ન્યૂઝીલૅન્ડ સામે ભારતની જીતમાં હાર્દિકને આઉટ અપાયાનો નિર્ણય ગિલની બેવડી સદી કરતાં પણ વધુ ચર્ચામાં કેમ છે?


- ન્યૂઝીલૅન્ડ સામે હૈદરાબાદ ખાતે રમાયેલ પ્રથમ વનડે મૅચમાં ભારતની જીત થઈ છે
- છતાં જીત અને શુભમન ગિલની બેવડી સદી કરતાં પણ વધુ ચર્ચા હાર્દિક પંડ્યાને ‘આઉટ આપવાના વિચિત્ર નિર્ણય’ની થઈ રહી હતી
- આ નિર્ણયમાં થર્ડ અમ્પાયરે હાર્દિકને આઉટ આપતાં સોશિયલ મીડિયા અને ક્રિકેટના જાણકારો નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી રહ્યા છે

બુધવારે હૈદરાબાદમાં ચાલી રહેલ ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મૅચમાં ભારતના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને વિવાદાસ્પદ રીતે આઉટ આપતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
સમાચાર અહેવાલોમાં ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને આઉટ અપાયાના આ નિર્ણયને ‘સ્ટ્રેન્જ’ એટલે કે વિચિત્ર ગણાવાઈ રહ્યો હતો.
ભારત તરફથી આ મૅચમાં બેવડી સદી ફટકારી ચૂકેલ ગિલ 133 રનના સ્કોરે સામે છેડે હતા અને સ્ટ્રાઇકિંગ ઍન્ડ પર હાર્દિક પંડ્યા હતા, ભારતનો સ્કોર પણ જંગી લક્ષ્ય તરફ જ ઇશારો કરી રહ્યો હતો.
ભારતે ચાર વિકેટ ગુમાવીને 39.3 ઓવરમાં 249 રન ફટકારી દીધા હતા.
પરંતુ મૅચના ચોથા બૉલે કંઈક એવું બન્યું કે જેને ‘વિચિત્ર’ ગણાવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે ભારતે પ્રથમ બૅટિંગ કરતાં આ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે 350 રનનું લક્ષ્ય મૂક્યું હતું.
ભારત તરફથી શુભમન ગિલે 208 રનની ઇનિંગ રમી હતી.
ભારત આ મૅચ 12 રને જીતવામાં સફળ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એવું તો શું થયું?

ઇમેજ સ્રોત, Mufaddal Vohra / Twitter
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પંડ્યા 37 બૉલ પર 28 રન બનાવીને સ્ટ્રાઇક પર હતા, ઓવરના ચોથા બૉલે કિવી ઑલ રાઉન્ડર ડેરિલ મિચેલે એક સારો બૉલ નાખ્યો, તે હાર્દિક પંડ્યાના બૅટ પાસેથી પસાર થઈને ન્યૂઝીલૅન્ડના કપ્તાન અને વિકેટકીપર ટોમ લેથમના ગ્લવ્ઝમાં પહોંચી ગયો.
બરાબર એ જ સમયે સ્ટમ્પ અને બેલની લાઇટ પણ ઝબકવા માંડી, ન્યૂઝીલૅન્ડની ટીમના બધા પ્લેયરોને તો એવું જ લાગ્યું કે હાર્દિક પંડ્યા ‘બોલ્ડ’ થઈ ગયા.
પરંતુ ટોમ લેથમે અચાનક અમ્પાયરો પાસેથી રિવ્યૂ માગ્યો, કારણ કે તેમને લાગ્યું કે કદાચ તેમના ગ્લવ્ઝનો સ્ટમ્પ સાથે ઇમ્પેક્ટ થવાના કારણે સ્ટમ્પની લાઇટ ઝબકવા લાગી હતી.
આ વાત લેથમે રિવ્યૂ માગવા બાબતે ‘મૂંઝવણ’માં લાગતાં હાર્દિક પંડ્યાને પણ ઇશારો કરીને જણાવી.
હવે સમગ્ર મામલો થર્ડ અમ્પાયર કે. એન. અનંથાપંદ્મનાભન પાસે પહોંચ્યો.
તેમનો અવાજ પણ બીસીસીઆઈ ડોટ ટીવી પર મુકાયેલા આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
તેમણે ઘણા બધા ઍન્ગલથી આ દૃશ્ય ફરી ફરી જોયું. સ્પ્લીટ સ્ક્રિનમાં જોતાં દર્શકોને અને મોટા ભાગના લોકોને એવું જ લાગી રહ્યું હતું કે ટોમ લેથમના ગ્લવ્ઝ અને સ્ટમ્પના ઇમ્પેક્ટના કારણે સ્ટમ્પ અને બેલ ઝબકવા લાગ્યા.
અમુક સમય સુધી વારંવાર આ જ દૃશ્ય જોઈને થર્ડ અમ્પાયર કે. એન. અનંથાપદ્મનાભને નિર્ણય આપતાં પહેલાં કહ્યું કે, “હું આ ઍન્ગલથી જોઈ શકું છું કે ટોમ લેથમના ગ્લવ્ઝ સ્ટમ્પની બિલકુલ પાછળ છે. હું મારા નિર્ણય પર પહોંચી ગયો છું.”
આટલું કહેતાં જ મેદાન પરની સ્ક્રિન પર મોટા અક્ષરોએ આઉટ લખાયેલું જોવા મળ્યું.
હાર્દિક પંડ્યાને આઉટ અપાયા હતા, જ્યારે દર્શકોને આ દૃશ્યોને આધારે તેમને નોટઆઉટ અપાશે તેવી આશા હતી, કારણ કે બધાને લાગી રહ્યું હતું કે ‘બૉલ સ્ટમ્પ પરથી પસાર થઈને લેથમના ગ્લવ્ઝમાં ગયો તે બાદ સ્ટમ્પ અને બેલ ઝબકવા લાગ્યા હતા.’
અમ્પાયરના આ નિર્ણયથી મેદાન પરના દર્શકો, ભારતીય અને ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ તેમજ કૉમેન્ટેટરો બધા આશ્ચર્યમાં હતા,
આ મૅચમાં કૉમેન્ટરી કરી રહેલા ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી આ નિર્ણય બાદ આ અંગે વાત કરતાં કૉમેન્ટરી દરમિયાન જ ફરી બતાવ્યું હતું કે કેવી રીતે હાર્દિક પંડ્યાને ચકમો આપીને બૉલ તેમના બૅટ અને સ્ટમ્પને પાર કરી ગયો અને તે બાદ લેથમના હાથમાં બૉલ આવ્યો ત્યારે સ્ટમ્પ અને બેલ ઝબકવા લાગ્યા હતા.
અહીં નોંધનીય છે કે આ પ્રકારની પરિસ્થિતિઓમાં જ્યાં બૅટરોના આઉટ થવા અંગે શંકા હોય છે, ત્યારે મોટા ભાગે અમ્પાયરો દ્વારા આ શંકાનો લાભ બૅટ્સમૅનને આપીને તેમને નોટઆઉટ ઠેરવવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં કંઈક ઊલટું બન્યું હતું.
આ બન્યું તે બાદ સોશિયલ મીડિયા પર જાતભાતની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી.
હાર્દિક પંડ્યાનાં પત્ની નતાશા સ્તાનકોવિકે ઇન્સ્ટાગ્રામ રીલમાં હાર્દિક પંડ્યાને આઉટ આપવાના આ નિર્ણય મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો, “આ આઉટ અપાયો એમાં બૅટ ઇનવોલ્વ નહોતું, આ બોલ્ડ થવાની વાત પણ નહોતી તો આઉટ કઈ રીતે અપાયું?”
તેમજ મુફદ્દલ વોરા નામના એક ટ્વિટર યૂઝરે પણ ‘અનલકી હાર્દિક પંડ્યા’ લખી આ ઘટનાનો ફોટો શૅર કર્યો હતો.

ન્યૂઝીલૅન્ડની બેટિંગમાં ‘જેવા સાથે તેવા’
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પંડ્યાને જ્યારે વિવાદાસ્પદ રીતે આઉટ અપાયા એ વાત કદાચ ભારતીય ટીમના અન્ય ક્રિકેટરોને પણ નહોતી ગમી.
જ્યારે ન્યૂઝીલૅન્ડના કપ્તાન ટોમ લેથમ બેટિંગ કરી રહ્યા હતા એ સમયે ઑફ સ્પિનર કુલદીપ યાદવની બૉલિંગ પર ભારતના વિકેટકીપર ઈશાન કિશને પણ ‘લેથમની સ્ટમ્પની બિલકુલ નજીક પોતાના ગ્લવ્ઝ રાખવાની ખતરનાક ટેવ’ની નકલ કરી હતી.
કુલદીપ યાદવના પ્રથમ બૉલે જ આ દરમિયાન ઇશાન કિશને ટોમ લેથમને સ્ટમ્પિંગ આઉટ આપવા માટે અપીલ પણ કરી હતી. પરંતુ ટોમ ક્રીઝમાં જ હતા છતાં ઇશાન કિશને તેમની મશ્કરી કરવા માટે સ્ટમ્પિંગ કર્યું, અને અપીલ પણ કરી.
આ બનાવને અહેવાલોમાં ‘જેવા સાથે તેવા’ જેવું વર્તન ગણાવવામાં આવ્યું.

ભારતની જીત
ભારતના 350 રનના લક્ષ્યની સામે ન્યૂઝીલૅન્ડની ટીમે પણ વળતી લડત આપી હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઑલ આઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી આગળ જણાવ્યું એમ શુભમન ગિલ સ્ટાર સાબિત થયા હતા. તેમણે બેવડી સદી નોંધાવી હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી માઇકલ બ્રેસવેલે માત્ર 78 બૉલમાં ઝંઝાવાતી 140 રન બનાવ્યા હતા. તેમજ માઇકલ સેન્ટનરે 45 બૉલમાં 57 રન બનાવ્યા હતા.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 46 રન આપીને ચાર વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બે વિકેટ ખેરવી હતી.














