અમદાવાદ : ચંડોળા તળાવ વિસ્તારના બાકીનાં મકાનો પણ તોડી પડાયાં, બેઘર થયેલા હજારો લોકોનું શું થઈ રહ્યું છે?

એક માતા પોતાના બાળકો સાથે પોતાનું ઘર તુટતા જોઇ રહ્યાં હતા.

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, એક માતા પોતાનાં બાળકો સાથે પોતાનું ઘર તૂટતા જોઈ રહ્યાં હતાં
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

આક્રોશ, ગુસ્સો અને લાચારી વચ્ચે રડતાં બાળકોની કાન પર પડતી ચીસો, ધડામ કરીને જમીનદોસ્ત થતાં મકાનો, ભર તડકે ખાખી યુનિફૉર્મમાં ઊભેલા પોલીસ જવાનો અને પોતાનાં મકાનોને પડતાં જોઈ રહેલા લોકો. આ દૃશ્યો ચંડોળા તળાવના બીજા રાઉન્ડની ડિમોલિશન ડ્રાઇવના છે, જે મંગળવારે વહેલી સવારથી ચાલી હતી.

લગભગ બે અઠવાડિયાં પહેલાં ચંડોળા તળાવના સિયાસત નગરના બંગાલી વાસથી શરૂ કરીને આ ડિમોલિશન, હવે લગભગ આખા વિસ્તારને દબાણમુક્ત કરી દેવામાં આવ્યો છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બીજા રાઉન્ડની આ પ્રક્રિયા દરમિયાન અનેક લોકો પોતાની ઘરવખરીને બચાવતા નજરે પડી રહ્યા હતા.

અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક, તેમજ બીજા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમની હાજરીમાં આ ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.

આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં મકાનો હતાં, જે તમામ મકાનો હાલમાં તોડી પડાયાં છે. જો કે ધર્મસ્થળોને હાલમાં બાકાત રાખવામાં આવ્યાં છે. ડિમોલિશન ડ્રાઇવ બે દિવસ સુધી ચાલવાની શક્યતા છે, જે બાદ તમામ દબાણો દૂર કરી દેવામાં આવશે.

ચંડોળા વિસ્તારમાંથી લોકોની અટકાયત કરાઈ હતી

મહિલા, અમદાવાદ, ચંડોળા તળાવ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

અમદાવાદના ઍડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે, "2022માં આ વિસ્તારથી અલ કાયદા સાથે સહાનુભૂતિ ધરાવતા ચાર લોકો પકડાયા હતા, આ ચાર લોકો સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા અને પહલગામ હુમલા બાદ આ પ્રકારના હુમલા દેશમાં વધી શકે તેવી શંકાથી તથાકથિત બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે એક મોટી ડ્રાઇવ કરીને ઘણા ગેરકાયદેસર નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી."

રાજ્યભરમાં આ પ્રકારની પ્રક્રિયા કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને પાટણ જેવાં શહેરોથી અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

જોકે હજી સુધી રાજ્યભરમાંથી આશરે 450 જેટલા લોકોની અટકાયત કરી તેમાંથી ઘણાને પાછા બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો હાલમાં એસઓજી અને સરદારનગર ખાતેના ડિટેન્શન સેન્ટરમાં છે.

ડિમોલિશન ડ્રાઇવ સમયની એક તસ્વીર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ડિમોલિશન ડ્રાઇવ સમયની એક તસ્વીર

બીબીસીએ સ્થળ પરની મુલાકાત કરીને ઘણા લોકો સાથે વાત કરી, તો તેમણે દાવો કર્યો કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ નહોતી આપવામાં આવી પણ મૌખિક ચેતવણીને આધારે ચાર દિવસ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમનાં મકાનો પણ બીજાં મકાનોની જેમ જ તોડી પાડવામાં આવશે, માટે તેમણે પોતાનો સામાન બહાર કાઢી લેવો.

બીબીસીએ જ્યારે મંગળવારે સવારે ચંડોળાની મુલાકાત લીધી તો છેલ્લી ઘડી સુધી લોકો પોતાના મકાનથી, જે કંઈ બચાવી શકે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ ઘરવખરીનો સામાન હોય, દરવાજા હોય, બાળકોનાં રમકડાં હોય, તૂટેલી સાઇકલ હોય કે પછી છત પરનાં પતરાં હોય, જે પણ કાઢી શકાય તેને કાઢવાની કોશિશમાં દરેક લોકો લાગેલા હતા, જ્યારે ઘણા લોકો બુલડોઝરની કામગીરીને જોઈ માત્ર રડી રહ્યા હતા.

ચંડોળા વિસ્તારના લોકોની કેવી હાલત છે?

ચંડોળા વિસ્તારમાં પોતાનું મકાન તૂટતાં જોઈ રહેલાં એક મહિલા

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ચંડોળા વિસ્તારમાં પોતાનું મકાન તૂટતાં જોઈ રહેલાં એક મહિલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બશીર અલ્લાઉદ્દીન નામના એક વૃદ્ધનું પણ એમાંના જ એક હતા.

1970ના દાયકાથી સતત મહેનત મજૂરી કરીને તેમણે તેમનું ઘર વસાવ્યું છે. તેમના કુટુંબમાં લગભગ 30 વ્યક્તિઓ છે જેમાં તેમના ભાઈના પરિવારો અને તેમનાં બહેનનો પરિવાર પણ સામેલ છે.

તેમની પાસે આશરે 50 ઘેટાં-બકરાં, મરઘાં વગેરે છે. આ તમામ સાથે ઘરવખરી લઈને હવે ચંડોળા તળાવના મેદાનમાં બેઠા છે.

"દિલમાં ખૂબ દર્દ છે, મને ખબર નથી પડી રહી કે હું શું કરું. કોઈ જ રસ્તો દેખાતો નથી. આ ઘેટાં-બકરાંને પોતાનાં બાળકોની જેમ પાળ્યાં છે, હવે તેમને વેચવા કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી."

તેમનાં પત્નીનાં આંસુ રોકાતાં નહોતાં.

તેમણે કહ્યું, "મારાં બાળકોની જેમ આ જાનવરોને પાળ્યાં છે, હવે તેમને લઈને હું ક્યાં જઈશ. કોઈ અમને મકાન ભાડે પણ નથી આપતાં."

પોતાના ઘરને તૂટતું જોઈને બશીરભાઈએ બીબીસીને કહ્યું, "કલ ચમન થા આજ એક ઢેર હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ, દેખનેવાલોંને દેખા હૈ ધુવાં, દેખા નહીં કિસીને મેરા દિલ જલતા હુઆ." આટલું કહીને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

તેમના ઘરની બાજુમાં જ બિસ્મિલ્લાહ બીબીનું મકાન છે. તેઓ એકલાં જ રહે છે. ચંડોળા વિસ્તારમા સાંજે પાપડ અને બટાકા વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.

તેઓ કહે છે કે, "કેવી રીતે જીવન વીતાવવું તે ખબર નથી પડતી. મને ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, આ તમામ વચ્ચે હું એકલી મહિલા હવે ક્યાં જઈશ, મને ખબર નથી."

ચંડોળા તળાવનો ઘેરાવ દાણીલીમડા, ઇસનપુર, શાહ-એ-આલમ જેવા વિસ્તારો સુધી ફેલાયેલો છે. આ વહાસતમાં કુલ કેટલાં મકાનો હશે તેનો કોઈ ચોક્કસ અંદાજ તો બાંધી નથી શકાતો, પરંતુ હજારોની સંખ્યામાં હશે તેવું ઘણા લોકોનું કહેવું છે.

આ તમામ લોકો હાલમાં તો ચંડોળા તળાવના મેદાનમાં નાની ઝૂંપડીઓ બાંધીને રહી રહ્યાં છે, ભાડેથી મકાન લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

અમુક લોકોનાં બે અઠવાડિયાં પહેલાં મકાન તૂટી ગયાં હતાં, તે લોકો હવે આસપાસના વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે.

અમદાવાદ પોલીસ અનુસાર, આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, જેમાં દેહવેપાર, ડ્રગનો વ્યવસાય, દારૂનો ધંધો, સટ્ટો-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે આ ડિમોલિશન પછી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને એક જાહેરાત કરી છે, તે સાડા સાત હજાર રૂપિયા ભરીને સરકારી આવાસ યોજનામાં વૈકલ્પિક વ્યવસ્થા મળી શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન