ગુજરાતમાં નોંધાયો એચએમપી વાઇરસનો પહેલો કેસ, તમારે શું કાળજી રાખવી?

ઇમેજ સ્રોત, Getty Images
બહુચર્ચિત હ્યુમન મેટા ન્યૂમો વાઇરસનો (એચએમપીવી) ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. રાજ્ય સરકારે પણ તેની પુષ્ટિ કરી છે.
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા બે મહિનાના બાળકનો એચએમપીવી સૅમ્પલ પૉઝિટિવ આવ્યો હતો. હાલમાં બાળક સારવાર હેઠળ છે અને સંપૂર્ણપણે તેની સ્થિતિ સ્થિર છે.
26મી ડિસેમ્બરના રોજ આ બાળકના નમૂના લેવામાં આવ્યા હતા. બાળકને હાલ અમદાવાદની ચાંદખેડાની ખાનગી હૉસ્ટિપલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી.

આ વાઇરસના કેસ વિશે માહિતી આપતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "હ્યુમન મેટા ન્યુમો વાઇરસ એ કોઈ નવો વાઇરસ નથી. વર્ષ 2001થી આ વાઇરસની ઓળખ થયેલી છે. રાજ્યનો આરોગ્યવિભાગ સચેત છે અને કેસના મૉનિટરિંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અને તૈયારીઓ થઈ રહી છે."
આ વાઇરસના બે કેસો કર્ણાટકમાં પણ સામે આવ્યા છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે.

આ વાઇરસના બે કેસો કર્ણાટકમાં પણ સામે આવ્યા છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે.
ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેનાથી બચવા માટે કેવી તૈયારીઓ કરી છે?
એચએમપીવી વાઇરસ શું છે અને તેનાથી બચવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઇએ? આ વાઇરસ કેટલો ઘાતક છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ આ વાઇરસ અંગે તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે તેમ રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રેસનોટમાં કહેવાયું છે.
આરોગ્યવિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગત 4 જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપરિન્ટેન્ડેન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં એચએમપીવી વાઇરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની જિલ્લા હૉસ્પિટલથી માંડીને મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.
સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટા ન્યુમો વાઇરસ (એચએમપીવી)થી ગભરાવાની જરૂર નથી, પરંતુ વાઇરસનાં લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.

એચએમપીવી વાઇરસના સંક્રમણના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેનાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
સ્વાસ્થ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના મહાનિદેશક ડૉ. અતુલ ગોયલે કહ્યું, "મીડિયામાં એ પ્રકારના સમાચાર છે કે ચીનમાં હ્યુમન મેટા ન્યુમો વાઇરસ ફેલાઈ રહ્યો છે. પરંતુ આપણે ત્યાં આ એચએમપીવી શ્વસન સાથે સંકળાયેલો વાઇરસ છે, જે શરદી અને ખાંસી જેવી બીમારી પેદા કરે છે. કોઈએ ગભરાવાની જરૂર નથી."
તેમણે વધુમાં કહ્યું, "આ એક સામાન્ય શ્વસન વાઇરસ છે અને તેનાં હલકાં લક્ષણો હોય છે. દેશની હૉસ્પિટલો આ વાઇરસ સામે લડવા તૈયાર છે."

સાયન્સ ડાયરેક્ટ મુજબ આ વાઇરસ 200થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી ઉદ્ભવ્યો હતો. પરંતુ ત્યારથી, આ વાઇરસ વારંવાર પોતાનામાં બદલાવ લાવી રહ્યો છે અને હવે આ વાઇરસ પક્ષીઓને સંક્રમિત કરી શકતો નથી.
અમેરિકન સરકારના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વર્ષ 2001માં જાણવા મળ્યું હતું કે આ વાઇરસ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે.
આ વાઇરસ દરેક ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે. તેના કારણે દર્દીને તાવ, ઉધરસ, બંધ નાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો તેનો ચેપ ગંભીર બને છે તો આ વાઇરસ બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયા માટે પણ જવાબદાર હોઈ શકે છે.
આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે, પરંતુ રોગનો સમયગાળો વધુ કે ઓછો હોઈ શકે છે. તે ચેપ કેટલો ગંભીર છે તેના પર નિર્ભર છે.

આ વાઇરસ ઉધરસ અને છીંક દરમિયાન થૂંકના કણો મારફત લોકોમાં ફેલાય છે અને ચેપ લગાડે છે.
તે હાથ મિલાવવાથી, ગળે મળવાથી અથવા એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.
જો ઉધરસ અથવા છીંકને કારણે થૂંકના કણો ક્યાંક સપાટી પર પડ્યા હોય અને તે સપાટીને સ્પર્શ કર્યા પછી તમે તમારા ચહેરા, નાક, આંખ અથવા મોંને તે હાથથી સ્પર્શ કરો છો, તો તમે તે વાઇરસથી સંક્રમિત થઈ શકો છો.


ભારતીય આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ.અતુલ ગોયલના જણાવ્યા અનુસાર...
- એચએમપીવી વાઇરસથી સંક્રમિત વ્યક્તિ અથવા કોઈને શરદી હોય તો તેનાથી અંતર રાખો.
- ખાંસતી કે છીંકતી વખતે મોં પર રૂમાલ કે કપડું રાખો. ઉધરસ અને છીંક માટે અલગ રૂમાલ અથવા ટુવાલનો ઉપયોગ કરો, થોડા કલાકો પછી તેને સાબુથી ધોઈ લો.
- જો તમને શરદી હોય, તો માસ્ક પહેરો. ઘરે રહો અને આરામ કરો.
- અમેરિકન સરકારના સીડીસી અનુસાર ઓછામાં ઓછું 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા.
- તમારાં વાસણો, (કપ, પ્લેટ અથવા ચમચી) એકબીજા સાથે શૅર કરશો નહીં.
- અત્યાર સુધી આ વાઇરસ માટે કોઈ ખાસ ઍન્ટિવાઇરલ દવા કે ન તો કોઈ રસી બનાવવામાં આવી નથી.
- ડૉક્ટરો કહે છે કે આ માટે સામાન્ય રીતે શરદી અને તાવની દવાઓ આપવામાં આવે છે.
- પરંતુ આ વાઇરસ એવા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે જેમને પહેલાંથી જ શ્વસનસંબંધી કોઈ બીમારી છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















