ભાજપે લોકસભા ચૂંટણીમાં મુસ્લિમોને ધ્યાનમાં રાખી જેમને ઉપાધ્યક્ષ બનાવ્યા એ તારિક મંસૂર કોણ છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/TARIQ MANSOOR

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે જ પોતાના 'ત્રીજા કાર્યકાળ'ની વાત કહી હતી અને રવિવારે ભાજપે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી છે.

તેમાં ઘણા નવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.

પાર્ટીના સંગઠનમાં રમણ સિંહ જેવા પૂર્વમુખ્ય મંત્રીને જોડવામાં આવ્યા છે અને તારિક મંસૂર તેમજ અબ્દુલ્લા કુટ્ટીને ભાજપ માટે નવા મુસ્લિમ ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન માળખામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે આ વર્ષે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે રાષ્ટ્રીય સંગઠનમાં કરવામાં આવેલા ફેરફાર એ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે કે પાર્ટી પોતાની વિચારધારા અને મોદી સરકારે છેલ્લાં નવ વર્ષમાં કરેલાં કામોના આધારે ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતી શકે.

ગ્રે લાઇન

ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર ધ્યાન

લોકસભા ચૂંટણીની 80 બેઠકો પર ધ્યાન રાખીને ભાજપના સંગઠનમાં સૌથી વધારે ફોકસ ઉત્તર પ્રદેશ પર કરવામાં આવ્યું છે.

કાર્યકારિણીમાં ત્રણ ઉપાધ્યક્ષ, બે મહાસચિવ, એક સચિવ, કોષાધ્યક્ષ અને સહસચિવ મળીને કુલ આઠ સભ્યો ઉત્તર પ્રદેશથી છે.

નવી કાર્યકારિણીમાં સાંસદ રેખા વર્મા, સાંસદ લક્ષ્મીકાંત વાજપેયી અને તારિક મંસૂરને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સાથે જ અરુણ સિંહ અને ગોરખપુરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા વર્તમાન રાજ્યસભા સાંસદ રાધામોહનદાસ અગ્રવાલ રાષ્ટ્રીય મહાસચિવની યાદીમાં સામેલ છે.

વળી સુરેન્દ્રસિંહ નાગરને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે અને રાજેશ અગ્રવાલને કોષાધ્યક્ષ તેમજ શિવપ્રકાશને સહરાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

કયા રાજ્યોમાં છે ચૂંટણી?

આ વર્ષે તેલંગણા, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. નવી કાર્યકારિણીમાં તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભાજપે હાલમાં જ આ રાજ્યોમાં પોતાના ચાર કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. હવે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ આ રાજ્યો પર ફોકસ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર સૌથી વધુ છત્તીસગઢનાં ત્રણ નામો છે. એ છે પૂર્વમુખ્ય મંત્રી રમણ સિંહ, સરોજ પાંડેય અને લતા ઉસેંડી.

અન્ય ત્રણ રાજ્યોમાંથી એક-એક પ્રતિનિધિ છે. રાજસ્થાનના પૂર્વમુખ્ય મંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશથી સૌદાન સિંહ અને તેલંગાણાથી ડીકે અરુણા સંગઠનમાં સામેલ છે.

જ્યારે રાષ્ટ્રીય મહાસચિવપદ પર મધ્ય પ્રદેશથી કૈલાશ વિજયવર્ગીય, રાજસ્થાનથી સુનીલ બંસલ અને તેલંગણાથી સંજય બેદીને લાવવામાં આવ્યા છે.

જ્યારે રાષ્ટ્રીય સચિવોમાં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી એક-એક ચહેરો સામેલ છે. એટલે કે નવી ટીમમાં 38માંથી 11 સભ્યો આ ચાર રાજ્યોમાંથી જ છે.

ગ્રે લાઇન

નવી કાર્યકારિણી કોની ટીમ?

પાર્ટીની કાર્યકારિણીમાં શું ભાજપ અધ્યક્ષની પસંદગીના સભ્યો સામેલ કરવામાં આવ્યા છે કે પછી તેમાં મુખ્ય ભૂમિકા પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની છે?

વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે, "આ સામૂહિક જવાબદારી છે. એ કહેવું કે પીએમ મોદી કંઈક બીજું વિચારે છે અને અમિત શાહ બીજું કંઈક, એ તદ્દન ખોટું કહેવાશે. બંને એક ટીમની જેમ કામ કરે છે અને જેપી નડ્ડા તેમના આદેશોનું પાલન કરી રહ્યા છે. એટલે આ પીએમ મોદી અને અમિત શાહની ટીમ છે."

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TWITTER@BJP4DELHI

'ચોંકાવનારું નામ' તારિક મંસૂર કોણ છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત બાદ તેમાં સામેલ તારિક મંસૂર સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે તેમની નિયુક્તિને 'ચોંકાવનાર' મુસ્લિમ નામ તરીકે જોવામાં આવે છે.

તેઓ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય છે અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે.

તેઓ 2017 બાદથી બુક્કલ નવાબ, મોહસિન રઝા અને દાનિશ આઝાદ અંસારી બાદ પાર્ટી તરફથી વિધાન પરિષદમાં મોકલાયેલા ચોથા મુસ્લિમ સભ્ય છે.

તેઓ જ્યારે કુલપતિ હતા ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન થયા હતા.

એ વખતે પહેલી વખત કૅમ્પસમાં પોલીસ આવી હતી. એ અને વિદ્યાર્થીઓના પક્ષમાં ન ઉભા રહેવા બદલ તેમની ઘણી ટીકા કરવામાં આવી હતી.

ભાજપ પર ઝીણવટભરી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે, "તારિક મંસૂર જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. ભાજપની રાજનીતિમાં દારા શિકોહની કબર શોધવાનો વિચાર તેમણે જ મૂક્યો હતો. જે ભાજપને પસંદ આવ્યો હતો અને તેમને સંગઠનમાં એટલે પણ સામેલ કરવામાં આવ્યા છે."

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TARIQ MANSOOR/TWITTER

તેઓ કહે છે કે એવું લાગી રહ્યું છે કે જે રીતે મુખ્તાર અંસારી અને શાહનવાઝ હુસૈન બાદ ભાજપને મુસ્લિમ ચહેરાની જરૂર પણ જણાઈ છે.

માનવામાં આવી રહ્યું છે કે તારિક મંસૂર પસમંદા મુસ્લિમોમાં પાર્ટીની પકડ મજબૂત કરવાનું કામ કરશે.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશી કહે છે, "હાલ તો એમ નથી લાગતું કે તેઓ મુસ્લિમોના એક મોટા જૂથને આકર્ષિત કરી શકશે પરંતુ આ શરૂઆત પણ હોઈ શકે છે."

રાધિકા રામાશેષન પણ પ્રમોદ જોશીની વાતથી સહમત છે. તેઓ કહે છે, "તારિક મંસૂરને સંગઠનમાં સામેલ કરવાથી પસમંદા મુસ્લિમોનું વલણ પાર્ટી તરફ થાય એમ લાગતું નથી."

તેઓ કહે છે કે તેમનું પ્રતિનિધિત્વ માત્ર પ્રતીકાત્મક છે. કારણ કે ભાજપમાં ઉપાધ્યક્ષપદનું વધારે કંઈ મહત્ત્વ નથી.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીને આ નિયુક્તિમાં સોશિયલ એન્જિનિયરિંગનું બદલાતું પરિપ્રેક્ષ્ય દેખાય છે.

તેઓ કહે છે, "ભાજપ અત્યાર સુધીની રાજનીતિમાં મુસ્લિમોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને ચાલતો આવ્યો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ધીરેધીરે તેને પણ મુસ્લિમો વચ્ચે જવાની જરૂર પડશે કારણ કે તેમની સામે જે સંગઠન છે, એ મજબૂતીથી તૈયાર થઈને આવી રહ્યું છે."

