લીવરનું કૅન્સર, જાણો આ બીમારીનાં લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય

ઇમેજ સ્રોત, Getty Images
વિખ્યાત ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ આજકાલ તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. તેમને સ્ટેજ 2 મેલિગ્નન્ટ લીવર ટ્યૂમર એટલે કે લીવરનું કૅન્સર થયું છે. દીપિકાના પતિ શોએબ ઇબ્રાહિમે આ માહિતી આપી છે.
દીપિકાએ તેમના પ્રશંસકોને પોતાના સ્વાસ્થ્ય સંબંધી અપડેટ ઇન્સ્ટાગ્રામ મારફત આપી હતી. પોતે જે મુશ્કેલીભર્યાં સપ્તાહો પસાર કર્યાં એ બાબતે દીપિકાએ તેમના પ્રશંસકોને જણાવ્યું હતું.
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "તમે બધાં જાણો છો તેમ પાછલાં કેટલાંક સપ્તાહ અમારા માટે બહુ મુશ્કેલ રહ્યાં છે. પેટના ઉપરના ભાગમાં સખત પીડા સાથે હૉસ્પિટલે જવું, પછી લીવરમાં ટેનિસ બૉલના કદનું ટ્યૂમર હોવાની જાણકારી મળે અને એ પછી એવી ખબર પડે કે આ સેકન્ડ સ્ટેજનું કૅન્સર છે. આ અમારા બધા માટે સૌથી મુશ્કેલ સમય હતો."
"હું સંપૂર્ણ હિંમત અને હકારાત્મક વિચારસરણી સાથે આનો સામનો કરી રહી છું. ઇન્શાઅલ્લાહ, અમે આમાંથી બહાર આવી જઈશું. મારો પરિવાર મારી સાથે છે અને તમારા બધાંનો પ્રેમ તથા પ્રાર્થના મને શક્તિ આપી રહ્યાં છે. પ્રાર્થનામાં યાદ રાખજો."
દીપિકા કક્કડ ભારતીય ટેલિવિઝનનો વિખ્યાત ચહેરો છે. તેમને 'સસુરાલ સિમર કા' ધારાવાહિકથી ઓળખ મળી હતી. તેઓ 'પલટન' ફિલ્મમાં પણ જોવા મળ્યાં હતાં. એ સિવાય તેઓ બિગ બૉસ સીઝન-12નાં વિજેતા છે.
આવો જાણીએ કે લીવરનું કૅન્સર શું હોય છે, તેનાં લક્ષણો કયાં હોય છે અને તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.

શું છે લીવરનું કૅન્સર?
માનવ શરીરમાં લીવર સૌથી જટિલ અવયવો પૈકીનું એક છે, જે 500થી વધુ શારીરિક કાર્યો માટે જવાબદાર હોય છે. એ કાર્યોમાં ચરબી તથા પ્રોટીનનું પાચન, વિષાક્ત પદાર્થોને હટાવવા, પિત્તનો સ્રાવ કરવો અને લોહીને ગાઢ કરવાનો સમાવેશ થાય છે. આ લીવર તેનું કામ યોગ્ય રીતે કરતાં કૅન્સર અટકાવી શકે છે અને લિવરનાં કાર્યોમાં આડખીલી બની શકે છે.
પ્રાઇમરી લીવર કૅન્સરઃ આ એક ખતરનાક ગાંઠ છે, જે લીવરમાં થાય છે. ઑસ્ટ્રેલિયા કૅન્સર કાઉન્સિલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રાઇમરી લીવરના ઘણા પ્રકારો છે, જે નીચે મુજબ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેપેટોસેલ્યુલર કાર્સિનોમા (એચસીસી) અથવા હિપેટોમાઃ પ્રાઇમરી લીવર કૅન્સરનો આ સૌથી સામાન્ય પ્રકાર છે. તે લીવરના મુખ્ય કોષો, હિપેટોસાઇટ્સમાંથી શરૂ થાય છે.
કોલેન્જિયોકાર્સિનોમા અથવા પિત્તા નળીનું કૅન્સરઃ તે લીવરને આંતરડા તથા પિત્તાશય સાથે જોડતી પિત્ત નળીઓમાંના અસ્તરવાળા કોષોમાંથી શરૂ થાય છે.
ઍન્જિયોસારકોમાઃ આ પ્રકારનું પ્રાઇમરી લીવર કૅન્સર રક્તવાહિનીઓમાં થાય છે. તે એક દુર્લભ પ્રકારનું લીવર કૅન્સર છે, જે 70થી વધુ વર્ષની વયના લોકોમાં થવાની શક્યતા હોય છે.
સેન્કડરી લીવર કૅન્સરઃ આ કૅન્સર શરીરના બાજી ભાગમાંથી શરૂ થાય છે, પરંતુ બાદમાં લીવરમાં ફેલાય છે.
ઑસ્ટ્રેલિયા કૅન્સર કાઉન્સિલની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, 2024માં 3,208 લોકોને લીવર કૅન્સરનું નિદાન થયું હતું અને તેમની સરેરાશ વય 69 વર્ષ હતી.

