જ્યારે શરાબી પિતાના મૃત્યુ પછી દીકરીને બંને વચ્ચેના પ્રેમાળ સંબંધનો અહેસાસ થયો

    • લેેખક, લેરે સેલ્સ
    • પદ, બીબીસી મુન્ડો

હું ચુપ થઈશ ત્યારે એ કહાણી લખીશ, જે હિમપ્રપાતની માફક અમને બધાને સાથે લઈને વહી જશે. એક એવી વાર્તા, જેમાં હું તેમને મારી સાથે વાત કરાવીશ, તેમને મારી તરફ જોવા ફરજ પાડીશ, આખરે હું તેમનો સામનો કરીશ. હું તેમની અને મારી વચ્ચે એક દ્વંદ્વનું સપનું જોઉં છું, જેમાં અમે એકસરખા દેખાઈએ છીએ અને મારા તથા તેમના વિના બીજું કોઈ પાત્ર કે સાક્ષીઓ નથી.

સ્પેનના બાસ્ક કન્ટ્રીના રૅન્ટેરિયાનાં 45 વર્ષનાં ઍઇડર રૉડ્રિગ્ઝે તેમના પિતા સાથે રૂબરૂ થવા માટે પિતાના મૃત્યુ સુધી રાહ જોવી પડી હતી.

જીવનભર દારૂ પીવાને કારણે લીવરની ગંભીર બીમારીને પગલે ડિસેમ્બર, 2018માં 64 વર્ષની વયે સ્ટ્રૉકનો ભોગ બન્યા પછી તેમનું અવસાન થયું હતું.

પિતાનું અવસાન થયું ત્યારે બાસ્ક લેખિકા રોડ્રિગ્ઝ તેમના શરાબી પિતા સાથેના 40 વર્ષના સંબંધને સમજવાનો પ્રયાસ કરી શક્યાં હતાં. પિતાની અરાજકતાએ તેમની માતા, તેમની બહેન અને પોતાને એક હિમપ્રપાતની જેમ કેવી રીતે બરબાદ કરી નાખ્યા હતા તેને શબ્દોમાં વ્યક્ત કરી શક્યાં હતાં.

આ ઘટનાઓનું પરિણામ ‘કન્સ્ટ્રક્શન મટિરિયલ’ નામની રૉડ્રિગ્ઝની પ્રથમ નવલકથા છે. રૉડ્રિગ્ઝ બાસ્ક ભાષામાં લખે છે અને આ નવલકથાનું લેન્ડર ગેરોએ તેમની સાથે મળીને બાસ્ક ભાષામાંથી ભાષાંતર કર્યું છે.

આ નવલકથાનું શીર્ષક તેમના પૈતૃક કૌટુંબિક વ્યવસાયનો સંદર્ભ આપે છે. આ એક ઇમાનદાર નવલકથા છે, જે પીડાથી, શરમથી વીંધાયેલી છે, અસ્વીકાર ગુસ્સા અને ઘૃણા સાથે લખાયેલી છે. તેને વાંચતા જ વિહવળ બની જવાય છે, પરંતુ તે ધીરે-ધીરે પ્રેમપત્રનું સ્વરૂપ ધારણ કરે છે.

મૅક્સિકોના ક્વૅરેટોરો શહેરમાં 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એચએવાય ફેસ્ટિવલમાં રૉડ્રિગ્ઝ ભાગ લેવાના છે ત્યારે એ સંદર્ભમાં બીબીસી મુન્ડોએ તેમની સાથે વાત કરી હતી.

'હું તેમના પ્રત્યેની મારી લાગણીને જાણતી ન હતી'

સવાલઃ આ અનેક રીતે બહાદુરીભર્યું પુસ્તક છે. તમારે એ લખવા માટે બહુ હિંમત એકઠી કરવી પડી હતી?

