ગુજરાતમાં વરસાદ પહેલાં અતિ ઝડપી પવન કેમ ફૂંકાયો અને કરા કેમ પડ્યા?

ગુજરાત હવામાન, વરસાદ, કરા, પવન

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હજુ વિધિવત્ ચોમાસાની શરૂઆત થઈ નથી, જોકે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

ગત સપ્તાહે પણ ગુજરાતમાં ભરઉનાળે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લગભગ 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો.

કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હોવાના સમાચાર મળ્યા. ધૂળની ડમરી ઊડ્યાની ઘટના પણ નોંધાઈ.

હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી.

ભાવનગર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી ભારે વરસાદ પડ્યો.

મોરબીમાં વરસાદ સાથે કરા પડ્યા અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા. અમરેલીના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.

અમરેલીમાં વીજળી પડવાને કારણે 29 બકરાનાં મોત થયાં જ્યારે સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે મહિલા અને એક પુરુષ એમ ત્રણનાં મોત થયાં. તો સાબરકાંઠામાં ભારે પવનને કારણે છાપરું તૂટી પડતાં એક મહિલાનું મોત થયું.

મે મહિનામાં સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ પડતો નથી, પરંતુ દેશમાં હાલ ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનવા પામી છે તથા પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે કેટલીક ટ્રફ રેખા સર્જાઈ છે, જેને કારણે હવામાનના જાણકારોના મત પ્રમાણે ગુજરાત સહિતના દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની કે ભારે પવન ફૂંકાવાની કે કરા પડવાની ઘટના બની છે.

હવે સવાલ થાય છે કે જો મે મહિનામાં સામાન્ય રીતે વરસાદ ન પડતો હોય તો આ વરસાદ કેમ પડ્યો? ગુજરાતમાં વરસાદ પહેલાં અતિ ઝડપી પવન કેમ ફૂંકાયો અને કરા કેમ પડ્યા?

આ સવાલોનો જવાબ મેળવવા અમે હવામાન વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી.

ગુજરાતમાં કેમ ભરઉનાળે પડી રહ્યો છે વરસાદ?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીના અધિકારી રામાશ્રય યાદવ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે, “14મી મેના રોજ મધ્ય પ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સર્જાઈ હતી, જેને કારણે સૌરાષ્ટ્રમાં ઠંડા ઝડપી પવનો ફૂંકાયા, જેની તીવ્રતા 40થી 50 કિમી પ્રતિ કલાકની આસપાસ હતી. ગુરુવારે પણ રાજસ્થાનમાં નૉર્થ-વેસ્ટ સાઇક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સર્જાઈ હતી, જેને કારણે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો.”

તેઓ કહે છે કે વિવિધ સર્ક્યૂલેશન સિસ્ટમને કારણે હવાનું રૂપાંતરણ કે પરિવર્તન ઝડપી થાય છે. જ્યાં ગરમી વધારે હોય ત્યાં ગરમ હવા ઉપર ઊઠે છે અને વાદળ બનવાની પ્રક્રિયા બને છે.”

તેમના મત પ્રમાણે આ પ્રિ-મૉન્સૂન પ્રક્રિયા છે જે સામાન્ય રીતે મે મહિનામાં ચોમાસા પહેલાં જોવા મળે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “વરસાદ માટેની અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ વિવિધ સિસ્ટમો દ્વારા થયું તેને કારણે આ પ્રકારે ભારે પવન સાથે વરસાદ પડવાની ઘટના નોંધાઈ છે. સર્ક્યૂલેશન સિસ્ટમ પણ હતી અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હતું, જેને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા.”

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભરઉનાળે આ પ્રકારનો વરસાદી માહોલ બે પ્રકારના પવનોને કારણે સર્જાયો છે.

એજન્સી અનુસાર, "ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં ઍન્ટિસાઇક્લોનની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી તેના કારણે ભેજવાળા પવનો દરિયાઈ વિસ્તારોમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે. એ જ રીતે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારો તરફથી ઉત્તર દિશામાંથી આવતા સૂકા પવનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. બે પ્રકારના પવનો ભેગા થવાથી તથા સાથે વાતાવરણમાં પણ ગરમી હોવાથી, આ પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે."

જોકે, વરસાદ અને પવન છતાં પણ ગરમીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળે તેવી સંભાવના ઓછી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચથી મે મહિનાનો સમયગાળો પ્રી-મૉન્સૂન તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં ઉત્તર ભારતમાં સર્જાતી સિસ્ટમની કોઈ ખાસ અસર ગુજરાત પર સામાન્ય રીતે જોવા મળતી નથી.

ગુજરાતનું અંતર વધારે હોવાને કારણે ભારે પવનો ફૂંકાવા અથવા ધૂળની આંધી જેવી ઉત્તર ભારતમાં સર્જાતી ઘટનાઓ અહીં જોવા મળતી નથી. પરંતુ સ્કાયમેટ અનુસાર, અત્યારે જે માહોલ સર્જાયો છે તે અપવાદરૂપ છે.

કરા કેમ પડે છે?

