ઝવેરીલાલ મહેતા : સંવેદનાની નિસ્બત અને સમાજની નાડના 'ઝવેરી' ફોટોજર્નાલિસ્ટ

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, hasit mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ મહેતા
    • લેેખક, હસિત મહેતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓને અને ગુજરાતી અખબાર જગતને પહેલી વાર પ્રેસફોટો અને ફોટોસ્ટોરી વચ્ચેનો કે પ્રેસફોટોગ્રાફર અને ફોટોજર્નાલિસ્ટ વચ્ચેનો તફાવત બતાવનાર ઝવેરીલાલ મહેતાએ 27 નવેમ્બરે 97 વર્ષની વયે ટૂંકી માંદગી પછી અમદાવાદમાં દીકરીના ઘરે અંતિમશ્વાસ લીધા. એ ગયા ત્યારે એમની જર્નાલિસ્ટિક ફોટોગ્રાફીને 60 વર્ષ થયા હતા, પણ ગુજરાતમાં આ પ્રકારની ફોટોસ્ટોરીનો જાણે કે એક યુગ પૂરો થયો.

ઝવેરીલાલ મહેતા એટલે માત્ર એક જ સ્ટ્રોકમાં, એક જ ક્લિકમાં, વિચક્ષણ અને ન જોયેલું બતાવનાર દૃષ્ટિવંત ફોટોગ્રાફર.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ કૉમનમૅનના કાર્ટૂન થકી આર.કે. લક્ષ્મણને અને ટાઇમ્સના પહેલા પાનાને અલાયદી ઓળખ આપી, એ રીતે ગુજરાતી અખબાર જગતમાં પહેલા પાને રાઇટ ટૉપ કૉર્નરે ચાર કૉલમમાં કૉમનમેનના પ્રશ્નોને રજૂ કરતાં ફોટોગ્રાફ્સની જગ્યા કરનાર અગ્રણી દૈનિક ‘ગુજરાત સમાચાર’એ પણ ઝવેરીલાલ મહેતા નામના યુગતારકને જન્મ આપ્યો.

“પહેલા પાને ટૉપ ઉપર તો બૉસ, આપણો જ ફોટો હોય” એવા (ઓવર) કૉન્ફિડન્સવાળા ઝવેરીલાલ તંત્રીવિભાગમાં ડેડલાઇનને પહોંચી વળવાના ટૅન્શનવાળા રાતના સમયે એમ બોલતા સંભળાયા છે કે ‘આ જગા તો શેઠે કાયમ માટે આપણને જ ભાડે આપી દીધી છે.’ આ વાત વર્ષો સુધી સાચી પણ રહી.

આમ તો છબિકળા અને ચિત્રકળા આર્ટ અને ક્રાફ્ટનાં બે વૉટરટાઇટ કમ્પાર્ટમૅન્ટમાં વહેંચાયેલાં છે. ચિત્ર-પૅઇન્ટિંગ એ કળા અને છબિ-ફોટોગ્રાફી એ કારીગરી. આ ભેદ ઝવેરીલાલ જેવા લેજેન્ડરી ફોટોજર્નાલિસ્ટે ભૂંસી નાંખ્યો હતો, કારણ કે તેઓ ફોટોગ્રાફીને ટેકનિકના ક્રાફ્ટમાંથી ક્રિએટિવ આર્ટ તરફ લઈ ગયા હતા.

ફોટોલાઇન ઝવેરીલાલની ઓળખ

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ મહેતાએ લીધેલી એક તસવીર

એમણે 1960ના દાયકામાં આ ક્ષેત્રમાં રીતસરનો પ્રવેશ તો પાર્ટટાઇમથી કર્યો હતો. 7-8-1928એ ઝાલાવાડના હળવદમાં જન્મ્યા. ધ્રાંગધ્રામાં મૅટ્રિક થયા, મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં ભણ્યા.