જવાબઃ તેને લખવાની પરવાનગી મારી જાતને આપવાનું બહુ મુશ્કેલ હતું, પરંતુ મેં છૂટ આપી પછી બધું એકદમ વહી નીકળ્યું હતું. મારે નમ્રતા માટે સંઘર્ષ કરવો પડ્યો ન હતો. આ બધું ક્યાંક લખાયેલું હોય એવું લાગતું હતું.

સવાલઃ તેમાં એક પુત્રીના એટલે કે તમારા અને તમારા શરાબી પિતા વચ્ચેના સંબંધની સમીક્ષા છે. તે સંબંધ તમે લાંબા સમયથી શોધતા હતા, પરંતુ પિતાના મૃત્યુ પછી તમને એ સાંપડ્યો હતો. એ તમને કઈ તરફ દોરી ગયો?

જવાબઃ તેણે મને ઘટનાઓને યથાક્રમમાં ગોઠવવા પ્રેરિત કરી હતી, કારણ કે લેખન લાંબા સમયથી જમા થયેલી લાગણી, પીડા, ભય, વેદનાને સમજવાનું, પચાવવાનું, ક્રમબદ્ધ કરવાનું અને પ્રોસેસ કરવાનું કામ કરી શકે છે.

તેને શબ્દ, વાક્ય, પુસ્તક, નવલકથા, છબીના રૂપમાં આકાર આપો પછી તે જખમ બીજું જ કંઇક બની જાય છે અને તે જખમ સાથેના તમારા સંબંધને અન્ય પ્રકારના સંબંધમાં પરિવર્તિત કરે છે. તેથી તેમાં ફેરફાર તો થયો છે, પરંતુ શું થયું છે એ હું કહી શકું તેમ નથી.

મને લોકો પૂછે છે કે મેં મારા પિતાને માફ કરી દીધા છે કે નહીં. મેં માફી બાબતે વિચાર્યું નથી, કારણ કે હું માફી શોધતી ન હતી. મને ખ્યાલ આવ્યો હતો કે હું તેમને કેટલો પ્રેમ કરું છું. હું તેમના પ્રત્યેની મારી લાગણીને પણ જાણતી ન હતી.

ભારોભાર ભાવનાત્મક ઊથલપાથલવાળી નવલકથા

સવાલઃ તમારી નવલકથા ભાવનાત્મક ઊથલપાથલવાળી, પીડાદાયક, પરંતુ મૃદુતાસભર કૃતિ છે. તેને વાંચતા ખળભળી જવાય છે. શરૂઆતમાં એવું નથી લાગતું, પરંતુ આખરે સમજાય છે કે તે પ્રેમથી સભર છે. તમે આ સ્વરૂપે જ તેને લખવા વિચાર્યું હતું કે પછી તે આ રીતે સર્જાઈ છે?

જવાબઃ ના એવું બિલકુલ ન હતું. વાસ્તવમાં વાચકોએ તેને પ્રથમ વાર વાંચી ત્યાં સુધી મને ખ્યાલ પણ ન હતો. આ પ્રતિભાવ તેમણે જ આપ્યો હતો.

મેં તેને શબ્દોમાં ઢાળવાની છૂટ મારી જાતને આપી અને તે લખ્યું, પરંતુ પછી હું ડરી ગઈ હતી. તેને પ્રકાશિત કરવી જોઈએ કે નહીં, તેના અમુક અંશ કાઢી નાખવા જોઈએ કે નહીં, તેમાં ફેરફાર કરવા જોઈએ કે નહીં તેના વિશે મને અનેક શંકાઓ હતી.

મારી નવલકથા પ્રેમની ઘોષણા હોવાનું વાચકોએ જણાવ્યું ત્યારે મને તે વિચિત્ર લાગ્યુ હતું.

નવલકથા ભારોભાર ભાવનાત્મક ઊથલપાથલવાળી છે, કારણ કે સંબંધ આખરે તો વૈવિધ્યસભર લાગણી અને અનુભૂતિથી બનેલા હોય છે.