વીડિયો કૅપ્શન, અચાનક વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને કરા વરસ્યા

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. મનોજ લુણાગરિયાનું કહેવું છે, "આ પ્રકારની પરિસ્થિતિ જ્યાં અમુક સાઇક્લોનિક સરક્યૂલેશન લો પ્રેશર સિસ્ટમ બને છે તેને કારણે થાય છે. તેનું કારણ ભેજવાળી હવા છે. ઉનાળો છે તેને કારણે ગરમી વધારે છે. જે વાદળ બનાવે છે. જેથી બપોર બાદ કે સાંજે ઝાપટાં સાથે કે જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદની સ્થિતિનું નિર્માણ કરે છે."

"ક્યાંક ગાજવીજ પણ જોવા મળી શકે. આ વાદળો જેમ ઊંચાં જાય તે પ્રમાણે હવાનું કૂલિંગ વધારે જોવા મળે અને કરા પડવાની સંભાવના વધારે. હવા વધારે ઊંચી જાય તે પ્રમાણે તેનું બરફમાં રૂપાંતર વધારે થાય છે, કારણ કે ઊંચાઈ પર તે વધુને વધુ ભેજને એકત્ર કરી શકે છે."

તેમના મત પ્રમાણે જેમ હવા વધારે ઊંચી જાય તેમ તેમ મોટા કરા પડવાની સંભાવના વધે છે.

તેમના મત પ્રમાણે, "હવામાન લો પ્રેશર અને હાઇ પ્રેશરની બેલેન્સિંગ સિસ્ટમ પર ચાલે છે. લો પ્રેશર હોય તો હવાનું દબાણ ઓછું એટલે આસપાસની હવા ખેંચાય અને હાઇ પ્રેશર એટલે હવાનું દબાણ વધારે તો હવા દૂર જાય."

"એક જ લો પ્રેશર સિસ્ટમ અલગ-અલગ ઊંચાઈએ અલગ-અલગ પણ સર્જાતી હોય છે, ક્યારેક બે-ત્રણ સિસ્ટમ જોવા મળે. જેમાં વાદળ બંધાવાની પ્રક્રિયા ઝડપથી થાય છે, કારણ કે હવામાનનો ભેજ ઝડપથી ભેગો થાય છે. ઉનાળાના સમયમાં આ પ્રકારની ગતિવિધિ વધે છે."

હવામાનના જાણકારો કહે છે કે જેમ જેમ ચોમાસાના એટલે કે નૈઋત્વના પવનો આવવાની શરૂઆત થાય ત્યારે ભેજવાળી હવા આવે છે. જેમ આ હવાના વાદળ બને અને તે ઉપર જાય તેમ તેમ થંડરસ્ટ્રૉમ, વીજળી કે કરા પડવાની ઘટના વધે છે.

વાદળના નિર્માણ હોય તો ગાજવીજ સાથેના વરસાદ કે પછી ધૂળની ડમરી કે વીજળી પડવાની સંભાવના પણ વધે છે.

ક્લાઇમેટ ચેન્જની અસર?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મનોજ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે આ પ્રિ-મૉન્સૂન એક્ટિવિટી નથી. આ માવઠું કે કમોસમી વરસાદ જ કહી શકાય.

તેઓ કહે છે, “ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 20 જૂનની આસપાસ થાય છે. ચોમાસાના પવનો હજી વ્યવસ્થિત નથી થયા. લોકલ સાઇક્લોનિક સ્થિતિ પણ સર્જાઈ શકે. ધીરે ધીરે નૈર્ઋત્વના પવનોની દિશા નકકી થશે. સમુદ્રમાંથી પણ પવનો આવશે જે ભેજવાળા હોય છે તેને કારણે ચોમાસાની ઋતુનું નિર્માણ થાય છે.”

તેમના મત પ્રમાણે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે.

“15 દિવસ પહેલા પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થાય છે પરંતુ એક મહિના પહેલાં જોવા મળેલો આ ગુજરાતમાં વરસાદ તેનો ભાગ નથી. આ ક્લાઇમેટ ચેન્જની અસર છે.”

તેઓ કહે છે, “છેલ્લાં વર્ષોમાં મે મહિનામાં વરસાદ પડવાની ઘટના વધી છે. વાવાઝોડા જેવી સ્થિતનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે. જમીન પર હિટ વેવ હોય છે તે પ્રકારે સમુદ્રમાં પણ મરીન હિટ વેવ હોય છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે તેમાં વધારો થયો છે. મે મહિનામાં વરસાદનું પ્રમાણ તેને કારણે વધ્યું છે. ખાસ કરીને સોરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લાં ત્રીસ વર્ષના વરસાદના આંકડા જોશો તો ખબર પડશે કે અહીં વરસાદનું પ્રમાણ અને તેની અનિયમિતતા વધી છે.”

જોકે ડૉ. આર. કે. જેનામણી આ વાત સાથે સંમત નથી. તેઓ કહે છે કે આ પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટીનો જ એક ભાગ છે. તેમના મત પ્રમાણે ક્લાઇમેટ ચેન્જની અસર ઘણી મોટી અને વ્યાપક હોય છે. આ પ્રકારનાં માવઠાં સામાન્ય ઘટના છે.