લીવર કૅન્સરનાં લક્ષણ સામાન્ય રીતે અસ્પષ્ટ ગણવામાં આવે છે અને કૅન્સર ઍડવાન્સ સ્ટેજમાં ન પહોંચે ત્યાં સુધી દેખાતા નથી.
અમેરિકન નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત માહિતી અનુસાર, લીવરના કૅન્સરનાં લક્ષણો નીચે મુજબનાં હોઈ શકે છે.
- પાંસળીની નીચે જમણી બાજુઓ પર સખત ગાંઠ
- પેટના ઉપરના જમણા ભાગમાં પરેશાની
- પેટમાં સોજો
- જમણા ખભાની નજીક અથવા પાછળના ભાગમાં પીડા
- કમળો (ત્વચા અને આંખોના સફેદ હિસ્સામાં પીળાશ)
- આસાનીથી ઈજા થવી અને રક્તસ્રાવ
- અસામાન્ય થાક અથવા નબળાઈ
- ઊબકા અને ઊલટી
- ભૂખ ન લાગવી અથવા થોડું ખાધા પછી પણ પેટ ભરાઈ ગયાની અનુભૂતિ
- કારણ વિના વજનમાં ઘટાડો
- પીળો, રંગહીન મળ અને ઘાટો પેશાબ
- તાવ આવવો

કૅન્સર કાઉન્સિલની વેબસાઇટ પરની માહિતી મુજબ, લાંબા ગાળાના ચેપના કારક બનતા હિપેટાઇટિસ બી અથવા સી વાયરસ લીવરના કૅન્સરનું કારણ બની શકે છે.
લીવરના કૅન્સરનું જોખમ વધારતાં પરિબળોમાં નીચે મુજબનાં કારણોનો સમાવેશ થાય છે.
- ફેટી લીવર અથવા આનુવાંશિક વિકાર, જેમાં હિમોક્રોમેટોસિસ અથવા આલ્ફા-1 એન્ટિટ્રાયપ્સિનની ઊણપનો સમાવેશ થાય છે.
- ટાઇપ-ટુ ડાયાબિટીસ
- હિપેટાઇટિસ બી અથવા સી
- દારૂનું સેવન
- સ્થૂળતા
- ધૂમ્રપાન
- ચોક્કસ રસાયણોનો સંપર્ક