સંબંધ દોસ્તો સાથેનો હોય કે પિતા સાથેનો, માતા સાથેનો, બહેન સાથેનો કે પછી સહકાર્યકર સાથેનો, આપણે તેને સારો, ખરાબ અથવા સરેરાશ ગણાવીને તેને આદર્શ બનાવવાનો, તેને સારા-ખરાબમાં વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેમાં એકસાથે ઘણો બધો પ્રેમ અને ઘણો બધો અસ્વીકાર હોઈ શકે છે. તેમાં ઘણું બધું ગૌરવ અને શરમની લાગણી પણ હોઈ શકે છે. હું એ પૈકીની એકેય લાગણીને બાજુ પર રાખી દેવા માંગતી ન હતી અને વધુમાં તે કોઈ વાવાઝોડાની કારક બને તેવું ઇચ્છતી હતી.

મદ્યપાન: એક પારિવારિક રોગ?

સવાલઃ વાસ્તવમાં તમે નવલકથામાં તેની સામે પ્રશ્ન કરો છો અને પૂછો છો કે “આપણે માતા-પિતા અને સંતાનો વચ્ચેના સંબંધના રોમૅન્ટિક ખ્યાલને પણ શા માટે ધ્વસ્ત ન કરવો જોઈએ?”

જવાબઃ તે પાંજરા જેવું હોય છે. મારા માતા-પિતા સાથે “મારે સારો સંબંધ છે,” અથવા ખરાબ છે કે રાબેતા મુજબનો છે, એવું તમે કહો છો, પરંતુ માતા-પિતા અને બાળક વચ્ચેના સંબંધમાં બધું બંધબેસતું હોય છે.

માતૃત્વ અને પિતૃત્વની આસપાસના એ પ્રકારના વિચારને તેમજ પુત્રો અને પુત્રીઓ વિશેના વિચારને તોડી પાડવાનું મને રસપ્રદ લાગે છે.

સવાલઃ તમે અગાઉ શરમનો ઉલ્લેખ કર્યો હતો અને એ જ સમગ્ર પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે. તમે શરૂઆતમાં જ લખ્યું છે કે “મને મારા પિતા વિશે વાત કરવામાં શરમ આવે છે.” એ પછી પિતાને શેરીમાં લથડિયાં ખાતાં જોઈને, નશાની હાલતમાં સોફા પર પડેલા પિતાને તમારો પ્રેમી જુએ છે ત્યારે તમે કેટલી શરમ અનુભવો છો તે જણાવો છો. તમે તેને આત્મમુગ્ધતાની લાગણી તરીકે વર્ણવો છો. તમે તેમને આટલી મોકળાશ શા માટે આપી?

જવાબઃ કારણ કે મદ્યપાન તે ખૂબ જ ખરાબ બાબત છે. તે એક એવો રોગ છે જેની તમે હાંસી ઉડાવી શકો છો, કારણ કે તે એક વ્યસન હોવા છતાં તે વ્યસનથી પીડાતી વ્યક્તિને આપણે જોઈએ છીએ ત્યારે તેની મજાક ઉડાવીએ છીએ.

એ ઉપરાંત તે પારિવારિક રોગ પણ છે કે કેમ તે પણ સવાલ છે, કારણ કે એક વ્યક્તિના વ્યસનને કારણે પરિવારનો દરેક સભ્ય પીડાય છે. કુટુંબની દરેક વ્યક્તિએ તેને લીધે સહન કરવું પડે છે.

આ કિસ્સામાં પુત્રી-વાર્તાકાર કે જે હું છું એ ભયંકર રીતે શરમ અનુભવે છે, કારણ કે દીકરી વિચારે છે કે દુનિયા તો તેના વિશેની ધારણા તેના વ્યસની પિતાના સંદર્ભમાં જ બાંધશે. એવા પિતા જે કાયમ નશામાં રહે છે અને ખુદને મૂર્ખ સાબિત કરે છે.