અમદાવાદની અરવિંદ મિલમાં ટેક્સ્ટાઇલ આર્ટિસ્ટ બન્યા. એ પછી ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ કૉલમમાં એમની તસવીરો છપાવવા માંડી.

તેમની 17 વર્ષની ટેક્સ્ટાઇલ આર્ટિસ્ટની કારકિર્દીનો અંત ત્યારે આવ્યો જ્યારે 1969ની એક સાંજે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિભાઈ શાહે નવયુવાન પત્રકાર દેવેન્દ્ર પટેલ મારફતે ઝવેરીલાલને કહેણ મોકલ્યું કે, ફુલટાઇમ પ્રેસફોટોગ્રાફર તરીકે ગુજરાત સમાચાર સાથે જોડાઈ જાવ. ત્યારની એ ઘડી અને અંતિમ શ્વાસ સુધીનો દહાડો, ઝવેરીલાલ અને ‘ગુજરાત સમાચાર’ સાડા પાંચ દાયકા સુધી એકમેકના પર્યાય બની ગયા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સમયે ગુજરાતી અખબારોમાં મોટે ભાગે જે કોઈ ફોટોગ્રાફ્સ છપાતાં તે ઔપચારિક પ્રસંગો અને રેઢિયાળ ઘટનાઓના જ રહેતા. ઉદ્ઘાટન, જાહેરસભા, ભાષણ, મોટા નેતાનું આગમન કે જાણીતી વ્યક્તિના અવસાન જેવી ફૉર્મલ ઘટનાઓમાં રૂઢ થઈ ગયેલી ભાષામાં ટૂંકી ફોટોલાઇન હોય.

ઝવેરીલાલે આ થંભ થઈ ગયેલું રેઢિયાળપણું તોડ્યું. માત્ર ‘ગુજરાત સમાચાર’ને જ નહીં, પરંતુ આખા ગુજરાતી અખબાર જગતને તેમના ફોટોગ્રાફ થકી એક નવો ચહેરો, પહેલા પાનનો જુદો અને આકર્ષક લે-આઉટ મળ્યો.

એમના ફોટોગ્રાફ્સ એમના કૅમેરા કરતાં એમની ક્રિએટિવ દૃષ્ટિએ, જુદું જોતી આંખે અને નવું પારખતી બુદ્ધિપ્રતિભાએ ઝીલ્યાં છે. ગુજરાતી સમાજને, સંસ્કૃતિને, સંવેદનાને અને સામાન્ય માણસને તેમણે હાંસિયામાંથી પહેલા પાને સ્થાન અપાવ્યું છે. દબાયેલાં, વંચિત રહેતા અવાજને તેમણે અસરકારક તસવીરનો વિષય બનાવ્યો છે.

એક એવરેજ ફોટોગ્રાફર પૂર્વનિર્ધારિત પ્રસંગ કે ઘટનાને જ જુએ, એક પ્રેસફોટોગ્રાફર એને સોંપાયેલા વિષયની જ ક્લિક કરે, પણ ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ તો deviationના માણસ.

પોતાના પ્રેસ ફોટાઓમાં તેમણે કચકડું અને કળાને, શબ્દને અને દૃશ્યને, સંવેદનાને અને કૅમેરાને એકબીજામાં ભેળવી દઈને ગુજરાતમાં ફોટોસ્ટોરીનો નવો યુગ ઊભો કર્યો છે.

ફોટોગ્રાફીની ઉત્તમ સૂઝ

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ મહેતાએ લીધેલી એક તસવીર

એમની ફોટોગ્રાફીની ટેકનિકલ સફળતા એ કે તેમણે કદી ફ્લેશનો ઉપયોગ કર્યો નથી. નેચરલ લાઇટને જ કેન્દ્રમાં રાખી છે.

અન્ડરલાઇટ હોય, રૉંગલાઇટ હોય કે ઇનર ફોટોગ્રાફી કરવાની હોય, એમણે અપવાદરૂપે પણ ફ્લેશનું બટન દબાવ્યું નથી.

