ઇઝરાયલ જો ઈરાન પર ભારે પડશે, તો ભારત પર શું અસર થશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઈરાન, આયાતુલ્લાહ અલી ખામેની, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈરાન અને ભારત વચ્ચે ઑગસ્ટ 1947 સુધી 905 કિમી લાંબી સરહદ હતી. ભારતના ભાગલા પછી આ સરહદ પાકિસ્તાનને સ્પર્શતી હતી.

ભારત અને ઈરાન વચ્ચે ભાષા, સંસ્કૃતિ અને પરંપરાના સ્તરે ગાઢ સંબંધો રહ્યા છે.

ભારતની આઝાદી પછી 15 માર્ચ, 1950ના રોજ ઈરાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા, પરંતુ 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ.

1978થી ઑગસ્ટ 1993 સુધી, એટલે કે 16 વર્ષ સુધી બંને દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રપતિઓએ કોઈ મુલાકાત લીધી ન હતી.

સપ્ટેમ્બર 1993માં ભારતના તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિંહરાવે ઈરાનની મુલાકાત લીધી હતી.

આના એક વર્ષ પહેલાં એટલે કે 1992માં નરસિંહરાવે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

ઈરાન પશ્ચિમ એશિયાનો એક એવો દેશ છે જેણે હંમેશાં અમેરિકન પ્રભુત્વ ધરાવતા વિશ્વ વ્યવસ્થાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

ભારત પણ એવી વિશ્વ વ્યવસ્થાની હિમાયત કરે છે જેમાં કોઈ એક દેશ પોતાની મનમાની ચલાવતો ન હોય.

ભારત બહુધ્રુવીય વિશ્વની વાત કરે છે. 1991માં સોવિયેત યુનિયનના પતન સાથે શીતયુદ્ધનો અંત આવ્યો અને વિશ્વ દ્વિધ્રુવીયથી એકધ્રુવીય બન્યું.

પરંતુ હવે અમેરિકા આર્થિક મોરચે ચીન તરફથી કઠિન પડકારનો સામનો કરી રહ્યું છે. ઈરાન મહાસત્તા નથી, પણ 1979ની ક્રાંતિથી તે અમેરિકન પ્રભુત્વ ધરાવતી વ્યવસ્થાને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે.

હવે જ્યારે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલને મદદ કરી રહ્યું છે.

અમેરિકાએ પણ હવે ઈરાનમાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલા કર્યા છે.

ઈરાનને હરાવ્યા પછી અમેરિકા પશ્ચિમ એશિયા પર પ્રભુત્વ મેળવી શકશે?

પશ્ચિમ એશિયા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અશાંતિ અટકવાના કોઈ સંકેત દેખાતી નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજી બાજુ, ઈરાન સંપૂર્ણપણે અલગ પડી ગયું હોય એમ લાગે છે.

ચીન અને રશિયા જેવા દેશો ઇઝરાયલી હુમલાની નિંદા કરી રહ્યા છે, પણ ઈરાનને મદદ કરી રહ્યા નથી, તો ભારતે ઇઝરાયલી હુમલાની નિંદા પણ કરી નથી.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ઈરાન પશ્ચિમ એશિયામાં નબળું પડે, તો ભારત જે બહુધ્રુવીય વિશ્વની વાત કરે છે તેના પર શું અસર પડશે?

શું ભારત ઇઝરાયલ અને અમેરિકાના મજબૂત બનવાની સાથે બહુધ્રુવીય વિશ્વનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે?

દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર વેસ્ટ એશિયા સ્ટડીઝના પ્રોફેસર અશ્વિની મહાપાત્રા કહે છે કે, ''ઈરાનની હાર બહુધ્રુવીય વિશ્વ માટે એક આંચકો છે, પરંતુ પશ્ચિમ એશિયામાં ઈરાનને હરાવ્યા પછી પણ, અમેરિકા પોતાનું ઘણું બધું કરી શકતું નથી.''

પ્રોફેસર મહાપાત્રા કહે છે, "પશ્ચિમ એશિયાનું જિઓપૉલિટિક્સ ખૂબ જ જટિલ છે. અહીં કોઈ એક પક્ષ પ્રભુત્વ મેળવી શકશે નહીં. ઈરાનમાં સત્તા પરિવર્તન થશે નહીં, પરંતુ જો તે નબળું પડી જાય તો પણ, ઇઝરાયલ કે અમેરિકા પશ્ચિમ એશિયા પર પ્રભુત્વ મેળવી શકશે નહીં. પશ્ચિમ એશિયામાં નૉન સ્ટેટ ઍક્ટર (NSA) હજુ સુધી સમાપ્ત થયા નથી. ઈરાન નબળું પડ્યા પછી, પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધી શકે છે. ઇરાક, લીબિયા અને સીરિયામાં સત્તા પરિવર્તન કરીને શું અમેરિકાએ ત્યાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે? શું ત્યાં અસ્થિરતાનો અંત આવ્યો છે?"

પ્રોફેસર મહાપાત્રા કહે છે, "ઈરાનની હાર પછી પણ, અમેરિકા પશ્ચિમ એશિયામાં લાંબા સમય સુધી પોતાનું વર્ચસ્વ જાળવી શકતું નથી. પશ્ચિમ એશિયાના ઘણા દેશો કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યા છે અને આ પશ્ચિમના દેશો દ્વારા કરવામાં આવ્યું છે. હવે વિશ્વનું જિઓપૉલિટિક્સ એકધ્રુવીય ન હોઈ શકે."

ભારત માટે ઈરાન કેટલું મહત્ત્વનું છે?

ભારત, ઈરાન, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લાં દસ વર્ષમાં ઇઝરાયલ સાથે ભારતની મિત્રતા ગાઢ બની છે અને ઈરાન સાથેના સંબંધો મર્યાદિત રહ્યા છે

સાઉદી અરેબિયામાં ભારતના પૂર્વ રાજદૂત તલમિઝ અહમદ કહે છે, "ભારતનું સત્તાવાર વલણ એ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ રાજદ્વારી રસ્તાથી લાવવો જોઈએ. ગ્લોબલ સાઉથ અને બિન-જોડાણવાદ અંગેનો આપણો અગાઉનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અંગે ભારતના વલણમાં કોઈ સ્પષ્ટતા નથી. મને આમાં મૂંઝવણ દેખાય છે."

"મારું માનવું છે કે આ સરકારને વિદેશનીતિમાં ખાસ રસ નથી. આ સરકારને સ્થાનિક રાજકારણમાં રસ છે. આપણા નેતાઓને લાગે છે કે તેઓ એક ઐતિહાસિક બિંદુએ પહોંચી ગયા છે જ્યાંથી તેઓ ભારતનાં મૂળભૂત મૂલ્યોને બદલી શકે છે. આ અભિગમ આજકાલ ભારતમાં મહત્ત્વનો બની રહ્યો છે."

તલમિઝ અહમદ કહે છે, "વિદેશનીતિ સામાન્ય જનતાની ધારણામાં આપણા નેતાઓ અને દેશની પ્રતિષ્ઠા જેટલી હદ સુધી વધારી શકે છે, તે હદ સુધી તેને થોડું મહત્ત્વ મળી શકે છે."

ટ્રમ્પના પહેલા કાર્યકાળથી જ ભારતે ઈરાન સાથે દ્વિપક્ષીય વેપાર બંધ કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે તે એક અબજ ડૉલરથી નીચે આવી ગયો છે.

ભારતના ભૂતપૂર્વ કાયદામંત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં ભારતના ભૂતપૂર્વ એનએસએ શિવશંકર મેનને કહ્યું કે ભારતની વિદેશનીતિ પર સ્થાનિક રાજકારણનો વધુ પ્રભાવ હોય તેવું લાગે છે, જે ભારતના હિતમાં નથી.

શિવશંકર મેનન ઇઝરાયેલમાં ભારતના રાજદૂત પણ રહી ચૂક્યા છે.

તેમણે કહ્યું, "લગભગ 90 લાખ ભારતીયો ખાડીમાં રહે છે અને અબજો ડૉલર કમાય છે અને તેમને ભારતમાં મોકલે છે. ભારતની ઊર્જા સુરક્ષા પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. જો પડોશમાં યુદ્ધની આગ ભડકે છે, તો શું આપણાં હિતો સુરક્ષિત રહેશે?"

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાજદ્વારીઓ તલમિઝ અહમદ અને વિવેક કાત્જુ પણ હાજર હતા. તેમણે કહ્યું કે ભારતની ખાડી દેશોમાં પ્રતિષ્ઠા હતી, પરંતુ ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વર્તમાન સરકારના વલણથી આ પ્રતિષ્ઠા પર પ્રતિકૂળ અસર પડી છે.

ભારત ઈરાન કરતાં ઇઝરાયલને કેમ વધુ મહત્ત્વ આપી રહ્યું છે?

તલમિઝ અહમદ કહે છે, "ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકા સાથેના સંબંધોને વધુ મહત્ત્વ આપશે. હાલમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં એવું કંઈ નક્કર નથી કે જેના પર ચર્ચા થઈ શકે. અમે તેમની પાસેથી તેલ કે ગૅસ ખરીદીએ નહીં. અમારી પાસે કોઈ સંયુક્ત સાહસ પણ નથી. ચાબાહારમાં કોઈ પ્રગતિ થઈ નથી. ઈરાનનો સ્પષ્ટ સંદેશ છે કે ભારતને તેમાં બહુ રસ નથી."

દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર વેસ્ટ એશિયા સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મુદસ્સિર કમર માને છે કે પશ્ચિમ એશિયામાં ભારતનું વલણ હજુ પણ સંતુલિત છે.

ડૉ. મુદસ્સિર કમર કહે છે, "ભારત ઈરાન કરતાં ઇઝરાયલને વધુ મહત્ત્વ આપી રહ્યું છે તેનાં કારણો છે. ઇઝરાયલ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. ઇઝરાયલ લશ્કરી અને સંરક્ષણ બાબતોમાં ભારતને ટેકો આપતું રહ્યું છે. ઇઝરાયલ ભારતનું એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર બની ગયું છે."