આ શરમ નવલકથાની પ્રત્યેક પંક્તિ પર છવાયેલી છે. દીકરીના જીવનનાં 40 વર્ષ સુધી, તે કિશોરીમાંથી આધેડ વયની સ્ત્રી અને પુખ્ત બને છે ત્યાં સુધી તેનો પ્રભાવ રહે છે.

પિતાને ગળે વળગાડવાની હિંમત ક્યારેય કેમ ન કરી?

સવાલઃ તમે લખ્યું છે, “મારા પિતા શરાબી હતા. જોકે, આ શબ્દનો લગભગ કોઈ અર્થ નથી. શરાબી બની જાય છે અને બધા શરાબીઓમાં સૌથી વધુ શરાબી હોય તે પણ કાયમ નશામાં રહેતો નથી.” શું મદ્યપાન કરવું તે કોઈ ઓળખ છે? કોઈ સૌથી વધારે નશામાં ક્યારે હોય છે? તે દરેક ચીજમાં વ્યાપ્ત હોય છે?

જવાબઃ નશામાં હોવું તેના ઘણા અર્થ છે. એવું લાગે છે કે કંઈક કહે છે, પરંતુ વાસ્તવમાં તે કશું કહેતો નથી. નશામાં હોવાનો અર્થ શું છે, સ્ત્રી હોવાનો અર્થ શું છે, સ્વતંત્રતાનો અર્થ શું છે? આપણે ભાષા દ્વારા સમજવાના પ્રયાસ કરીએ છીએ, પરંતુ શબ્દો ઘણી વાર અર્થહીન બની જાય છે અથવા તેનું સત્ત્વ ગુમાવી બેસે છે.

મને લાગે છે કે શબ્દોના કોચલામાં ખોદકામ કરવાથી તેમાં અર્થ ભરી શકાય છે અથવા વાસ્તવિકતાના એક ટુકડાને તે પ્રસ્થાપિત કરી દે છે, જેથી વધારે સારી રીતે કશુંક કહી શકાય.

એક લેખક તરીકે મને તે ગમે છે, તે કામ કરવાનો પ્રયાસ હું કરું છું. એ ઉપરાંત હું માનું છું કે હવે મારો વારો છે. દારૂનો નશો એ શબ્દનો અર્થ બીજો શું હોય? રાતાચોળ ગાલ સાથે શેરીમાં લથડિયાં ખાતો માણસ. તે બીજું શું હોય?

સવાલઃ એ સમજવાના પ્રયાસમાં તમે તમારી નવલકથાને તમારા પિતા માટેના પ્રશ્નોથી ભરી દીધી છેઃ “તમે તેમને ગળે વળગાડવાની હિંમત ક્યારેય કેમ ન કરી? તમને ક્યારેય એવું લાગ્યું હતું? તમે એવું શા માટે ન કર્યું? તમને એવું કરતા કોણે રોક્યા હતા?”

જવાબઃ તે બહુ જ ત્રુટિપૂર્ણ સંબંધ હતો. તેમાં અનેક તાલમેલ હતા અને તે બહુ ખરાબ, સંપૂર્ણપણે ખરાબ પણ થઈ ગયો હતો. મૌન રહેવાની, સવાલ નહીં પૂછવાની ભૂમિકા મને એ સંબંધમાંથી મળી હતી અને આવી પ્રકૃતિવાળા પિતાને લીધે મને જે પીડા થઈ હતી તેનો સામનો કરવા મને તેણે સક્ષમ બનાવી હતી.

હું પહેલાં એ મર્યાદા તોડવાની હિંમત કરી શકી ન હતી. તેમનું મૃત્યુ થયું ત્યારે જ હું એવું કરી શકી અને એ સમયે મેં કર્યું.

પુસ્તક લખવાનો અનુભવ કેવો રહ્યો?

સવાલઃ એ બધા અનુત્તર પ્રશ્નો છે. તેઓ શા માટે મદ્યપાન કરતા હતા અથવા જીવનભર મદ્યપાન શા માટે કરતા રહ્યા એ અમે જાણી શક્યા નથી. જોકે, ફરજિયાત લશ્કરી સેવા દરમિયાન તેમણે તમારી માતાને લખેલા પત્રમાં તેનો નાનો ઉલ્લેખ જરૂર છે. તમારા માટે તેમને વાચા આપવાનું જરૂરી હતું?

જવાબઃ હા. એ પત્રો બહાર આવ્યા તે ચમત્કાર હતો, કારણ કે તેમણે તેના પર ભરોસો કર્યો ન હતો.

નવલકથાના ચાર ભાગ પૈકીનો પહેલો ભાગ મારી બહેને મારા પિતાને તેમના કાર્યસ્થળે જોયા ત્યારે લખ્યો હતો. હું તેના અસ્તિત્વ વિશે જાણતી હતી, કારણ કે મેં મારી માતાનો હિસ્સો વાંચ્યો હતો, પરંતુ લખતી વખતે મેં તેના વિશે વિચાર્યું ન હતું.

પત્રો બાબતે ઉત્સુકતા હતી, કારણ કે એ તેમણે મારી માતા માટે લખ્યા હોવા છતાં પોતાની પાસે રાખ્યા હતા. તેથી મેં પુસ્તકમાં પણ સવાલ ઉઠાવ્યો છે કે આ પત્રો કોના છે, તે કોણે લખ્યા છે, તે કોને મોકલવામાં આવ્યા હતા અને તેને કોણે સાચવી રાખ્યા હતા?

એ પત્રો મારા હાથમાં આવ્યા ત્યારે હું તેને નવલકથામાં સામેલ કરવા ઇચ્છતી હતી, કારણ કે તે મહત્ત્વના હતા. એક તરફ તેમાં તેમનો અવાજ હતો અને બીજી તરફ તેમણે ચિક્કાર શરાબ પીવાનું શરૂ કર્યું એ ક્ષણને દર્શાવતા હતા.

પોતાની સાથે કોઈ સમસ્યા છે અને કદાચ લત લાગી નથી એ ભલે તેમને ખબર ન હોય, પરંતુ પત્રોમાં તેઓ એવું જ કહેતા હતા. તેઓ શા માટે અને કેટલું મદ્યપાન કરતા હતા એ પહેલેથી જ જાણતા હતા. એ પત્રો વાંચવાનું અને બીજા પિતાને મળવાનું જ્ઞાનવર્ધક હતું.

સવાલઃ આ પુસ્તક લખવાનો અનુભવ કેવો રહ્યો? તમે 40 વર્ષના સમયગાળાને આવરી લેતા પુસ્તકનું સર્જન કેવી રીતે કર્યું?

જવાબઃ તે ખૂબ જ સુખદ પ્રક્રિયા હતી. ઘણા લોકોએ મને કહ્યું છે કે જે વાર્તા કહેવામાં આવી છે, જે બહુ જ કઠોર છે અને કેટલાક ફકરાઓની કઠિનતાથી હું વાકેફ છું, પરંતુ તે વાસ્તવિક નથી. આ એક નવલકથા છે.

મેં મારી વાસ્તવિકતામાંથી એક કળાકૃતિ બનાવી છે અને વાસ્તવિકતા બહુ પીડા આપે છે, પરંતુ પુસ્તક એવું કરતું નથી. તેણે તમામ પીડાને સંવાદોમાં, પાત્રો મારફત અભિવ્યક્ત કરી શકાય એવા મલમનું કામ કર્યું છે.

તે એક તરફ છે અને 40 વર્ષના સમયગાળાને આવરી લેતું પુસ્તક બીજી તરફ છે. મારો ઇરાદો તેને સંપૂર્ણ બનાવવાનો ન હતો, કારણ કે તે અશક્ય છે. તેથી મેં અપૂર્ણતાને ઉભરવા દીધી.