કૅમેરાનાં બેઝિક ફીચરથી તેઓ ઘટના કે વ્યક્તિને સેન્ટરમાં રાખીને તેજછાયાની એવી રમત ઝીલે કે જોનાર બોલી ઊઠે, ‘માસ્ટર પીસ’!

એ સમયે ડિજિટલ ફોટોગ્રાફી તો નહોતી. ફોટોશૉપ અને ઍડિટિંગનાં કોઈ ટૂલ્સ પણ નહોતાં. જે કાંઈ હતું તે ઝવેરીલાલની દૃશ્યને પેલે પાર જોવાની દૃષ્ટિ અને વેગવંતી આંગળીઓની કરામત.

ઘટનાસ્થળે (આ પણ એમનો તકિયાકલમ, જ્યાં ફોટો પાડવા જાય ત્યાં કામ પતે એટલે બોલે જ કે, હવે ઘટનાસ્થળ છોડીએ) એ આંટાફેરા માર્યા જ કરે. એમની આંખો કંઈક જુદું જ શોધતી હોય. જેવો એમને મનગમતો કે સંતોષ આપતો એંગલ મળે એટલે ક્લિક થાય.

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, hasit mehta

ઇમેજ કૅપ્શન, પ્રાકૃતિક પ્રકાશમાં ઝવેરીલાલ મહેતાની તસવીર

તેઓ માનતા કે 100 ક્લિકમાંથી બે શૉટ્સ સારા પડે, એના કરતાં બે ક્લિકમાં 100% સફળ શૉટ્સ કેમ ન હોય? શરૂઆતના ગાળે એમણે ‘રોલીગોડ’ કૅમેરા લીધેલો, જેમાં ડાયાફ્રેર્મ, સ્પીડ, ફોકસિંગ, લાઇટિંગ, બધાનું સંકલન પોતાની આવડત પ્રમાણે જ કરવું પડતું.

એમણે કદી મોંઘા કૅમેરાનો કે આધુનિક સરંજામનો આગ્રહ રાખ્યો નથી. પોતાના કૅમેરામાં તેઓ Pentex K 1000 અને નૉર્મલ 55mmનો બેઝિક લૅન્સ જ વાપરતા.

ઓછામાં ઓછી ટેકનિક્સ, ટેક્નૉલૉજી અને મટીરિયલ્સનો ઉપયોગ કરીને તેમની કેળવાયેલી આંખે જે કાંઈ કૅમેરામાં ઝડપ્યું, તે અનેરું રહેતું. માંડ એક-બે ક્લિક, એક-બે પોઝ, તે પણ ફ્લૅશ અને નિશ્ચિત ગોઠવણી વગર તેઓ પાડે એટલે અનયુઝ્વલ ફોટો જ નીકળે.

આજે અનયુઝવલ ફોટોગ્રાફીનો સમય ફરી પાછો આવ્યો છે. ઍડિટોરિયલનો દૃષ્ટિકોણ બદલાયો છે. અનઍડિટેડ ફોટોગ્રાફીનું મહત્ત્વ વધ્યું છે.

ઝવેરીલાલે ફોટોગ્રાફી આરંભી ત્યારે આવી નેચરલ ફોટોગ્રાફી ફરજિયાત હતી. વચ્ચેનો ગાળો ઍડિટેડ ફોટોગ્રાફીનો આવ્યો.

બનાવટી નહીં પણ સંપાદિત કરેલી ફોટોગ્રાફી, ઍંગલ અને લાઇટ્સ ઍડજસ્ટ કરેલી ફોટોગ્રાફી, મેઇન શૉટ્સ હાઇલાઇટ થયો હોય અને આસપાસનાં દૃશ્યો બ્લર થયાં હોય તેવી ફોટોગ્રાફી.

એ ટેક્નૉલૉજીએ ઊભી કરેલી કુત્રિમતાની એકરૂપતાથી કંટાળીને, ઝવેરીલાલની ફોટોગ્રાફી જ્યારે પૂરી થઈ એ સમયે એમની શરૂઆતના સમયની પેલી પ્રાકૃતિક ફોટોગ્રાફીનું ફરીથી આકર્ષણ ઊભું થયું છે.