''મને લાગે છે કે ભારતની વિદેશનીતિ માટે ઈરાન સૌથી મોટો પડકાર છે. ઈરાન ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચવા માટે વેપાર માર્ગની દૃષ્ટિએ તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પણ જ્યારે આપણે પર્શિયન ગલ્ફ વિશે વાત કરીએ છીએ, ત્યારે ઈરાન આપણા માટે બોજ બની જાય છે, કારણ કે આ પ્રદેશમાં કોઈ પણ દેશ ઈરાનને પસંદ નથી કરતો. ઇઝરાયલ ભારત માટે વિદેશનીતિમાં પડકાર નથી પણ મદદગાર છે.''

ભારતનું વલણ, વિદેશનીતિમાં પડકાર

સેગેર્ઈ લાવરોફ, વિદેશમંત્રી, એસ જયશંકર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોફ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે

ગયા અઠવાડિયે, ભારતે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો જેમાં ઈરાન પરના હુમલા માટે ઇઝરાયલની ટીકા કરવામાં આવી હતી.

ભારતના આ વલણને વિદેશનીતિમાં વધી રહેલા પડકાર તરીકે પણ જોવાઈ રહ્યું છે.

ભારત કટોકટીના સમયમાં હરીફો વચ્ચે સંતુલનનું વલણ અપનાવે છે.

ભારતે પણ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી નથી. હકીકતમાં કૉંગ્રેસ સરકારોએ પણ સંઘર્ષના કિસ્સામાં આ જ વલણ અપનાવ્યું છે.

1957માં હંગેરીમાં સોવિયેત યુનિયનના હસ્તક્ષેપના એક વર્ષ પછી, ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં સમજાવ્યું કે ભારતે આ બાબતે યુએસએસઆરની નિંદા કેમ ન કરી.

નહેરુએ કહ્યું, "દુનિયામાં ઘણી બધી વસ્તુઓ વર્ષ પછી વર્ષ અને દિવસેને દિવસે બનતી રહે છે, જે આપણને વ્યાપકપણે ગમતી નથી, પરંતુ આપણે તેમની નિંદા કરી નથી, કારણ કે જ્યારે કોઈ સમસ્યાનું ઉકેલ શોધી રહ્યું હોય ત્યારે નિંદા કોઈ કામની નથી."

1956માં સોવિયેત યુનિયનનો હંગેરી પરનો હુમલો હોય કે 1968માં ચેકોસ્લોવાકિયા પરનો હુમલો હોય કે 1979માં અફઘાનિસ્તાન પરનો હુમલો હોય- ભારતનું વલણ લગભગ એકસરખું જ રહ્યું છે.

2003માં જ્યારે અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે ભારતનું વલણ પણ એકસરખું જ હતું. મોદી સરકારનું પણ આ મામલે એ જ વલણ છે.

1978માં ઇઝરાયલે ઇજિપ્ત અને અન્ય આરબ દેશો સાથે કૅમ્પ ડેવિડ કરાર કર્યો હતો. આ કરાર હેઠળ કેટલાક આરબ દેશોએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. કૅમ્પ ડેવિડ કરારથી ભારતને ઇઝરાયલ પ્રત્યેની નીતિ બદલવામાં પણ મદદ મળી.

અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મની ક્યારે થઈ?

ઈરાનની અમેરિકા સાથેના વેરનાં પહેલા બીજ 1953માં રોપાયાં હતાં જ્યારે અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએએ બ્રિટન સાથે મળીને ઈરાનમાં બળવો કર્યો હતો. ચૂંટાયેલા વડા પ્રધાન મોહમ્મદ મોસદ્દીકને સત્તા પરથી દૂર કર્યા પછી અમેરિકાએ ઈરાનના શાહ રઝા પહેલવીને સત્તા સોંપી દીધી હતી.

અમેરિકાએ શાંતિપૂર્ણ સમયગાળામાં કોઈ વિદેશી નેતાને પદભ્રષ્ટ કર્યા હોય એવી આ પ્રથમ ઘટના હતી. આ પછી બળવાના ઘણા કિસ્સાઓ અમેરિકા સાથે જોડાયેલા છે.

1979ની ઈરાની ક્રાંતિ એ 1953માં ઈરાનમાં અમેરિકા દ્વારા કરાયેલા બળવાની પ્રતિક્રિયા હતી.

આ ક્રાંતિ પછી સત્તામાં આવેલી સરકાર હજુ પણ ઈરાનમાં છે અને અમેરિકાએ આજ સુધી તેનો સ્વીકાર કર્યો નથી.

તલમિઝ અહમદ કહે છે કે ઈરાન સંકટને કેવી રીતે દૂર કરવું તે ખૂબ સારી પેઠે જાણે છે.

અહમદ કહે છે, "જ્યારે સદ્દામ હુસૈને ઈરાન પર હુમલો કર્યો, ત્યારે લાખો ઈરાનીઓ માર્યા ગયા અને શહેરો નાશ પામ્યા, પરંતુ ઈરાન ફરી ઊભું થયું. આ વખતે પણ ઈરાન મુશ્કેલીમાં છે પણ તે ફરી પાછું બેઠું થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન