ચીન ચંદ્ર પર સેંકડો કૅમેરા કેમ ગોઠવી રહ્યું છે?

ચારેકોર પૃથ્વી પર વધી રહેલા સીસીટીવી કૅમેરાના ચલણને કારણે હવે જાણે કે માનવ પર જ માનવઆંખ સતત મંડાયેલી હોય એવું પ્રતીત થાય છે.

યુકેની સાયબર સિક્યૉરિટી અને પ્રાઇવસી રિસર્ચ ફર્મ કમ્પેરિટેકના એક અહેવાલ પ્રમાણે ભારતમાં 15 શહેરોમાં જ 15 લાખ સીસીટીવી કૅમેરાનું નેટવર્ક ગોઠવાયેલું છે.

વિશાળ વસ્તી ધરાવતા દેશ ચીનમાં તો કૅમેરાનું પ્રમાણ એટલું વધારે છે કે દર બે વ્યક્તિએ એક કૅમેરો ગોઠવાયેલો છે અને દેશમાં 60થી 70 કરોડ કૅમેરા ગોઠવાયેલા છે.

સ્કાયનેટ સર્વેલન્સ સિસ્ટમ તરીકે ઓળખાતું ચીનનું આ નેટવર્ક વિશ્વનું સૌથી મોટું કૅમેરા નેટવર્ક ગણાય છે.

પરંતુ બિઝનેસ ઇન્સાઇડરના એક અહેવાલ પ્રમાણે હવે ચીન સ્કાયનેટ 2.0 નામે એક નવું નેટવર્ક સ્થાપિત કરવા જઈ રહ્યું છે.

આ નેટવર્કની રસપ્રદ બાબત એ છે કે તેના દ્વારા ચીન ચંદ્ર પર કૅમેરાનું નેટવર્ક ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ અંગેનો સંશોધન અહેવાલ ચીનની ઍકેડમિક જર્નલ ઍક્ટા ઑપ્ટિકા સિનિકામાં પ્રકાશિત થયો છે

શું છે ચીનનો પ્લાન?

ચીન દ્વારા પ્રસ્થાપિત કરાનાર સેંકડો કૅમેરા દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ લાઇટ બંનેમાં અસંખ્ય ફૂટેજ કૅપ્ચર કરશે અને વિવિધ ઍંગલ્સ અને દૃશ્યો મેળવવા માટે પોતાને ઍડજસ્ટ કરવામાં પણ સમર્થ હશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સ્કાયનેટ 2.0 નો દરેક નોડ પૃથ્વી સાથેનું કનેક્શન છૂટી જાય તો પણ સ્વતંત્ર રીતે કામ કરવા માટે સક્ષમ હશે.

આ લુનાર કૅમેરા અને સેન્સરમાં અત્યાધુનિક ટેકનૉલૉજી છે અને દરેક કૅમેરાનું વજન 100 ગ્રામ જેટલું હશે. દરેક કૅમેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સુસજ્જ છે.

ચીનના આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ એકૅડૅમી ઑફ સાયન્સીઝ, ચાઇના ઍરોસ્પેસ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી કૉર્પોરેશન અને ઝેજિયાંગ યુનિવર્સિટી સામેલ છે.

તેમણે રજૂ કરેલાં તારણો અનુસાર સ્કાયનેટ 2.0 દેશના આગામી લુનાર બેઝની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

ચીન 12 કિલોમીટરથી વધુ વ્યાસના ઘેરામાં મેગા-લુનર રિસર્ચ સ્ટેશન બનાવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે, જે તેને ફૂટબૉલનાં 12,000 મેદાનો જેટલું મોટું બનાવે છે. આ દૂરંદેશી સ્ટેશન કમાન્ડ, સંદેશાવ્યવહાર, પાવર, સાયન્ટિફિક ફૅસિલિટીઝ અને લુનાર રોબોટના કાફલા માટેનાં સેન્ટર ધરાવતું હશે.

ચીન એવું કહે છે કે તેના આ સંશોધન કેન્દ્રની સુરક્ષા માટે તેના પર ચારેકોર નજર રાખી શકે એટલા માટે કૅમેરાની આ સિસ્ટમની જરૂર છે.

વધુમાં ત્યાં સ્થાપિત થનારી સિસ્ટમ માત્ર પૃથ્વી પરથી અહીં આવતા અને પૃથ્વી પર જતા વિશાળ ડેટાને હૅન્ડલ કરવામાં અને ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ હોવી જોઈએ. તે આતંકવાદી હુમલા અથવા તો અન્ય રાષ્ટ્રોના આ સિસ્ટમમાં હસ્તક્ષેપને રોકવા માટે પૂરતી સુરક્ષિત પણ હોવી જોઈએ.

કૅમેરા સ્થાપિત કરવા સામે કેવા પડકારો?

ચંદ્રના પર્યાવરણમાં ટકી રહેવું એ ચોક્કસપણે કોઈ સરળ કાર્ય નથી. ભારતના ચંદ્રયાન-3 મિશન વખતે પણ આપણે જોયું હતું કે ચંદ્ર પર રાત થયા બાદ ઉપકરણોએ કામ આપવાનું બંધ કરી દીધું હતું.

ચંદ્ર પર વાતાવરણની ગેરહાજરીનો અર્થ એ છે કે ચંદ્ર પરની કોઈપણ વસ્તુ પર અવકાશના જાણે કે કિરણોત્સર્ગનો સતત બૉમ્બમારો થાય છે.

ચંદ્ર પરનું તાપમાન 100 ડિગ્રી સેલ્શિયસ અને -180 ડિગ્રી સેલ્શિયસ વચ્ચે ખતરનાક રીતે વધઘટ થાય છે. તેમ છતાં પણ ચીનને આશા છે કે તેના આ કૅમેરા ચંદ્રની કઠોર સપાટી પર ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી કાર્યરત રહેશે.

સંશોધનપત્રમાં જણાવ્યા અનુસાર અનેક બૅચમાં કૅમેરાને ચંદ્ર પર મોકલવામાં આવશે જે ચંદ્ર પર ઊતરશે અને પછી તેઓ એકબીજા સાથે કનેક્ટ થશે અને પછી ચીનના આ રિસર્ચ સ્ટેશન પર નજર રાખશે.