ફોટોગ્રાફીની જેમ પહેરવેશ આગવી ઓળખ

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

ઇમેજ કૅપ્શન, અદ્ભૂત ક્ષણોને કૅમેરામાં કેદ કરવાની ઝવેરીલાલ મહેતામાં હતી મહારત

પ્રકૃતિએ ઝવેરીલાલને પોતાના જ પ્રેમમાં એટલા ગળાડૂબ કર્યા કે કદી કોઈથી અંજાયા નહીં.

તેઓ કહેતા કે મારે જિંદગીમાં કોઈની જરૂર પડવાની નથી. થયું પણ એવું જ. જે ખુમારીથી તેઓ જીવ્યા, એ છેક સુધી જાળવી રાખી. પહેરવેશે તેઓ કદી કેઝ્યુઅલ હોય નહીં. હંમેશાં ઇસ્ત્રીટાઇટ ઇનસર્ટ, ચેઇનવાળા હૉલ બુટ, માથે કાળી હેટ અને ક્લિનસેવ ઉપર પેન્સિલથી અંકાયેલી પાતળી-કાળી મૂછ. અદ્દલ કિશોરકુમાર જેવી એમની અદા કહી આપતી કે તેઓ કિશોરકુમારના આજીવન ફેન હતા.

ઍક્શન અને ઍક્સ્પ્રેશનના સમન્વયની ફોટોગ્રાફીના તેઓ મહારથી હતા. Moment for the usual moment and after the usual momentના ધણી હતા.

વિષયમાંથી, ઘટનામાંથી અલગ જ ક્ષણ પકડવાની તેમની આવડત એકદમ તાજ્જુબ લાવી દે તેવી. કોઈ સફળ જર્નાલિસ્ટમાં જેમ સમાચારને પારખવાની શક્તિ હોય તેમ ઝવેરીલાલ પાસે સમાચારને દૃશ્યાત્મક કરવાની શક્તિ હતી.

કૅમેરામાં નરી વાસ્તવિકતા કંડારતા

ઝવેરીલાલ

ઇમેજ સ્રોત, Hasit Mehta

ઇમેજ કૅપ્શન, કૅમેરા અને તેમને મળેલા ઍવૉર્ડ સાથે ઝવેરીલાલની તસવીર

તેમની સાથે ઘણાં વર્ષો કામ કરનાર વરિષ્ઠ સ્તંભલેખક ભવેન કચ્છીના શબ્દોમાં કહીએ તો તેઓ કૅમેરાથી નહીં, આંખથી ફોટા પાડતા હતા. ઘટનાને નહીં, સંવેદનાને ઝીલતા હતા.

હમણાં, તેમના અવસાન સમયે કોઈએ સોશિયલ મીડિયા પર એક કૅમેરા ઉપર કાળી-અણિયારી હેટ મૂકી હોય તેવું સિમ્બોલ ચિત્ર તેમના માટે મૂકેલું, એમનું બરાબર એવું જ હતું. ઝવેરીલાલના કૅમેરા ઉપર ઝવેરીલાલ હાવી થઈ જતા.

એક વખત એમને અમદાવાદમાં ચાલતી રામલીલાનો ફોટો લેવાનું સોંપાયું. તેઓ ટેવ પ્રમાણે રામલીલાના સ્ટેજ સામે નહીં, પરંતુ સ્ટેજ પાછળ પહોંચ્યા, જ્યાં મોઢા ઉપર દસ માથાંનો ભાર પહેરીને રાવણ રકાબીની ચાને ફૂંક મારે છે અને પૂછડું લટકાવેલો હનુમાન એમની રકાબીમાં કીટલીથી ચા રેડે છે.

બીજા દિવસે આ ફોટો છપાયો ત્યારે સમજાયું કે રામલીલાના ભગવાનને નહીં, પરંતુ એની પછવાડેના માનવીય ચહેરાને, નરી વાસ્તવિક્તાને જ ઝડપવી, એ જ તેમનો motto.

કોઈના ઘરે જાય કે પ્રસંગમાં, તેઓ ઘરની બહાર અને સમારંભની પાછળ જ વધારે સમય ગાળે.

રાજીવ ગાંધીની હત્યા પછીના કવરેજમાં અન્ય ફોટોગ્રાફર્સ અંતિમ દર્શને મુકાયેલા રાજીવ અને ઊમટેલી ભીડને કવર કરે, ત્યાં ઝવેરીલાલ દૂરથી મેનકા ગાંધીની આંગળી પકડીને આવતા નાનકડા વરુણ ગાંધીનાં બાળસહજ લટકાંને ઝીલે.

મોરારજી દેસાઈ અને હિતેન્દ્ર દેસાઈ વચ્ચેના રાજકીય ગજગ્રાહને એમણે પ્રવેશબંધીવાળી એક ઑફિસના બંધ બારણાની તિરાડ વચ્ચેથી એવી તો આબેહૂબ ઝીલી હતી કે ફોટો જોનાર સમજી જાય કે સામસામા બેઠેલા આ નેતાઓના ચહેરા ઉપર અણબનાવની તંગદિલી કઈ કક્ષાની છે.

પ્રાણવાન નેચરલ ફોટોગ્રાફી

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, hasit mehta

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન સાથે ઝવેરીલાલ મહેતાની તસવીર

અમદાવાદની PRLમાં નેશનલ લેવલના વૈજ્ઞાનિકો ઊમટ્યા હતા. સમારંભના સ્ટેજ પર ભારતના who’s who ગણાતાં સાયન્ટિસ્ટની આખી હરોળ બેઠી હતી, પણ ઝવેરીલાલનો કૅમેરો તો સભાખણ્ડની બેઠકો તરફની લૉબીમાં ખુરશીઓ વચ્ચેનાં પગથિયાં ઉપર બેઠેલા શ્રોતાઓ તરફ.

કારણ કે ત્યાં સ્લિપર પહેરીને સાવ સામાન્ય વેશમાં અને ઢીંચણિયા પોઝમાં બેઠા હતા અબ્દુલજી. જે વર્ષો પછી દેશ અને દુનિયામાં ડૉ. કલામ તરીકે લોકચાહક બન્યા, અને ભારતના સફળ રાષ્ટ્રપતિ પણ. આણંદની NDDBમાં આવેલા પ્રિન્સ ચાર્લ્સની એક નાના બાળક સાથે ગમ્મત કરતી એમની તસવીર ભારત અને લંડનમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

નેચરલ ફોટોગ્રાફી એમનો પ્રાણ હતી. નેચરલ પર્સનાલિટી એમનો જીવન-અભિગમ હતો. 2018માં પદ્મશ્રી પુરષ્કાર મેળવવા માટે દિલ્હી પહોંચ્યા, જ્યાં આગલી સાંજે એમને પ્રેક્ટિસ કરાવનારે કહ્યું કે આ રીતે બેસવું, પેલી લાઇનમાં ચાલવું, અમુક રીતે ઍવૉર્ડ લેવો, અને છેલ્લે ફોટોગ્રાફ માટે જમણી તરફ મોઢું કરીને હસવું. પણ ઝવેરીલાલ જેનું નામ, તે આવી ગોઠવણવાળી ફોટોગ્રાફીને ગાંઠે?

તેઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રીનો પુરસ્કાર લેતી વખતે પણ ગોઠવાયેલી ફોટોગ્રાફીને તો ના જ ગાંઠ્યા. મોઢું જમણી તરફ ના ફેરવ્યું અને સાઇડ ફેશથી ઍવૉર્ડ લેતાં નેચરલ ભાવવાળા ફોટાથી સંતોષ માન્યો.

ચોપડીઓ નહીં માણસના ચહેરા વાંચતા તસવીરકાર

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, hasit mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ મહેતા

આ માટે તેઓ જબરજસ્ત ફિલ્ડવર્ક કરતાં. એક સામાન્ય માણસ અસ્તિત્વ માટે, રોજીરોટી માટે જેવો સંઘર્ષ ખેલે, એવો જ સંઘર્ષ તેઓ સહજ, ગોપનીય અને અવનવા વિષયોની શોધ માટે કરતાં. દૂર-દૂર સુધીનો પ્રવાસ એમને માટે કદી થાકનો વિષય નહોતો.

મોરબી મચ્છુ ડૅમની હોનારત, દિલ્હી ઇન્દિરા ગાંધીની હત્યા, શતાયુ મોરારજી દેસાઈનું અવસાન, રિચર્ડ ઍટનબરોની ગાંધી ફિલ્મ માટે દિલ્હીના મુખ્ય માર્ગો ઉપર અંતિમયાત્રા માટે ગોઠવાયેલું શૂટિંગ, ગ્વાલિયરનાં રાજકુંવરીનો લગ્નસમારંભ, કચ્છનો ભૂકંપ, માધવપુરમાં સુનામી સમયનો વિકરાળ દરિયો, અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસની જાહેરાતના શૂટિંગ્સ..... એમણે કદી પ્રવાસના કંટાળા હેઠળ ફોટોગ્રાફી સાથે બેઈમાની કરી હોય એમ બન્યું નથી.

એમની કરામત જેટલી ફોટોગ્રાફીમાં, એથીયે વિશેષ ફોટા નીચે લખાતી ભાષામાં. એ તળપદા-દેશી શબ્દોના સ્વામી હતા. એમની કલમે લખાતી ફોટોલાઇન્સ એટલી તો લોકપ્રિય થઈ કે એમાંથી અખબારી જગતમાં ફોટોસ્ટોરીની એક નવી બ્રાન્ચ ઊભી થઈ.

એમને કોઈકે પૂછ્યું કે, "ઝવેરીલાલ, તમે શું વાંચો છો?"

જવાબ મળ્યો કે, "હું ચોપડા નહીં, માણસોના ચહેરા વાંચું છું."

તળપદી ભાષાના સ્વામી

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ મહેતાએ લીધેલી એક તસવીર

તેઓ માનતા કે ‘છાપાં વાંચતા સમૂહને દિલની ભાષા જોઈએ, દિમાગની નહીં. મારે સાહિત્ય નથી રચવાનું, સંવેદના પહોંચાડવાની છે. જો બીજાનું વાંચું તો મારા પોતીકા શબ્દો દબાઈ જાય, તેથી હું તો મારું જ ચલાવે રાખું છું.’

આ કાઠિયાવાડી જણની ભાષા સાવ જ તળપદી. એ લખાણની ભાષા જ નહીં, બોલાતી ભાષાને એ લખી જાણતા. એમનું લખાણ ક્યારેક બોલકું, હદબહારનું લાઉડ, તોછડું કે બિનજરૂરી હૃદયચૂંભક પણ ખરું.

  • નર્મદા નહેરનું ઉદ્ઘાટન કરતી એક ક્લિક નીચે તેમણે લખ્યું કે ‘નર્મદા ઢગી થઈ ગઈ પણ ડૅમ હજુ પૂરો ના થયો.’
  • મોડાસાની નવી રેલવે લાઇનના આરંભની તસવીર નીચે તેઓ લખે છે કે ‘મંડપ નંખાઈ ગયો પણ એન્જિન વરરાજો ગુમ છે.’
  • વકીલોના એક પુસ્તક વિમોચનમાં કવરની ગાંઠ છૂટતાં વાર લાગી તે ક્ષણને ઝડપી લખ્યું કે ‘આ ગાંઠ પણ વકીલોની જેમ ખરા સમયે પજવી ગઈ’.
  • ગ્વાલિયરની રાજકુંવરીના લગ્નસમારંભના કવરેજમાં લખાયું કે ‘હવે ચાંદીના બરતનમાં તેતરનું માંસ પીરસાશે’.

વલ્લભ વિદ્યાનગરમાં સાગમટે થયેલા વૃક્ષછેદનની ઑફબીટ તસવીર નીચે સમાજ, સરકાર અને કોર્ટને એવી તો આડે હાથે લીધી કે હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન થઈ અને વૃક્ષછેદન અટક્યું.

લખાણમાં અને બોલવામાં તેઓ કૅમેરા જેવા જ પારદર્શક, અને પ્રલંબ પણ ખરા. એમના વિચારથી કંઈક જુદું થાય એટલે ઉશ્કેરાય, અને એ ઉશ્કેરાટ એમની ફોટોસ્ટોરી જેવો લાંબો ચાલે. ફોટો તો અદ્ભુત હોય, પણ નીચેનું લખાણ એટલું લાંબું હોય કે મૂળ વાત સુધી પહોંચતા ઘણી વાર લાગે.

ફોટામાં જે પંચલાઇન દેખાય એ તેમની સ્ટોરીમાં શોધતી વખતે ઘાસની ગંજીમાંથી સોય મેળવવા જેવો શ્રમ અનુભવાય. પરંતુ એમાં જે ભાવ હોય, લોકબોલીના સહજ શબ્દો અને પ્રયોગો હોય, આક્રમક ઍપ્રોચ હોય અને મૂળ મુદ્દાની જમાવટ માટેની જે ભૂમિકા હોય, એ કોઈ પણ સામાન્ય અખબારી વાચકને પ્રભાવિત કર્યા વગર રહે જ નહીં.

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, hasit mehta

ઇમેજ કૅપ્શન, ફિલ્ડ વર્ક સમયની ઝવેરીલાલ મહેતાની એક તસવીર

ભવેન કચ્છીને આપેલી એક મુલાકાતમાં એમણે કહેલું કે ‘હું કાગળ ઉપર પેન મૂકું ત્યારે એક દેવચકલી આવીને તેની ઉપર બેસી જાય છે, અને જેવો છેલ્લો શબ્દ લખાય એટલે ઊડી જાય છે.’

દેવચકલીનું આ ફિનોમીના એમના વિચારો, વ્યક્તિત્વ અને વાણીનો સિમ્બોલ હતું. તેઓ બોલવામાં, સંબંધો બાંધવામાં અને જાળવવામાં પક્ષી જેટલાં જ ચંચળ.

એમનો બહુશ્રુતપણાનો વિશેષ એમની રખડપટ્ટીમાંથી આવ્યો હશે. અજાણ્યા હોય કે જાણીતા, નાના હોય કે મોટા, દરેક સાથે હળીભળી જઈને ગોષ્ઠીઓ કરવાની, સદાય નવું જાણવાની અદમ્ય ઇચ્છા તેઓ રાખતા.

ઝવેરીલાલના ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

‘ગુજરાત સમાચાર’ની નોકરીમાં શરૂઆતે ચાર વર્ષ એમને દિલ્હીનો હવાલો અપાયો હતો. જ્યાં રઘુ રાય, એસ. પોલ, કિશોર પારેખ જેવા દિગ્ગજ ફોટોગ્રાફર્સ જોડે તેઓ ઘણું શીખ્યા.

ઇન્દિરા ગાંધીની તો એટલી નજીક થયા હતા કે તેમની સાથે રાખડી બાંધવાનો ભાઈ-બહેનનો સંબંધ બાંધી દીધો હતો.

એ સમયે કમ્પ્યુટર અને ઇ-મેઇલ તો હતા નહીં. જે તસવીર પાડે એને જાતે જ ડાર્કરૂમમાં ડૅવલપ કરે, પછી જરૂર હોય તો કાતર ફેરવીને તોડજોડવાળું કોલાઝ બનાવે, અને તેને ડાબા હાથે કવરમાં મૂકે અને જમણે પગે બજાજ સ્કૂટરની કીક મારીને પહોંચે એ દિલ્હી ઍરપૉર્ટ પર.

