ભારત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં: અક્ષર પટેલની બૉલિંગે કેવી રીતે 10 ઑવર પહેલાં જ હારની કહાણી લખી દીધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતે આઈસીસી વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવી દીધું છે.
વરસાદના સતત વિઘ્ન વચ્ચે રમાયેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
રોહિત શર્મા, સૂર્યકુમાર પટેલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ભારતને મૅચ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
પ્લૅયર ઑફ ધી મૅચ પણ અક્ષર પટેલ રહ્યા હતા.
રોહિત અને સૂર્યકુમારે રંગ રાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાનાના પ્રૉવિડેન્સ સ્ટેડિયમમાં આયોજિત બીજી સેમિફાઇનલને વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જેના કારણે મૅચ મોડી શરૂ થઈ હતી.
ભારતની શરૂઆત એટલી સારી રહી ન હતી અને વિરાટ કોહલી નવ રને તથા રિષભ પંત ચાર રને આઉટ થઈ ગયા હતા.
જોકે, ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ એક છેડો સાચવી રાખ્યો અને તેમનો સાથ સૂર્યકુમાર યાદવે આપ્યો હતો.
રોહિત શર્માએ 39 બૉલમાં 57 રન અને સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 47 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૂર્યકુમાર યાદવ આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 15.4 ઓવરમાં ચાર વિકેટે 124 રન હતો.
પરંતુ હાર્દિક પંડ્યા અને જાડેજાની ઝડપી બેટિંગથી ભારતે છેલ્લી ચાર ઓવરમાં 47 રન જોડ્યા હતા.
હાર્દિક પંડ્યાએ બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 13 બૉલમાં 23 રન બનાવ્યા હતા.
ભારતે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 171 રનનો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ક્રિસ જૉર્ડને ત્રણ વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બૉલિંગમાં કર્યો કમાલ

ઇમેજ સ્રોત, Getty Images
વરસાદી વાતાવરણમાં મૅચ ભારતની ઇનિંગ દરમિયાન પણ અટકાવવી પડી હતી. જેના કારણે 171 રનનો સ્કોર ભારત માટે પૂરતો રહેશે તેવું મનાતું હતું.
ઇંગ્લૅન્ડે સારી શરૂઆત કરતાં પહેલી ત્રણ ઓવરમાં વિના વિકેટે 26 રન બનાવ્યા હતા.
પરંતુ ચોથી ઓવરમાં બટલરને અક્ષર પટેલે રિષભ પંતના હાથે કૅચઆઉટ કરાવતા ઇંગ્લૅન્ડને મોટો ફટકો પડ્યો હતો.
ત્યારપછીની ઓવરમાં બુમરાહે ઓપનર ફિલિપ સૉલ્ટને ક્લીન બૉલ્ડ કરી દેતાં ઇંગ્લૅન્ડના કૅમ્પમાં સોપો પડી ગયો હતો.
ઓપનિંગ જોડી પેવેલિયનમાં પરત ફરી એ પછી પણ અક્ષર પટેલ સામે ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
પાંચમી ઓવરમાં જોની બેયરસ્ટો અને સાતમી ઓવરમાં મોઇન અલીને અક્ષર પટેલે આઉટ કરતા જાણે કે ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.
ત્યારબાદ હેરી બ્રૂકે થોડો પ્રતિકાર કરતા 25 રન બનાવ્યા હતા, પરંતુ વિકેટ પડવાને કારણે સર્જાયેલા દબાણનો ફાયદો કુલદીપ યાદવે ઉઠાવ્યો હતો અને ઇંગ્લૅન્ડના વધુ ત્રણ બૅટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
ત્યારબાદ ઑલરાઉન્ડર જોફ્રા આર્ચરે પણ 21 રન બનાવ્યા હતા.
જોકે, ઇંગ્લૅન્ડની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 16.4 ઓવરમાં 103 રન બનાવીને જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી.

ભારતે બે વર્ષ પહેલાંની હારનો બદલો લીધો
બે વર્ષ પહેલાં 2022ના ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડે ભારતને 10 વિકેટે હરાવીને બહાર ફેંકી દીધું હતું.
એડીલેડમાં રમાયેલી વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડે 169 રનના પડકારનો પીછો કરતાં દસ વિકેટે જીત મેળવી હતી.
એ મૅચમાં ભારતના બૉલરો એકપણ વિકેટ લઈ શક્યા ન હતા અને ફાઇનલમાં પ્રવેશવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
હવે બે વર્ષ બાદ ભારતે જ ઇંગ્લૅન્ડને વર્લ્ડકપમાં હરાવીને બદલો લીધો છે.
બંને ટીમના કૅપ્ટને મૅચ બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે કહ્યું હતું કે, "અમે 20-25 રન વધારે આપી દીધા હતા અને પીચ પણ બેટિંગ માટે પડકારજનક હતી. ભારતે ખૂબ સારું ક્રિકેટ રમ્યું અને તેઓ જીતને લાયક હતા. તેમના સ્પિનરોએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું."
તો બીજી તરફ રોહિત શર્માએ જીતનો શ્રેય સમગ્ર ટીમને આપતાં કહ્યું હતું કે, " મૅચ જીતીને સંતોષ છે. અમે એક ટીમ તરીકે ખૂબ મહેનત કરી છે. આ જીત એ ટીમની જીત છે.”
વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન અંગે પણ તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, "વિરાટ કોહલી એક ક્વૉલિટી પ્લૅયર છે. કોઈપણ વ્યક્તિ આવા તબક્કામાંથી પસાર થઈ શકે છે. અમને તેમની રમતનો ખ્યાલ છે અને અમે મોટી મૅચમાં તેમના મહત્ત્વને સમજીએ છીએ. તમે 15 વર્ષ ક્રિકેટ રમી લીધું હોય ત્યારે ફૉર્મમાં ન હોવું એ સમસ્યા નથી હોતી."
મૅચમાં સર્જાયા રેકૉર્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે દસ વર્ષ બાદ આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.
આઈસીસી ટુર્નામેન્ટમાં કોઈ ટીમ એકપણ હાર વગર ફાઈનલમાં પહોંચી હોય તેવું 2013માં રમાયેલ ચૅમ્પિયન્સ ટ્રોફી પછી પહેલીવાર બન્યું છે.
ટી20 વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડમાં 68 રને મળેલી જીત એ બીજી સૌથી મોટી જીત છે.
સેમીફાઇનલમાં અક્ષર પટેલે ફટકારેલી સિક્સ એ આ વર્લ્ડકપની 500મી સિક્સ છે. અત્યાર સુધીમાં યોજાયેલા ટી20 વર્લ્ડકપમાં ક્યારેય 500 સિક્સ ફટકારાઈ નથી.
કુલદીપ યાદવે ટી20માં 200 વિકેટ પૂર્ણ કરી છે. તેઓ આમ કરનાર ભારતના 13મા બૉલર બન્યા છે.
હવે ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં 29મી જૂને બાર્બાડોઝમાં થશે.