બીબીસી ગુજરાતી

કેરળને પ્રતિનિધિત્વ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અનીલ ઍન્ટની

ભાજપની કાર્યકારિણીમાં કેરળના અબ્દુલ્લા કુટ્ટીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રમોદ જોશી કહે છે, "આ ભાજપનો રાષ્ટ્રીય છબિ દર્શાવવાનો પ્રયાસ છે. તેઓ દક્ષિણ ભારતના નવા વિસ્તારોમાં પણ પોતાની હાજરી દર્શાવવા માગી રહ્યા છે. શનિવારે જ તેમણે તામિલનાડુમાં છ મહિનાની પદયાત્રા શરૂ કરી છે. કેરળ એક નવું ક્ષેત્ર છે."

"કુટ્ટીની સાથેસાથે એકે ઍન્ટનીના પુત્ર અનિલ ઍન્ટનીને પણ સામેલ કરવામાં આવ્યા છે."

રાધિકા રામાશેષન કહે છે, "કેરળને ધ્યાનમાં રાખીને તેમને ચોક્કસપણે સામેલ કરાયા છે, પરંતુ એ પણ પ્રતીકાત્મક પસંદગી જ છે."

મુખ્તાર અબ્બાસ નકવીને પણ ભાજપે મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે લાવ્યા છે. આશા હતી કે તેઓ ઉત્તર પ્રદેશમાં શિયા મુસ્લિમોના વોટ લાવશે.

રાધિકા રામાશેષન કહે છે કે એક વખત નકવી રામપુરથી લોકસભા ચૂંટણી પણ જીત્યા હતા, પરંતુ તે સમયે તેમને જીતાડવામાં સંઘની સાથેસાથે વિશ્વ હિંદુ પરિષદે પણ ઘણી મહેનત કરી હતી.

રાધિકા રામાશેષન અને પ્રમોદ જોશી બંનેનું માનવું છે કે ભાજપમાં અલ્પસંખ્યક પ્રતિનિધિત્વની જે અછત હતી, તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો છે.

બીબીસી ગુજરાતી

વસુંધરા અને રમણ સિંહને સામેલ કરવાનો અર્થ શું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભાજપની કાર્યકારિણીમાં વસુંધરા રાજે અને રમણ સિંહ અગાઉ પણ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

રાધિકા રામાશેષન કહે છે, "રમણ સિંહનું છત્તીસગઢથી નીકળવું આશા પ્રમાણેનું છે પરંતુ વસુંધરા રાજેને કાર્યકારિણીમાં સામેલ કરવા ચોંકાવનારી બાબત છે."

તેઓ આગળ કહે છે, "રાજસ્થાનમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ કે પછી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની જેટલી પણ સભા થઈ છે, વસુંધરા રાજે હંમેશાં મંચ પર રહ્યાં છે. એવામાં એ સંદેશ ગયો છે કે ભલેને તેમનું નામ મુખ્ય મંત્રી તરીકે જાહેર ન કરાય, પરંતુ વિધાનસભા ચૂંટણી જીતવાની સ્થિતિમાં તક તેમને જ મળશે. અર્થાત સંગઠનમાં તેમનું નામ જોઈને કંઈક અજુગતું લાગ્યું."

તો શું રાજસ્થાનમાં તેમની વિશેષ ભૂમિકા નહીં રહે?

આ મુદ્દે રાધિકા કહે છે, "મને નથી લાગતું. એમ કરવું બિલકુલ યોગ્ય નહીં હોય. રાજસ્થાનમાં તેમની ભૂમિકા રહેશે. ઉપાધ્યક્ષ કોઈ ફૂલટાઈમ પોસ્ટ નથી. તેમાં કોઈ વિશેષ જવાબદારી હોતી નથી. તેમની પાસે કોઈ કાર્યકારી શક્તિ પણ હોતી નથી. તેઓ ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહેશે અને રાજસ્થાનમાં પણ સક્રિય રહેશે. ભાજપ તેમને કિનારે નહીં મૂકી શકે."

બીબીસી ગુજરાતી

અડધી વસતીની ભાગીદારી કેટલી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એમ તો ભાજપની આ યાદીમાં કુલ 38 નામો છે. જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ રાષ્ટ્રીય મહાસચિવ, 13 રાષ્ટ્રીય સચિવ, એક સંગઠન મહાસચિવ, એક સહ-સંગઠન મહાસચિવ, એક કોષાધ્યક્ષ અને એક સહ-કોષાધ્યક્ષ સામેલ છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના કુલ સભ્યોની સંખ્યા 39 થઈ જાય છે. નોંધનીય બાબત એ છે કે તેમાં માત્ર નવ મહિલાઓ છે. મહિલાઓની ભાગીદારી માત્ર 23 ટકા છે.

ભાજપ હંમેશાં મહિલાઓની 33 ટકા ભાગીદારીની વાત કરતો આવ્યો છે. ત્યારે આ તેમની નીતિ મુજબની બાબત નથી. રાષ્ટ્રીય મહાસચિવની યાદીમાં તો એક પણ મહિલા નથી.

તો શું ભાજપની આ કાર્યકારિણીમાં મહિલાઓને પૂરતી ભાગીદારી મળી છે?

રાધિકા રામાશેષન કહે છે, "ભાજપ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ ન આપીને પોતાના વાયદા પૂરા કરી શક્યો નથી. ભાજપ હંમેશાંથી કહેતો આવ્યો છે કે ભલે વિધાનસભા કે સંસદમાં ન મળે, પરંતુ પોતાના સંગઠનમાં 33 ટકા પ્રતિનિધિત્વ જરૂર આપીશું. ભાજપે પહેલાં પોતાના સંગઠનમાં ઘણી મહિલાઓને સામેલ કર્યાં છે, પરંતુ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે."

તો શું ભાજપમાં યોગ્ય મહિલાઓની અછત સર્જાઈ છે કે પછી આવનારા સમયમાં સંગઠનમાં કોઈ ફેરફાર જોવા મળશે?

રાધિકા રામાશેષન જણાવે છે, "એમ નથી કે તેમની પાસે યોગ્ય મહિલાઓની અછત છે. જો તેઓ દક્ષિણ તરફ જ જુએ તો તેમની પાસે ઘણી યોગ્ય મહિલાઓ છે."

તેઓ એમ પણ કહે છે કે "મહિલાઓ કે દલિતોની ભાગીદારીને ઓછી કરવી રણનીતિનો ભાગ ન હોઈ શકે. મહિલાઓની ભાગીદારી ઓછી કરવાની ચોક્કસ ટીકા થઈ શકે છે જેથી આવનારા સમયમાં કેટલાક નામો ઉમેરવામાં આવી શકે છે. મને લાગે છે કે મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને ભાજપ ચોક્કસ કંઈક કરશે."

બીબીસી ગુજરાતી

2024ની લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ કાર્યકારિણી કેવી છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2024ની ચૂંટણીને હજુ થોડોક સમય છે તો શું આગામી સમયમાં ભાજપ પોતાની કાર્યકારિણીમાં ફેરફાર કરશે?

આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે, "નિશ્ચિત રૂપે આ લોકસભા ચૂંટણી પહેલા અંતિમ ફેરફાર નહીં જ હોય. તેમાં હજી ઘણો સમય બાકી છે. તો ભાજપ એ પણ જોશે કે તેમાં મહિલાઓ ઓછી છે? ભાજપ એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખશે કે એ ફેરફારનો સમાજમાં શું સંદેશ જાય છે. તેને ધ્યાનમાં રાખીને જ ભાજપ ફેરફાર કરી શકે છે. તેમાં દલિત, આદિવાસી, ઓબીસીને પણ સામેલ કરી શકે છે."

ભાજપના મહામંત્રીપદ પર હજુ કયા લોકોને સામેલ કરાશે એ પણ મહત્ત્વપૂર્ણ રહેશે.

શું ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આવનારા દિવસોમાં ફેરફાર જોવા મળશે?

આ પ્રશ્નના જવાબમાં પ્રમોદ જોશી કહે છે, "ભાજપ ઝડપથી ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં આગામી દિવસોમાં કેટલાક નવા ચહેરા કાર્યકારિણીમાં સામેલ કરાઈ શકે છે. જ્યારે કેટલાક જૂના ચહેરાને પણ પાછા લાવવામાં આવી શકે છે."

રેડ લાઇન
રેડ લાઇન