સદનસીબે ત્યારે સિક્યૉરિટીની આજના જેવી ભાંજગડ નહોતી. એટલે અમદાવાદ જતી કોઈ પણ ફ્લાઇટના કોઈ પણ અજાણ્યા પેસેન્જરને પકડે. ત્યારે પ્લેનનો મુસાફર કોઈ સામાન્યજણ તો હોય નહીં. મોટો નેતા હોય કે ઉદ્યોગપતિ.

ઝવેરીલાલ એની જોડે કુરિયર સર્વિસ કરાવવાનો સંબંધ બે-ચાર મિનિટમાં જ કેળવી લે અને હાથમાં ફોટાનું કવર પકડાવી જ દે, જે અમદાવાદ ઍરપૉર્ટ પર કોઈ આવીને લઈ જાય.

સામાજિક નિસબતના કસબી

ઝવેરીલાલ મહેતા

ઇમેજ સ્રોત, Zaverilal Mehta

ઇમેજ કૅપ્શન, ઝવેરીલાલ શબ્દોના પણ મહારથી હતા. તેઓ તસવીર નીચે નાનું આકર્ષક લખાણ લખતા. તેની લોકપ્રિયતાથી પ્રેરાઈને વર્તમાનપત્રોમાં ફોટોસ્ટોરીની શરૂઆત થઈ.

સંબંધોની આ સંહિતા એ કેળવી શકતા, કારણ કે અંદરથી એકદમ ફિલસૂફ જેવા. નર્યા તત્ત્વદર્શી અને ભૌતિક જગતથી ઘણા દૂર. એટલે જ એમણે પોતાના હજ્જારો ફોટોગ્રાફર્સની, ગુજરાતના જાહેરજીવનની, રાજકીય ઊથલપાથલોની, રમખાણો- મુલાકાતો-ઉદ્ઘાટનો-હોનારતોના પ્રસંગોની પોતાની મૂલ્યવાન તસવીરો માટે કદી આલબમ, સંગ્રહ, પ્રદર્શન જેવી જાગૃતિ અને મહેચ્છા રાખી નહોતી.

આ માટે તેમને કોઈ આગ્રહ કરે તો કહે કે ‘હું તો બ્રાહ્મણનો દીકરો છું, તરભાણું લઈને નીકળું અને તે ભરાય એટલે સંતોષ.’ તેમની આ ફિલસોફિકલ વિચારસરણી સામાજિક નિસબતમાં પણ છલકાતી.

અમદાવાદમાં સાબરમતીના કિનારે કિડની હૉસ્પિટલના ચેરિટી ફંડ માટે મોરારિબાપુની કથાનો ફોટો લીધો, પણ તંત્રીએ તેને કથાપ્રચારના કારણસર પ્રસિદ્ધ કરવા આનાકાની કરી. તરત જ ઝવેરીલાલ ઉવાચ : ‘સાહેબ, તમે બિલ આપી દેજો, હું ચૂકવી દઈશ.’ એમના આક્રમક આગ્રહથી એ છપાયો અને કિડની માટેનાં ભંડોળની ઝોળી ઉભરાઈ ગઈ.

આવાં તો અગણિત વ્યક્તિઓ, સંસ્થાઓ, સમાજોને તેમના ફોટા-યોગનો લાભ મળ્યો છે. પરંતુ ક્યાંય તેમનું નામ નહીં, ક્યાંય એમના નામની તક્તી નહીં, ક્યાંય એમના માટેનો સન્માન સમારંભ પણ નહીં. આવા નિસબતી ફિલસૂફને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળે, ભારત સરકાર પદ્મશ્રીથી નવાજે, મોરારિબાપુનો ‘હનુમંત ઍવૉર્ડ’ મળે એમાં નવાઈ શી?

બીબીસી
બીબીસી