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅન્સરને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ કૅન્સરને અટકાવતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કૅન્સર થવાનું જોખમ વધારતી કોઈપણ વસ્તુને જોખમી પરિબળ કહેવામાં આવે છે. એવા જોખમને ઘટાડતી કોઈ પણ બાબતને કૅન્સર સામે રક્ષણાત્મક પરિબળ કહેવામાં આવે છે.
કૅન્સર થતું અટકાવવા માટે જોખમી પરિબળોને ટાળવાં અને રક્ષણાત્મક પરિબળોમાં વધારો કરવો મહત્ત્વપૂર્ણ છે.
લીવરના કૅન્સરથી બચવા માટે નીચે મુજબનાં પગલાં લેવાં જોઈએ.
હિપેટાઇટિસ બી વિરોધી રસી લેવીઃ નવજાત શિશુઓને આ વૅક્સિન અપાવવાથી લીવરના કૅન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળતી હોવાનું જોવા મળ્યું છે. અલબત, પુખ્ત વયના લોકોમાં આવા રસીકરણથી લીવરના કૅન્સરનું જોખમ ઘટે છે કે કેમ તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
ક્રૉનિક હિપેટાઇટિસ બી સંક્રમણનો ઇલાજ કરવોઃ ક્રૉનિક હિપેટાઇટિસ બીથી ગ્રસ્ત લોકો માટેના વિકલ્પોમાં ઇન્ટરફેરોન અને ન્યુક્લિયોસ (ટી) આઈટી ઍનાલૉગ થેરપીનો સમાવેશ થાય છે. આ ઉપચારથી લીવરનું કૅન્સર થવાનું જોખમ ઘટી શકે છે.
ઍફ્લાટૉક્સિન બી-1માં ઘટાડો કરવોઃ ઍફ્લાટૉક્સિન બી-1 વધુ પ્રમાણમાં ધરાવતા ખોરાકને બદલે ઍફ્લાટૉક્સિન બી-1 ઓછા પ્રમાણમાં ધરાવતો આહાર લેવાથી કૅન્સરનું જોખમ ઘટી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પરની માહિતી અનુસાર, લીવરના કૅન્સરના દર્દીઓ માટે ઘણી સારવાર ઉપલબ્ધ છે. કેટલીક સારવાર પ્રમાણિત છે અને હાલ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કેટલીક સારવારની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
- મૉનિટરિંગ
સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળતા એક સેન્ટિમીટરથી નાના જખમનું મૉનિટરિંગ કરવામાં આવે છે. દર ત્રણ મહિને ફૉલો-અપ જરૂરી છે. આ સમય દરમિયાન કોઈ સારવાર આપવામાં આવતી નથી, પરંતુ એ જોવામાં આવે છે કે સ્થિતિમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એટલે કે સ્થિતિ પહેલાં કરતાં વધુ ખરાબ થઈ છે કે નહીં. સ્થિતિ સુધરે પછી જ સારવાર શરૂ કરવામાં આવે છે.
- સર્જરી
લીવરના જે ભાગમાં કૅન્સર જોવા મળ્યું હોય તેને આંશિક સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે, કારણ કે લીવર આપણા શરીરનું એક એવું અંગ છે, જે પૂર્વવત થઈ શકે છે. તે ફરીથી વિકસિત થઈ શકે છે અને પોતાનું કામ ચાલુ રાખી શકે છે.
- લીવર ટ્રાન્સપ્લાન્ટ
લીવર ટ્રાન્સપ્લાન્ટમાં આખું લીવર કાઢી નાખવામાં આવે છે અને પછી દાન દ્વારા મળેલા સ્વસ્થ લીવરને શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. કૅન્સર ફક્ત લીવરમાં જ ફેલાયું હોય અને અન્ય અંગો સુધી ન પહોંચ્યું હોય ત્યારે જ આ પ્રક્રિયા કરી શકાય છે. વળી, બીજી વ્યક્તિ પાસેથી લીવર મેળવવાનું આસાન હોતું નથી.
- એબ્લેશન થેરપી
એલ્બેશન થેરપી કૅન્સરગ્રસ્ત હિસ્સાને દૂર કરે છે અથવા તેનો નાશ કરે છે. લીવરના કૅન્સર માટે વિવિધ પ્રકારની એબ્લેશન થેરપીનો ઉપયોગ કરવામાં આવે છે.
- ઍમ્બોલાઇઝેશન થેરપી
ટ્યૂમર માટે સર્જરી અથવા એબ્લેશન થેરપી કરાવી શકે તેમ ન હોય તેવા અને જેમનું ટ્યૂમર લીવરની બહાર ફેલાઈ ગયું હોય એવા લોકો માટે જ ઍમ્બોલાઇઝેશન થેરપીનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ટ્યૂમરમાં લોહીનો પ્રવાહ રોકવાનો અથવા ઘટાડવાનો સમાવેશ થાય છે. ટ્યૂમરને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન અને પોષક તત્ત્વો ન મળે ત્યારે તેની વૃદ્ધિની ક્ષમતા ઓછી થઈ જાય છે.
- ટાર્ગેટેડ થેરપી
આ લક્ષિત ઉપચાર એક એવા પ્રકારની સારવાર છે, જેમાં ચોક્કસ કૅન્સર કોષોને ઓળખવા તથા તેના પર આક્રમણ કરવા માટે દવાઓ તથા અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
- ઇમ્યુનોથેરપી
આ ઉપચારમાં કૅન્સર સામે લડવા માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. શરીરમાં બનતા અથવા પ્રયોગશાળાઓમાં બનાવવામાં આવેલા પદાર્થોના ઉપયોગ વડે શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત કરવામાં આવે છે.
- રેડિયેશન થેરપી
આ ઉપચારમાં શરીરના કૅન્સરગ્રસ્ત ભાગમાં હાઈ ઍનર્જીયુક્ત ઍક્સ-રે અથવા બીજા પ્રકારના રેડિયેશન મોકલવામાં આવે છે. આ પ્રક્રિયાનું અનેક વખત પુનરાવર્તન કરવામાં આવે છે.
અલબત, લીવરનું કૅન્સર કેટલી હદે સાધ્ય છે તેનો આધાર મોટા ભાગે કૅન્સરના તબક્કા અને તે કેટલી હદ સુધી ફેલાયું છે તેના પર હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















