અમદાવાદ: પિતાને ઝેરી રસાયણ પિવડાવી પુત્રની હત્યા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શું કોઈ સ્વપ્નમાં પણ વિચારી શકે કે જીવન આપનાર પિતા પોતાના જ પુત્રનો હત્યારો બની શકે છે? અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પિતા પર દસ વર્ષના દીકરાને પાણીમાં ઝેરી રસાયણ આપીને હત્યા કરી હોવાની ફરિયાદનો મામલો સામે આવ્યો છે.

પોલીસનો દાવો છે કે આરોપી પિતાએ પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો છે કે તેણે દીકરાની હત્યા કરી છે.

પોલીસનો એ પણ દાવો છે કે આરોપી દીકરાની હત્યા કર્યા બાદ દીકરીની પણ હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો હતો.

જોકે, ઝેરી રસાયણ પીધા બાદ દીકરાને દર્દથી કણસતો જોઈ ગભરાઈ ગયેલ આરોપી પિતા ઘરેથી ભાગી ગયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે દીકરાને ઝેરી રસાયણ આપનાર આરોપી પિતાનું નામ કલ્પેશ ગોહેલ છે, અને તેઓ બાપુનગરના ઇ-કૉલોની વિસ્તારમાં રહેતા હતા.

પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી કલ્પેશ માનસિક રીતે બીમાર છે. તેમજ તેમની બીમારીની દવા પણ ચાલી રહી છે.

આરોપી કલ્પેશ ગોહેલનાં પત્ની બનાવ સમયે ઘરે ન હતા. તેઓ બહારગામ ગયેલાં હતાં.

કલ્પેશના ભાઈ યોગેશે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ વિરુધ્ધ દીકરાની હત્યાની ફરિયાદ દાખલ કરી છે.

શા માટે કરી પુત્રની હત્યા?

પોલીસના કહેવા પ્રમાણે કલ્પેશ ગોહેલે પોતાના દીકરાને સોડીયમ નાઇટ્રાઇટ નામનું ઝેરી રસાયણ પાણીમાં ભેળવીને પિવડાવ્યું હતું.

ઝેરી રસાયણની અસર થતા દીકરાને દર્દથી કણસતો જોઈને ગભરાઈ ગયેલો કલ્પેશ ઘરેથી ભાગી ગયો હતો.

જોકે, ઘરેથી ભાગ્યાના બે કલાક બાદ કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

કલ્પેશે પોલીસને સમક્ષ ઘટનાની કબુલાત કરી હતી. પોલીસે કલ્પેશના ભાઈ યોગેશને ફોન કરીને બાપુનગર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

પોલીસ સ્ટેશન પહોંચેલા યોગેશને ઘટના અંગે જાણ કરીને કલ્પેશે જણાવ્યું હતું કે " આજે મારાં પત્ની જયશ્રી બહારગામ ગયાં હતાં. હું મારા બાળકો અને માતા-પિતા ઘરે હતાં. મને મારાં બાળકોને સાથે લઈને મરી જવાનો વિચાર આવતો હતો."

ઘટના અંગે કલ્પેશે વધુમાં જણાવ્યું હતુ કે લગભગ સવારના 9.30 વાગ્યે પહેલાં મારા 10 વર્ષનાં દીકરા અને 15 વર્ષની દીકરીને ઊલટી ન થાય તેની દવા પીવડાવી હતી. ત્યારબાદ ગ્લાસમાં પાણી લઈને તેમાં 30 ગ્રામ જેટલું સોડીયમ નાઇટ્રાઇટ નાખીને મારા દીકરાને પીવડાવ્યું હતું.

તેણે પોલીસને જણાવ્યું હતું, "સોડીયમ નાઇટ્રાઇટ પીવડાવવાની થોડીકવાર બાદ મારા દીકરાના શરીર પર તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી. મારા દીકરાને પેટમાં સખત દુ:ખવો ઉપડયો હતો. તેને દર્દ થતું હોવાથી તે બુમો પાડી રહ્યો હતો. થોડીકવારમાં તેને ઊલટી થવા લાગી હતી. ઝેરી રસાયણની અસર મારા દીકરાના હોઠ પર દેખાવા લાગી હતી. તેના હોઠ વાદળી રંગના થવા લાગ્યા હતા. દીકરાની હાલત જોઈને હું ખુબ જ ગભરાઈને ઘરેથી ભાગી ગયો હતો."

ફરિયાદમાં જણાવ્યા અનુસાર 'કલ્પેશ ફોન ઘરે મૂકીને ભાગી ગયો હતો. તેના દીકરાનો જોરજોરથી રડવાનો અવાજ સાંભળીને તેનાં દાદાદાદી દોડીને આવ્યાં હતાં. કલ્પેશની દીકરીએ તેના ભાઈને ઊલટી થતી હોવાથી 108 ઍમ્બુલન્સ પર ફોન કર્યો હતો. 108 ઍમ્બુલન્સ દ્વારા દીકરાને શારદાબેન હૉસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.'

આરોપી પિતાએ ચાર-ચાર નોકરી છોડી

રખીયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. ચેતરિયા કે જેઓ બનાવના દીવસે બાપુનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. ચેતરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આરોપી કલ્પેશે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. તે નાનીનાની વાતોમાં ગભરાઈ જાય છે. જેને કારણે તેને આત્મહત્યાના વિચાર આવતા હતા. આત્મવિશ્વાસમાં અભાવને કારણે તેણે 4થી 5 નોકરીઓ પણ છોડી હતી."

કલ્પેશે વધુમાં જણાવ્યું હતુ કે "તેને તેનાં બાળકોમાં પણ આત્મવિશ્વાસનો અભાવ જણાતો હતો. તેને વિચાર આવ્યો કે જો તે મરી જશે તો તેનાં બાળકો જીવનભર હેરાન થશે. જેથી તેણે પહેલાં બાળકોની હત્યા કરીને પછી આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો."

સોડીયમ નાઇટ્રાઇટ પિવડાવી પુત્રની હત્યા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ?

આ કેસના તપાસ અધિકારી બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ. ડી. ગામીતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "આરોપી કલ્પેશ માનસિક રીતે બીમાર હતા. તેમની દવા પણ ચાલી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. તેમને છેલ્લા 7-8 મહિનાથી આત્મહત્યાના વિચાર આવતા હતા. તેઓ કમ્પ્યુટરનું જૉબવર્ક, ઝેરોક્ષ, ટાઇપિંગનું કામ કરતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી જ્યારે પણ નવરા પડે ત્યારે આત્મહત્યા કરવા માટેની રીત કમ્પ્યુટરમાં સર્ચ કરતા રહેતા હતા."

એ. ડી. ગામીતે વધુમાં જણાવ્યું કે "સોડીયમ નાઇટ્રાઇટ અંગે વિચાર તેણે એક વેબસિરીઝ જોઈ હતી તેના પરથી આવ્યો હતો. જેનાથી તેને સોડીયમ નાઇટ્રાઇટથી હત્યા થઈ શકે તેવો વિચાર આવ્યો. વેબસિરીઝ જોયા બાદ તેને સોડીયમ નાઇટ્રાઇટ અંગે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. તેણે સોડીયમ નાઇટ્રાઇટ ઑનલાઈન કેમિકલનું વેચાણ કરતી એક વેબસાઈટ પરથી મંગાવ્યું હતું."

પીઆઇ એ. ડી. ગામીતે જણાવ્યું કે "કલ્પેશે પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો હતો કે દીકરાને સોડીયમ નાઇટ્રાઇટ પીવડાવ્યા બાદ દીકરીને પણ પીવડાવવાનો હતો. અને ત્યારબાદ તે પોતે સોડીયમ નાઇટ્રાઇટ પીને આત્મહત્યા કરવાનો હતો. પરંતુ દીકરાને તે પીવડાવ્યા બાદ પેટમાં દુ:ખાવો થતા કણસતો જોઈને કલ્પેશ ગભરાઈને ઘરેથી ભાગી ગયો હતો."

પોલીસે આરોપી કલ્પેશ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. કલ્પેશની ધરપકડ કરી તેની પૂછપરછ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

સોડીયમ નાઇટ્રાઇટ શું છે?

એફએસએલ પીએચડી સ્કૉલર ડૉ. અસ્તિત્વ આનંદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સોડીયમ નાઇટ્રાઇટ ઝેરી પદાર્થ છે. તેના ગ્રેડ અને માત્રાને આધારે તેના ઝેરની તીવ્રતા નક્કી થાય છે. સોડીયમ નાઇટ્રાઇટનો ફાર્માસ્યુટિકલ, ઍનાલિટીક્સ તેમજ ઇન્ડ્રસ્ટ્રીયલ એમ અલગઅલગ ઉપયોગ હોય છે. તેનો શું ઉપયોગ છે જેને આધારે તેનો ગ્રેડ નક્કી થાય છે."

તેઓ જણાવે છે, "સોડીયમ નાઇટ્રાઇટ કેટલીક દવાઓમાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. આ સિવાય માછલીઓમાં પણ પ્રિઝર્વેટીવ તરીકે કામ કરે છે."

પીઆઇ બી. જી. ચેતરિયાએ જણાવ્યું હતું કે "સોડીયમ નાઇટ્રાઇટ કપડાંની ફૅક્ટરીમાં કલર ડાય માટે વપરાય છે. તેમજ મટનની દુકાનમાં પ્રિઝર્વેટીવ તરીકે વપરાય છે."

બીબીસી ગુજરાતીએ આરોપી કલ્પેશના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. સંપર્ક થયા બાદ તેમના પક્ષની વિગતો અહીં શૅર કરવામાં આવશે.

તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.