You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજદ્રોહનો એ કેસ શું છે જેમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત આપી?
- લેેખક, સુચિત્રા કે. મોહંતી
- પદ, બીબીસી માટે
ગુજરાત હાઈકોર્ટે આપેલા તાજેતરના આદેશમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ 2015ના રાજદ્રોહના કેસમાં અમદાવાદ જિલ્લાના સેશન્સ જજ દ્વારા જાહેર કરવામાં આવેલ ધરપકડ વૉરન્ટને રદ કર્યું છે અને અમદાવાદ સેશન્સ કોર્ટના ચુકાદાને પલટાવ્યો છે.
12 પાનાંનાં કોર્ટના આદેશની નકલની બીબીસી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે જેમાં આ વાત બહાર આવી છે.
હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું છે કે, મારા અસીલને મળેલી આ બહુ મોટી રાહત છે.
તેમણે કહ્યું હતું કે, "16મી ઑક્ટોબર, સોમવારના રોજ ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સેશન્સ જજે આપેલા આદેશને પલટ્યો છે અને 2015ના રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલનું ધરપકડનું વૉરન્ટ રદ કર્યું છે."
હાર્દિક પટેલ કે જેઓ હવે ભાજપના ધારાસભ્ય છે, તેમને કલમ 121-એ (ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવું, અથવા યુદ્ધ કરવા માટે લોકોને ઉશ્કેરવા), 124-એ (રાજદ્રોહ) હેઠળ 2015ની એક એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એ સિવાય ભારતીય દંડ સંહિતા(IPC) ની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) પણ તેમના પર લગાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં પાટીદાર સમુદાય માટેના આરક્ષણ માટે થયેલા હિંસક આંદોલનના સંદર્ભમાં તેમના પર આ કલમો લગાવવામાં આવી હતી.
અહીં એ વાત નોંધનીય છે કે 29 વર્ષીય પાટીદાર નેતા હાર્દિક પટેલે ગત વર્ષે મે મહિનામાં જ કૉંગ્રેસ છોડી દીધી હતી અને જૂનના પ્રથમ સપ્તાહમાં જ વિધિવત રીતે ભાજપ પ્રવેશ કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રહિતમાં થઈ રહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યોને જોઈને તેમનો સૈનિક બનવું એ મારી ફરજ બને છે."
કોર્ટે શું આદેશ આપ્યો?
ન્યાયાધીશ સંદીપ એન. ભટ્ટની બૅન્ચે આદેશ પસાર કર્યો હતો કે જો તેમના નામ પર જારી કરવામાં આવેલું બિનજામીનપાત્ર વૉરન્ટ રદ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. રાજદ્રોહ કાયદો હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો વિચારાધીન છે ત્યારે તેની હેઠળ ધરપકડ ન થવી જોઈએ તેવી ફરિયાદી પક્ષની દલીલ પછી ન્યાયાધીશે આ આદેશ આપ્યો હતો.
હાર્દિક પટેલના વકીલ લોખંડવાલાએ ટ્રાયલ કોર્ટના આદેશને પલટવા માટે એક મજબૂત કેસ બનાવ્યો હતો અને તેમણે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલ દ્વારા હાલની અરજીમાં જે વિનંતી કરવામાં આવી છે તેના પર વિચાર કરવામાં આવે. અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે હવે સુપ્રીમ કોર્ટ આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહ કાયદો) ની માન્યતા પર પણ વિચાર કરી રહી છે ત્યારે જૂના ઑર્ડરને રદ કરીને નવો યોગ્ય ઑર્ડર આપી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ, ગુજરાત રાજ્ય તરફથી હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) મિતેશ અમીને પણ સ્વીકાર્યું હતું કે હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજદ્રોહ મામલે કાર્યવાહી પેન્ડિંગ છે અને તેથી હાલની અરજીમાં આરોપી દ્વારા માગવામાં આવેલી રાહતને હાલમાં મંજૂરી આપી શકાય છે.
ત્યારબાદ જસ્ટિસ ભટ્ટે 16 ઑક્ટોબર, સોમવારે તેમના આદેશમાં જણાવ્યું હતું કે,
"રાજદ્રોહના કાયદાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, બંને પક્ષો એ મામલે સહમત છે કે નીચલી કોર્ટનો આદેશ અત્યારે બાજુ પર મૂકી શકાય છે. આથી, સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલો 2020નો આદેશ રદ કરવામાં આવે છે."
2020માં જાહેર કરવામાં આવ્યું હતું વૉરન્ટ
અહીં ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ વિરુદ્ધ ફેબ્રુઆરી 2020માં એક ધરપકડ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે 2015માં થયેલા આ કેસની સુનાવણીમાં તેમની વારંવાર ગેરહાજરી હતી. તે સમયે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હતા.
હાર્દિક પટેલે 2015ની એફઆઈઆરના સંબંધમાં તેમની ધરપકડ થવાના ડરે અમદાવાદની સેશન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, જેને જાન્યુઆરી 2020માં ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આ ચુકાદાને પડકારવા માટે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા.
લોખંડવાલાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની ધરપકડની આશંકાથી તેઓ કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી.
તેમણે એવી પણ દલીલ આપી હતી કે હાર્દિક પટેલે સેશન્સ કોર્ટના જજ સમક્ષ મુક્તિની અરજી દાખલ કરી હતી, પરંતુ તેમણે ખોટી માહિતીના આધારે તેમની મુક્તિ અરજી ફગાવી દીધી હતી અને બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું.
હાર્દિક પટેલ સામે કેમ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો?
ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે પાટીદાર નેતા હાર્દિક પટેલે 25 ઑગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી.
તે રેલી બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ડઝન કરતાં વધુ પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં તથા ઘણી સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું.
હિંસાને પગલે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા તથા ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'ના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.
ઑક્ટોબર 2015માં તેમની ધરપકડ કરાઈ હતી અને તેમને સુરતની જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જુલાઈ 2016માં જામીન મળ્યા હતા.
વારંવાર વૉરન્ટ કાઢવા છતાં હાજર ન રહેવા બદલ અમદાવાદની સ્થાનિક કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં બિન-જામીનપાત્ર વૉરન્ટ કાઢ્યું હતું.
જેના આધારે જાન્યુઆરી 2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.
સરકારી પક્ષે દલીલ આપી હતી કે હાર્દિક પટેલે ન્યાયપ્રક્રિયાને ધીમી પાડવાનો પ્રયાસ કર્યો હતો તથા જામીનની શરતોનો ભંગ કર્યો હતો.
તેમને પાંચ દિવસ પછી શરતી જામીન આપવામાં આવ્યા હતા.