You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીરજ ચોપરાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
જેવલીન થ્રો(ભાલાફેંક)ની રમતમાં ઑલિમ્પિક ચૅમ્પિયન એવા ભારતના નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
તેમણે ઍથ્લેટિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ પહેલાં નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.
વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 88.17 મીટર દૂર થ્રો કરીને નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પોલૅન્ડમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં પહોંચતા પહેલા તેમણે એ બધા જ મેડલ જીતી લીધા હતા જે એ જીતી શકે તેમ હતા.
રવિવારે રાત્રે 24 વર્ષીય ચોપરાએ વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પણ જીતી લીધો.
ગયા વર્ષે તેમણે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ચોપરાએ આ ફાઇનલમાં 88.17 મીટર દૂર થ્રો કર્યો હતો. પરંતુ તેમના પાંચ શ્રેષ્ઠ પ્રદર્શનમાં પણ તેનો સમાવેશ થતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ઑલિમ્પિકમાં ગૉલ્ડ મેડલની સાથે ચોપરાને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પણ મળ્યો છે.
આ સાથે જ કૉમનવેલ્થ ગેમ્સમાં 90 મીટરથી વધુ દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના અંતર સાથે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.
ચૅક રિપબ્લિકના યાકુબ વાડલેચે 86.67 મીટરના અંતર સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના જ કિશોર જેના પાંચમા સ્થાને જ્યારે ડી.પી, માનૂ છઠ્ઠા સ્થાને રહ્યા હતા.
પહેલા રાઉન્ડમાં પાછળ ચાલી રહેલા નીરજ ચોપરાએ બીજા રાઉન્ડમાં જોરદાર કમબેક કર્યું હતું.
પોતાના લાંબા વાળને સફેદ પટ્ટીથી બાંધીને મેદાન પર દોડી રહેલા નીરજની ચાલમાં જ આત્મવિશ્વાસ દેખાતો હતો.
નીરજે જીત પછી શું કહ્યું ?
ભાલો ફેંકતા પહેલાં તેમણે દર્શકો સામે જોયું અને પોતાનો હાથ ઊંચો કર્યો. જાણે કે તેઓ સંકેત આપી રહ્યા હતા અને આત્મવિશ્વાસ પ્રદર્શિત કરી રહ્યા હતા કે મેડલ તો તેમનો જ છે.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું, “હું વિચારતો હતો કે હું પહેલા પ્રયાસમાં જ સૌથી દૂર ભાલો ફેંકીશ પરંતુ આ પ્રયાસમાં કેટલીક ટેકનિકલ ખામી રહી હતી. પહેલો થ્રો ખરાબ રહ્યો. આવું થાય છે, પરંતુ મેં વધુ જોર લગાવ્યું અને સખત પ્રયાસ કર્યો. હું મારી જાંઘની ઈજા વિશે પણ થોડું વિચારી રહ્યો હતો. હું સાવચેતી રાખતો હતો અને મારી ગતિ 100 ટકા નહોતી. જ્યારે મારી ગતિ મારા પક્ષમાં ન હોય ત્યારે હું નિરાશા અનુભવું છું અને મારા માટે 100 ટકા ફિટ હોવું એ જ સૌથી મોટી પ્રાથમિકતા છે.”
નીરજ ચોપરાએ કહ્યું, “મારી મૅચ જોવા માટે આટલા મોડે સુધી જાગતા રહેવા માટે હું તમામ ભારતીયોનો આભાર માનું છું. આ મેડલ સમગ્ર ભારત માટે છે. હું ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યો, હવે હું વર્લ્ડ ચૅમ્પિયન છું. એ દર્શાવે છે કે આપણે (ભારતીયો) કંઈ પણ કરી શકીએ છીએ. તમે પણ આ જ રીતે વિવિધ ક્ષેત્રોમાં સતત મહેનત કરતા રહો.”
નીરજને શું બનાવે છે ખાસ?
નીરજ ચોપરા દબાવમાં ન આવ્યા અને જોરદાર પ્રદર્શન કર્યું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નીરજ ચોપરાએ આવા જ આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કર્યું છે અને જ્યારે પણ તેઓ મેદાનમાં ઊતરે છે ત્યારે ભારતીય ચાહકો તેમની જીતને લઈને લગભગ નિશ્ચિંત હોય છે.
નીરજ ચોપરા ઍથ્લેટિક્સમાં ભારત માટે એક પછી એક નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે.
દરેક જીત સાથે ચોપરા મહાનતા તરફ આગળ વધી રહ્યા છે. નીરજ ચોપરાની બીજી એક ખાસ વાત એ છે કે તે પોતાના કોઈપણ પ્રદર્શનથી સંતુષ્ટ નથી થતા અને વધુ સારું કરવાનો પ્રયાસ કરતા રહે છે.
ઉદાહરણ તરીકે તેમણે ટોક્યો ઑલિમ્પિકમાં 87.58 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે તે તેમના શ્રેષ્ઠ દસ થ્રોમાં પણ સામેલ નથી.
ઑલિમ્પિક બાદ તેમના પ્રદર્શનમાં વધુ સુધારો થયો છે. તેમના દસ શ્રેષ્ઠ થ્રોમાંથી નવ ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ પછી આવ્યા છે.
ચોપરાએ તેમની કારકિર્દીમાં દસ વખત 88 મીટરના અંતરને વટાવ્યું છે. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટરનું છે. જો કે હજુ સુધી તેમણે 90 મીટરનું અંતર પાર કર્યું નથી.
પાકિસ્તાનને પણ મળ્યો પહેલો મેડલ
આ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમ બીજા નંબરે આવ્યા હતા જેમણે કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન 90 મીટરનું અંતર પણ વટાવ્યું હતું. એ વાત નોંધનીય છે કે ચોપરા હજુ સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી.
અરશદ નદીમે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ ઍથ્લેટિક્સમાં પાકિસ્તાન માટે આ પ્રથમ મેડલ છે.
જોકે, અરશદ નદીમ પણ શરૂઆતમાં સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ પહેલા રાઉન્ડમાં માત્ર 74.80 મીટર સુધી જ પહોંચી શક્યા હતા.
બીજા પ્રયત્નમાં તેમણે 82.81 મીટર દૂર ભાલો ફેંક્યો અને સ્પર્ધામાં કમબેક કર્યું.
ત્રીજા પ્રયત્નમાં તેમણે 87.82 મીટરનું અંતર વટાવ્યું જે આ સિઝનમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
આ મેચમાં અરશદ નદીમ સંઘર્ષ કરી રહ્યા હતા. પાંચમા પ્રયાસમાં તેઓ 80 મીટરનું અંતર પણ પાર કરી શક્યા ન હતા. છઠ્ઠા પ્રયત્નમાં તેમણે 81.86 મીટરનું અંતર કાપ્યું હતું.
જોકે જર્મન ખેલાડી જુલિયન વેબર છેલ્લા થ્રો સુધી તેમના 86.79 મીટરના શ્રેષ્ઠ થ્રોને પાર કરી શક્યા ન હતા અને અરશદ નદીમનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો હતો.
અરશદ નદીમ ટૉક્યો ઓલિમ્પિકમાં પાંચમા સ્થાને રહ્યા હતા. તે મેડલ જીતી શક્યા ન હતા પરંતુ તેના પ્રદર્શનને કારણે તે ઘણી ચર્ચામાં આવ્યા હતા.
ગત વર્ષે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં પણ અરશદ નદીમ પાંચમાં નંબરે રહ્યા હતા.