ઇઝરાયલ સાથે લડાઈ પૂરી થતા જ ઈરાનમાં મોતની સજા અને ધરપકડનો દૌર શરૂ

ઇઝરાયલ, ઈરાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઈરાની અર્ધલશ્કરી દળના એક સૈનિકના જનાજામાં ભીડ એકઠી થઈ હતી
    • લેેખક, બીબીસી ફારસી

ઇઝરાયલ સાથેના તાજેતરના સંઘર્ષ બાદ ઈરાનમાં ધરપકડ અને મૃત્યુદંડની સજાનો દૌર શરૂ થયો છે.

ઈરાની અધિકારીઓએ ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધ હોવા અંગે ઘણા શંકાસ્પદ લોકોની ધરપકડ કરીને તેમને ફાંસી આપી છે.

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયલી એજન્ટોએ ઈરાની ગુપ્તચર સેવાઓમાં ઘૂસણખોરી કરી છે.

આ અધિકારીઓને શંકા છે કે જે રીતે ઈરાનના ઉચ્ચ પ્રોફાઇલ નેતાઓની હત્યા કરવામાં આવી તેની પાછળ ગુપ્તચર એજન્ટોએ ઇઝરાયલ માટે જાસૂસી કરી હતી.

તાજેતરના સંઘર્ષમાં ઇઝરાયલે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ઘણા વરિષ્ઠ કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી હતી.

ઈરાન આ હત્યાઓ માટે દેશમાં કામ કરતી ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદના એજન્ટોને જવાબદાર માને છે.

ઈરાની નેતાઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો પર ઇઝરાયલે જે સટિકતાથી હુમલો કર્યો છે એનાથી ઈરાની અધિકારીઓ ચોંકી ઊઠ્યા છે.

જાસૂસી માટે ફાંસી આપવામાં આવી રહી છે

ઇઝરાયલ, ઇરાન, આયાતુલ્લાહ ખામેની,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ બાદ ઈરાનમાં લહેરાતા સુપ્રીમ લીડર અલી ખામેનેઈનાં બૅનર

હવે અધિકારીઓ દેશની સુરક્ષા માટે ખતરો ગણાવીને વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે કામ કરવાના શંકાસ્પદ દરેક વ્યક્તિને નિશાન બનાવી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ ઘણા લોકોને ડર છે કે આ બધું અસહમતીના સૂરને દબાવવા અને લોકોને નિયંત્રણમાં રાખવા માટે કરાઈ રહ્યું છે.

12 દિવસના સંઘર્ષ દરમિયાન, ઈરાની અધિકારીઓએ ઇઝરાયલ માટે જાસૂસીના આરોપમાં ત્રણ લોકોને ફાંસી આપી હતી.

યુદ્ધવિરામના એક દિવસ પછી બુધવારે, જાસૂસીના જ આરોપોમાં વધુ ત્રણ લોકોને ફાંસી આપવામાં આવી.

ત્યારથી અધિકારીઓએ જાસૂસીના આરોપસર દેશભરમાં સેંકડો શંકાસ્પદોની ધરપકડની જાહેરાત કરી છે.

રાજ્ય ટેલિવિઝન પર અટકાયત કરાયેલા લોકોના કથિત કબૂલાતનું પ્રસારણ પણ કરવામાં આવ્યું છે.

માનવાધિકાર જૂથો અને કાર્યકરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે ઈરાનમાં બળજબરીથી કબૂલાત મેળવવાની અને અન્યાયી ટ્રાયલ ચલાવવાની પરંપરા છે. ભવિષ્યમાં વધુ ફાંસીની સજા થઈ શકે છે તેવો ભય છે.

ઈરાનના ગુપ્તચર મંત્રાલયે કહ્યું છે કે તે સીઆઈએ, મોસાદ અને એમઆઈ6 જેવી "પશ્ચિમી અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ" સામે અવિરત લડાઈ લડી રહ્યું છે.

IRGC-સંલગ્ન ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે 13 જૂને ઇઝરાયલે તેના હુમલા શરૂ કર્યા પછી "ઇઝરાયલી જાસૂસી નેટવર્ક દેશની અંદર અત્યંત સક્રિય થઈ ગયું છે."

ફાર્સે અહેવાલ આપ્યો છે કે 12 દિવસ દરમિયાન ઈરાની ગુપ્તચર અને સુરક્ષા દળોએ "આ નેટવર્ક સાથે જોડાયેલા 700થી વધુ લોકોની ધરપકડ કરી છે."

ઈરાનીઓએ બીબીસી પર્સિયનને જણાવ્યું હતું કે તેમને ઈરાનના ગુપ્તચર મંત્રાલય તરફથી ચેતવણીના ટેક્સ્ટ સંદેશા મળ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના ફોન નંબર ઇઝરાયલ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા પેજ પર જોવાં મળ્યાં હતાં.

તેમને આ પેજ પરથી દૂર થવા કહેવામાં આવ્યું છે અને જો તેઓ આમ નહીં કરે, તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

પત્રકારો અને તેમના પરિવારો પર કડક કાર્યવાહી

ઇઝરાયલ, ઈરાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ દ્વારા માર્યા ગયેલા લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોનાં ઈરાનમાં બૅનરો લાગ્યાં હતાં

ઈરાની સરકારે વિદેશમાં ફારસી ભાષાના મીડિયા સંગઠનો માટે કામ કરતા પત્રકારો પર પણ દબાણ વધાર્યું છે, જેમાં બીબીસી ફારસી, લંડનસ્થિત ઈરાન ઇન્ટરનૅશનલ અને માનોટો ટીવીનો સમાવેશ થાય છે.

ઈરાન ઇન્ટરનૅશનલના જણાવ્યા અનુસાર, IRGCએ તેના એક ટીવી પ્રેઝન્ટરનાં માતાપિતા અને ભાઈની ધરપકડ કરી છે.

જેથી પ્રસ્તુતકર્તા ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ પર રિપોર્ટિંગ કરવાનું છોડી દે. પ્રસ્તુતકર્તાને તેના પિતાનો ફોન આવ્યો (સુરક્ષા એજન્ટોના કહેવા પર કરવામાં આવ્યો હતો), જેમાં તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવ્યું હતું કે આમ ન કરવાથી ખરાબ પરિણામો આવી શકે છે.

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષની શરૂઆતથી બીબીસી ફારસીના પત્રકારો અને તેમના પરિવારો માટે જોખમો વધુ ગંભીર બન્યાં છે.

આ ધમકીઓથી પ્રભાવિત પત્રકારોએ કહ્યું છે કે ઈરાની સુરક્ષા અધિકારીઓએ તેમના પરિવારોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે યુદ્ધની સ્થિતિમાં તેઓ પરિવારના સભ્યોને બંધક બનાવવાને વાજબી ઠેરવી શકે છે.

તેમણે પત્રકારોને મોહરીબ કહ્યા. મોહરીબ એ અલ્લાહ સામે યુદ્ધ કરનારાઓને આપવામાં આવેલું નામ છે. ઈરાની કાયદા મુજબ, જો આ આરોપ સાબિત થાય છે, તો સજા મૃત્યુદંડ હોઈ શકે છે.

માનોટો ટીવીએ પણ આવા જ કિસ્સાઓ નોંધ્યા છે જેમાં કર્મચારીઓના પરિવારોને ધમકી આપવામાં આવી છે અને ચૅનલો સાથેના સંબંધો તોડી નાખવાનું કહેવામાં આવ્યું છે.

કેટલાકના સંબંધીઓને કહેવામાં આવ્યું છે કે તેમને "જાસૂસીના આરોપો"નો સામનો કરવો પડી શકે છે.

આ બંને આરોપો ઈરાની કાયદા હેઠળ મૃત્યુદંડ તરફ દોરી શકે છે.

અસહમતીને દબાવવાના પ્રયાસો

ઈરાન, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન પર ઈઝરાયલ માટે જાસૂસી કરવાના શંકાસ્પદ લોકોને ફાંસી આપવાનો આરોપ છે

વિશ્લેષકો માને છે કે આવી પ્રયુક્તિઓ અસહમતિ વ્યક્ત કરનારા અવાજોને દબાવવા અને દેશનિકાલ કરાયેલા મીડિયા કર્મચારીઓને ડરાવવાની એક મોટી યોજનાનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે ઈરાની સુરક્ષા દળોએ ડઝનબંધ કાર્યકરો, લેખકો અને કલાકારોની પણ ધરપકડ કરી છે. ઘણાની તો કોઈ પણ આરોપ વિના ધરપકડ કરવામાં આવી છે.

એવા પણ અહેવાલો છે કે 2022માં "મહિલા, જીવન અને સ્વતંત્રતા" નામના વિરોધપ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના સંબંધીઓને પણ નિશાન બનાવાઈ રહ્યા છે.

યુદ્ધ દરમિયાન, ઈરાની સરકારે ઇન્ટરનેટના ઍક્સેસ પર ખૂબ જ કડક નિયંત્રણો લાદ્યાં હતાં. યુદ્ધવિરામ પછી પણ તે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયું નથી.

કટોકટીના સમયમાં, ખાસ કરીને દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધપ્રદર્શનો દરમિયાન ઈરાનમાં ઇન્ટરનેટ ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવો એ એક સામાન્ય પ્રથા બની ગઈ છે.

આ ઉપરાંત, મોટા ભાગના સોશિયલ મીડિયા નેટવર્ક, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ઍક્સ અને યૂટ્યૂબ તેમજ બીબીસી પર્શિયન જેવી ન્યૂઝ વેબસાઇટ્સ ઈરાનમાં પહેલાંથી જ બ્લૉક છે.

તેમને ફક્ત વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) પ્રૉક્સી સેવા દ્વારા જ જોઈ શકાય છે.

માનવાધિકાર કાર્યકરો અને રાજકીય નિરીક્ષકોએ કહ્યું છે કે તાજેતરની ઘટનાઓ 1980ના દાયકાની યાદ અપાવે છે, જ્યારે ઈરાની અધિકારીઓએ ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન રાજકીય વિરોધને નિર્દયતાથી કચડી નાખ્યો હતો.

ઘણા લોકોને ડર છે કે ઇઝરાયલ સાથેના સંઘર્ષ બાદ ઈરાનની આંતરરાષ્ટ્રીય સ્થિતિ નબળી પડી ગઈ છે, જેના કારણે ઈરાની સત્તાવાળાઓ ફરી એક વાર દમનકારી નીતિઓ અપનાવી રહ્યા છે.

આમાં સામૂહિક ધરપકડ, ફાંસી અને કઠોર દમન જેવાં પગલાં સામેલ હોઈ શકે છે.

ટીકાકારો 1988ની ઘટનાઓ તરફ ઈશારો કરે છે, જ્યારે માનવ અધિકાર જૂથો અનુસાર, હજારો રાજકીય કેદીઓને (જેમાંથી ઘણા પહેલાંથી જ સજા ભોગવી રહ્યા હતા) કહેવાતા "ડેથ કમિશન" દ્વારા ટૂંકી અને ગુપ્ત ટ્રાયલ પછી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

મોટા ભાગના પીડિતોને નિશાન વગરની સામૂહિક કબરોમાં દફનાવાયા હતા.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન