બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું 'આપ'ના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું, પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

ઇમેજ સ્રોત, Umesh Makwana/fb
વીસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજયને માત્ર ત્રણ દિવસ થયા છે, ત્યાં બોટાદમાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની નારાજગી દર્શાવી છે.
ઉમેશ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં આપના દંડકના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે જેમાં જણાવ્યું કે પાર્ટીમાં મારી સામાજિક સેવાઓ ઘટી જવાથી હું તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.
તેમણે એમ પણ લખ્યું છે કે પાર્ટીમાં કાર્યકર્તા તરીકે ચાલુ રહીશ. આ સમયે તેમણે પાર્ટી સામે કેટલાક આરોપ પણ મૂક્યા છે.
એક પત્રકારપરિષદ બોલાવીને ઉમેશ મકવાણાએ કહ્યું કે "રાજકારણમાં જાતિવાદની અસર વધતી જાય છે. 2020 અગાઉ હું ભાજપનો કાર્યકર હતો. પછી હું આપમાં જોડાયો અને 2022માં બોટાદનો ધારાસભ્ય બન્યો, પરંતુ પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે કંઈક ખૂટતું હતું."
છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે ઉમેશ મકવાણા "પાર્ટી છોડી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે." જોકે તેમણે આ તકે ભાજપમાં જોડાવવા અંગે પણ વાત કરી હતી.
ઉમેશ મકવાણાની રાજીનામા બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોશિયલ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિ માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે."
ઉમેશ મકવાણાએ રાજીનામું કેમ આપ્યું? ભાજપમાં જોડાવા અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Umesh Makwana/fb
તેમણે કહ્યું કે ભાજપ અને કૉંગ્રેસ પછાતવર્ગની ઉપેક્ષા કરે છે. આમ આદમી પાર્ટીમાં પણ મને લાગે છે કે પછાત સમાજની ઉપેક્ષા કરીને સવર્ણોને હોદ્દા અપાય છે. ઓબીસીનો માત્ર વોટબૅન્ક તરીકે ઉપયોગ થાય છે. જે હેતુઓ માટે હું આપમાં જોડાયો હતો તેમાં ક્ષતિ જણાય છે. આ કારણોથી વિધાનસભાના દંડક તરીકેના હોદ્દા પરથી અને રાષ્ટ્રીય જૉઇન્ટ સેક્રેટરીપદેથી રાજીનામું આપું છું.
ધારાસભ્યપદેથી રાજીનામું આપો છે કે નહીં તેવા સવાલના જવાબમાં કહ્યું કે બોટાદની જનતા અધવચ્ચેથી રઝળી જાય તેવું હું નહીં કરું. હું બોટાદની જનતાને પૂછીને નિર્ણય લઈશ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીસાવદર ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Umesh Makwana/fb
ઉમેશ મકવાણાએ કહ્યું કે "આપમાં જોડાયો ત્યારે મને હતું કે મારા સમાજનો મુદ્દો ઉઠાવીશ. કડીમાં પણ વિધાનસભાની ચૂંટણી હતી જ્યાં અમારા ઉમેદવારે 10 લાખની લોન લઈને એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. તેમની સાથે કોઈ ન હતું. તેઓ દલિત સમાજના છે."
"બીજી તરફ પાટીદાર સમાજના ગોપાલ ઇટાલિયા વીસાવદરમાં લડતા હતા ત્યારે આપની આખી પ્રદેશી ટીમ અને રાષ્ટ્રીય ટીમ ત્યાં કામે લાગી હતી. ત્યાં કરોડો રૂપિયા નાખી દીધા. કડીના ઉમેદવાર હારી ગયા હવે તેઓ લોનના 10 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવશે."
"કડીના ઉમેદવાર દલિત હતા તેથી તેને છોડી દીધા જ્યારે વીસાવદરમાં પાટીદાર નેતા હતા, સવર્ણ હતા તેથી પાર્ટીએ તાકાત લગાવીને તેને જીતાડી દીધા. આ ભેદભાવ નહીં ચાલે."
ઉમેશ મકવાણા કોણ છે?

ઇમેજ સ્રોત, Umesh Makwana/fb
ઉલ્લેખનીય છે કે ગત 2022ની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા હતા.
બાદમાં વીસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
જે બાદમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે, તેમણે ભાજપના કિરીટ પટેલને હરાવ્યા હતા.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદની બેઠક પર ભાજપે ઘનશ્યામ વિરાણી અને કૉંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી, પરંતુ આપના ઉમેશ મકવાણાનો વિજય થયો હતો.
ઘનશ્યામ વિરાણીને 77802 વોટ મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના મનહર પટેલને 19058 વોટ મળ્યા હતા. ઉમેશ મકવાણા 80581 મત મેળવીને વિજેતા બન્યા હતા.
આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા અને જામજોધપુરથી હેમંત ખવા ધારાસભ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