પુસ્તક લખતા પહેલાં મેં ઘટનાઓનો, સીમાચિહ્નોનો, ફૉટોગ્રાફ્સનો, તેમણે લખેલી ચીજોનો એક નાનકડો નકશો બનાવ્યો હતો. મેં તેને એક નિશ્ચિત ક્રમ આપ્યો હતો અને પછી મેં બધાનું સંયોજન થવા દીધું હતું, જેને લીધે એવું તારામંડળ સર્જાયું, તે વાંચવા યોગ્ય છે.

તે માત્ર મારો હેતુ સર કરવા માટે ન હતું. હું એવું પુસ્તક લખવા ઇચ્છતી હતી, જેને લોકો વાંચે. તેથી જેઓ કથાથી અજાણ હતા તેમને મારે અર્થ સમજાવવાનો હતો.

'હું મૃત્યુને સામાન્ય રીતે નહીં, પણ ક્રૂર રીતે અનુભવવા માગું છું'

સવાલઃ તમારા પિતાએ આ પુસ્તક વાંચ્યું હોત તો તેમણે શું વિચાર્યું હોત, તમે શું માનો છો?

જવાબઃ હું નથી જાણતી, કારણ કે તેઓ બહુ ઓછું બોલતી વ્યક્તિ હતા, પરંતુ હું જે કંઈ કરતી હતી તેનું તેમણે પોતાની રીતે કાયમ સમર્થન કર્યું હતું. તેથી તેમણે ઠીક છે, ઓકે અથવા આગળ વધો એવું કશુંક, બહુ અર્થપૂર્ણ ન હોય તેવું કશુંક કહ્યું હોત.

મને નથી લાગતું કે તેઓ નારાજ હોય. મેં એવું કર્યું હોત તો હું તેમના ગુસ્સાને પણ સ્વીકારી શકી હોત, કારણ કે આ પુસ્તક લખી શકવા માટે હું મારી જાતની ઋણી છું.

સવાલઃ તમે તમારા પિતાના અવસાનને લીધે ડીપ્રેશનમાં ધકેલાઈ ગયાં હતાં, પરંતુ તેની સારવાર ન કરવાનો નિર્ણય તમે કર્યો હતો. “હું મૃત્યુને સામાન્ય રીતે નહીં, પણ ક્રૂર રીતે અનુભવવા માગું છું,” એવું તમે શા માટે લખ્યું છે?

જવાબઃ હું બેભાન થવા ઇચ્છતી ન હતી. પીડાને જ્યાં ફેલાવું હોય ત્યાં ફેલાય અને તે મને કેટલે દૂર લઈ જાય છે તેનું નિરીક્ષણ કરવા હું ઇચ્છતી હતી. આખરે તો પીડા પણ માહિતી હોય છે.

પીડામાંથી પસાર થવું એ મારા માટે ઉપચારનો એક માર્ગ હતું. એ ઉપરાંત પથારીમાંથી ઊભા થવા માટે ગોળીઓની જરૂર પડે એટલી ડિપ્રેસ્ડ હું ન હતી. હું માત્ર એટલું ઇચ્છતી હતી કે થોડા દિવસ કામ પર ન જવું પડે અને હું મારી જાત સાથે પથારીમાં પડી રહું.

હું પરંપરાગત દવાઓ કે મનોચિકિત્સાની વિરુદ્ધ બિલકુલ નથી. હું માનું છું કે ચોક્કસ પરિસ્થિતિમાં આપણે વધુ સારી રીતે જીવી શકીએ. એવા સામાજિક રોગો પણ છે અને તેમને સાયકૉટ્રોપિક દવાઓ હેઠળ આવરી લેવામાં આવે છે. એ અર્થમાં તે મને શરમજનક અને પારોઠનું પગલું ભર્યું હોય એવું લાગે છે.

'મારી માતાને પણ ઓળખી શકી'

સવાલઃ આ પુસ્તક લખવાથી તમને તમારાં માતાની નજીક જવામાં પણ મદદ મળી છે. તેઓ આ પુસ્તકમાં વ્યાપક હાજરી ધરાવતું એક પાત્ર છે. તેઓ પુસ્તકમાં કાઉન્ટરવેઇટનું કામ પણ કરે છે. પુસ્તકમાં તેઓ વારંવાર કહેતા રહે છે કે “મને પુરુષોની જરૂર નથી. તમને પુરુષોની જરૂર નથી. પ્રેમમાં ભરોસો કરશો નહીં. મૂર્ખ બનશો નહીં. મારા જેવા બનશો નહીં” તેઓ વાસ્તવમાં આવાં છે કે પછી હળવી રમૂજ વાર્તાને હળવી બનાવવાનું સાધન છે?

જવાબઃ તેઓ બહુ મહત્ત્વની વ્યક્તિ છે અને તેમની રમૂજવૃત્તિ પણ બહુ સારી છે. જોકે, તેઓ બહુ અશિષ્ટ અને ખરાબ સ્વભાવની વ્યક્તિ છે. તેઓ ખરેખર એવાં છે એવું મને વારંવાર પૂછવામાં આવે છે અને તે હું સમજી શકું છું, કારણ કે હું આત્મકથાત્મક પુસ્તકો વાંચું છું ત્યારે મારી સાથે પણ આવું થાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ આવાં નથી, કારણ કે પુસ્તકમાં જે છે તે એક પાત્ર છે.

મારાં માતા કોણ છે અને કેવાં છે એ ઊંડાણપૂર્વક જાણવાનું શરૂ કરું તો તેમને પુસ્તકમાં જેવા દર્શાવ્યાં છે તેવી રીતે શબ્દાંકિત કરી શકીશ નહીં. અલબત્ત, તમે તેમને ઓળખતા હો અને આ પુસ્તક વાંચો તો તેમને આસાનીથી ઓળખી શકશો, કારણ કે વ્યક્તિ અને પાત્રમાં ઘણી સમાનતા છે. કહેવાનો મતલબ એ છે કે તમે જે વાંચ્યું છે તે પણ મારાં માતા છે.

સવાલઃ પાત્રોની વાત કરીએ તો તેમાં રૅન્ટેરિયા પણ છે. તમારો જન્મ ત્યાં થયો હતો, તમે તેમાં મોટા થયાં હતાં અને આખી નવલકથા પણ તેમાં આકાર પામી છે. તેને લીધે તમને 80ના દાયકાના વાતાવરણમાં કથાની શરૂઆત કરવામાં મદદ મળી છે. એ સમયગાળો બાસ્ક કન્ટ્રીમાં રાજકીય રીતે અશાંત સમય હતો. ઇટીએ બૉમ્બ સાથે ત્યજી દેવાયેલા બેકપેક્સ, રાજકીય પક્ષોના મુખ્યાલયને આગચંપી, વિરોધપ્રદર્શનો સહિતની સામાજિક-રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ. આ બધાનો હેતુ શું?

જવાબઃ મારા માટે રૅન્ટેરિયાનો સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કર્યા વિના આ વાર્તા કહેવાનું અશક્ય હતું, કારણ કે તે ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ ઐતિહાસિક-રાજકીય પરિસ્થિતિમાં બનતું હોય છે. સ્થાન અન્ય હોત, સમય અન્ય હોત, ઐતિહાસિક-સામાજિક પરિસ્થિતિ અલગ હોત તો વાર્તા પણ અલગ હોત.

મને કથાપ્રવાહમાં સામાજિક કે રાજકીય પાસાના સંદર્ભ આપવામાં, બહુ જ અશાંત ક્ષણમાં તેનું ઘડતર કરવામાં અને તેને જે કોઈ વાંચે તેનો અન્ય પરિવારમાં શું થઈ રહ્યું છે તેની સાથે સંવાદ સ્થપાય તેમાં વધારે રસ હતો. આવા નગરમાં, શહેરમાં તથા શહેરમાં શું થાય છે અને શા માટે થાય છે તે જણાવવામાં રસ હતો. સામાજિક અને ઘનિષ્ઠ સંવાદમાં પણ મને બહુ રસ પડ્યો હતો.